ગઝલ - કરે
ગઝલ - કરે
રોજ પંખી તરણાં વીણી ડાળ પર માળો કરે,
એમ આ મન, રોજ ઈચ્છાઓનો સરવાળો કરે,
યાદ છે તારી નઠારી, એને સમજાવી દે તું,
જો સમી સાંજે એ આવી કાંકરીચાળો કરે,
એક થોરે થોડા સપના સાચવી રાખ્યા હતા,
આવતું ચોમાસુ એને પીળો ગરમાળો કરે,
આજ પણ ઘા કાલનો તાજો રહ્યો છે, કેમકે
તુજ પ્રતિક્ષા જો ખણીને રોજ એ આળો કરે,
જોને ઈશ્વરને હ્રદય જેવું કશું છે કે નહીં ?
આશ ઠંડકની, ને એ બળબળતો ઉનાળો કરે.