મારો કૃષ્ણ
મારો કૃષ્ણ
નંદઘરનું આંગણું છોડી, મિત્રોસંગ દડો ખેલતો
રાધાની તે મટકી ફોડી, રાધાનું દિલ જીતનારો.
એવો રે ! મારો કૃષ્ણ.
ગોપીઓના દુઃખ હરવા, યમુનાતીરે વાંસળી બજાવતો
દ્રૌપદીના રક્ષાના બંધને, નવસો નવ્વાણું ચીર પૂરતો.
એવો રે ! મારો કૃષ્ણ.
અર્જુનનો તે સારથી રહીં, મહાભારતનું યુધ્ધ જીતનારો.
મહેલના મીઠા પકવાન છોડી, સુદામાના તાંદુલ ખાનારો.
એવો રે ! મારો કૃષ્ણ.
મીરાંબાઈની ભક્તિએ બંધાય, વિષ પ્યાલા પોતે પીનારો.
શામળદાસ બની, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારનારો.
એવો રે ! મારો કૃષ્ણ.
સંત બોડાણાની ભક્તિએ, દ્વારકા છોડી ડાકોર વસનારો.
સોના- ચાંદીને પૈસાથી નહીં, માત્ર તુલસીના પાને તોલાનારો.
એવો રે ! મારો કૃષ્ણ.