mariyam dhupli

Horror Crime Thriller

4.4  

mariyam dhupli

Horror Crime Thriller

આત્મસાત (ભાગ : ૧)

આત્મસાત (ભાગ : ૧)

6 mins
417


મનાલીનો ઠંડો પવન મારા ચહેરાને સ્પર્શી રહ્યો હતો. એકદમ તરોતાજો. જાણે કે પ્રકૃતિની ફેક્ટરીમાંથી નવો જ માલ મારી આગળ ધરી દેવામાં આવ્યો હતો. એવું ન હતું કે મારા શહેરમાં પ્રકૃતિ હાજર જ ન હતી. પરંતુ મારા શહેરમાં હાજર એ પ્રકૃતિમાં માનવીઓએ ઘણું બધું ભેળસેળ કરી મૂક્યું હતું. મને 'ઓરીજનલ' જોડે જ વધુ ફાવટ આવે. એટલે જ તો ધીમે ધીમે ધોળા રંગ તરફ ઢળી રહેલા મારા વાળને ડાઇ કરવા અંગે મેં કદી વિચાર કર્યો ન હતો. માનવીને ખબર નહીં કેમ જેવા હોય એવા જ રહેવામાં બહુ રસ નથી. તેથી જ એણે પ્રકૃતિને પણ પોતાની જેમ જેવી હોય એવી રહેવા દીધી નથી. પોતાના જીવન જેમ એની જોડે પણ વ્યર્થ છેડછાડ કરતા રહે છે. અને પછી પ્રદુષણ, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારેખમ શબ્દો પ્રયોજી રડતા રહે છે. જે જેવું હોય એ એવું જ રહે તો નવી નવી સમસ્યાઓ, તાણ, ચિંતા, સંઘર્ષ ઉદ્દભવે જ નહીં ને ? પણ ...

"યે લો સાબ, આ ગયે. "

ડ્રાઈવરે ગાડીને બ્રેક મારી અને હું ટેવ પ્રમાણે મારા વિચારોના વનમાંથી બહાર ડોકી રહ્યો. મનાલી હિલસ્ટેશનના એક શાંત ગામના એક અતિ શાંત ખૂણામાં આવેલું એક નાનકડું મકાન મારી આંખોને પ્રભાવિત કરી રહ્યું.

'પરફેક્ટ !'

મારી કલ્પનામાં આવું જ સ્થળ રંગાયું હતું. લોકોની વચ્ચે રહેવા છતાં લોકોથી અળગો રહી મારું કામ સહેલું થવાનું હતું. નહીંતર શહેરમાં પોતાના ફ્લેટમાં આપજનો, સામાજિક સંબંધો, તહેવારો, પડોશીઓની ભીડભાડ, ધમાલ, કચકચ વચ્ચે મારી કલમ અટવાઈ પડતી. જો કે એ જ ધાંધલ ધમાલ ભર્યા માહોલ વચ્ચેથી જ હું ચાર નવલકથાઓ, બે ટૂંકી વાર્તા સંગ્રહો અને ત્રણ કાવ્યસંગ્રહો હેમખેમ પ્રકાશિત કરી ચૂક્યો હતો. જેમાંથી બે નવલકથાઓ 'નેશનલ બેસ્ટ સેલર ' બની ચૂકી હતી. જયારે સફળતા તાજ બની માથે શોભે છે ત્યારે જવાબદારીની ભારે ટોકરી પણ બળજબરીએ માથે આવી બેસે છે. લોકોની, પ્રકાશકોની, વાચકોની અપેક્ષાઓ હવે બમણી થઇ ગઈ હતી. મારે એ બધીજ અપેક્ષાઓમાં ખરા ઉતરવાનું હતું. એ જ એકમાત્ર માર્ગ હતો. સફળતાને ટકાવી રાખવા માટે પણ અને સફળતાને એક ડગલું આગળ લઇ જવા માટે પણ.

આમ તો હું કોઈ હોટેલમાં પણ રોકાઈ શક્યો હોત. પરંતુ હોટેલના ખર્ચ અને આ મકાનના ભાડા વચ્ચે મોટો તફાવત હતો. હું આમ કંજૂસ તો ન જ હતો. પરંતુ હોટેલના એસીવાળા ઓરડાઓમાં મારો જીવ રૂંધાતો. શુટબૂટ પહેરી આગળ પાછળ ફરતા રહેતા યાંત્રિક માનવીઓ વચ્ચે મને જરાયે આરામદાયક અનુભૂતિ ન થતી. આટલા બધા પૈસા ખર્ચી મને ગોંધાયેલો, પૂરાયેલો સમય જીવવો ન હતો.

અચાનક મારા હાથ ધ્રૂજવા માંડ્યા. પગમાં કંપન શરૂ થયું. મારા શરીરમાં વ્યાપેલ ધ્રૂજારો અને કંપન ડ્રાઈવરની ખમાં કેદ ન થઇ શકે એ રીતે મેં સંપૂર્ણ આત્મવિશ્વાસ જોડે એને એક મીઠું સ્મિત આપ્યું.

"શુક્રિયા ! સામાન..."

"કોઈ બાત નહીં, સાબ. મેં સામાન રખ દેતા હું. આપ આરામસે મકાન દેખ લીજીયે. "

પર્સમાંથી નિયત કરી એકતરફ કરી રાખેલી રકમ જોડે થોડી વધુ રકમ ઉમેરી મેં બેકસીટ તરફથી આગળની સીટની દિશામાં વધારી. નોટ નિહાળતાં જ એ પહાડી, દેહાતી શરીરમાં ઉર્જાનું મોજું ફરી વળ્યું. આંખો હરખથી ચળકી ઉઠી. પૈસાને બન્ને આંખોનો વારાફરતી સ્પર્શ કરાવી એણે પોતાના અતિ સાધારણ શર્ટના ધોવાઈ ધોવાઈને ઢીલા થઇ ગયેલા ખિસ્સામાં સંભાળીને સચકી દીધા. ગાડીમાંથી ઝડપથી બહાર નીકળી એ પાછળની દિશામાં ડીકી તરફ આગળ વધ્યો. હું પણ ધીમે રહી ગાડીમાંથી બહાર નીકળી આવ્યો. મારા ફોર્મલ વસ્ત્રોમાં પહાડીની બરફ જેવી ઠંડી હવા મને ઠૂંઠવી રહી હતી. ઘરમાંથી નીકળતી વેળાએ પત્નીએ હાથમાં થમાવેલ ગરમ ઓવરકોટ મેં તરત જ શરીર પર ચઢાવી લીધો. ત્રીસ વર્ષનાં મારા શરીરને એમાં હુંફનું આલિંગન મળ્યું. ચશ્માને ચહેરા ઉપર વ્યવસ્થિત કરતો હું ધીરે ધીરે નજર આગળ ઉભા મકાન તરફ આગળ વધ્યો. પૃષ્ઠભૂમિમાં દેખાઈ રહેલી પર્વતમાળાએ જાણે મારી જેમ જ સફેદ રંગનો ઓવરકોટ પહેર્યો હતો. ઢળતી સાંજના સૂર્યની કિરણો ચશ્માના કાચમાં પ્રવેશી આછો ઝગમગાટ છોડી રહી હતી.

કેટલી શાંતિ ! મને શહેરના ધમધમતા ટ્રાફિક, ફેકટરીના કર્કશ અવાજો, અન્યની અંગત એકલતાની જરાયે લાજ ન જાળવતા શરમ વિનાના માઈક, લાઉડસ્પિકર, નફ્ફટ રીતે કાનના પડદાં વીંધી નાખતા હોર્ન ... બધું જ યાદ આવી ગયું. કાશ, આ શાંતિ હંમેશ માટે મળી જાય. પણ એ સ્વપ્ન સાકાર કરવા પહેલા મને મારું પુસ્તક પૂરું કરવાનું હતું. હજી શરૂ જ ક્યાં થયું હતું ? મારી પાસે એક મહિનાની સમયમર્યાદા હતી. નજર સામેનું મકાન એક મહિના માટે ભાડે રાખ્યું હતું. એ દરમ્યાન જો હું એક અન્ય 'નેશનલ બેસ્ટ સેલર ' લખી નાખું તો કદાચ અહીં પ્રકૃતિની ગોદમાં જ આજીવન વસી રહેવા પોતાનું એક સુંદર ઘર બનાવી શકું.

ડ્રાઈવર સામાન લઇ આગળ વધ્યો. એણે મકાનનું બારણું ખોલ્યું અને સામાન લઇ મકાનમાં પ્રવેશ્યો. હું પણ મારી સ્વપ્ન સૃષ્ટિમાંથી બહાર નીકળી એની પાછળ મકાનમાં પ્રવેશ્યો. સામાન એક તરફ વ્યવસ્થિત ગોઠવી એ મારી તરફ ફર્યો. બે હાથ જોડી આશાસભર દ્રષ્ટિએ બોલ્યો,

"સાબ, કુછભી ચાહિયે આપ મુજે કેહના. મેં યહાં કરીબમેં બાઝારકે પાસ હી રહેતા હું. મેરી બીવી ખાના દે જાયેગી. મેરી બેટી ઘરકી સાફસફાઈ કર લેગી. "

"લેકિન મેં તો સિર્ફ ..."

"હા, હા. પતા હે સાબ. આપ સિર્ફ સબઝી ખાતે હો. મકાનમાલકીનને બતાયા થા. આપ ફિક્ર મત કરો. દાલસબઝી હી મિલેગી. "

મેં મનોમન ઊંડો હાશકારો ભર્યો. ફોન પર થયેલી વાતચીત અનુસાર મારા માટે યથાયોગ્ય સગવડ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સાચું કહું તો ધારણા કરતા સ્થળ અને માનવીઓ વધુ રમણ્ય હતા.

ખિસ્સામાં મારો મોબાઈલ રણક્યો. મારી પત્ની અનન્યાનો કૉલ હતો.

"ઠીક હે સાબ, મેં ચલતા હું. શામકા ખાના મેરી બીવી લે આયેગી."

મોબાઈલ ઉઠાવતા મેં હામીમાં ગરદન હલાવી. કૉલ ઉઠાવ્યો અને સામેથી હરહંમેશ જેમ પ્રશ્નોનો વરસાદ વરસ્યો.

"પહોંચી ગયા ? જમી લીધું ? રસ્તામાં કોઈ સમસ્યા તો ન થઇ ? બૅગ ખોલી ? બધો સામાન વ્યવસ્થિત મળ્યો ? કશું પાછળ છૂટી તો નથી ગયું ? દવાનો ડબ્બો મળ્યો ? દવા પીધી ? ..."

હું દર વખત જેમ જ અકળાયો. હું ખૂબ જ થાકેલો હતો.

"અનન્યા, પછી કૉલ કરીશ. આમ ગોઈંગ ટુ ટેક માય બાથ."

મેં ટૂંકમાં ટેવગત કૉલ કાપી નાખ્યો. ન લાંબી લાંબી વાતો મને ગમતી, ન નાના બાળક જેમ કોઈ મારી જોડે વ્યવહાર કરે એ સહેવાતું. કૉલ કાપી હું પાછળ ફર્યો. મારું હૈયું ધ્રૂજી ઉઠ્યું. હું ચોંક્યો. ડ્રાઈવર શ્યામ હજી મારી પાછળ શાંત ઉભો હતો. મારા ચોંકેલા પ્રત્યાઘાતના પ્રતિભાવમાં એ અત્યંત મંદ સ્વરમાં બોલ્યો,

"સાબ, બુરા ન માનો તો એક બાત પૂછું ? " એની કાળી, ગંભીર આંખોમાં એક વિચિત્ર પ્રકારનો ભય હતો.

"આપ જાનતે હે ના ઇસ મકાનકે બારેમે ? ફિરભી યહાં રહેને આયે ? "

એના કપાળ ઉપરની ચુસ્ત થયેલી કરચલીઓ કોઈ મહત્વની રહસ્યાત્મક માહિતીના એંધાણ આપી રહી હતી.

મેં સ્પષ્ટીકરણ કરતા જવાબમાં અન્ય પ્રશ્ન પૂછ્યો, "મુજે ક્યા પતા હોના ચાહિયે ? "

એની આંખોની વિહ્વળ કીકીઓએ મકાનની ભીંતોનો એક ઉતાવળો ચક્કર કાપ્યો. "દો સાલસે યે મકાન બંધ હે. "

"ક્યોં ?"

મેં વાતમાં થોડો રસ દાખવ્યો. મને એ વિષય અંગે કશી માહિતી ન હતી એ જાણી એના ચહેરાના હાવભાવો નાટકીય રીતે બદલાયા.

"આપ કો સચ મેં નહીં પતા ? "

હવે મારી અધીરાઈ ઘેરાવા લાગી. મારા ચહેરાની રેખાઓ ઉપરથી એને અંદાજ આવી ગયો કે હું કશું જાણતો ન હતો. એટલે જ કદાચ મારા ઉત્તરની રાહ જોયા વિનાજ એણે દબાયેલા સ્વરમાં વાત આગળ વધારી.

"દો સાલ પહેલે ઇસ મકાનમેં હત્યા હુઈ થી. મકાનકે માલીકકી. ખાનેમેં ઝહેર દિયા ગયા થા. પુલિસને નોકરકો પકડ લિયા. ઉસને ખુદ ગુનાહ કુબૂલ કર લિયા. તબસે યહાં કોઈ નહીં રહેતા. ગાઁવવાલે કહેતે હે આજ ભી યહાં માલીકકી આત્મા રહેતી હે. દો સાલ બાદ આપ પહેલે ઇન્સાન હે જો યહાં રહેને આયે હો. "

મને સતર્ક રહેવાનો ઈશારો કરવા જાણે કોઈ લાંબી નવલકથા માઈક્રોફિક્શનના સ્વરૂપમાં મારી આગળ સંક્ષિપ્તમાં રજૂ કરી એ શીઘ્ર બહાર નીકળી ગયો. એક નજર ખૂણામાં ગોઠવાયેલા મારા સામાન પર જઈ મારી આંખોએ આખા મકાનનો એક ઝડપી ચક્કર કાપી નાખ્યો. દૂર ક્ષિતિજમાં સૂર્ય ઢળી ચૂક્યો હતો. ઘેરાઈ આવેલા અંધકારમાં મારા મનમાં ડરામણા ભાવો આક્રમણ કરે એ પહેલાં મેં મકાનની વીજળીની મુખ્ય સ્વિચ ઓન કરી નાખી.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Horror