Raman V Desai

Classics Crime

0  

Raman V Desai

Classics Crime

બંસરીનું ખૂન-૨૭

બંસરીનું ખૂન-૨૭

6 mins
508


મારા લગ્નને બીજે જ દિવસે જ્યોતીન્દ્રે મને જમવા બોલાવ્યો. મને, બંસરીને તથા કુંજલતાને તેણે આમંત્રણ આપ્યું. પરંતુ કુંજલતા અમારી સાથે આવી નહિ. એ રમતિયાળ, વહાલસોઈ છોકરી એકદમ ગંભીર બની ગઈ હતી, અને તેની આંખો જ્યારે ત્યારે કાંઈ ઊંડું નિહાળતી હોય એવો મને ભાસ થયા કરતો.

વ્રજમંગળા આગ્રહ કરી અમને જમાડતાં હતાં. જ્યોતીન્દ્રે વચમાં કહ્યું :

‘આ મારા ખૂનીને તારે ભૂખ્યો રાખવો છે ?'

‘શું અમસ્તા બોલ્યા કરો છો ?’ માતૃત્વભર્યા સ્વરે વ્રજમંગળા જરા સંકોચાઈને બોલ્યાં.

'હું અમસ્તો બોલું છું ? જો, સુરેશ ! થોડા દિવસ ગુમ થયો તેમાં આાણે પણ તને મારો ખૂની જ બનાવી દીધો. અહાહા ! તારે માથે આવેલા ખૂનોમાંથી એકાદ પણ ખૂન તે કર્યું હોત તો હું તને દેવીની માફક પૂજત ! આ તો તારાથી બન્યું કશું જ નહિ અને આખો સમુદ્ર તે ઉલેચાવ્યો !’ જ્યોતીન્દ્રે કહ્યું. લગ્નના ઉત્સાહમાંથી હું મારા ભયંકર ભૂતકાળમાં ખેંચાયો. મેં જરા રહી તેને પૂછ્યું :

‘જ્યોતીન્દ્ર ! બંસરીની શોધમાં થયેલા અનુભવો તું નોંધી રાખે તો કેવું ?'

‘હું તો મારા દરેક ગુનાની શોધખોળ નોંધી રાખું છું.' તેણે કહ્યું.

‘મને તે ન બતાવે ?’

‘મારી બધી નોંધ જોઈને શું કરીશ ? હમણાં તારો જ ઇતિહાસ તપાસ.'

'મને બતાવ ત્યારે.'

‘આજની રાત અહીં રહે તો મારી નોંધ બતાવું.’

'કારણ ?'

'એ નોંધ હું કોઈને જ ધીરતો નથી.’

‘કબૂલ.’

જમી રહ્યા બાદ તેણે કબાટ ખોલ્યું, અને એક સુંદર ચામડાના પૂંઠાની ખિસ્સામાં સમાઈ જાય એવડી નોંધપોથી કાઢી મારા હાથમાં મૂકી. મેં તે વાંચવા માંડી. એમાં શું લખેલું હતું તે જાણવાની બંસરીએ તેમ જ વ્રજમંગળાએ પણ ઇચ્છા દર્શાવી. મેં બધાં સાંભળે એવી રીતે વાંચવાનું શરૂ કર્યું. જ્યોતીન્દ્ર દૂર બારી પાસે આરામખુરશી ઘસડી ગયો અને લાંબા પગ કરી, આંખો મીચી તેના ઉપર સૂઈ ગયો. સુંદર-છેકછાક વગરના ઝીણા અક્ષરે તેમાં નીચે પ્રમાણે હકીકત લખી હતી :

‘કર્મયોગી ! મેં એ નામ સાંભળ્યું ત્યારથી એને જોવાની મને ઇચ્છા થઈ. યોગીઓ સંસારમાં પ્રવેશ કરે નહિ, અને કરે તો શંકરાચાર્યની માફક સંસારને પલટી નાખે. મેં કર્મયોગીનાં દર્શન કર્યા. મને લાગ્યું કે તે યોગી નહિ પણ કોઈ વિલાસી પામર મનુષ્ય છે. યોગીનો વેશ પણ પોતાનું આકર્ષણ વધારવા માટે ધારણ કર્યો હોય એમ લાગતું હતું તે વાચાળ, બહુશ્રુત, હસમુખો અને આંજી નાખે એવો અસાધારણ મનુષ્ય તો હતો જ; તથાપિ તેની વૃત્તિઓ અંતરાત્મા તરફ વળવા કરતાં બહાર વધારે દોડતી હતી.

"આવા યોગીનો વેશ ધારણ કરતા પુરુષોમાં સ્ત્રીઓને આકર્ષવાની કોઈ ગૂઢ શક્તિ રહેલી હોય છે. sex appeal - વિજાતીય આકર્ષણનો સિદ્ધાંત એવા પ્રસંગોમાં બરાબર કાર્ય કરતો જણાઈ આવે છે. થોડી મુદતમાં તેને પ્રાપ્ત થયેલી પ્રખ્યાતિ, તેનું ભારે શિષ્યમંડળ અને એ મંડળમાં સ્ત્રીઓની થતી ભરતી : એ બધાં કારણોને લઈને આ કર્મયોગીનો બારીકીથી તપાસ મેં ક્યારનો શરૂ કર્યો હતો."

“તેનો શહેરમાં મઠ હતો; અને શહેર બહાર ધ્યાનમંદિરના નામે તેના શિષ્યોમાં ઓળખાતો એક સુંદર બંગલો હતો. એક વખત તેનો મઠ મેં જોઈ લીધો, પરંતુ જેવી સહેલાઈથી હું મઠ જોઈ શક્યો તેવી સહેલાઈથી હું ધ્યાનમંદિર જોઈ શક્યો નહિ. ધ્યાનમંદિરમાં કર્મયોગીની પરવાનગી સિવાય કોઈથી પ્રવેશ થઈ શકતો નહિ. તેના બે પ્રકારના શિષ્યોમાંથી ‘ગૂઢમંડળ’ના સભ્યો જ એ બંગલામાં જવાની હિંમત કરી શકતા."

"છતાં મેં એ સ્થળમાં પ્રવેશ કરવા માટે મારો બનતો પ્રયત્ન કરી જોયો. એવા એક પ્રસંગે મેં કુંજલતાને અને બંસરીને એ બંગલામાં જતાં જોયાં. હું જરા ચમક્યો. કર્મયોગીની અસર આટલે સુધી કેમ આવી તેનો મને વિચાર આવ્યો. એ જ દિવસે તેના એક શિષ્યને મેં કેટલીક વાત પૂછી. તેણે કહ્યું કે ઉચ્ચ કોટિના અધિકારવાળાં સ્ત્રીપુરુષોને ઊંચી ક્રિયાઓનું જ્ઞાન એ ધ્યાનમંદિરમાં અપાય છે."

"કર્મયોગીની આંખ ઉપરથી મને એટલી તો ખાતરી થઈ કે તેને હિપ્નોટિઝમ - સંકલ્પ બળના પ્રયોગો કરવાની ટેવ હોવી જોઈએ. યુવાન સ્ત્રીપુરુષો હિપ્નોટિઝમના મોહમાં જલદી પડી જાય છે, અને તેને ધાર્મિક સ્વરૂપ આપવાથી હિપ્નોટિઝમ શીખવનાર પ્રત્યે પ્રથમ પૂજ્યભાવ ઉત્પન્ન થઈ છેવટે શીખનાર સ્ત્રીપુરુષો શીખવનારને આધીન બની જાય છે. સંસ્કારી, સહૃદય, કેળવાયેલા વર્ગો ઉપર તેની જલદી અસર થાય છે."

"કુંજલતા અને બંસરી એ હિપ્નોટિઝમના પ્રયોગો કરવાની શરૂઆત કરતાં હતાં એવી મારી ખાતરી થઈ. એ પ્રયોગો કરવાની બંસરીને ખાસ ઈચ્છા થાય એ સ્વાભાવિક હતું. વશીકરણથી પુરુષને વશ કરી લેવાની સ્ત્રીની ઇચ્છા અનાદિ કાળથી ચાલી આવે છે. અલબત્ત, સ્ત્રીઓનું માનસ અને તેમનું દેહસૌન્દર્ય એવા વશીકરણની જરૂરતને ટાળી દે છે, છતાં વશીકરણનો લોભ સ્ત્રીહૃદયમાં અમર રહેશે એમ લાગે છે. સુરેશ કેટલાંક કારણોથી લગ્ન આગળ લંબાવ્યા કરતો હતો. વર્ષો સુધી બંસરીએ રાહ જોઈ, છતાં સુરેશની સ્થિતિ વધારે વિચિત્ર થતી ચાલી એટલે સ્વાભાવિક રીતે તે લગનની જવાબદારી આગળ ધકેલતો હતો. બંસરીથી તે સહન ન થાય અને હિપ્નોટિઝમના પ્રયોગોની સહાય લઈ સુરેશને જલદી વશ કરી લેવાની તેને ઇચ્છા થાય, તો તેમાં નવાઈ નહોતી."

"કુંજલતા એ કર્મયોગીની પ્રથમ શિષ્યા હતી, અને તેને લીધે જ બંસરીને કર્મયોગીનો પરિચય થયો હતો. કૉલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ માનસિક શક્તિઓ વિષે કર્મયોગીએ એક અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું, ત્યારથી વિદ્યાર્થીવર્ગમાં તેને માટે અતિશય પૂજ્યભાવ ઉત્પન્ન થયો હતો. ઘણા શિષ્યોને કર્મયોગી યોગસાધના શીખવતો હતો."

“પરંતુ કર્મયોગીની સંયમી દેખાતી આંખમાં વિરાગ મેં કદી ભાળ્યો નહિ. શિષ્યાઓ તરફનો તેનો પક્ષપાત મને તરત સમજાઈ ગયો અને મેં જ્યારથી કુંજલતા અને બંસરીને ત્યાં જોયાં. ત્યારથી મેં તેની હીલચાલ ઉપર પૂરી દેખરેખ રાખી દીધી."

"મેં નહિ ધારેલું કે કર્મયોગીની યોજનાઓ આટલી ઝડપથી અને આટલી સાવચેતીથી અમલમાં મુકાશે. બંસરી એની યોજનાનો ભોગ બનશે એમ કદી કોઈ ધારે જ નહિ. છતાં મને એટલું તો લાગેલું કે સુરેશના મિત્ર સુધાકરને અને કર્મયોગીને કાંઈ ગાઢ સંબંધ છે. હું સુરેશને પૂછવાનું કરતો હતો. તેના જૂના મિત્રોમાં આવો કોઈ યોગસાધનામાં પડેલો મિત્ર હોવાનું મારા જાણવામાં નહોતું; માત્ર તેનો એક વૈજ્ઞાનિક મિત્ર માનસિક શક્તિઓ અને ભૌતિક શક્તિઓ સંબંધી માથાફોડ કરતો હતો. એટલું મારા જાણમાં સુરેશના કહેવાથી આવ્યું હતું. એ મિત્રો લડીને છૂટા પડ્યા હતા એટલું જ નહિ પણ સુરેશને મુશ્કેલીમાં મૂકવા તેમણે એકબે વખત પ્રયત્ન પણ કર્યો હતો. બંસરી અને સુરેશ વિષે આટલું પ્રાથમિક જ્ઞાન મને સહજ હોય જ."

"એકાએક તારીખ.... ... ની પાછલી રાતે કમિશનર સાહેબે મને ટેલિફોન ઉપર બોલાવ્યો અને જણાવ્યું કે બંસરીનું ખૂન થયું છે. એ ખૂન સુરેશે કર્યું છે એવો પણ શક જાય છે એવી હકીકત તેમણે મને કહી, અને સવારે જલદી મળવા જણાવ્યું."

"મેં તત્કાળ વિચાર કર્યો. ખૂનનાં કારણો કયાં હશે ? સુરેશ શા માટે ખૂન કરે ? તેને જો એમ લાગે કે બંસરી બીજાની સાથે ચોક્કસ સ્નેહમાં છે અગર બીજાની સાથે તેનાં લગ્ન થવાનાં છે તો તે ખૂન કરવા પ્રેરાય. પરંતુ તેવું કાંઈ હતું નહિ. મેં તત્કાળ પૂછ્યું કે બંસરીના શબ ઉપર પહેરો રખાવ્યો છે ? ત્યારે મને ખબર મળી કે શબનો પત્તો નથી પરંતુ ખૂન થયાનાં પૂરતાં ચિહ્નો છે."

"સુરેશને હું સારી રીતે ઓળખું છું. તે મારા ભાઈ સરખો મારો મિત્ર છે. એનામાં ખૂનીના ગુણ નથી એટલી તો હું ખાતરી રાખું જ. છતાં હું જે કહું તે મારે પુરવાર કરવું જોઈએ. એથી હું કાંઈ બોલ્યો નહિ. મને એકાએક એમ લાગ્યું કે શબનો પત્તો નથી ત્યારે એમાં કાંઈ ભેદ હોવો જોઈએ. સુરેશને ઘેર રાત્રે તપાસ કરાવી ત્યારે તેના માણસે જણાવ્યું કે તે તો આખી રાત ઘરની બહાર નીકળ્યો જ નથી."

"સુરેશે ખૂન નથી કર્યું એમ માની લઈ હું વિચારમાં આગળ વધ્યો. મને કર્મયોગી અને તેના યોગપ્રયોગો ધ્યાનમાં આવ્યા."

"હિપ્નોટિઝમ-પ્રાણવિનિમયની વિદ્યામાં Mediums મધ્યવર્તી સાધનોની ઘણી જરૂર પડે છે, અને ખાસ કરીને સ્ત્રીઓ તેમાં તેમના સ્વભાવને લઈને બહુ અનુકૂળ સાધન નીવડે છે, એમ હું જાણું છું. મને એમ લાગ્યું કે બંસરીને આવા મિડિયમ તરીકે ઉપયોગમાં લેવા કર્મયોગીએ ગુમ તો નહિ કરી હોય ?"

“સુરેશને બંસરીના ખૂનની ખબર પડશે એટલે તરત જ મારી પાસે

આવશે એવી મને ખાતરી હતી. સવાર પડતાં તો કમિશનર તરફથી વારંવાર મને બોલાવવા માટે ટેલિફોનમાં કહેણ આવવા લાગ્યાં. સુરેશને મળતાં પહેલાં મારે ન જવું એવો મેં નિશ્ચય કર્યો હતો. એટલે મોજો સંધાવવાને બહાને હું બેસી રહ્યો."

“એટલામાં સુરેશ આવ્યો. તેનાં મુખ ઉપરથી જ મને ખબર પડી કે તે તદ્દન નિર્દોષ છે. મેં તેને મારી સાથે લીધો."


Rate this content
Log in

Similar gujarati story from Classics