N.k. Trivedi

Romance Inspirational

4  

N.k. Trivedi

Romance Inspirational

ડો. ઉદય..ને ડો.નેહા

ડો. ઉદય..ને ડો.નેહા

5 mins
379


અમદાવાદ એરપોર્ટ ઉપર ધીમે ધીમે અમદાવાદ, મુંબઈની ફ્લાઈટ રનવે તરફ જઈ રહી હતી. એરહોસ્ટેસ પેસેન્જરોને વિવિધ સૂચનાઓ આપી રહી હતી. ફ્લાઈટ રનવે ઉપર થોડી અટકી પછી ધીમે ધીમે ગતિ પકડી રહી હતી, હવે ફ્લાઈટનો વેગ અંતિમ ચરણમાં હતો અને ફ્લાઈટે જેવી ટેક ઓફ કર્યું કે એક યુવતીની ચીસ સંભળાણી, સાથે સાથે એર હોસ્ટેસે કહ્યું ડોક્ટર ઉદય જલ્દી આવો એક પેસેન્જર યુવતીને તકલીફ થઈ છે. ઉદયે જોયું તો ચીસ પાડીને અર્ધ બેભાન થઈ જનાર યુવતી નેહા તેની હાઈસ્કૂલની કલાસમેટ અને એક વખતની પ્રેમિકા હતી.

ડો. ઉદયે ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ માપ્યુ તે બરોબર હતું. પલ્સ પણ નોર્મલ હતી. ફ્લાઈટ ટેક ઓફના ભયથી ડરી ગઈ હતી. ઉદયને યાદ આવ્યુ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઉદયે આકાશમાં ઊડતા એરોપ્લેન જોઈને નેહાને કહ્યું હતું નેહા આકાશમાં ઊડતા એરોપ્લેનમાંથી પ્રકૃતિનું નિરીક્ષણ કરવાની કેવી મજા આવતી હશે મને પ્લેનમાં બેસી ઊડવું બહુ ગમે. ત્યારે નેહા એ કહ્યું હતું મને તો બહુ બીક લાગે ખાસ કરીને ટેક ઓફ સમયે, આ વાત ઉદયને યાદ આવી ગઈ અને પરિસ્થિતિ સમજી ગયો તેણે એર હોસ્ટેસ પાસે પાણી મંગાવ્યું નેહાના મુખ ઉપર ત્રણ--ચાર છાલક મારી, નેહામાં સળવળાટ દેખાયો એટલે પોતાની સીટ ઉપર જઈ બેસી ગયો.

"મેડમ કેમ છે, હવે ? એ તો સારું થયું કે ડો. ઉદય ફ્લાઈટમાં હતા તેણે ટ્રીટમેન્ટ આપી બાકી અમે તો ગભરાય ગયા હતા". નેહા વિચારતી હતી કે કોણ છે એ ડો. ઉદય, મારી સાથે મારી સ્કુલનો કલાસમેટ તો નહીં હોયને, વિચારમાં અને વિચારમાં મુંબઈ એર પોર્ટ ઉપર ફ્લાઈટે ક્યારે લેન્ડ કર્યું ખબર ન પડી.

બહાર નીકળતા નેહા અને ઉદય સામ સામે થઈ ગયા, આંખો મળી, ઊભા રહ્યા, બે ક્ષણના અંતરાલ પછી નેહાએ પૂછ્યું "તો આપ ડો. ઉદય છો, જેમણે ફ્લાઈટમાં મારી ટ્રીટમેન્ટ કરી હતી". "તમારી વાત સાચી છે અને તમને તેનો વાંધો પણ નહીં હોય"...."વાંધો તો ન જ હોય, પણ તું આમ, આવી રીતે મળી જઈશ એવી કલ્પના નહોતી". થોડીક આડીઅવળી વાતો કરી હાય હલ્લો કરી એક બીજાના નંબર લઈ છૂટા પડ્યા....એક બીજા. મોબ.થી જોડાઈ રહેવાની વાત સાથે.

ઉદય અને નેહા હાઈસ્કૂલનાં અભ્યાસમાં કલાસમેટ હતા, બંને વચ્ચે ટ્યુનિંગ સારું હતું અને એક બીજાને પસંદ કરતાં હતાં, માનોને પ્રેમી પંખીડા હતા અને સ્કૂલમાં બધાને ખબર હતી. નેહા અમીર પિતાની દીકરી હતી પણ રહનસહનમાં ક્યાંય અમીરી દેખાડતી નહોતી બધા સાથે ભળી જતી. જ્યારે ઉદય પણ ખાધે પીધે સુખી કુટુંબમાંથી આવતો હતો. બંનેના ઘરનાને ઉદય, નેહાના વચ્ચેના પ્રેમની ખબર હતી અને સંબંધ સ્વીકાર્ય પણ હતો.

"ઉદય, તારો આગળ શું બનવાનો વિચાર છે ? હું તો એમ ડી પેથ કરીને શહેરમાં લેબ શરૂ કરવાની છું", "હું પણ ડોક્ટર બની ગામડામાં હોસ્પિટલ શરૂ કરવાનો છું. મને ખબર છે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સેવાની બહુ જરૂર છે. લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે". "જો, ઉદય મારો વિચાર છે કે તું ડોક્ટર બની શહેરમાં હોસ્પિટલ શરૂ કર અને હું લેબ શરૂ કરું. આપણે સાથે સાથે રહી આપણી જિંદગી શરૂ કરી એ એવી મારી ઈચ્છા છે". "નેહા તારો વિચાર યોગ્ય છે. આપણે ગામડામાં પણ હોસ્પિટલ અને લેબ શરૂ કરી શકીએ એટલે ગ્રામ્ય વિસ્તારને બંને સેવાનો લાભ મળે". નેહા, ઉદય સાથે સહમત ન થઈ અને બંને અલગ લાઈનમાં અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયા હતા. ઉદયે ડોક્ટર બની નાના ગામમાં હોસ્પિટલ શરૂ કરી. ઉદયનો સાલસ સ્વભાવ, દર્દી પ્રત્યેની નિષ્ઠા અને ખૂબ ઓછી સૌ ને પોસાય એવી ફી હતી એટલે થોડા સમયમાં ડોક્ટર ઉદયે આજુબાજુના ગામડામાં પણ પ્રખ્યાત થઈ લોકોમાં ખૂબ જ ચાહના મેળવી લીધી હતી. તો નેહાની પણ લેબ શહેરમાં ખૂબ સારી ખ્યાતિ ધરાવતી હતી. બંનેની ઘણા સમય પછી આજે એર પોર્ટ ઉપર મુલાકાત થઈ. બંને ખૂબજ સહજતા થઈ મળ્યા હતા.

ઉદયના મોબ. માં રિંગ વાગી જોયું તો નેહાનો ફોન હતો, "હલ્લો, કેમ છે નેહા" ? "મજામાં", "બોલ શુ કામ છે" ? "તું મને મળવા આવી શકે" ? "મને પણ મળવાની બહુ ઈચ્છા છે, પણ દર્દીઓ ઘણા છે દૂર દૂરથી આવેલા પણ છે તેને છોડી નહીં આવી શકું. તું રવિવારે આવી શકે તો આવ મારે તારી સાથે ઘણી વાત કરવી છે. ભલે આ રવિવારે આપણે મળશું".

"કેમ ચાલે છે તારી હોસ્પિટલ" ?. "બહુ સરસ ચાલે છે. હું આર્થિક લાભના બદલે સેવાભાવથી હોસ્પિટલ ચલાવું છું. લોકોની ખુશીમાં હું મારી ખુશી શોધી લઉ છું. તારી લેબ કેમ ચાલે છે" ?. "સારી ચાલે છે અને લોકોની પ્રથમ પસંદગીમાં આવે છે" "તે, લગ્ન કર્યા" ? "આ સવાલ હું તને પૂછું તો શું જવાબ છે" ?. "ઉદય, મે લગ્ન નથી કર્યા". "કેમ ન કર્યા" ?. "કારણ કે મને ક્યાંય ઉદય ન મળ્યો એટલે". "પણ તે શું કામ ન કર્યા" ?. "મારી સામે બેઠી છે એવી સલૂણી, સુંદર નાક નકક્ષાવાળી, તન્વી શ્યામા, હિરણી જેવી આંખો વાળી કન્યા ન મળી એટલે". નેહાએ શરમાઈને આંખો ઝૂકાવી પોતાની મૂક સંમતિ આપી દીધી. ઉદય પણ ખુશ થયો.

નેહાએ, ઉદયની હોસ્પિટલ અને ગામ જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ઉદયે સંમતિ આપી....પ્રોગ્રામ નક્કી થયો.

આ રવિવારે મારા ખાસ મહેમાન આવવાના છે. સારી રીતે સ્વાગત કરવાનું છે. ઉદયે, તેના સ્ટાફને વાત જણાવી અને વાત ગામમાં ફેલાઈ ગઈ કે ડોક્ટર ઉદય સાહેબના ખાસ મહેમાન આવવાના છે. ગામના લોકો તૈયારીમાં લાગી ગયા.

નેહાની કાર ગામના ઝાંપે પહોંચી અને જોયું તો રસ્તાની બંને સાઈડમાં લોકો લાઈનમાં શિસ્તબદ્ધ હાથમાં ફૂલ લઈ ઊભા હતા ને ફૂલ વરસાવી નેહાના આગમનનું અભિવાદન કરતા હતા. નેહા લોકોનું અભિવાદન હાથ હલાવી સ્વીકારતી સ્વીકારતી હોસ્પિટલ પહોંચી તો ત્યાં પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નેહા ખૂબ જ ભાવવિભોર થઈ ગઈ અને વિચારવા લાગી કે જો ગામ લોકો ડો.ઉદયના ખાસ મહેમાનને આટલું માન સન્માન આપતા હોય તો ડો. ઉદયની પત્નીને તો અઢળક માન સન્માન અને પ્રતિષ્ઠા મળે.

"નેહા, ક્યાં ખોવાઈ ગઈ" ?. ઉદયે પુષ્પગુચ્છ આપી નેહાને આવકારી. "ઉદય, મારી ગામડા વિશેની માન્યતા આજે ભાંગીને ભૂકો થઈ ગઈ. આજે મને તારો ગામડામાં હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર યોગ્ય લાગે છે. તું જો સાથ આપે તો હું શહેરની લેબ બંધ કરી અહીં લેબ શરૂ કરવા માગું છું".

"નેહા, મને ખબર હતી, કે મારી નેહા...મારી નેહા કહું તો વાંધો નથીને...એક દિવસ જરૂર મને અને મારા વિચારને સમજશે એટલે મેં તારી રાહ જોઈ લગ્ન ન કર્યા. તો આપણો નિર્ણય ગામ લોકોને જણાવી દેશું". "ચોક્કસ મને મારો ઉદય જો સદાને માટે મળતો હોય તો હું શુભ કામમાં વિલંબ શું કામ કરૂં".

મને અહીં ડોક્ટર નેહાને આવકારવા માટે એકત્રિત થયેલ ગામનાં લોકોને જણાવતા આનંદ થાય છે કે મિસ. નેહા...હવે પછી શ્રીમતી નેહા ઉદય આપણા જ ગામમાં સર્વ સાધન સંપન્ન અદ્યતન લેબ શરૂ કરવાના છે અને મારી જીવનસંગીની બનવાના છે. 

ગામના લોકોએ ડો. ઉદયના નિર્ણયને જય ઘોષ સાથે સ્વીકારી બંનેના...ડો.ઉદય અને ડો. નેહાના મિલનને સમારંભમાં ફેરવી નાખ્યો. નેહા ગદગદ થઈ ગઈ અને બોલી આજે હું, મને યોગ્ય માનમરતબો મળ્યાનો આનંદ અનુભવી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance