Varsha Bhatt

Inspirational

4.2  

Varsha Bhatt

Inspirational

ડોક્ટર એ જ ભગવાન

ડોક્ટર એ જ ભગવાન

2 mins
316


સોરઠની લીલુડી ધરતી મનમોહક લાગતી હતી. છેવાડાનાં દેલવાડા ગામમાં શામજીભાઈ રહેતાં હતાં. શામજીભાઈ ગામનાં સરપંચ હતાં. ગામનાં વિકાસ માટે તેઓ હરહંમેશ તૈયાર રહેતાં હતાં. ગામમાં કોઈ દવાખાનું ન હતું, તો ગામનાં લોકોને દૂર તાલુકાએ જવું પડતું. આ જોઈ શામજીભાઈએ નક્કી કર્યું કે હું મારાં દીકરાને ડોક્ટર બનાવીશ. 

 બસ, શામજીભાઈએ પોતાનાં દીકરા અજયને શહેરની મેડિકલ કોલેજમાં ભણવા મૂક્યો. આજ કોલેજમાં લંડનથી એલન પણ આયુર્વેદીક ચિકિત્સા વિજ્ઞાન ભણવા આવી હતી. અજય અને એલન વચ્ચે દોસ્તી થઈ અને એકવાર અજય એલનને ગામડે લઈ ગયો. શામજીભાઈ અજય સાથે એલનને જોઈ થોડીવાર ચિંતામાં પડી ગયાં. અજય હવે ડોક્ટર થયા પછી મારું સપનું પૂરું કરવાને બદલે આ ગોરી એલન સાથે વિદેશ જતો રહેશે તો ? શામજીભાઈની ધારણાં ખોટી પડી. એલનને ભારતીય સંસ્કૃતિ અને તેની પરંપરા પ્રત્યે માન હતું. તે વિદેશી હોવાં છતાં ભારતમાં રહીને જ ગરીબોની સેવા કરવાં માંગતી હતી. આ વાત જ્યારે શામજીભાઈએ જાણી તો તેઓ ખુશ થયાં. 

 આષાઢી બીજનાં દિવસે નાનાં એવાં ગામમાં અજયે અને એલને સાથે મળીને દવાખાનું ખોલ્યું. ગરીબ લોકો પાસેથી એકપણ પૈસો લીધા વગર, રાત દિવસ જોયાં વગર અજય અને એલન લોકોની સેવા કરતાં હતાં. ગામમાં શામજીભાઈ, અજય અને એલનની વાહ, વાહ થતી હતી. 

સમય જતાં એલનની સેવા અને તેની નમ્રતા જોઈ શામજીભાઈએ અજય અને એલનના લગ્ન પણ કરી દીધાં. તે દિવસે તેમણે હરખથી પૂરા ગામને જમાડ્યા હતા.

 હવે તો અજય અને એલનની સેવાની વાતો આજુબાજુનાં ગામોમાં પણ થવાં લાગી. ગરીબ લોકો કે જે પોતાનાં ઘરનું ગુજરાન માંડ ચલાવતાં હોય તેનાં માટે અજય અને એલન ભગવાન બની ગયાં હતાં. ગામની સ્ત્રીઓને પણ હવે પ્રસુતિ એલન જ કરાવતી હતી.

કોઈપણ જાતની આશા કે અપેક્ષા રાખ્યા વગર અજય અને એલન લોકોની સેવા કરતાં જોઈ શામજીભાઈની છાતી ગજગજ ફૂલતી હતી. ગામનાં લોકો તેઓને ભગવાન માનતાં હતાં. ઈશ્વર પછી જો કોઈ હોય તો એ ડોક્ટર છે, એ વાત અહીં સાચી લાગતી હતી.

આજે શામજીભાઈ તો આ દુનિયામાં નથી રહ્યાં, પણ અજય અને એલને તેનાં પિતાજીના નામથી ગામમાં મોટી હોસ્પિટલ બનાવી છે. બંને લોકોની સેવાને પરમો ધર્મ માનતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational