Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

દીવડી ૪

દીવડી ૪

4 mins
7.8K


હવા ખાતાં ખાતાં ચોમાસું આવ્યું અને પિતાએ શહેરમાં પાછા ફરવા તેને આમંત્રણ આપ્યું; પરંતુ દીવડીને સવાર-સાંજ જોવાની પડેલી ટેવ રસિકને વ્યસનરૂપ બની ગઈ હતી, એટલે તેણે પિતાને લખી દીધું કે તબિયત સુધરતી જતી હોવાને કારણે તે આખું ચોમાસું ગામડામાં ગાળનાર છે. તબિયત સુધરતી જતી હતી એ વાત પણ સાચી. નદીકિનારે રસિક ફરવા જતો તે હવે નદીને સામે પાર જઈ આગળની વૃક્ષધટાઓમાં પણ ફરતો થઈ ગયો. ફરતાં ફરતાં પણ તેને દીવડીના જ વિચારો આવ્યા કરતા હતા, અને કોઈક કોઈક વાર એવી વૃક્ષકુંજોમાં લાકડાં વીણવા આવેલી કે ઘાસભારો ઉઠાવી જતી દીવડી મળી જતી ત્યારે રસિકના આનંદનો પાર રહેતો નહિ. અને દીવડી પણ ત્યાં જ ભારો નાખી દઈ રસિક સાથે શહેરની જાદુઈ વાતોમાં આનંદપૂર્વક વગર સંકોચે રોકાતી. રસિકની વાત સાંભળી સાંભળીને દીવડીને પોતાને પણ કોઈક વાર મન થતું કે તે શહેરમાં જાય અને શહેરના જાદુ નિહાળી આંખને તૃપ્ત કરે !

એક સંધ્યાએ વર્ષાનાં વાદળાં ઘેરાઈ રહ્યાં હતાં. દૂર દૂર ચમકતી વીજળી હસતી રમતી પાસે આવી રસિકને ચમકાવવાનો પ્રયત્ન કરી રહી હતી. વૃક્ષઘટામાં રમતા મયૂરો મેઘાડંબરને જવાબ આપતા હતા અને પક્ષીઓ ઊડી ઊડીને વૃક્ષડાળીઓમાં સંતાઈ જતાં હતાં. સુસવાટા લેતા મરુતનું દળ આખું અને આખું ઊલટી પડતું હતું. અને મેઘ ક્ષણમાં તૂટી પડશે એ પૂર્ણ ભાસ થઈ રહ્યો હતો. ત્યારે રસિક એ જ વૃક્ષકુંજોમાં ફરતો ફરતો દીવડીના સૌંદર્યનું પૃથક્કરણ કરતો હતો. અને ખરેખર, સામેથી તેણે દીવડીને જ આવતી જોઈ, આશ્ચર્ય ચકિતનયને રસિક દીવડીને જોઈ રહ્યો.

'હજી અહીં છો, ભાઈ? ભાગો ભાગો !' કહી દીવડીએ રસિકનો હાથ પકડી ખેંચ્યો. રસિક કવિતામાં ડૂબી ગયો. તેના પગ ચાલતા ન હતા. દીવડી સામે જોઈ રસિકે પૂછ્યું :

'દીવડી ! તું ક્યાંથી ? વીજળીમાંથી ઉતરી આવી શું ?'

'અરે વીજળી પડશે તો હું અને તમે બન્ને બળીને ભસ્મ થઈ જઈશું. પગ ઉઘાડો, નહીં તો મર્યા સમજો નદીમાં ઘોડાપૂર

આવે છે. દીવડીએ કહ્યું અને રસિકને વધારે બળથી ખેંચ્યો. ઘોડાપૂર એટલે શું એની રસિકને ખબર ન હતી. ઘોડાપૂરે રસિકને લગ્નોત્સવની યાદ આપી. વર્ષાના એકાન્તમાં રસિકની કવિતા ઘોડાપૂરમાં વહી રહી હતી અને તેનાથી એકાએક પુછાઈ ગયું :

'દીવડી ! તું મને પરણે ખરી?' સંસ્કારી, સાત્વિક સાહિત્ય કારોથી પણ આવું આવું કદી પુછાઈ જાય છે.

'હવે, વાત છોડો. નદીમાંથી જીવતાં ઘેર પહોંચીએ ત્યાર પછી એ પૂછજો...થયું...પાણી ઊભરાયાં...તરતાં આવડે છે, ભાઈ?' દીવડીએ નદી કિનારે રસિકને ઘસડી લાવી પૂછ્યું. ખરેખર નદીમાં પાણી આવી ગયાં હતાં અને પાછળ આવતા પાણીના ટેકરા નદીને દુસ્તર બનાવી દેતા હતા. રસિકે જવાબ આપ્યો :

'સ્વીમિંગ બાથમાં થોડું તર્યો છું. નદીમાં તો...ન તરાય.' નદીને સામે પારથી એક બૂમ પડી.

‘દીવડી ! દોડી ! આવ ! તરી આવ ! હજી તરાશે.'

'હું તો હમણા તરી આવું; પણ આ ભાઈ એકલા શું કરશે ? એમને તરતાં આવડતું નથી. તું જરા એક ડૂબકી લઈ લે ને ? આ બાજુએથી.' દીવડીએ સ્ત્રીશોભન માધુર્યભર્યા ટહુકારથી બૂમ પાડી. માધુર્ય રસિકને લાગ્યું પણ મધુર ટહુકો એવો નિર્બળ ન હતો કે સામે પાર ન સંભળાય. બૂમ મારતાં જ સામે પારથી એક મજબૂત યુવકે દોડતાં, ભરાતાં, ઊભરાતાં, ઊછળતાં પાણીમાં કૂદકો માર્યો અને જોતજોતામાં તે સામે નીકળી આવ્યો. મહામુશ્કેલીએ કિનારે ચઢી એ યુવકે દીવડીને પૂછ્યું :

'ભાન નથી ? આ વરસાદ અને પૂરમાં એકલાં એકલાં ફરો છો તે? ચાલ ઝંપલાવ, હું સાથમાં છું.'

વરસાદ તે વખતે તૂટી પડ્યો હતો. દીવડીએ કહ્યું :

'હું તો ઝંપલાવું; પણ આ ભાઈ કેમ આવશે?'

'એમને હું લાવું; ઊંચો જીવ ન કરીશ કૂદી પડ. હું પાસે જ છું.'

કછોટો મારી દીવડી પાણીના વમળમાં કૂદી પડી અને શું કરવું – વર્ષા અને દીવડીના સૌંદર્યની સરખામણી કરવી કે કેમ? – કાંચનજંઘા દીવડીની જાંઘ ઉપરથી નામ પડ્યું હશે કે કેમ?— એનો વિચાર કરતા રસિકને એક ભયંકર ધક્કો વાગ્યો. ભાન આવે કે જાય તે પહેલાં ભયંકર વમળોથી ભરપૂર વાંસજાળ પાણીમાં તે ઊંડો ઊતરી ગયો. મરણનો ભય અને ગૂંગળામણ તેણે ક્ષણ બે- ક્ષણ માટે અનુભવ્યાં; શ્વાસ લેતાં તેણે પાણીમાં ત્રણચાર હડસેલા ખાધા અને એકાએક જમીન ઉપરથી દીવડી તેને ખેંચી લેતી હોય તેવો તેને ભાસ થયો. તેની પાછળ જ તેને ધકેલી, તેને ખસેડી, તેને સલામત લાવેલો, દીવડી કરતાં વધારે ઊંચો અને મજબૂત યુવાન ચીકણી, ભીની જમીન ઉપર આવ્યો અને બોલ્યો :

'ચાલ, ભાઈ ભાઈ કરતી હતી તે. ભાઈ બચ્યા તો ખરા !'

રસિક વરસતે વરસાદે બન્નેની સાથે ધર્મશાળામાં ગયો. કપડાં બદલ્યાં. વરસાદ બંધ રહ્યો અને થોડે દિવસે શહેરમાં જવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે ધર્મશાળા છોડી તે શહેરમાં પાછો ગયો.

શહેરમાં પાછા જઈને તેણે ભારે ખર્ચ કરી, ભારે આગ્રહ સાથે દીવડીને શહેરમાં બોલાવી મંગાવી.

પરંતુ તે એકલી દીવડીને નહિ : પરણેલી દીવડીને ! અને તે તેના વર સાથે ! એ જ યુવક દીવડીનો વર હતો કે જેણે રસિકને અત્યંત ભયાનક પૂરમાંથી જીવના જોખમે બચાવ્યો હતો. નદીમાંથી ઘેર પાછાં આવતાં દીવડીએ એકલો રસિક સાંભળે એમ રસિકને ક્યારનું યે કહ્યું હતું :

‘હું કોને પરણીશ તે તમે જાણો છો ?'

'કોને?' સહેજ આશ્ચર્યચક્તિ રસિકે ત્યારે પૂછ્યું. જોખમ ખેડી આવેલા જીવને એ પ્રશ્ન ચમકાવનારો નીવડે ખરો.

'કહું કોને ? આને...પણ કોઈને હમણાં કહેશો નહિ.' દીવડીએ


પેલા યુવક તરફ આંખ દોરી શરમાતા શરમાતાં કહ્યું.

ત્યારથી રસિકે નિશ્ચય કર્યો હતો કે એ બન્ને પરણી જાય એટલે તત્કાલ એ બંનેને પોતાના શહેરમાં બોલાવી મહેમાન બનાવવાં.

રસિકને સૌંદર્ય જડ્યું કે નહિ એ કોણ જાણે ! પણ તેણે પોતાનો નિશ્ચય પાર પાડ્યો અને દીવડી સાથે દીવડીના વરને પણ શહેરમાં બોલાવી મહેમાન બનાવ્યો.

પરંતુ એ બન્નેને શહેરમાં ઊભરાતાં માનવી, શહેરનાં ચમકતાં વાહનો અને હોટલ સિનેમા ગમ્યાં લાગ્યાં નહિ. દીવડીને એની ગાયો અને ભેંશો, ઘાસના ભારા અને દૂધની તાંબડીઓ યાદ આવતાં દીવડીના વરને ખભે ડાંગ નાખી ધસમસતી નદીને કિનારે રખડતા યૌવનનું સ્વપ્ન વારંવાર આવ્યા કરતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational