Sangita Dattani

Romance Tragedy Action

4.7  

Sangita Dattani

Romance Tragedy Action

હિંડોળો

હિંડોળો

2 mins
487


હિંડોળે બેસીને રેડિયો સાંભળતા સાંભળતા જ જીવનલાલ શેઠ ઊંઘી ગયા. પત્ની જીવતીબેન સ્વર્ગે સંચર્યા પછી એક માત્ર સાથ રેડિયાનો હતો અને હિંડોળો તો જીવતીબેનને અતિપ્રિય હતો. ઘણીવાર જીવનલાલ શેઠ કહેતા કે, "તું હિંડોળે હિંચકે અને મન મારું ચગડોળે ચડે ક્યાંક તને વાગી તો નહીં જાય ને !"

જીવતીબેન સુંદર મજાનો જવાબ આપતા, "એ તો એવું છે ને.. મારા લાલાની સેવા થઈ જાય પછી એ જ લાલાને પ્રશ્નો પૂછું અને મારો બાળકૃષ્ણ પણ ઠુમક ઠુમક કરતો જવાબ પણ દેવા આવે."

જીવનલાલ મરક મરક હસતાં ફેકટરીએ નીકળી જતાં. આમ વર્ષો વીતતાં ચાલ્યા. ચાલીસ વર્ષના ઘરસંસારમાં જીવનલાલ શેઠે કોઈ કમી રહેવા દીધી ન હતી. બે દીકરા, એક દીકરીનો સરસ મજાનો ઉછેર જીવતીબેને કર્યો હતો. બાળકોનો ઉછેર, ઘરસંસાર, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પતિ જીવનલાલ શેઠ આ બધી બાબતો છતાં તેમને એક વાત સમજાતી ન હતી કે ક્યારેય પોતાને માટે સમય કાઢ્યો છે !

એમ તો જીવતીબેન પણ બી.એ. વિથ સંસ્કૃત થયાં હતાં પણ હૃદયને ખૂણે ખાંચરે એક તંતુ સળવળતો હતો. કયો હતો તે તંતુ ? તેને પોતાને પણ કંઈ સમજાતું ન હતું. રાત્રે નવ વાગે જીવનલાલ શેઠ ઘરે આવ્યા અને જીવતીબેનને પૂછ્યું, "આજે તારા કાનાએ તારી સાથે શું વાત કરી ?" 

તેમણે તરત જ કહ્યું, "કાનો કહેતો હતો કે હવે તારા માટે સમય કાઢ. સંસ્કૃતના શાસ્ત્રી સરને અને પેલી તારી બેનપણી શીલાના શબ્દો યાદ કર." શેઠને વાતમાં કંઈ જ સમજાયું નહીં અને હાથ ધોઈને જમવા બેસી ગયા જમવાનું પીરસતા પીરસતા પૂછી જ લીધું, "હવે મારે લાઇબ્રેરીના મેમ્બર થવું છે અને થોડો સમય મારા માટે કાઢવો છે જો રજા આપો તો !" 

શેઠે હસતા હસતા કહ્યું કે, "આ વાતમાં ચાલીસ વર્ષો કાઢી નાખ્યા ?"

જીવતીબેને જવાબ આપ્યો કે, "મને સમજાતું ન હતું કે હું કઈ રીતે પૂછું !"

બધી છૂટ આપ્યા બાદ પાંચ મહિના પછી હૃદયરોગના હુમલાથી જીવતીબેનનું મૃત્યુ થયું. શેઠ એકલા પડી ગયા હતા. જીવતીબેનનો તંતુ કેમ સળવળ્યો અને પોતાના માટે કેમ જીવવું એ બાબતમાં તેમને કંઈ ન સમજાયું !


Rate this content
Log in

Similar gujarati story from Romance