JHANVI KANABAR

Drama Thriller

4.8  

JHANVI KANABAR

Drama Thriller

હું ઝંખુ છું તને

હું ઝંખુ છું તને

7 mins
404


મંથન અને મીરાની આજે સગાઈ હતી. . મીરાનું ઘર અને મન બંને રોશનીથી ઝગમગતા હતા. મંથન આજે તેના સુંવાળા હાથ પોતાના હાથમાં લેશે. રીંગ પહેરાવશે. બંનેની આંખો મળશે. મીરા પણ મંથનને રીંગ પહેરાવશે. . બંને અધરો પર એક વચન આપતુંં શરમાળ હાસ્ય હશે. `મીરાઆઆઆ. . ક્યાં ખોવાઈ ગઈ ?’ પાછળથી મમ્મીએ મીરાને હચમચાવી નાખી હતી. . ઓહ. આજ તો હજુ મંગળવાર છે. મીરા તેના મમ્મી અને કાકી સાથે મંથન માટે રીંગ ખરીદી કરીને આવી હતી. રીંગ તેના હાથમાં હતી અને તે મંથનના વિચારોમાં. . મમ્મી સમજી ગઈ અને મીરાને જોઈ હસવા લાગી. હસતા હસતા મમ્મીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. મીરાને મમ્મીના રડવાનું કારણ સમજાઈ ગયું.  

`અરે ! મમ્મી તુંં પણ શું આમ ઢીલી પડી જાય છે ? હું આ જ શહેરમાં છું. અને આ રવિવારે સગાઈ છે. લગ્નને હજુ વાર છે. અત્યારથી આમ કરીશ તો હું ના પાડી દઈશ મંથનને. એને પરણવું હોય તો રહે અહીંયા ઘરજમાઈ બનીને. .’ મીરા કહેતા કહેતા મમ્મીની સામે તીરછી નજરે જુએ છે. મમ્મી અને મીરા જોરથી હસી પડે છે.

મીરાને તો રવિવારની રાહ જોતા જાણે એક જન્મારો વીતી ગયો પણ મીરાના મમ્મી-પપ્પા માટે રવિવાર બહુ જલ્દી આવી ગયો હતો. આજે તેમની લાડલીની સગાઈ હતી. થોડા સમયમાં વિવાહ પણ થઈ જશે. આમ જ એ દિવસ પણ જલદી આવી જશે અને મીરા ચાલી જશે આ ઘર છોડીને. . બીજા આંગણે.

સગાઈના દિવસે મંથને એ જ ગ્રે સુટ પહેર્યો હતો. પરફ્યુમથી મઘમઘાટ થતો, ક્લીશ શેવ્ડ મંથન કોઈ ફિલ્મના એક્ટર જેવો જ દેખાતો હતો.

મંથન તેના મા-બાપનો એકનો એક દિકરો હતો. ભણવામાં તે મીરા જેટલો હોંશિયાર નહોતો, એવરેજ્ડ હતો. અત્યારે તેના પપ્પાને બિઝનેસમાં મદદ કરે છે. કોલેજમાં મંથન અને મીરા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મીરા ખૂબ જ સુંદર યુવતી અને મંથન હેન્ડસમ યુવક. મીરા અને મંથન બંને કુટુંબપરાયણ, લાગણીશીલ અને પ્રેમાળ હતા પરંતું એ બંનેમાં એક જ તફાવત હતો. એ કે મીરા બહારી દેખાવને મહત્ત્વ નહોતી આપતી, તેના મતે લાઈફ ક્યારેય પરફેક્ટ હોતી નથી. માણસે ક્યાક ને ક્યાક એડજેસ્ટ કરવું જ પડે છે. તે વ્યક્તિની આંતરિક સુંદરતાને જ જોતી જ્યારે મંથનને લાઈફમાં બધુ જ પરફેક્ટ જોઈતુંં. તેના મતે વ્યક્તિનું સુંદર વ્યક્તિત્વ જ મહત્ત્વ ધરાવતુંં. તેને જીવનમાં કોઈ સમજૂતી કરી ગમતી નહિ. કદાચ મીરા અને મંથન એકબીજાના આ તફાવતને જોઈ શક્યા નહોતા જેથી તેમના જીવનમાં આ દર્દનાક વળાંક આવ્યો.

મંથન અને મીરાની સગાઈ થઈ ગઈ. હવે તેઓ મુક્ત પંખીની જેમ મળતા, ડિનર પર જતાં, ફ્રેન્ડ્સ સાથે હરવુંફરવું, મુવીઝમાં જવું બધુ જ ખૂબ સરસ અને રોમાંચિત લાગતુંં હતુંં. એકવાર મંથન ઓફિસથી પાછો ફરતો હતો ત્યાં જ તેના બાઈકનો એક્સીડન્ટ થઈ ગયો. બાઈક દૂર સુધી ફેંકાઈ ગયું અને મંથનને પગમાં ખૂબ વાગ્યું. આજુબાજુના લોકોએ તેને હોસ્પિટલ ભેગો કર્યો અને મોબાઈલમાં લાસ્ટ કોન્ટેક્ટ નંબર મીરાનો હતો તે જોઈ મીરાને જાણ કરવામાં આવી. મીરાએ મંથનના મમ્મી-પપ્પાને જાણ કરી, પોતે મમ્મી-પપ્પા જોડે હોસ્પિટલ પહોંચી ગઈ. ડોક્ટરોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. એક રાત તેને અન્ડરઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યો. બીજા દિવસે ડોક્ટરે મંથનના મમ્મી-પપ્પાને કેબિનમાં બોલાવી એ દુઃખદ સમચાર આપ્યા કે, મંથનના પગ હવે કામ નહિ કરે. સાથે શાંત્વના પણ આપી કે મંથન અને તમે હિંમત રાખશો તો તેના પગ કામ કરી પણ શકે પણ તેની 100% ગેરંટી નથી. મંથનના મમ્મી-પપ્પા આ સાંભળી શરૂઆતમાં તો ભાંગી પડ્યા પરંતું મીરાએ તેમને હિંમત બંધાવી. મંથનની બધી જ જવાબદારી મીરાએ ઉપાડી. મીરાના મમ્મી-પપ્પાએ પણ મીરાના આ નિર્ણયને વધાવ્યો. મંથનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો.

મીરાએ હવે રાત-દિવસ જોયા વગર, પોતાની ભૂખ-તરસ જોયા વગર મંથનને પગ પર ઊભો કરવા કમર કસી લીધી હતી. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. . અને આખરે મીરાની મહેનત રંગ લાવી, તેના પ્રેમની જીત થઈ. મંથન રેગ્યુલર એક્સર્સાઈઝ, ટ્રીટમેન્ટ અને મીરાની સેવાથી પગ પર ઊભો થઈ ગયો. ઘરના બધાએ મીરાની આ લગનને વધાવી. `હવે તો બસ લગન લઈએ અને મીરાને કાયમ માટે અમારા ઘરે લઈ જઈએ. ’મંથનના મમ્મી-પપ્પાએ વેવાઈને કહ્યું. દુઃખના દિવસો ગયા અને ઉત્સવ મનાવવાની ઘડી પાસે આવી. લગ્નની તારીખ નક્કી થઈ. શોપીંગ ચાલુ થઈ ગઈ. મીરાની બહેનપણીઓનો કાફલો મીરાના ઘરમાં રોજ આવી જતો. મીરાને તો જાણે આકાશ મળી ગયું હતુંં પણ ઈશ્વર માટે તો હજુ આ પંખીડાની કસોટી કરવાની બાકી હતી. મીરા રસોડામાં ચા મૂકવા ગઈ અને બાટલો ફાટ્યો. મીરા દાઝી ગઈ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘરના બધાના જીવ અદ્ધર થઈ ગયા. કોઈના અશ્રુ રોકાતા નહોતા. . શું થશે ? આખરે મીરા બચી ગઈ. વધુ તો કંઈ નહિ પણ મીરાના ચહેરા પર ડાબા ગાલ પર એક દાઝ્યાનું મોટું નિશાન રહી ગયું. મંથન હોસ્પિટલમાં રાત-દિવસ મીરા પાસે બેઠો રહેતો. આજે મીરાને ડિસ્ચાર્જ કરવામાં આવી.

ઘરે આવી બધાએ નિરાંતનો શ્વાસ લીધો. મંથન પણ ઘરે આવી થોડો આરામ મળ્યો. બીજા દિવસે મીરાના ઘરે તે મળવા પણ આવ્યો પણ આજે. આજે મીરા અને મંથનના મિલનમાં કંઈક અજુગતું હતું. મંથન વારેવારે મીરાના ગાલ પર નજર કરતો હતો. મીરાએ પણ આ નોટિસ કર્યું. લગ્નને હવે 15 જ દિવસ બાકી હતા. કંકોત્રી વહેચાઈ ગઈ હતી. મંથનના મનનું મંથન ચાલુ થઈ ગયું હતુંં. વારંવાર સુંદર મીરાની જગ્યાએ તેને ડાઘવાળો ચહેરો દેખાતો. મંથનનું મીરા પ્રત્યેનું વર્તન બદલાઈ રહ્યું હતુંં. હવે તે મીરા સાથે ફોન પર વાત કરવાનું પણ ટાળતો. મીરાની ખબર પણ પૂછવાને આજ 3 દિવસ થઈ ગયા. આખરે એક દિવસ મંથને જાણે આખી રાતના મનોમંથન બાદ નિર્ણય લઈ લીધો અને પોતાના મા-બાપને કહ્યું કે, `હું મીરા સાથે લગ્ન કરવા નથી માંગતો.’ આ સાંભળી મંથનના પપ્પા ગુસ્સે થઈ ગયા પરંતું મમ્મી સમજી ગયા. તેમણે મંથનને ખૂબ સમજાવાની કોશિશ કરી કે, `હવે તો પ્લાસ્ટિક સર્જરી પણ થાય છે.’ પણ મંથન માનવા તૈયાર જ ન થયો. આખરે મીરાના મા-બાપને જાણ કરવામાં આવી. મંથનના મમ્મી-પપ્પાએ મીરાને મળીને તેની મંથન તરફથી માફી માંગી. મીરાના માથે આભ તૂટ્યુ હતુંં, પરંતું હવે કંઈ જ થઈ શકે એમ નહોતુંં. આખરે લગ્ન રદ રહ્યા.

સમય વહેતો ગયો મંથનના લગ્ન જ્ઞાતિની એક યુવતી મનસ્વી જોડે લેવાયા. મંથન અને મનસ્વીએ પોતાનું દામ્પત્યજીવન શરૂ કર્યું. શરૂમાં તો બધુ જ સારુ ચાલ્યું પરંતું થોડા સમય બાદ મંથનના પિતાનું મૃત્યુ થયું. મંથન પર બિઝનેસનો ભાર આવી પડ્યો. મનસ્વીનો સ્વભાવે ખૂબ જ ઉડાઉ, હરવા-ફરવાની શોખીન અને સ્વકેન્દ્રી હતી. મંથન બિઝનેસના ટેન્શનમાં હોય તો પણ મનસ્વી સમજે નહિ. તેની ઉટપટાંગ માંગો ચાલુ જ રહેતી. ક્યારેક શોપિંગની, ક્યારેક ફોરેનટ્રીપની તો ક્યારેક પાર્ટીઝની. મંથનના મમ્મી પણ કંઈ જ કહી ન શકતા. થોડા સમયથી બિઝનેસમાં ખૂબ જ ખોટ ગઈ હતી. મંથન નંખાઈ ગયો હતો. તેને કોઈ જ સમજી શકે એમ હતુંં નહિ. બિઝનેસ બંધ કરી દેવાની નોબત આવી ગઈ. મંથને બધુ છોડી નોકરી ચાલુ કરી દીધી. હવે તો ઘરમાં મંથનની પરિસ્થિતિ વધુ બગડી. મનસ્વી મંથનને તેની અસફળતા માટે મહેણા માર્યા કરતી. મંથન ખૂબ સહન કરતો પણ ક્યારેક ઝઘડો પણ થઈ જતો. મનસ્વીની કર્કશવાણી તેનુ જીવવાનું મુશ્કેલ કરતી હતી.

એકવાર મંથનના દોસ્ત વિધાનનો ફોન આવ્યો. તેણે કહ્યું, `ચાલને યાર બધા ઊંટી જવાનો પ્લાન કરીએ છીએ, મજા આવશે. .’ ઊંટીનું નામ સાંભળી મંથનને મીરા યાદ આવી ગઈ. . `હલ્લો સાંભળે છે. .??’ મંથન ચમકી ગયો. થોડીવાર વિચારી તેણે વિધાનને હા કહી. . મનસ્વી ઊંટી સાંભળતા જ મંથન પર વરસી પડી. . `હા હા જાવ. પાછળનું કંઈ વિચારતા નહિ. . તમારા જેવો નકામો માણસ મેં જિંદગીમાં જોયો નહિ. લુસર છો. ’ મંથનની આંખ ભીંજાઈ ગઈ. તેના મમ્મીએ જોયું, એ પણ દુઃખી થયા પણ મંથનને કહ્યું, `અહીંની ચિંતા ના કર બેટા. જા થોડો ફ્રેશ થઈ આવ.’

મંથન તેના મિત્રો જોડે ઊંટી પહોંચી ગયો. ઊંટીમાં બધી જગ્યાએ ફર્યા. અચાનક મંથનની નજર એક વૃક્ષ પર ગઈ, તેના પર હાર્ટ કોતરેલું હતુંં, એક બાજુ મંથન અને બીજી બાજુ મીરા લખેલું હતુંં. મંથન દોડીને ત્યા ગયો. એ કોતરણી પર હાથ ફેરવવા લાગ્યો. મીરાને જાણે સ્પર્શી રહ્યો હોય તેમ. અચાનક નજર સમક્ષ મીરાનો હસતો ચહેરો આવી જાય છે અને જેવો તે ચહેરાને સ્પર્શ કરવા જાય છે ત્યાં મીરાનો એ દાઝ્યાનું નિશાનવાળો ગાલ દેખાય છે, તે ઝબકી જાય છે. `ઓહ મીરા ! આ કેવું પાપ થઈ ગયું મારાથી. . જેણે મને અપંગ થતા બચાવ્યો, જ્યારે બધાએ આશા છોડી દીધી ત્યારે તે મારા જીવનને પગ પાછા આપ્યા. મને ઊભો કર્યો. અને અને અને મેં. . . મેં શું કર્યું ? તારા ચહેરા પરનો એ ડાઘ સહન ન કરી શક્યો ? તને મધદરિયે છોડી દીધી, છતાં તે મને એક પ્રશ્ન પણ ન કર્યો ? કોઈ જ ફરિયાદ ન કરી ? આ મને એની જ સજા મળી રહી છે. તારા જેવી નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમ કરવાવાળી વ્યક્તિનું દિલ દુભાવવાની. . મને માફ કરી દે. માફ કરી દે. . ’

મંથનની આંખમાંથી અશ્રુ થોભતા નહોતા. . મન વિલાપ કરી રહ્યું હતુંં. મીરા પાસે માફીની યાચના કરી રહ્યું હતુંં. . પણ મંથન તમને કદાચ ખબર નથી, કે મીરા તમારા પ્રેમની યાદોને પોતાની સાથે લઈને અહીં ઊંટીમાં જ રહે છે. જ્યાં તમારા બંનેના પ્રેમની કેટલીય નિશાનીઓ આજે પણ અકબંધ છે, ત્યાં જ તેણે આજીવન રહેવાનો નિર્ણય લીધો છે. તે આજે પણ તમારી સાથેની પ્રેમની ક્ષણોને જીવનનો આધાર માની જીવી રહી છે. મીરાને આ જન્મે નહિ તો આવતે જન્મે એ પ્રેમ પૂર્ણ થવાની આશા છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama