Vandana Vani

Children Stories Inspirational

4.8  

Vandana Vani

Children Stories Inspirational

જડીબુટ્ટી

જડીબુટ્ટી

2 mins
22.7K


"દાદી રોજ એકનું એક શું વાંચો છો?" દસ વર્ષીય મીનુ દાદીની બાજુમાં આવીને ગોઠવાઈ.

"અરે બેટા એમાં તો આખા જીવનનો સાર છે." બોલતાં લક્ષ્મીબેને ભગવદ્દ ગીતાને આંખે લગાડી.

ઓછું ભણેલાં પણ જીવનનાં દરેક તબક્કે શાંત-ગંભીર દેખાતાં લક્ષ્મીબેન રોજ કોઈ ધાર્મિક પુસ્તક વાંચ્યાં વગર ન જમે. ઘરમાં બે દિકરા-વહુ, તેમના એક એક છોકરા અને પરણીને આવ્યા ત્યારથી સાથે રહેતા એક વિધવા નણંદને સાચવવાનું લોઢાના ચણા ચાવવા જેવું કામ એ સિફતથી કરતાં. આખો દિવસ ઘરમાં કામ ખૂટે નહીં. ગામમાં જ પિયરીયુ એટલે સુખેદુઃખે ત્યાં પણ મદદે જવું પડે. ઘરમાં થતી નાની-મોટી ચડભડનો તો લક્ષ્મી બેન વગર ઉકેલ જ ન આવે! 

એકવાર ઘરમાં ખાટલો તૂટ્યો તો બાળવાની જગ્યાએ નાની ઘોડી કરાવડાવી તેમા તેમણે ધાર્મિક પુસ્તકો મુકવાની શરૂઆત કરી કે જેથી વહુઓને પણ એ વાંચવાની ટેવ પડે. ધીમે ધીમે તેમાં ઘરના બીજા સભ્યોના રસ પ્રમાણે પુસ્તકો પણ ઉમેરાતા ગયા.

લક્ષ્મીબેન ઉઠીને રસોડા તરફ વળ્યાં ત્યાં તો "લક્ષ્મીકાકી મારા લાલાને ખેંચ આવી છે" સમતા દોડતી આવી લક્ષ્મી બેનને ખેંચી ગઈ.

"બા, મને અથાણાં કરી આપશો? મારા સાસુ ગામડેથી આવે છે. અથાણાં વગર થાળી પીરસાઈ તો ખલાસ." હજી તેમણે ઘરમાં પગ મૂક્યો કે તરત રીમા બાને વિનંતી કરી ગઈ.

"દીકરીની સગાઈ કરવા આવવાના છે માસી તમે હાજર રહો તો સારું. લેવડદેવડમા કાચું ન કપાઈ જાય." રમેશ આવીને કહી ગયો.

મીનુ આજે સવારથી દાદીની હિલચાલ ધ્યાનથી જોઈ રહી હતી‌. તેનાથી ન રહેવાતા પૂછી લીધું," દાદી તમને બધું આવડે?"

"હા", હસતાં લક્ષ્મીબેને જવાબ આપ્યો.

"દાદી, તમે કોની પાસેથી અને ક્યાંથી શીખ્યાં?"

"આની પાસેથી." ઘરની નાનકડી લાઈબ્રેરી તરફ આંગળી ચીંધી તેઓ બોલ્યા.

"પણ તમે દર વખતે ખોલીને તો નથી જોતાં! ડોક્ટરકાકા દવા આપતી વખતે ખોલીને જોય છે તેમ!" મીનુને જવાબથી સંતોષ ન થતાં ફરી સવાલ કર્યો.

"હમમ, મીનુ કાલે મેં તને રામાયણની વાત કહી હતી યાદ છે?"

"હા હનુમાનજી જડીબુટ્ટી ન મળતાં આખો પર્વત ઉપાડીને લઈ આવ્યા હતાં તે ને?"

"હા, એ જ! હું બધું વારેઘડીએ વાંચતી રહું છું, મનમાં ભેગું કર્યાં કરું છું. જ્યારે જરુર પડે ત્યારે એ જ બધું ઉપયોગમાં લઈ લઉં છું. ક્યારે શેની જરૂર પડશે એ ખબર નથી એટલે હનુમાનજીની જેમ હું આખો પર્વત ઉપાડીને જ ફરું છું. એમાંથી બધાં પ્રશ્નોનો ઉકેલ એટલે કે જડીબુટ્ટી મળી જ જાય." લક્ષ્મીબેન મીનુને ચૂટકી ખણી કામે વળગ્યાં.

"પપ્પા મને મારી વર્ષગાંઠ ઉપર દસ પુસ્તકો જોઈશે જ." દર વખતે રમકડાં, કપડાંની જીદ કરતી મીનુને દીકરા સાથે વાત કરતી જોઈ લક્ષ્મીબેન હરખાયા. "હાશ મને તો જડીબુટ્ટી મળી ગઈ!" 


Rate this content
Log in