Mariyam Dhupli

Drama Tragedy Thriller

4  

Mariyam Dhupli

Drama Tragedy Thriller

મેઈન ઈન્ગ્રીડિઅન્ટ

મેઈન ઈન્ગ્રીડિઅન્ટ

5 mins
379


૭૦ વર્ષના વૃદ્ધ સમન્થાને કેક બનાવવનું ખુબજ મન થઈ આવ્યું. એક સમય હતો જયારે રસોડામાં જાતજાતના ને ભાતભાતના પકવાનો એ ઊભાં ઊભાં તૈયાર કરી નાખતા. પણ હવે વૃદ્ધ હાડકાઓ સાથ આપતા ન હતા. બાળકો વીકેન્ડમાં મળવા આવે ત્યારે ઘણી વાર પેસ્ટ્રીઝ પૅક કરાવી લાવતા. પણ ઘરમાં તૈયાર થયેલ કેકની તો વાતજ જુદી. ઓવનમાં કેક શેકાતું હોય એની સુગંધ આખા ઘરને કેવી મહેકાવી મૂકે ! કેક ખાવા કરતા પણ વધારે સમન્થાને ઘણા સમય પછી જાણે એ ઘરમાં શેકાઈ રહેલા કેકની મ્હેકનો લ્હાવો માણવો હતો. હાથલાકડીને ટેકે ધીમે ધીમે સમન્થાએ રસોડાની અલમારીમાંથી બધો સામાન એક પછી એક રસોડાના પ્લેટફોર્મ ઉપર ભેગો કરવા માંડ્યો. બાળકની જેમ ભેગા થતા દરેક ઈન્ગ્રીડિઅન્ટનું નામ પણ પ્લેટફોર્મ ઉપર મૂકતા મૂકતા બોલાઈ રહ્યું. આ રહ્યું બેકિંગ પાઉડર, આ કોકો પાવડર, અને ઈંડા ક્યાં ગયા ? પોતાની વૃદ્ધ યાદશક્તિ ઉપર એમણે થોડું જોર નાખી જોયું. હા, ફ્રિજ પાસે મૂક્યા હતા.આ રહ્યા. તો ઈંડા પણ આવી ગયા. ઈંડાની નજીક એમણે બે નાની શીશીઓ ક્રમબદ્ધ ગોઠવી દીધી. આ રહ્યું વેનીલા એસેન્સ અને આ મૂક્યું જાયફળ પાવડર. અરે, ઘી તો લીધુંજ નહીં? પોતાની યાદશક્તિ ને ધક્કો મારતા હોય એ પ્રમાણે એમણે પોતાના કપાળ ઉપર હળવી ટપલી મારી. થોડા સમયમાંજ ઘી નો ડબ્બો પ્લેટફોર્મ ઉપર કેન્દ્રસ્થાને આવી ગયો. તો ચાલો કેક બનાવવાનું શરૂ કરીએ. અરે, એક મિનિટ. સાકરનો ભૂકો ... સાકરના ભૂકાનું પેકેટ પણ બહાર નીકળ્યું. 

 સમન્થાએ ટેવ પ્રમાણે પહેલા બધાજ સૂકા ઈન્ગ્રીડિઅન્ટ ભેગા કરવા કાચનું મોટું વાસણ નજીક સરકાવ્યું જ કે હાસ્યથી એમનો ચહેરો છલકાઈ ઉઠ્યો. લે, મેંદો તો લીધોજ નહીં. એ તો મુખ્ય ઈન્ગ્રીડિઅન્ટ છે. પોતાની નબળી યાદ શક્તિની જાતેજ મશ્કરી કરતા તેઓએ અલમારીમાં અંદર તરફ સચકાયેલો મેંદાનો ડબ્બો બહાર ખેંચ્યો. ડબ્બો હાથમાં આવતાજ ચહેરાનું હાસ્ય અદ્રશ્ય થયું અને મૂંઝવણ ભર્યા હાવભાવોએ હાસ્યનું સ્થાન લઈ લીધું. ડબ્બો વજનમાં આટલો હળવો કેમ? પોતાના મનની શંકા સાચી ન પડે એ આશા સેવતા એમણે ખુબજ હળવેથી ડબ્બો ખોલ્યો અને મોઢામાથી નિસાસો સરી પડ્યો. આ લો, ડબ્બો તો ખાલી છે? સમન્થાનું મોઢું ઉતરી ગયું. કેક શેકવાની ઈચ્છા મનમાંજ રહી ગઈ. 

બાળકો વીકેન્ડમાં આવશે ત્યારે એમની પાસે મેંદો મંગાવીને મૂકી રાખીશ, એ વિચારે પોતાની જાતને આશ્વાસન આપતા સમન્થાએ ભેગો કરેલો દરેક સામાન એક પછી એક ફરીથી એમની જગ્યા ઉપર પરત મૂકવાની શરૂઆત કરી. 

થોડા દિવસો પછી સમાન્થાને ફરીથી કેક શેકાવાની સુગંધ માણવાનું મન થઈ આવ્યું. આ ઉંમરે કેટલાક દિવસો તો જાણે શરીર તદ્દન સાથ છોડી દેતું. વચ્ચે છૂટા છવાયા નામનાજ એવા દિવસો હોય જેમાં શરીર કંઈક મહેનત કરવાની પરવાનગી આપે. એ દિવસે શરીરના હાડકાઓ એમની ઉપર મહેરબાન થયા હતા. પીડા અને દુખાવાઓએ એક નાની બ્રેક લીધી હતી. અને સમન્થા એ બ્રેકનો સદુપયોગ કરવાની તક જતી કરવા ઈચ્છતા ન હતા. રસોડામાં જઈ તેમણે કેક બનાવવાની શરૂઆત કરીજ કે અંતિમ વાર ઘટી ગયેલા ઈન્ગ્રીડિએન્ટને કારણે વેઠેલી નકામી મહેનત યાદ આવી ગઈ. મનોમન ઘરમાં બધાજ ઈન્ગ્રીડિએન્ટ હાજર છે કે નહીં એની ચકાસણી યાદી આરંભી નાખી. મેંદો બાળકો પાસે મંગાવી રાખ્યો હતો. એ પણ મોટો ડબ્બો કે ચાલ્યા કરે. ઘી તો હતું જ. બેકિંગ પાવડર અને જાયફળનો પાવડર પણ હજી વધ્યો હતો. વેનીલા એસેન્સ સમાપ્ત થવા આવ્યું હતું. પણ એક કેક બનાવવા જેટલી માત્રા તો થઈ રહેશે. કોકો પાવડર તો ઘણો હતો. સાકરનો ભૂકો હજી પેકેટમાં એમનો એમજ પૅક પડ્યો હતો. પણ ઈંડા....... સમન્થાને ચિંતા થઈ આવી. અંતિમવાર ક્યારે વાપર્યા હતા? કેટલા વધ્યા હતા? કઈ પણ યાદ આવી રહ્યું ન હતું. પોતાની હાથ લાકડીના સહારે તેઓ ફ્રિજ પાસે ધસી ગયા. ઈંડાની ટ્રેમાં પાંચ બચેલા ઈંડાઓ નિહાળી એમને રાહત થઈ. દૂધવાળું કેક એમને ન ગમે. ઈંડા જ જોઈએ. જલ્દીથી પાંચે પાંચ ઈંડા લઈ એમને રસોડાના પ્લેટફોર્મ ઉપર મૂકી દીધા. બાકીના ઈન્ગ્રીડિઅન્ટ્સ અલમારીમાંથી કાઢવા તેઓ આગળ વધ્યાજ કે બિલાડીના અવાજથી ચોંકી ઊઠ્યા. 

પાછળ ફરીને એક નજર કરીજ કે રસોડાની બારીમાંથી આવેલી બિલાડી ઈંડા પાસેથી ઉછળતી, કૂદતી પસાર થઈ ગઈ. પ્લેટફોર્મ ઉપર મૂકેલા ઈંડાઓ જમીન તરફ સરક્યા અને તૂટી, ફૂટી નીચે ગોઠવાયેલી કચરા પેટીમાં જઈ પડ્યા. સમન્થાનું મોઢું ઉતરી ગયું. ઈન્ગ્રીડિઅન્ટ્સ કાઢવાનું પડતું મૂકી એમણે રસોડાના પ્લેટફોર્મને સાફ કરવાનું ન વિચારેલું કામ કમને કરવું પડ્યું. આખરે એ દિવસે પણ કેક ન જ બન્યું. 

આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા. ફરીથી એકવાર સમન્થાને કેકની મધમધતી સુગંધ વિચારોમાં આકર્ષી રહી. પણ એમણે તરતજ મનને ચેતવણી આપી. અંતિમવાર વેઠવી પડેલી નકામી મહેનતનો થાક યાદ અપાવ્યો. પરંતુ એમનું મન લાલચ છોડવા તૈયાર ન થયું. એ તો થાય. અકસ્માત સર્જાય. જીવન છે. ચાલ્યા કરે. આ વખતે ઈંડા સૌથી પહેલા સંભાળીને કાઢીને ફીટી લઉં તો? બસ એજ વિચારે ફરીથી સમન્થા કેક બનાવવા ઉમટી પડ્યા. સૌથી પહેલા એમણે રસોડાની બારી વાંસી દીધી. બિલાડીનું આગમન અવરોધાય ગયું. એટલે ધ્યાનથી ટ્રેમાં હાજર ઈંડાઓમાંથી પાંચ ઈંડા અત્યંત સંભાળપૂર્વક એક કાચના વાસણમાં વારાફરતી ફોડી મિક્સીથી ફીટી નાખ્યા. એની અંદર વેનીલા એસેન્સ અને જાયફળનો પાવડર નાખી ફરીથી એકવાર બરાબર મિક્સીથી મિશ્રણ ફીટી નાખ્યું. વાસણને ખુબજ અંદર તરફ સુરક્ષિત રીતે ગોઠવી તેઓ સૂકા ઈન્ગ્રીડિએન્ટ્સ લેવા અલમારી તરફ ગયા. એક પછી એક એમણે બધીજ સામગ્રી પ્લેટફોર્મ ઉપર ગોઠવી દીધી. એક નજર બધીજ સામગ્રી ઉપર ફેરવી લીધી બધુજ છે ને? હા, મેંદો, ઘી, સાકરનો ભૂખો, કોકો પાવડર, બેકિંગ પાવડર. બધું જ હાજર છે. એક સંતોષ ભર્યા સ્મિત સાથે સમન્થા એ સૂકી સામગ્રીને નિહાળી રહ્યા હતા એજ સમયે બહાર તરફથી એક મોટો અવાજ થયો. જાણે ઘણા બધા ફટાકડા એક સાથે ફૂટી રહ્યા હોય. 

આ સમયે? એમના શાંત રહેઠાણ વિસ્તારને આવા ઘોંઘાટની ટેવ ન હતી. પોતાની હાથલાકડીને ટેકે તેઓ તરતજ બહાર તરફ નીકળ્યા. રસ્તા ઉપર ઈલેક્ટ્રિકના થાંભલા ઉપરથી કાળો ધુમાડો પસાર થઈ રહ્યો હતો. શહેરીમાં રહેતા લોકો ભેગા મળી ચિંતા દર્શાવી રહ્યા હતા. બધાએ ઘરની મુખ્ય ઈલેક્ટ્રિક સ્વીચ બન્ધ કરવાની સલાહ આપી. સમન્થાએ ગભરાટ જોડે તરતજ મુખ્ય સ્વીચ બન્ધ કરી દીધી. જોતજોતામાં ફાયર બ્રિગેડની ટિમ શહેરીમાં આવી ચઢી. ખુબજ મોટો શોટ સર્કિટ સર્જાયો હતો. સમન્થાનો ચહેરો ઉતરી ગયો. એ દિવસે આખો દિવસ વીજળી આવી નહીં ઓવન પણ ચાલ્યું નહીં અને કેક પણ બન્યું નહીં જ. 

આજે ઘણા દિવસો પછી એક મોકાનો દિવસ હતો. આજે પરિસ્થિતિ એક બીજા જોડે મેળ ખાઈ રહી હતી. રસોડાની અલમારીમાં બધાંજ ઈન્ગ્રીડિઅન્ટ્સ સપ્રમાણ હાજર હતા. ઈંડા, મેંદો, ઘી, સાકરનો ભૂકો, બેકિંગ પાવડર, જાયફળ પાવડર, વેનિલા એસેન્સ, કોકો પાવડર.... આજે બિલાડી શહેરમાં પ્રવેશી જ ન હતી. ઈલેક્ટ્રિક સપ્લાય સતત મળી રહ્યો હતો. આજે એક પરફેક્ટ દિવસ હતો કેક બનાવા માટે, એની મધમધતી સુગંધ આખા ઘરમાં અનુભવવા માટે. 

પણ આજે પણ કેક ન જ બન્યું. આજે બધુજ છે ત્યારે કેક બનાવનાર હાજર નથી. ઘર બંધ છે. સમન્થાની દફન વિધિ સેમેટરીમાં ચાલુ છે..!


Rate this content
Log in

Similar gujarati story from Drama