Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

રાહ

રાહ

5 mins
1.0K


મૌસમ ગુલાબી ઠંડીની હતી, અને ટી.વી. પર રાતના નવ વાગ્યાંનું ન્યૂઝ બુલેટીન પુરું થાય એ પહેલાં બેબી ઊંઘી ગઈ હતી. 'રાહ' ડ્રોઈંગ-રૂમના સોફા પર બેસીને નિરાંતે વાદળી અને લીલા રંગનું ઊનનું સ્વેટર ગૂંથી રહી હતી. ગૂંથતાં ગૂંથતાં ગૂંચવાઈ હોય તેમ લાગ્યું, શાયદ એ કંઈક વિચારી રહી હતી. તે ઊભી થઈ અને તેની બેબી શ્વેતાના હાથમાંથી ક્રેયોન કલરના ચોક અને ડ્રોઈંગ કાર્ડ લઈ તેણે બોક્સમાં ગોઠવ્યા. શ્વેતાને થર્મલથી કવર કરી, એક નજર ઘડિયાળ ઉપર નાખી, પાછી સ્વેટર ગૂંથવા લાગી. 

મે ધીમા સ્વરે 'રાહ' ને કહ્યું,  જો ડાર્લીંગ, દરેક સંબંધ એક સમજ આપે છે. સમાજના કોઈપણ સંબંધને ઉજાગર કરતી પ્રવૃત્તિ શાબ્દિક રીતે ભલે કોઈને ના જણાવાય, પણ હાર્દિક બનીને હમેશા તે આપણા મનને સ્પર્શે છે. 'રાહ' હું પણ માનું છું કે કોઈપણ પરિણીતા માટે, એના સંસારમાં સાચવવામાં અઘરો લાગતો સંબંધ કોઈ હોય તો તે નણંદ સાથેનો હોય છે. 

હું સુખી છું કે, તારે મારી બેન ગિરા સાથે સુમેળતા છે અને 'ગિરા' માટે તારાં હૃદયમાં સખી જેવો ભાવ છે, પણ તું મારી લાગણીનો તો ખ્યાલ કર ! મને હમણાં હમણાંથી એવું લાગે છે કે તારાં દિલામાં મારા માટે લાગણી - ઉષ્મા – પ્રેમ પહેલા જેવો હવે રહ્યો નથી..

ના..'પંથ', એવું નથી,  તને તો ખબર છે કે સમય કેવો છે.

અરે 'રાહ' તું સમજતી નથી, તારે તારી પ્રાયોરિટી નક્કી કરવાની છે. તું એકસાથે ઘણું બધું લઈને બેસે છે, નાહકની ચિંતા કરે છે અને તેમાં વચ્ચે સમયને લાવે છે, તે બરાબર નથી, એ તો મને પણ ખબર છે. કે 'ગિરા' આજે સાંજની ફ્લાઈટમાં દેહરાદૂન નોકરીના ઈન્ટરવ્યૂ માટે ગયેલી છે. તે વયસ્ક અને સમજદાર છોકરી છે.તેની જવાબદરી સમજે છે. તેનો પહોચ્યાનો ફોન ના આવ્યો તેમાં ચિંતા કરીને હેરાન ન થા, અને હેરાન પણ ન કર . તું તારાં મનને 'મેનેજ' કર, નહીંતર તું આમ ને આમ તારાં મગજને 'ડેમેજ' કરી બેસીશ.

એટલામાં ફોનની રિંગ રણકી, અને 'રાહ'ના ચહેરાની રેખાઓમાં મૃદુતા આવી, તે ફોન ઉપર મારી બેન સાથે વાત કરતી હતી. 

હું જૂના સંસ્મરણો માં સરી ગયો..... 

કોલેજના દિવસોમાં 'રાહ' કોલેજની સૌથી સુંદર છોકરી હતી, કેટલાય છોકરાઓ તેની પાછળ હતા પણ તેણે, 'પંથ'ને પસંદ કર્યો, હતો. બંને એક ક્લાસમાં છેક પ્રાઈમરી સ્કૂલથી રહેલા તે કોલેજમાં પણ સાથે રહ્યા અને હવે જિંદગીની શતરંજમાં પણ સાથેજ હતા.'રાહ' સ્કૂલમાં નોકરી કરતી હતી અને 'પંથ'નો નાનો હાર્ડવેરનો સ્ટોર હતો.

'રાહ'ના કુટુંબમાં એકમાત્ર તેના પાપા હતા, તો પંથના કુટુંબમાં તેની માં અને નાની બેન 'ગિરા' હતી, બંનેના કુટુંબ સમોવડિયા હતા એટલે કદી 'ઈગો' કે 'લિવિંગ ગેપ' નહતો , અને બંનેના જીવનમાં સુમેળ હતો. લગ્નના થોડા સમય પછી 'પંથ'ની માતાનું અવસાન થયેલું, ત્યારે 'રાહ', 'પંથ' અને તેની બેન 'ગિરા' માટે વિપદાની ઘડીમાં સહારો બની અડિખમ રહી બંનેને સંભાળી લીધા હતા .

'રાહ', સાચ્ચેજ 'પંથ'ને ,ખરા દિલથી પ્રેમ કરતી હતી, 'પંથ' મહેનતુ અને લાગણીશીલ હતો,  એ જ વાત તેને ગમતી હતી. અને 'પંથ'ની માતાના અવસાન પછી જ્યારે શ્વેતાનો જન્મ થયો ત્યારે 'રાહ, 'ગિરા, અને 'પંથ' , ત્રણેયની ખુશીનો પાર નહતો. શ્વેતા મોટી થઈ ત્યારે ખબર પડી કે તે જન્મથી બેહરી- મૂંગી છે. તે સમયે 'રાહ' રીતસરની ભાંગી પડી હતી, પણ 'પંથ'ના સહનશીલ અને ઠરેલ સ્વભાવને લઈ, 'શ્વેતા'ને પ્રભુનો પ્રસાદ સમજી અપનાવી લીધી અને 'રાહ'ને પણ માનસિક રીતે તૈયાર કરીને 'શ્વેતા'ના ઉછેરમાં લાગી ગયા. તેના ઘરની નજીક આવેલી બહેરા મૂંગાની શાળાના શિક્ષકને રાખી બધા તૈયાર થઈ ગયા. 

'ગિરા'ની ફ્લાઈટ લેઈટ હતી, હજુ હમણાં એર પોર્ટથી ચેક આઉટ થયું છે અને, તે હોટેલ તરફ જાય છે , મે તેને હોટેલ પહોચી ફોન કરવા કીધું છે .... 'રાહ' ઉત્સાહથી બોલી ત્યારે મારી તંદ્રા તૂટી . 

ચાલ પંથ હવે આપણે જમી લઈએ, તું જલ્દીથી ટેબલ ઉપર આવ . 

રાહ તારું તો કહેવું પડે ! હં બરાબર, તું આનદમાં હોય તો કેવી સારી લાગે છે !. 

બસ મારે વખાણની જરૂર નથી, જમવા પધારો, સોરી બહુ મોડું થઈ ગયું છે આજે. ગિરાનો ફોન આવે તો કહેજો, મે તેની એર બેગના આગળના ખાનામાં લેટર મૂક્યો છે તે જોઈલે .....

હું થોડીક્જ વારમાં જલ્દીથી શાવર પતાવી ચેન્જ કરી ટેબલ ઉપર આવ્યો, ત્યારે 'રાહ' મારી બેચેનીથી રાહ જોતી હતી. ટેબલ ઉપર ગોઠવાતા જોયું તો આજે થાળીમાં , પુરણ પોરી, મરચાં ભજીયા, કારેલા, બટાકાનું રસાવાળું શાક, ડબકા કઢી, અને મોતી-પુલાવ, પાપડ પીરસેલા હતા. મેનૂ જોતજ ખ્યાલ આવ્યો કે આજે તો 'ગિરા'નો બર્થડે હતો, થોડી ક્ષણ માટે મનમાં મને ગુસ્સો આવ્યો કે હું આજે 'ગિરા'ને વિશ કરતાં ભૂલી ગયો, પણ 'રાહે' બાજી સંભાળી લીધી હોય તેમ લાગ્યું એટલે શાંતિ થઈ. 

શાહી ભોજન પત્યા પછી હંમેશના ક્રમ મુજબ કોલ્ડકોફી વિથ વેનીલાનો મગ લઈ અમે ટી વી જોતાં હતા, અને 'ગિરા'નો ફોન આવ્યો, તે હવે હોટલે પહોચી ગયી હતી અને જણાવ્યુ કે, તેણે જમવાનું રૂમમાં મંગાવેલું છે, અને આવશે એટલે ખાઈ ને સૂઈ જશે . 'રાહે', ગિરાને તેની બેગમાં મૂકેલો લેટર જોવાનું યાદ દેવડાવીને ફોન કટ કર્યો અને પછી અમે સૂવા ગયા. 

લગભગ અડધા કલાક પછી ફોનની રિંગ વાગી જોયું તો, તે 'ગિરા'નો હતો, મે ફોન 'રાહ' ને હવાલે કર્યો ,સામે છેડેથી ભાભી ... અવાજ આવ્યા પછી સતત 'ગિરા'ના રડવાનો અવાજ આવતો હતો. શિયાળાની રાતે પણ અમને પરસેવા છૂટી ગયા, શું થયું હશે આ છોકરીને ? કેમ રડે છે ? અને તે બોલતી કેમ નથી ?.તેવા વિચારે ચિંતામાં હતા અને તેવામાં ફોન કટ થયો એટલે વધારે ચિંતા થઈ.

મારી ઊંઘ હવે ઊડી ગયેલી હતી .. શું કરવું .. તેની ફિરાકમાં હતો, ત્યાં 'રાહ' આવી અને લેપ-ટોપમાથી હોટેલ બૂકિંગનું કન્ફર્મેશન શોધી દહેરાદૂનની લિબર્ટી હોટેલનો નંબર શોધી કાઢ્યો, અને હોટેલ ઉપર ફોન લગાવ્યો .રિસેપ્શનમાં વાત કરીને 'ગિરા'થી વાત કરાવા કીધું...

ત્યાં 'પંથ'ના મોબાઈલ ઉપર 'ગિરા'નો ફોન આવ્યો, .. ભાઈ, ફોન ભાભીને આપોને... મે કીધું.. હું .. આપું છું, પણ તું કોઈ તકલીફમાં છે ? ના ભાઈ એવું નથી, પણ ભાભીને આપો.

મે 'રાહ'ને ફોન સ્પીકર મોડમાં મૂકીને આપ્યો, 'ગિરા'હજુ .. રડતી હતી , તેણે કીધું..

ભાભી ..એક અજીબ વાત બની છે. હું હોટલ સુખરૂપ આવી પહોંચી હતી, કોઈ તકલીફ ન હતી ફ્લાઈટમાં સીટ પણ બરાબર હતી, અહી રૂમ પણ સરસ છે, થાકેલી હતી એટલે ખાવાનું રૂમમાંજ મંગાવી, રૂમનો દરવાજો અનલોક રાખી, હું આવતી કાલના ઈન્ટરવ્યુ માટે તૈયારી કરતી હતી અને હોટેલ બોય ખાવાનું લઈ આવ્યો તેણે રૂમનો બેલ માર્યો, મે તેને દરવાજો ખુલ્લો છે અંદર આવ ,પણ તે સતત બેલ મારે રાખતો હતો, એટલે મારો ગુસ્સો ગયો અને તેને ખખડવી દીધો , બહેરો છે? ચાર વાર બૂમો પાડું છું ,સાંભળતોજ નથી આવી સર્વિસ આપે છે... પણ ભાભી તે કશું બોલ્યો નહીં અને ટ્રે સર્વ કરીને બિલ આપતા 'BANZSL' લેન્ગ્વેજમાં મને જણાવ્યુ કે તે બોલી કે સાંભળી શકતો નથી, અને તે પણ કીધું કે હું ચેક ઈન કરીને રૂમમાં આવતી હતી ત્યારે મારી બેગમાંથી એક લેટર કાર્ડ લિફ્ટમાં મારી બેગમાંથી પડેલું હતું, એમ કહી તેણે તેના ખિસ્સામાથી તે કાર્ડ-કવર મારા હાથમાં જતા -જતા આપતો ગયો. 

ભાભી, આપણી 'શ્વેતા'એ કેટલું સરસ મારી બર્થડે નું કાર્ડ બનવ્યું છે ! અને તમેય ખરા છો, ચૂપ-ચાપ કાર્ડ બેગમાં મૂકી અને મને તે જોવા કીધું હતું, પણ મે તેને નજર અંદાજ કર્યું, હું 'શ્વેતા'ની મૂંગી પ્રીતની ગુનેગાર છું, મને માફ કરીદો.

શાંત થા 'ગિરા, 'રાહે, સાંત્વના આપતા ઉમેર્યું ,આજે મારૂ જીવ્યું સાર્થક થયું ' ગિરા', તું જિંદગીનો મર્મ સમજી છે, એટલે તને પસ્તાવો થાય છે, તું દુ:ખી ના થા, આપણાં બધાનું દિલ દરિયા જેટલુ વિશાળ છે તેમાં આવા અસ્થાયી પરપોટાને સ્થાનના હોય. તું તારી ભાવનાઓને વ્યક્ત કરવાની હિંમત જુટાવી શકી તે અમારા માટે મોટી વાત છે.

'ગિરા ,આપણે, એ ન ભૂલવું જોઈએ કે ખુશી તરત મેળવવાની વસ્તુ છે. જો 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' ને યાદ કરએ તો જ હાંસલ કરી શકાય છે. ખુશી વહેંચવાની વસ્તુ છે માટે તું હમણાંજ જા અને તે હોટલ બોયની માફી માંગી તેના ચહેરા ઉપર પણ ખુશી લાવ. તારું મન નિર્મળ છે તેથી તારા જીવનની રાહમાં કોઈ પણ પસ્તાવાને સ્થાન ન હોય. પસ્તાવાના બોજથી મુક્ત થા અને આવતીકાલના ઈન્ટરવ્યૂ માટે ફરીથી શુભકામનાઓ સાથે ગુડ નાઈટ દીકરા..

નણંદ ભાભીના વાર્તાલાપ સાંભળી, થોડાક કલાક પહેલા 'રાહ' ઉપર ઠાલવેલો મારો ઊભરો મને અત્યારે વ્યર્થ લાગતો હતો તે અમારી ખરા અર્થમાં 'રાહ-દાર' હોય તેમ લાગતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama