Kalpesh Patel

Drama Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

રહેમત

રહેમત

11 mins
3.2K


બેંગલોર શહેરની જૂની અને જાણીતી ઈરાની હોટેલ 'લકી'ના ગેટ પર હર્લીની મોટર-સાયકલના બ્રેકના અવાજ સાથે સળવરાટ થંભી ગયો. ઈલેશ કેમિકલ એન્જીનિયરીંગના સાતમા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો, અને કોલેજ પાસે આવેલી ‘લકી’ રેસ્ટોરન્ટ માં રોજ બપોરે ત્રણ સાડા ત્રણે અહી અચૂક આવતો, અને ગલ્લા ઉપર બેઠેલા રૂસ્તમ ભાઈ કેળાવાલા દરરોજ તેને સલામ કરી આવકારતા હતાં, તેઓ યુવાની વટાવી ચૂકેલી પણ સપ્રમાણ દેહ અને સ્વચ્છ બૉસ્કી ના સફેદ કુર્તામાં કોઈને નજર ઠેરવી જોવાનું મન થાય તેવા હતાં. તેઓ હંમેશા સૌને અવકારતા અને અંહી આવતા દરેક ના દિલની વાતો ના રાહદાર હતાં તેમાથી ઈલેશ પણ બાકાત નહતો..

આજની ઈલેશની ઠસ્સાપૂર્વક અને સ્ફૂર્તિલી એન્ટ્રીથી લીધેલી તેની જગ્યાએ રૂસ્તમભાઈને પણ ઉત્સાહિત કરી દીધા હતાં, અને વણ માગ્યા ઓર્ડરની પરચી ફાડીને લકી સ્પેશિયલ ચાય વિથ ડબલ મસકા બન'ની સર્વિસ ઈલેશના ટેબલે પહોચાડી દીધી, અને ઈલેશને અછડતા હાસ્યથી જોઈ, બીજા ઘરાકને એટેંડ કરવામાં મન પરોવે છે.

રૂસ્તમભાઈના કામમાં, જ્યુક બોક્સમાં ચાર આની નાખી ચાલુ કરેલી ફરીદા ખાનુમ દ્વારા ગવાયેલ ગઝલની સૂરાવલિએ વિક્ષેપ પડ્યો અને જોયું તો તે ઈલેશ હતો તેને આ ગીત જ્યુક બોક્સમાં સિલેક્ટ કરેલ હતું, રૂસ્તમભાઈને નવાઈ લાગી, હંમેશા ઉત્સાહના કુંજની માફક જીવતો ઈલેશ આજે આવા મરશિયા ગીતને રવાડે કેમ? તેમણે વેધક નજર દોડાવી, અને જોયું તો ઈલેશ... હાથમાં ચાયના કપ અને મસકા બન સાથે ગઝલને બંધ આંખે માણતો હતો અને જેમ જેમ ગઝલના શબ્દો પ્રસારિત થતાં ગયા તેમ તેમ ઈલેશ ગમગીન બનતો ગયો.. જે રહિમ ભાઈ માટે આશ્ચર્યની વાત બનતી જતી હતી.

આજ જાને કી જીદ મત કરો, યું હી પહેલૂમે બૈઠે રહો। ….

 હાય મર જાયેંગે, હમ તો લૂંટ જાયેંગે, ઐસી બાતેં કિયા ન કરો। ….

 તુમ એ સોચો જરા કયું ના રોકે તુમ્હે, જાન જાતી હૈ જબ ઉઠકે જાતે હો તુમ। …..તુમકો અપની કસમ જાનેજા. …. આજ જાને કી જીદ ન કરો …..

 વકત કી કેદ મેં જિંદગી હૈ મગર,  ચંદ ઘડીયાં યેહી હૈ જો આઝાદ હૈ

 ઈનકો ખોકર મેરી જાને જા ઉમ્ર ભર ના તરસ્તે રહો…આજ જાને કી જીદ ના કરો….

 કિતના માસુમ રંગીન હૈ યે સમાં, હુશ્ન ઔર ઈશ્ક આજ મૈ રાજ હૈ…….

 કલકી કિસકો ખબર જાને જા…….રોક લો આજ કી રાત કો……..

 આજ જાનેકી જીદ ન કરો। ….બાત ઈતની મેરી માન લો। …

ઈલેશની બન્ધ આંખોની પાંપણે એક સરસરાટ અનુભવ્યો,તેને ખભે કોઈના મૂકાતા હાથની સાથે ઝન્નતે ફિરદોસની સુવાસ તેના નાકમાં પહોચી મધુરી સુવાસનું એક તાજું મોજું એને ભીંજવી ગયું.બંધ આંખે અનુભવ્યું કે હાથ પારસી બાવાજીનો છે અને ઈલેશે આખરે આંખ ખોલી.......

રૂસ્તમભાઈની “રહેમત” ભરી નઝર, ઈલેશને તેનો ઊભરો ઠાલવવા માટે પૂરતી હતી...

***

………..ઈલેશ – ઈલાની પહેલી મુલાકાત કોલેજના ગત વરસે યોજાયેલ રક્તદાન શિબિર દરમ્યાન થઈ હતી, ઈલેશ સંકોચાઈને મેડિકલમાં અભ્યાસ કરતી સુરત શહેરની ઈલાની સામે બ્લડ ગૃપિંગ માટે સ્ટૂલ ઉપર બેઠો ત્યારે પાછળ ઉભેલા ઉમંગે ઈલેશને, ઈલાની નજીક ધકેલ્યો.’સ્કૂલના છોકરાની જેમ નર્વસ થઈ ગયો કે શું? બ્લડ ડોનેટ કરવા નીકળ્યાં છીએ મરદ બન દુનિયા જખ મારે, ઉમંગ મસ્તીમાં બોલતો જતો હતો..... ઈલાએ બાજી સંભાળી લીધી અને ઈલેશના નામમાં તે દિવસે બ્લડ ડોનરનું વિશેષણ ઉમેરાયું.

ઈલેશ- ઈલાની તે ટૂંકી મુલાકાત હવે સમયના સથવારે પરિણયમાં પરિવર્તિત થતી હતી, તેઓ કોલેજકાળના મિત્રો હતાંં તેથી હળવાશના વાતાવરણમાં ઈલેશ વધુ સમય લાઈબ્રેરી કે કેન્ટીનમાં રોકાતો, કેટલીક વાર તે ઈલાના ટિફિનમાંથી નાસ્તો કરતો, અને તેઓ રૂસ્તમભાઈની હોટેલે પણ જતાં અને ચા મંગાવતો. પહેલેથી ઈલેશનો સ્વભાવ મસ્તી મઝાકનો અને નિખાલસ હોવાથી ઈલાને ઈલેશ ગમતો અને ભાવના- લાગણીઓનું આદાન પ્રદાન થતું રહેતું.

આ વર્ષે પણ બ્લડ ડોનેશનની શિબિર હતી અને તે કેમ્પ પછી બીજા દિવસે ઈલાનો ફોન હતો અને તેને જણાવ્યુ કે, ઈલેશ તારું ડોનેટ કરેલું બ્લડ ચાલે તેમ નથી, અને રૂબરૂ મળવા માટે કોઈને લઈ આવવા તલબ કરેલી, અને ઈલેશ ઈલાને મળવા ગયેલો 

ઈલેશ અને ઈલા વરસ દરમ્યાન ઘણી વાર મળેલા પણ આજની વાત અલગ હતી, એકબીજાને મુંઝાતા જોઈ રહ્યાં. થયેલું એવું કે ઈલેશનો ફ્રેન્ડ ઉમંગ પ્લાન પ્રમાણે આવી શક્યો નહોતો. છેક છેલ્લી ઘડીએ ઈલેશ એકલો ઈલાની લેબમાં આવેલો. સેમેસ્ટરની પરીક્ષા પતી ગયેલી હોવાથી ઈલેશ બેગ્લોરની ટેક ઈસ્ટિટ્યૂટમાંથી હવે રજાઓમાં ટૂંકમાં તે ઘેર જવાનો હતો.

બંનેની મુઝવણને જોઈ લેબ ટેક્નિશિયને ઈલેશ ને જણાવ્યુ મેડિકલ લેબના રિપોર્ટ અનુસાર તેને લૂકેમિયા થયેલો હોઈ તેમજ તેના બ્લડ કાઉન્ટના રીડિંગ નબળા હોવાથી તેનું ડોનેટ કરેલું લોહી ચાલે તેમ નથી. 

ઈલા કોઈ અગમ્ય લાગણીથી ઈલેશ પ્રત્યે આકર્ષિત થયેલી હતી, તેના માટે ઈલેશના બ્લડ કાઉન્ટના રિપોર્ટ અકલ્પ્ય હતાં, પણ મેડિકલ શાખાની સ્ટુડન્ટ હોય ઈલેશને ચેતવવો જરૂરી હોઈ તેને રૂબરૂ બોલાવેલ અને, ઈલાએ, ઈલેશ ને જણાવ્યુ કે તેના કાઉન્ટ ચોથા સ્ટેજમાં હોઈ ક્યોરના ચાંસ નહિવત છે, સામાન્ય રીતે છ મહિનાથી વરસની લાઈફ હોય છે આવા કેસમાં, અને તે દરમ્યાન ઈલેશના ફેમિલી બેક ગ્રાઉન્ડની વિગત ઈલાએ પૂછતાં, ઈલેશે જણાવ્યુ કે તેના ફેમિલીમાં તેના પિતા, ભાઈ ભાભી હયાત છે અને ગુજરાતમાં કાપડનો બીઝનેસ છે.

***

ઈલેશે હતાંશ થતાં રૂસ્તમભાઈને કહ્યું, બાવાજી મારૂ બધું ખલાસ થઈ ગયું હવે, અને હવે...તે તેના ઘેર પરત જશે આ તેની છેલ્લી મુલાકાત છે. રૂસ્તમભાઈ એ કહ્યું દીકરા, આપણે સૌ માલિકના સંતાન છીએ, માલિકના દરબારમાં “રહેમત” ની ખોટ નથી, જા દીકરા.... જા... તારે ઘેર. પણ તારી બચેલી જિંદગીમાં ક્યારેક ખાલીપો વર્તાય અને આનંદ અને શાંતિની જરૂર ઊભી થાય તો અહી દોડ્યો અવાજે તારા આ બાવાજીનો ખભો અને કાળજું સબૂત છે તારી જિંદગીને ખુશીઓથી ભરવા માટે...... 

તે પછીના અઠવાડીયામાં ઈલેશે, રિપોર્ટના પેપેર્સ મેળવી ઈલાની રજા લેતા કહ્યું, કે તે તેના હોમ ટાઉન અમદાવાદ જશે, ત્યારે ઈલા એ પૂછ્યું કે ક્યારે જવા માગે છે ? તે પણ સુરત જવાની હોઈ બંને એ એક ટ્રેનમાં ટીકીટ બૂક કરાવી.

બેગલોરથી અમદાવાદની લાંબી ટ્રેનની સફરમાં આ વખતે જ્યારે ઈલેશને ઈલાનો સંગાથ હતો અને નસીબે મારેલી થપાટમાં પણ સૂરત સુધીની સફર યાદગાર બની તે ક્યાં વીતી ગઈ તેનો ખ્યાલ ઈલેશને ત્યારે આવ્યો કે, ઈલાએ તેને તાકીદ કરી કે અંહી સ્ટેશન પાસે 'સાસુમાં’ લોજ છે તેમાં જમવા ચાલ” ટ્રેનને અંહી એન્જિન બદલવાનું હોઈ સુરત સ્ટેશનનો હોલ્ટ એક કલાકનો હોય છે, “જેણે સુરતનું જમણ ના જમ્યું હોય તેના જન્મનો ફેરો ફોગટ ગણાય”. પણ જવાબમાં ઈલેશે માત્ર ટૂંકું સ્માઈલ આપતા, ઈલા,  “ફરી મળીશું કોઈ વાર” કહી, તે સૂરત સ્ટેશને ઉતરી ગઈ.

 અમદાવાદ આવ્યા પછી ઈલેશની મૂંજવણ વધી ગઈ, તેને અંહીના નર્સિંગ હોમમાં દાખલ કરેલો, ઘરના બધા પોત-પોતાનામાં વ્યસ્ત હોઈ તેમની શરૂઆતની મુલાકાતો હવે નિયમિત રીતે અનિયમિત બની ગયેલી હતી. ઈલેશને એકલતા કોરી ખાતી હતી, નર્સિંગ હોમનું ન્યૂટીસીયન ડાયટના નામે મોરું ફિક્કું ખાઈને અને ઉપરથી “કિમો થેરપીની” ગરમી થી કંટાળેલો. સાતમા માળે કેન્સર વોર્ડના છેડા પર આવેલા સ્પેશ્યલ રૂમમાં ઠરી ગયેલી ફિનાઈલ અને ડેટોલની વાસથી તેનો જીવ હવે સતત ચૂંથાતો હતો.

આજે એકાએક એલ-ઈ-ડીના સફેદ પ્રકાશમાં ઈલાએ તેના મનનો કબ્જો લઈ લીધો હતો. ટ્રેન સફરની બેગલોરથી સુરત સુધીની મહેકતી મુલાકાતની યાદમાં ટ્રેનમાં ઈલાએ કીધેલા છેલ્લા શબ્દો “ ફરી મળીશું” ના કોલના પડઘા પડતાં જતાં હતાં.

ઈલેશનો શ્વાસ આછા લયમાં રોકાયો, તેને લાગ્યું કે અબઘડી ઈલા અંહી આવી છે અને તેના રૂમના દરવાજાનો પડદો ખસેડી તેને બોલાવે છે, પણ વાસ્તવમાં તેનો ભ્રમ હતો અને હવે, તેના સ્પેશિયલ રૂમનો બેડ શાંત સરોવર હોય અને તેમાં ધીરે ધીરે પોતાનું પ્રતિબિબ વિલીન થતું હોય તેવો આભાસ તેના દિલમાં ઊભરી આવ્યો.

તેણે ફ્લાવર વાઝ માથી આજેજ સજાવેલા વાયોલેટ રંગના ઓરચીડના ફૂલની ડાળી ઉપાડી તેણે હળવેથી પોતાના બદન પર દબાવી. શરીરની સમગ્ર ચેતના ઈલાની યાદ તેની આંગળીઓના ટેરવે રોમાંચિત થઈ ઝણઝણી ઊઠી.

ઈલેશ અતીતના રમણીય સમયમાં સરી ગયો હતો.તેણે ટ્રેકિંગ પિકનિક દરમ્યાન પહેલી વાર ઢાળ ઊતરતી વખતે, ટેકરીઓ પરથી એક નાનકડું રાતુંચોળ ફૂલ ઈલાને રોમિયોની અદાથી આપ્યું હતું. તે પ્રસંગ યાદ આવ્યો અને ઈલા તે વખતે અન્ય મિત્રોના તાળીઓના અવાજથી કેવી શરમાઈ ગઈ હતી તે દિવસ પણ યાદ આવ્યો.યાદો ના સિલસિલામાં ઈલેશે ક્યારેક રૂસ્તમભાઈની અલપ-જલપ પણ થતી રહેતી જોઈ.

ઈલેશ પોતે કશું બોલવા તડપે છે પણ કિમો થેરાપીની અસરથી અવાજ રિસાઈ ગયો હોય તેમ તેને લાગ્યું, ત્યાં હળવી ચપટીના અવાજથી તેનું ધ્યાન ખેંચાયું. ‘ડોન્ટ બી સેડ ઈલેશ માય બોય, યુ વિલ બી ઓલરાઈટ, નર્સિંગ હોમના ડોક્ટર બોલ્યા.

 ‘મારાથી શ્વાસ નથી લેવાતો ડોક્ટર સાહેબ ‘ ઈલેશ કડડભૂસ કડાકા સાથે તૂટી પડતો પૂલ હોય તેમ ચીખી ઊઠ્યો. અને જવાબ માં ડો.ઓક્સિજનની નળીને ઠીક કરે છે.અને નર્સ ભીના ટુવાલથી એનું મોં લૂછે છે. યુ વિલ ગેટ રીલીફ સૂન, આઈ હેવ ચેન્જ ધ મેડિસિન,’સી યુ ટુમોરો ‘ કહી રૂમની બહાર ડોક્ટર ગયા..

ઈલેશ મહેસુસ કરતો હતો કે આજના સૂર્યાસ્ત પછી ભૂખરી ઉદાસીનું પૂર રૂમમાં નિશબ્દ બની ટૂંકમાં તેની જિંદગીમાં હવે ફરી વળવાનું હતું. ઈલેશના ચહેરા પર થાક અને વેદના વર્તાતી હતી. ઈલેશને પોતાના કેન્સરગ્રસ્ત શરીર માટે ધિક્કાર થયો,કેમ કરીને તેનાથી છૂટકારો મળે ? હજી કેટલી વાર કિમો લેવાનો? અરર આ સતત ઊબકા ને માથાની નસોની તાણ. ના ના હવે સહન નથી થતું., એ કેટલો લાચાર કે જાતે બાથરૂમમાં પણ નથી જઈ શકતો,પાણીનો પ્યાલો તેના નબળા હાથથી પકડી શકતો નથી.

તેણે મક્કમતાથી નિરાશાને ખંખેરી અને નિશ્ચય કર્યો, એક જાટકા માં ઓક્સિજનની નળીને ખેચી કાઢી અને પથારીમાથી તે ઊભો થયો અને ઈલાની મધુર યાદોથી મનમાં જાગેલાં સંવેદનોએ તેના રોમ રોમમાં ભળી જઈ સંમોહક વાતાવરણ સર્જ્યું હતું.

તે સાવધાનીથી ઊભો થયો દરવાજો ખોલીને બ્લેંકેટ ઓઢી હળવેથી લિફ્ટ દ્વારા નીચે સેલર લેવલ ત્રણમાં આવી “ઉબર” માંગવી સીધો તેના ઘેર પહોચ્યો ત્યારે રાત્રિના દસ વાગી ગયા હતાં ઘરના સૌ કોઈ પોત પોતાની દુનિયામાં હતાં, તે તેના રૂમમાં ગયો, તેનો માતાના ફોટા પાસે કેટલૂક રડ્યો, પછી તેણે તેના ઘરના સભ્યોને ઉદ્દેશી પત્ર લખ્યો અને બેગમાં જૂજ કપડાં અને એટી એમ કાર્ડ, અને થોડા પૈસા લઈ,  જીવ્યાના જુહાર પાઠવી, ઈલેશ તેના સૂતેલા પિતા મહાદેવભાઈને ચરણ વંદન કરી એર પોર્ટ ગયો અને રાતની એક વાગ્યાની ફ્લાઈટ પકડી બેંગલોર પહોચી ગયો.

સવારની ફજરની બંદગી પતાવી રોજિંદા ક્રમ મુજબ રૂસ્તમભાઈ સવારે ચાર વાગે તેઓની “લકી” હોટેલ ઉપર આવ્યા ત્યારે તેમણે માથે નહિવત વાળ સાથેના ઈલેશ ને જોયો અને ઈલેશ પણ રૂસ્તમભાઈ ને વળગી ખૂબ રડેલો, બાવાજી હું નોધારો થઈ ગયો, મારૂ મોત ઢુંકડું છે, તેને સુધારો, હું તમારે આશરે જગ છોડી આવ્યો છું. તન અને મનને મારે શાંતિ જોઈયે છે. તેની હાલત જોતાં રૂસ્તમજી સમજી ગયા, આવ દીકરા ચલ આપણે સેલ્ફી લઈએ, હું તારા આવવાની  ઘણા દિવસથી રાહ જોઉં છું, હવે કોઈ ચિંતા તું કરીશ નહીં. હમણાં ઉપર આરામ કર તારો રહેવા ખાવાનો બંદોબસ્ત સવારે કરીશું.

બીજે દિવસે બપોર સુધીમાં ઈલેશની રહેવા જમવા માટેની ગોઠવણ થઈ ગઈ, શહેરની કેન્દ્રિય વિધ્યાલય પાસેના પેઈંગ ગેસ્ટમાં સરસ હવા ઉજાસ અને અલાયદા સંડાસ બાથરૂમની સગવડ સાથેની વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી છેલ્લા ચાર મહિનામાં પહેલી વાર ઈલેશને મુક્ત વાતાવરણનો અહેસાસ થયો. રૂસ્તમભાઈએ કહ્યું દીકરા જલ્સા કર, દવા લાવ્યો હોય તો ઘા કરીદે તેને કચરાપેટીએ અને નેક દિલથી દુઆ કરતો રહે સૌ સારા વાના થશે, માલિકની રજા-કજાએ યા મરજી પ્રમાણે તને કઈ થાય તો તારા ઘરે સમાચાર આપીને ઘટતું કરવાની જવાબદારી મારી. હું તને મળતો રહીશ પણ, તું તો હોટલે આવતો જતો રહેજે. 

ઈલેશનું મન “ઈલા” મય હોઈ તેનો સંગ ઈચ્છતું હતું, તેણે કેમ્પસમાં તપાસ કરી પણ તે ગ્રેજુએશન પછી પી-જી માટે સુરત મેડિકલ કોલેજમાં ગઈ છે તેમ જાણવા મળેલ, તેથી થોડો હતાંશ થયેલો, પણ પરિસ્તીથીનો સ્વીકાર કરી બને તેટલો આનંદમાં રહેતો. 

ત્યારપછીના ત્રણ માસમાં ઈલેશની દિનચર્યા બદલાઈ ગઈ હતી સવારે ચાર વાગે તે ઊઠતો, અને પેઈંગ ગેસ્ટના હૉલમાં રામદેવજીની સીડી ઉપર આજુબાજુના રહીશો યોગા કરતા હતાં, તેમાં જોડાતો, ત્યારબાદ સાત વાગે નાસ્તો અને ચા પતાવી લાઈબ્રેરીના છાપા વાંચતો, થોડીક આમ તેમ લટાર મારી ફરી ને કેન્દ્રિય વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવતો. વખત જતાં વિદ્યાલયના છોકરાઓના મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જોડતો, આમ ટૂંકા ગાળામાં તે કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીમાં જાણીતો બની ગયો.અને પ્રાઈવેટ ટ્યુશન ગોઠવાઈ ગયા હતાં. ખાવા પીવામાં કોઈ પરહેજ નહીં અને "ટેનશનને પેન્શન" પર રાખવા સફળ થયેલો.

ઈલેશ ટૂંકા ગાળામાં સ્વનિર્ભર બની ગયેલો, અને જેમ દિવસો વિતતા ચાલ્યા તેમ તેમ તેના મન અને બદન ઉપરથી મૃત્યુનો સાયો હડસેલાતો ગયો. અને પોતે નવજીવન પામ્યો હોઈ તેમ મહેસૂસ કરતો હતો. અંહી બેગલોરમાં પણ હવે તેનું સામાજિક માન સન્માન, અને સોશિયલ ફિલ્ડ વિકસી રહ્યું હતું, અનેક છોકરાઓના જન્મ દિવસની ઉજવણીમાં જોડતો રહેતો અને આ બધા વચ્ચે રૂસ્તમભાઈની ચાયની ચૂસકી તો ખરીજ. ક્યારેક હળવી પળોમાં રૂસ્તમભાઈ ઈલેશને તેના આછા વાળ વારી લીધેલી સેલ્ફી બતાવી મજાક કરતાં હતાં અને કહેતા – “મારૂ મોત ઢુંકડું....! ” અને ઈલેશને ભરપૂર વહાલ કરી માલિકનો આભાર માનતા. 

હોળી, પછી બળેવ, રૂસ્તમજીની પતેતી પછી નવરાત્રિ દશેરા દિવાળી, નાતાલ, ઉત્તરાયણના અવિરત ચાલતા ઉત્સવોના ચક્રમાં ઈલેશ સૌને ભૂલી સ્વ સાથે એકાકાર થઈ જીવતો હતો, તે કોઈ વાર વિચારતો કે નર્સિંગ હોમના તે રૂમથી લિફ્ટ સૂધીનું માડ પચાસ ફૂટ નું અંતર કાપતા તે દિવસે હાંફીગયેલો અને આજે રોજના પાંચ કીલીમીટરનું ચાલવાનું તેને સહજ લાગતું હતું.પેન્ટ અને શર્ટના માપ હવે મીડિયમમાંથી લાર્જ થઈ ગયેલા હતાં.

આજે સવારે પેઈંગ ગેસ્ટનું રસોડુ બંધ હતું, એટલે ઈલેશે રૂસ્તમજીને ફોન લગાવી ને તેમનં ભેગુ તેના માટે પણ “ભાણું” માંગવાનું કીધેલું. બપોરે ઈલેશ અને રૂસ્તમજી સાથે જમવા બેઠા, 'ભાણું'ના ટિફિન સાથે રૂસ્તમજીએ ખમણ-જલેબી પણ મંગાવેલા હતાં, અને ખમણ-જલેબીનું પડીકું ઈલેશને આપતા કહ્યું લે દીકરા ખા તો ખરો..... તું પણ યાદ કરીશ, તારા ગુજરાતને પણ આંટ મારે તેવા ખમણ – જલેબી છે.

હોટેલના છોકરાઓએ ટેબલ સલાડ અને છાસ સાથે સજાવી રાખેલ હતું, અને રૂસ્તમજી અને ઈલેશ જમવા ત્યાં ગોઠવાયા, ઈલેશે જલેબીનું પડીકું ખોલ્યું અને બંને ડિશમાં પીરશી અને ખમણનું પડીકું પણ ખોલ્યું અને રૂસ્તમજી તથા તેની ડિશમાં લઈ બચેલા ખમણ ને બીજી ડીશમાં રાખી પડીકાનો ખમણથી ભીનો થયેલો છાપાનો કાગળ ડસ્ટ બિન માં નાખવા જતો હતો ત્યાં છાપા માં છપાયેલ સમાચાર ઉપર નજર પડી તે હલબલી ગયો.

સમાચાર પત્ર માં છપાયેલ હતું ‘ગુજરાતની “મહાદેવ ટેક્સ્ટાઈલ ફડચામાં” અને તેના સી ઈ ઑ..મહાદેવભાઈ શેઠ..... આઘાતથી કોમાંમાં”.. જેમ તેમ મૂંગાં મોઢે જમવાનું પતાવ્યું અને ઝટ-પટ હાથ ધોઈ, રૂસ્તમજી પાસે બેસી ગયો, રૂસ્તમજીએ પૂછ્યું પાછું શું થયું દીકરા શું જમવાનું ના ભાવ્યું.

ના બાવાજી તેવું નથી મારે ગુજરાત જવું પડે તેમ છે, મારા બાપા ને ધંધામાં ખોટ આવી છે અને તેઓ મરણ પથારીએ છે.

ના ઈલેશ દીકરા માલિકની મરજી પ્રમાણે તારા લેણદેણ ગુજરાતથી પૂરા છે, તું ના જા, પરત, તારી તે દુનિયામાં, ના બાવા મારે આવા સમયે તો જવુંજ જોઈયે, ખેર ભાઈ તારી ઈચ્છા. બોલ ટિકિટ કઈ કઢાઉ, બાવા ટ્રેનની બૂક કરવજો.

બીજે દિવસે ઈલેશને સ્ટેશને છોડવા રૂસ્તમજી આવ્યા ત્યારે તેમની આંખો સજળ થઈ, જાણે કોઈ તેમનું પોતીકું સ્વજન વિખૂટું પડતું હોય તેમ લાગતું, ઈલેશ પણ ઢીલો પડી તેમણે વળગી ખૂબ રડ્યો, બાવા હું ગયો અને ટૂંકમાં પાછો આવ્યો સમજો.મારા ભવની સગાઈના બંધનના ઋણ પૂરા કરવા જાઉ છું બાકી મારા શ્વાસ અને ધબકાર તો તમારી પાસે છે, તે તમારી દેન છે તે કેમ ભૂલાય ?

નિયત સમયે ટ્રેન ઉપડી અને ઈલેશ આજ ટ્રેનની ઈલા સાથેની કરેલી સફરની મધુર યાદોમાં ખોવાઈ ગયો,ટ્રેનની બારી બહારની દુનિયા જોતાં લાગ્યું કે પોતે તો તે જ છે પણ બારી બહારની દુનિયા અજર કેવીક હસીન લાગે છે, તે આનંદિત હતો. કારણ કે તેની જિંદગીમાં કોઈ આશા હવે નહતી.

સવારે બાર વાગ્યાના સુમારે ટ્રેન જ્યારે સુરત સ્ટેશને પહોચી ત્યારે, તેને ઈલા એ કીધેલું, “જેણે સુરતનું જમણ ના જમ્યું હોય તેના જન્મનો ફેરો ફોગટ ગણાય’ તે યાદ આવ્યું, સામાનમાં કઈ ખાસ હતું નહીં, છતાં તેને બોગી એટેડંટને તલબ કરી પોતે હમણાં જમીને આવે છે કહી સ્ટેશનની બહાર આવી પૂછવા જતો હતો કે “સાસુમાં લોજ ક્યાં” ત્યાં રોડની સામે સાઈડે લોજના સાઈન બોર્ડ ઉપર નજર પડી. અને ઈલેશ જીબ્રા ક્રોસિંગની લીલી લાઈટ થતાં, તે રોડ ક્રોસ કરવા આગળ ધપ્યો ત્યાં ડાબી બાજુએથી ધસ-મસતી આવતી ટ્રકે ઈલેશને અડફેટે લઈ લીધો.

....... રૂસ્તમજીના મોબાઈલ ઉપર સુરત રોડ પોલીસનો ફોન રણક્યો, સામાન્ય રીતે શાંત રહેતા ફોનમાં આવેલી રીંગે રૂસ્તમજી સાવધ થઈ ગયા અને ફોન રિસીવ કરતાં સમાચાર મળ્યા કે એક યુવાનનું રોડ અડફેટે મોત થયેલું છે અને તેના મોબાઈલમાં તમારો નંબર વધારે વાર વપરાયેલ હોઈ તમોને જાણ કરીયે છીએ અને તેનો ફોટો તમને વોટ્સ એપમાં મોકલેલ છે તો, તમો અથવા,  આ મૃતકના કોઈ સગાને બોડી લેવા સુરત સિવિલ હોસ્પિટલ મોકલો.

રૂસ્તમજી એ ફોનમાં ઈલેશનો ફોટો જોયો, પણ મનમાં ગેડ બેસતીના હતી કે ઈલેશ ટ્રેનમાંથી સૂરતના રોડ ઉપર ક્યાથી. તેમના મનનું સમાધાન આપે તેવું કોઈ હતું નહીં, પણ મનોમન માલિક ને ફરિયાદ ફરતા હતાં, હે માલિક તારી “રહેમત” માં કેમ ખોટ આવી આજે ? મારા ઈલેશની જીવાદોરી ટૂંકી હતી તો તે લંબાવીને લાગણીના તંતુમાં, હે માલિક, આ ગરીબ રૂસ્તમજી કેમ જોડ્યો..?. મારો દીકરો બહુ મુશ્કેલીથી જિંદગી જીવતા શિખેલો, તેને જીવવા દેવામાં તને શું નુકશાન હતું, તેના બદલે મને ઉપાડી તારી “રહેમત” કાયમ રાખતા કોણે તને રોક્યો.

 રૂસ્તમજીએ સુરત સિવિલ હોસ્પિટલના મોર્ગમાં જઈ ચીર નીન્દ્રામાં પોઢેલા ઈલેશના ખભા અને મસ્તક પર પર હાથ ફેરવ્યો. અને ધીમા અવાજે માલિકની બંદગી કરતાં ગુલાબનું ફૂલ ઈલેશના સીના ઉપર મૂક્યું અને બીજી ક્ષણે તેઓએ ઈલેશના ઠંડા હાથને, ઊંડા પાણીમાં ડૂબતાં બચાવની આશાએ જેમ કોઈ મરજીવાને પકડે તેમ ઝનૂનપૂર્વક પકડી રાખ્યો.

સાથે આવેલા પોલીસે થોડા સમય રાહ જોઈ રૂસ્તમજીને દૂર કરવા પકડ્યા ત્યાં રૂસ્તમજીનું નિશ્ચેતન તન પોલિસના હાથમાં ઢળી પડ્યું હતું અને પોલીસ ઓફિસરની બે ઉષ્ણ હથેળીઓ વચ્ચે હળવેથી ઈલેશના સીના ઉપરનું ગુલાબ સરકી આવ્યું અને રૂસ્તમજીએ ઈલેશના બોડી ઉપર ગુલાબનું ફૂલ અર્પતા બોલેલી લાઈનો મોર્ગની કાતિલ ઠંડીમાં ગુંજતી હતી. 

છું સદા તારી રહેમત નો લેણદાર, હું તો માંગીશ ગણી ગણીને,  

કબુલ કર યા ઈનકાર, રહેશે કાબુલ "રહેમત" મને હંમેશા તારી.

 મોર્ગના વોર્ડ બોય જયારે રૂસ્તમભાઈના નિર્જીવ શરીરને ટ્રોમા સેન્ટરમાં લઈ જતાં હતાં ત્યારે રૂસ્તમજીના મુખ ઉપર તેમનો લાક્ષણિક મલકાટ તરવરતો હતો, અને તેમની પ્રેમાળ આંખો, માલિકે તેમની ઈબાદત મંજૂર કરી, ઈલેશની સાથે પોતાને પણ બોલાવી રહેમ દાખવી તેના આભારના ભાવમાં ઘીમે -ધીમે બિડાતી જતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama