Mariyam Dhupli

Children Stories Inspirational Children

4.2  

Mariyam Dhupli

Children Stories Inspirational Children

રવિ

રવિ

8 mins
875


અગિયાર થવા આવ્યા હતા. મારી રસોઈ કરવાની ઝડપ દરરોજ કરતા બમણી હતી. દાળ તૈયાર થઈ ગઈ હતી. ફક્ત વગારવાની હતી. વઘારની તૈયારી આરંભતા હું ફરી ભીંત ઉપર લટકી રહેલી ઘડિયાળને અકળાઈને તાકી રહી. આ જમુના આજે ક્યાં રહી ગઈ? દરરોજ દસ વાગે તો આવી રહેતી. આજે જ મોડી પડવું જરૂરી? 

ચોપિંગ બોર્ડ ઉપર ફરી રહેલા મારા અતિ ઝડપી હાથ જોડે એક નજર મેં બેઠક ખંડ ઉપર ફેરવી. મયુર એના આઉટફિટ જોડે તૈયાર બેઠો હતો. બંને હાથ જોયસ્ટિક ઉપર સક્રિય હતા. સોફા ઉપર આરામથી ગોઠવાયેલા મયુરની નજર એની જોયસ્ટિક વડે રમતમાં થઈ રહેલા ફેરફારને સૂક્ષ્મ રીતે નિહાળતી ટીવીની સ્ક્રીનમાં ડૂબી ચૂકી હતી. આજથી એનો સમરકેમ્પ શરૂ થવાનો હતો. શાર્પ ૧૨ : ૩૦ના પહોંચી રહેવાનું હતું. રસોડામાં ભેગા થયેલા વાસણને જોઈ મને ચિંતા અને તાણ સતાવી રહ્યા હતા. મારે મયુરને જમાડીને રસોડું સાફ કરીને નીકળી જવાનું હતું. બહુ સમય હતો નહીં. જમુનાની મદદની આજે તીવ્ર જરૂર હતી અને હજી એણે દર્શન આપ્યા ન હતા. 

મારી વધી રહેલી ચિંતા વચ્ચે મારી દ્રષ્ટિ ફરી મયુર ઉપર આવી અટકી. એનો પોલો ટીશર્ટ અને ટ્રેકશૂટ નજરે ચઢ઼તાજ ચિંતાની વચ્ચે પણ મન થોડું શાંત થયું. 

'અર્જુન વિદ્યા વિહાર, લર્નિંગ ઈસ લાઈફ' 

ટ્રેકશૂટ ઉપર છપાયેલું એની શાળાનું નામ અને સ્લોગન વાંચી મન ગર્વમાં ગરકાવ થયું. એક હજાર રૂપિયા ચૂકવ્યા હતા આ સમરકેમ્પનાં સ્પેશ્યલ યુનિફોર્મ માટે. ઉપરાંત સમર કેમ્પની ફી ૩૦૦૦ /- એ જુદી. પણ આ ખર્ચ નહીં, રોકાણ હતું. મયુરના શિક્ષણ માટે, એના યોગ્ય વિકાસ અને ઉચ્ચ ધોરણના ઉછેર માટે. ઈટ્સ ઓલ વર્થ ! મેં મનને આશ્વાસન આપ્યું. શાળાની માસિક ફી અને વાર્ષિક ફી બધું મળીને એક મોટી રકમ થઈ જતી. પણ મયુરની યોગ્ય કેળવણી માટે હું અને કમલેશ બધુજ રાજી ખુશીએ કરી રહ્યા હતા. કેટલું બધું એ શીખી રહ્યો હતો ! સ્કેટિંગ, ડાન્સ, ગોલ્ફ...... મયુરની શાળાની પસંદગી માટે હું મનોમન મને અને કમલેશને શાબાશી આપી રહી હતી જ કે ડોરબેલ વાગી.

એક મોટા હાશકારા જોડે હું બારણે ધસી ગઈ. બારણું ખોલતાંજ મારો અવાજ નીકળી પડ્યો.

"જમુના ક્યાં રહી ગઈ હતી ? આજથી મયુરનો કેમ્પ છે...... "

હું આગળનું વાક્ય પૂરું કરું એ પહેલાજ અત્યંત ઝડપ વડે ચપ્પલ ઉતારતી જમુના સાડીનો પાલવ કમર ઉપર ખોસતી રસોડા તરફ ભાગી.

" કામિનીજી ને ત્યાં આજે મહેમાન આવ્યા હતા એટલે...." 

જમુનાના શબ્દો ઉપરનું મારુ ધ્યાન હળવેથી ખસેડતો એ બારણે ઊભો હતો. મારી નજર એના ઉપર સ્થિર હતી. એણે બે હાથ જોડી મને પ્રણામ કર્યા. મયુર ને એના મિત્રો તો 'ગુડ મોર્નિંગ મોમ' કે 'ગુડ ઈવનિંગ આંટી' દ્વારા જ મારુ અભિવાદન કરતા. એટલે હાથ જોડવાના અભિવાદનની ટેવ છૂટી ગઈ હતી. બે હાથ જોડી મેં એને પ્રણામ કર્યા. ને મને ખબર નહીં કેમ મનમાં ખુબજ ગમ્યું. એક અલગજ શાંતિની અનુભૂતિ થઈ. એની ઉંમર મયુર જેટલીજ હોવી જોઈએ. દસેક વર્ષ. 

હું બારણે ઊભી એનો અંદર આવવાનો માર્ગ અવરોધી રહી હતી. એ વાતનું ભાન થતાજ મારા શરીરને એક તરફ હટાવી મેં એના અંદર આવવાનો માર્ગ મોકળો કર્યો. ધીમે રહી ચપ્પલ ઉતારી એણે ચપ્પલના સ્ટેન્ડ ઉપર પોતાની ચપ્પલ ગોઠવી દીધી. ગઈ સાંજે રમીને પરત થયેલા મયુરે પોતાના સ્પોર્ટ સૂઝ ટેવ પ્રમાણે અહીંત્યાં ઉડાવી દીધા હતા. એ નજરે ચઢ઼તાજ મેં જમણા અને ડાબા બંને પગના જોડાને બે વિરુદ્ધ દિશામાંથી વારાફરતી ઉઠાવી સ્ટેન્ડ ઉપર બરાબર ગોઠવ્યા. બારણું બંધ કરતાજ મેં કુતુહલથી પૂછ્યું. 

"તારું નામ શું છે?" 

જમુનાને એક દીકરો છે એની મને જાણ હતી પણ એના વિશે બહુ માહિતી હતી નહીં. પરંતુ આજે એને નજર આગળ નિહાળતા મારી કુતુહલતા પ્રબળ બની હતી.

"રવિ" 

એણે અત્યંત નમ્ર સ્વરે કહ્યું. 

"વાહ, સરસ નામ છે." 

"એનો અર્થ થાય છે, સૂર્ય. હું પણ સૂર્યની જેમ આ પૃથ્વીને પ્રકાશ આપીશ. પણ એ પ્રકાશ જ્ઞાનનો હશે."  

દસ વર્ષના બાળકના મોઢે એવા સુંદર શબ્દો સાંભળવાની મને જરાયે ટેવ ન હતી. મયુરના મિત્રો ઘરે આવતા ત્યારે મોટેભાગે એમના મોઢેથી કુલ, ડ્યુડ, રોકિંગ, બડી, બ્રો, ક્રેઝી વગેરે શબ્દોથી મઢાયેલી વાક્ય રચનાઓ સાંભળી હતી. એમના વાક્યો ભાષાની ભેળ જેવા હતા. અને એમની જોડે વાત કરતા કરતા મને પણ આવી જ ટેવ પડી ગઈ હતી. તો આજે એ ટેવના પ્રત્યે અણગમો કેમ અનુભવાઈ રહ્યો હતો ? રવિના વાક્યો એક જ ભાષાના સંપૂર્ણ વ્યાકરણને અનુસરી રહ્યા હતા. એ વાક્યો મારા દીકરાના શબ્દકોશ ઉપર જાણ્યે અજાણ્યે પ્રશ્નચિહ્ન બની ઊભા રહી ગયા હતા. આ મનમાં કેવી વિચિત્ર સરખામણી આરંભાઈ હતી ? મનને સ્વસ્થ કરતા મેં બીજો પ્રશ્ન પૂછ્યો. 

"તારી મમ્મી એ શીખવ્યું આ બધું?" 

"નહીં, મારા ગુજરાતીના શિક્ષકે. એમણે વર્ગના બધાજ વિદ્યાર્થીઓના નામના ભાવાર્થ સમજાવ્યા." 

'ભાવાર્થ' રવિના શબ્દકોશ, વોકેબ્યુલરીથી હવે મને આછી આછી ઈર્ષ્યા અનુભવાઈ રહી હતી. 'મીનિંગ' શબ્દ હું અંતિમ કેટલા વર્ષોથી વાપરી રહી હતી. 'ભાવાર્થ' મેં મનોમન ફરી એ શબ્દનું ઉચ્ચારણ કર્યું. મને ગમ્યું. 

" જા, તું મયુર જોડે રમ. "

બેઠક ખંડ તરફ મારી આંગળીના ઈશારાને નિહાળી એણે પોતાની મા તરફ દ્રષ્ટિ ફેંકી. એની દ્રષ્ટિ પોતાના ઉપર પહોંચશે જ એ વાતની આગળથી જાણ હોય એમ જમુનાની નજર એના ઉપર આવી. ડોકું ધુણાવી એણે આંખોના ઈશારા વડે સહમતી આપી કે નાનકડા ચહેરા ઉપર મીઠું હાસ્ય વેરાઈ ગયું. 

" મમ્મીને પૂછ્યા વિના જાય તો એ ગુસ્સો થાય ?" 

મેં એના માથા ઉપર હાથ ફેરવતા મશ્કરી કરી. 

"નહીં, લેકિન મા કે કદમો કે નીચે જન્નત હોતી હે. હમે ઉનકા સન્માન કરના ચાહિયે." 

પોપટની જેમ યાદ કરાયેલું હિન્દી વાક્ય સાંભળતાજ મારા ચ્હેરા ઉપર પણ હાસ્ય વેરાય ગયું. 

"અને આ કોણે શીખવ્યું? "

મેં એની નાનકડી અણીદાર દાઢીને સ્પર્શતા મશ્કરી કરી. 

"મારા હિન્દીના શિક્ષક માલતીજી એ." 

પોતાની શિક્ષિકા ઉપર ગર્વ લેતો આખરે એ બેઠક ખંડમાં પ્રવેશ્યો. મયુર હજી પણ એની સ્ક્રીનમાં જ ડૂબેલો હતો. પોતાની સાથે લાવેલ સિંગનું પાકીટ રવિએ મિત્રતાના પ્રસ્તાવ સ્વરૂપે આગળ ધર્યું. મયુરે ઉપર જોયા વિનાજ માથું ધુણાવી ના પાડી દીધી. ઝંખવાણો પડી એ મયુરની નજીક સોફા ઉપર ગોઠવાયો. નિહાળેલ દ્રશ્યની પ્રતિક્રિયા સ્વરૂપે હું રસોડામાંથી બેઠક ખંડમાં પ્રવેશી. 

"મયુર રવિને તારી જોડે રમાડ." 

"મમ્મી વચ્ચે નહીં બોલ. ડોન્ટ ડિસ્ટર્બ મી. જોયું હું મરી ગયો ને ! હવે પહેલાથી રમવું પડશે. હું નિષિધ જોડે ઓનલાઈન રમી રહ્યો છું. મારે એનો રેકોર્ડ તોડવાનો છે." 

પોતાની રમતમાં પહેલેથી પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરતો મયુર પોતાની જોયસ્ટિકને વધુ મજબૂત પકડ જોડે થામી રહ્યો. રવિએ સીધું મારી આંખોમાં જોયું. એની આંખોમાં અચરજનો સાગર હતો. થોડી ક્ષણો પહેલા એણે ઉચ્ચારેલું હિન્દી વાક્ય ફરી મારા મનમાં પડઘાયું અને તીર જેમ મારા હૃદયને વીંધી રહ્યું. એની આંખોનો સમ્પર્ક તોડી હું રસોડામાં આવતી રહી. 

તેલ ગરમ કરી વઘારની સામગ્રી એમાં ઉમેરી. જમુનાએ વાસણ માંજવાનું શરૂ કરી દીધું હતું. વઘાર નો અંતિમ સ્પર્શ દાળને આપી મારો પ્રશ્ન જમુના સુધી પહોંચ્યો. 

"આટલો હોંશિયાર છે. એને કોઈ સારી શાળામાં કેમ નથી મૂકતી ?" 

મારુ મન મારા જ પ્રશ્નથી વિચલિત થયું. 'સારી શાળા' એ શબ્દો મને ખૂંચયા. રવિની શાળા અને મયુરની શાળાની ફી વચ્ચેનો તફાવત હું પણ જાણતી હતી અને જમુના પણ. આ પ્રશ્ન જ કેટલો નિરર્થક હતો ! એ પ્રશ્ન હતો કે મારા મનમાં જન્મ લઈ રહેલી કોઈ લઘુતાગ્રંથિ ? 

લગુતાગ્રંથી ? એ પણ રવિથી ? 

મારા મનને નિયંત્રણમાં લઈ મેં એક નજર જમુના ઉપર નાખી. મારુ માન જાળવવા એણે કોઈ ઉત્તર આપ્યો નહીં. ફક્ત એક ઔપચારિક હાસ્ય જોડે વાસણ માંજતી રહી. વિષય બદલવા મેં અન્ય પ્રશ્ન પૂછ્યો. 

"રવિ જમીને આવ્યો છે ?" 

એણે નકારમાં ગરદન હલાવી. મયુર જોડે રવિની થાળી મેં તૈયાર કરી નાખી. બંને થાળીમાં દાળ ભાત અને સલાડ પીરસી હું બેઠક ખંડમાં પ્રવેશી. 

"આ લો." 

ટેબલ ઉપર બંને થાળી ગોઠવી હું ઝડપથી રસોડામાં આવતી રહી. હવે ફક્ત મારે તૈયાર થવાનું હતું. ઘડિયાળ જોડે નજર મેળવી હું મારા શયનખંડ તરફ ઉપડતી જ હતી કે રવિ પોતાની થાળી હાથમાં લઈ રસોડામાં પ્રવેશ્યો. મને વિસ્મય થયું. 

"કાંઈ જોઈએ છે બેટા ?" 

મેં ઉતાવળે પૂછ્યું. એણે માથાના ઈશારા વડે ના પાડી. થાળી લઈ એ જમીન ઉપર પલાંઠી વાળી ટટ્ટાર બેસી ગયો. થાળીમાં રાખેલી ચમચી અને ફોર્ક એક તરફ કર્યા. બંને હાથ જોડી આંખો મીંચી પ્રાર્થના કરી. પ્રાર્થના સમાપ્ત થતા જ એણે ધ્યાનપૂર્વક જમવાની શરૂઆત કરી. 

" તું મયુર જોડે ત્યાં સોફા ઉપર જમી શકે છે." મેં પરવાનગી જેવા લ્હેકામાં કહ્યું. 

અમે તો શાળામાં મધ્યાહન ભોજનમાં આમજ નીચે બેસીએ. બધા એકબીજાની જોડે. નિલેશ સર કહે છે આમ નીચે બેસી જમીએ તો જમવાનું બરાબર પચે. આપણી અન્ન નળીને ટટ્ટાર રાખવી જોઈએ. ફક્ત સારું જમવાથીજ તંદુરસ્ત ન થવાય. સારી રીતે જમવું પણ એટલુંજ જરૂરી છે. અને હા, જમતી વખતે વાત પણ કરવી જોઈએ નહીં."

પોતાના શિક્ષકની વાતની લાજ રાખતા એણે મારી જોડે વાતનો સેતુ તોડી નાખ્યો અને ફરીથી જમવા ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી નાખ્યું. એની વાતથી મને ઘેરો આંચકો લાગ્યો હોય એમ મારી ફાટી આંખો મારા ઓપન કિચનમાંથી સીધી બેઠક ખંડમાં જઈ ઠોકાઈ. પોતાના ૧૦૦૦ની કિંમતના શાળાના લોગો વાળા યુનિફોર્મમાં સજ્જ મારો દીકરો, મયુર સોફા ઉપર અર્ધો આળોટેલો હતો. બાજુના ટેબલ ઉપર ગોઠવાયેલી થાળીમાંથી રમત વચ્ચે ક્યારેક મોઢામાં ચમચી વડે ભાત મૂકી રહ્યો હતો. નીચે વિખરાઈ રહેલા જમણથી એ તદ્દન બેધ્યાન હતો. કાન અને માથા ઉપર ચઢાવેલા હેડફોનમાં એ ઓનલાઈન રમત રમતા રમતા મિત્ર જોડે વાતોમાં વ્યસ્ત હતો. જમણની થાળી એક ખૂણામાંથી એને દયામણે ચહેરે જાણે તાકી રહી હતી. પણ એને એ થાળીની તરફ જોવાની કોઈ દરકાર ન હતી. મારા મનમાં એ દ્રશ્યને નિહાળી અનન્ય ચીઢ ઉપજી આવી. ભારે ડગલે હું શયન ખંડ તરફ ઉપડી. 

થોડા સમય પછી હું શહેરના રસ્તા ઉપર ગાડી હાંકી રહી હતી. મારા મનમાંથી રવિનો ચહેરો ખસી રહ્યો ન હતો. મારી બાજુની સીટ ઉપર બેઠો મયુર મોબાઈલની સ્ક્રીનમાં વ્યસ્ત હતો. મેં ધીરે રહી એને પૂછ્યું. 

"મયુર તારા નામનો મીનિંગ શું થાય ?" 

"આઈ ડોન્ટ નો." 

ત્રણ ટૂંકા શબ્દો જોડે એણે પોતાની નીરસતા વ્યક્ત કરી નાખી. આગળ કશું જાણવાની કોઈ તત્પરતા ન હોય એમ એ ફરી મોબાઈલમાં પરોવાઈ ગયો. શાળા પાસે ગાડીને બ્રેક લાગી અને એ રોબોટ જેમ બૅગ ભેરવી જતો રહ્યો. હું એકીટશે એને નિહાળતીજ રહી ગઈ......!

થોડા દિવસો પછી હું, કમલેશ અને મયુર રસોડાના ડાઈનિંગ ટેબલ ઉપર બેઠા હતા. બેઠક ખંડમાં શણગારાયેલું મયુરનું સમરકેમ્પનું સર્ટિફિકેટ મને રસોડામાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ત્રણે ત્રણ થાળીમાં વારાફરતી મેં શાક અને રોટલી પીરસી. 

"કમલેશ, મયુર માટે આપણે યોગ્ય શાળા પસંદ કરી છે ને ?" 

ઘણા દિવસોથી મનમાં પજવી રહેલો પ્રશ્ન આખરે બહાર નીકળી જ આવ્યો. 

"નો ડાઉટ. શહેરની પાંચ બેસ્ટ સ્કૂલની યાદીમાં એનું નામ છે." 

ગર્વ જોડે કમલેશે પોતાનો પ્રથમ કોળિયો મોઢામાં નાખ્યો. મારી નજર મયુર ઉપર પડી. ગેમ રમવા જવાની લ્હાયમાં એ એક જ શ્વાસે જમી રહ્યો હતો. મેં ધીમે રહી મારી થાળી નજીક સરકાવી. મારા બંને હાથ જોડ્યા. આંખો મીંચી પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી કરી મેં જમવાની શરૂઆત કરી. સામે બેઠા કમલેશ અને મયુર મને હેરત વડે તાકી રહ્યા. બંનેએ આંખો દ્વારા વ્યંગની વહેંચણી કરી હોય એવી મને અનુભૂતિ થઈ. એ અનુભૂતિ થકી મારી આંખોમાં ઝળહળીયા ધસી આવ્યા અને એમાં મને રવિનો ચહેરો સૂર્ય જેવો ચળકતો દેખાયો. 


Rate this content
Log in