Jyotsna Patel

Inspirational

4.5  

Jyotsna Patel

Inspirational

થોડા કલાકો

થોડા કલાકો

4 mins
395


ડોરબેલ રણકી ઊઠી. આર્યા દોડીને પહોંચી ગઈ દરવાજે. વિનીતે એક ડગ અંદર માંડયું ન માંડ્યું ને આર્યા તેને બાઝી પડી. આમ તો આર્યા ખુશમિજાજ યુવતી હતી, પણ આજે તે વધારે ખુશ જણાતી હતી. “આર્યા મેડમ! આપની અઢળક ખુશીનું રહસ્ય અમને પણ તો જણાવો.” પતિની મજાકના પ્રત્યુત્તરમાં તેણે વિનીતના હાથમાં લેબોરેટરીનો રિપોર્ટ મૂકી દીધો. ને પછી તો વિનીતે તેને રીતસર ઊંચકી લીધી ને ઢગલો પ્રેમ વરસાવી દીધો. આ દંપત્તિ જેની ચાર ચાર વર્ષથી રાહ જોઈ રહ્યું હતું તે નવા મહેમાનના આગમનની આલબેલ પોકારી રહ્યો હતો રિપોર્ટ! બંનેને જાણે કોઈ અલભ્ય ખજાનો મળી ગયો! બંને હરખની હેલી માં ભીંજાઈ રહ્યાં હતાં. 

ધીરે-ધીરે સમય સરકતો રહ્યો. વિનીત આર્યાની ખૂબ કાળજી લેતો. બંનેના સહજીવનરૂપી દરિયામાં રોજ પ્રેમની ભરતી આવતી. હવે સીમંતવિધિનો સમય નજીક આવતો હતો. વિનીતે એક દિવસ પ્રેમાળ પત્નીનો હાથ હાથમાં લઈ વહાલથી કહ્યું; “આરુ, આપણે આ ખુશીઓ તારાં માવતર સાથે વહેંચવી જોઈએ એવું તને નથી લાગતું ?” આર્યાને પણ પિયર ખૂબ યાદ આવતું હતું. પણ હવે શું? ઉત્તર માટે રાહ જોતા વિનીત સાથે નજર મળતા આર્યા નીચું જોઈ ગઈ. 

આર્યા અને વિનીતનાં સ્નેહલગ્ન હતાં. કોલેજ પૂરી થતાં જ આર્યા માબાપને અંધારામાં રાખી વિનીત સાથે ચાલી નીકળી હતી. ડર કહો કે મર્યાદા, પણ તે પોતાના પ્રેમની વાત મા-બાપને જણાવી ન શકી. માતા-પિતા પોતાના પ્રેમને નહીં જ સ્વીકારી એમ માનીને માવતરના સ્નેહાશિષ વગર વિનીત સાથે સંસાર માંડી દીધો! એકમાત્ર સંતાનના આ પગલાથી માવતર પર શું વિતશે એ પણ વિચાર્યું નહીં. 

વિનીતના માતા-પિતા તો નાનપણમાં જ એક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. મોટી બહેન વંદિતા ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ હતી. અહીં હતાં માત્ર વિનીત અને આર્યા, સાથે હતું તેમનું મધુર દામ્પત્યજીવન. ને હવે એમની મધુરપમાં વધારે મીઠાશ ઉમેરાવાની ઘડીઓ ગણાઈ રહી હતી. 

અડોશી-પડોશી અને મિત્રમંડળે ખૂબ સારી રીતે સીમંતનો પ્રસંગ ઉજવ્યો. પણ બંનેના મનમાં પોતાના સ્વજનોની ગેરહાજરી ખટકતી હતી. માતા-પિતાની યાદે આર્યાની આંખો ચૂઈ રહી હતી. વિનીતે આગ્રહ કરવા છતાં આર્યા પિયરમાં આમંત્રણ મોકલવાની હિંમત જતાવી શકી નહીં.  પરિણામસ્વરૂપ માતા-પિતાના આશીર્વાદ વગર જ બીજો પ્રસંગ પણ ઊજવાઈ ગયો!  

સમય જતાં આર્યાએ એક પરી-શી દીકરીને જન્મ આપ્યો. હોસ્પિટલમાં પ્રથમ વાર દીકરીને જોતાં જ બન્નેનાં હૃદયમાં વાત્સલ્યનાં મોજાં ઉછળવા લાગ્યાં. દીકરીનું નામ રાખ્યું આરવી. આર્યા અને વિનીતના પ્રેમનો સંગમ! આરવીના ગુલાબી ગુલાબી ગાલ, નાની નાની આંગળીઓ, બંધ પોપચાં, સુંવાળા વાળ - બંને આખો દિવસ વહાલથી તેને જોઈ રહેતાં. “આવતીકાલે સવારે તમે તમારો ‘વહાલનો દરિયો’ ઘરે લઈ જવા માટે મુક્ત છો” એમ જ્યારે ડોક્ટર દ્વારા કહેવાયું ત્યારે તો જાણે બંનેને પાંખો આવી! આનંદની આંધી એવી કે બંને આસમાનમાં ઊડવા લાગ્યાં! આરવીના ગૃહપ્રવેશ માટે ઘર શણગારવાનો ઓર્ડર અપાઈ ગયો, આશીર્વાદ આપવા માટે મિત્રોને ઉપસ્થિત રહેવાના આમંત્રણ અપાઈ ગયાં. સ્વજનોની ભૂમિકા ભજવવા પડોશીઓ પણ થનગની રહ્યાં હતાં. બંને આવતીકાલના સૂર્યોદયની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં. પણ સદાય માણસનું ધાર્યું થાય તો કુદરતનો ભાવ કોણ પૂછે? એ રાત્રે આરવીને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં એક નર્સની સહાયથી વિનીત તેને બાળકોની હોસ્પિટલમાં લઈ ગયો. બાળકોના ડોક્ટરે તેને NICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી.  

વિનીતને ખાલી હાથે હોસ્પિટલમાં પાછો આવેલો જોઈ આર્યાને ફાળ પડી. તેનું હ્રદય જોર-જોરથી ઉછળવા લાગ્યું. તેની વ્યાકુળ પ્રશ્નાર્થ નજરને આશ્વસ્ત કરતાં વિનીતે કહ્યું; “આરવીને ખાસ તકલીફ નથી. તેને થોડો સમય ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવી જરૂરી છે. ચિંતાનું કોઈ કારણ નથી.” પણ આ તો માનો જીવ! એનું મન એમ માને કંઈ? પોતે જાણે ફરતા ચકડોળમાંથી વીંઝાઈને જમીન પર પટકાઈ! આંખો તો જાણે પાણીભર્યું વાદળ! તે આકુળ વ્યાકુળ થઈને હોસ્પિટલના રૂમમાં આંટા મારતી રહેતી. એક એક પળ યુગ જેવી જતી. નથી ગળે કોળિયો ઉતરતો કે નથી લાગતી તરસ! કાળજાનો કટકો દૂર થતાં તેને કોઈએ પોતાની ચામડી ઉતરડી લીધી હોય એટલી વેદના થતી હતી. ડોક્ટર અને પ્રેમાળ નર્સો દ્વારા આપવામાં આવતા આશ્વાસનની પણ તેના પર કોઈ જ અસર થતી નહોતી. તેને પોતાના તાજા કરેલા ઓપરેશનની પણ કોઈ પરવા નહોતી. એની વિહ્વળતા હવે ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. અજંપાભર્યો સમય જાણે થીજી ગયો હતો.

બીજે દિવસે સાંજે રેશમી વસ્ત્રમાં વીંટાયેલો ‘ગુલાબનો ગોટો’ એના ખોળામાં મૂકાયો ત્યારે તેના જીવમાં જીવ આવ્યો. ખુલ્લી આંખે પોતાને ટગર ટગર જોઈ રહેલી દીકરીને જોઈને તેની છાતીમાં વાત્સલ્યનો ધોધ વહેવા લાગ્યો. ‘વ્હાલની વેલડી’ને છાતી સરસી ચાંપી દીધી ને તેનાં નયનોથી ધોધમાર હર્ષાશ્રુ વરસી રહ્યાં. 

બંને દીકરીને લઈને ઘરે આવ્યાં. સ્વાગત માટે શણગારેલાં ફૂલડાં ભલે મૂરઝાઈ ગયાં હતાં, પણ ઘર આખું પુત્રીના આગમનથી ઝળહળી રહ્યું હતું! આ બધા જ સમય દરમિયાન આર્યા સાવ નિ:શબ્દ હતી. તેના મનમાં સતત મનોમંથન ચાલતું હોય એમ તેના ચહેરા પરના ભાવ કહેતા હતા. દીકરીને પારણામાં સૂવડાવતાં અચાનક તેણે પતિને કહ્યું, “વિનીત, આવતીકાલે આપણે મારાં માતા-પિતાને મળવા જઈશું?” ને વિનીતે તેની વાતને વધાવી લેતાં પ્રેમથી તેના બંને હાથ પકડી લીધા. બંનેના સજળ નેત્રો હસી ઊઠ્યાં. 

સંતાનનું સ્થાન માતા-પિતાના દિલમાં ક્યાં અને કેવું હોય છે તે આર્યા થોડા જ કલાકોમાં સારી રીતે સમજી ચૂકી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational