Arun Gondhali

Drama Crime Thriller

4  

Arun Gondhali

Drama Crime Thriller

તમાચો - ૪

તમાચો - ૪

5 mins
36


દરેકનાં ઘરવાળા મોબાઈલ ઉપર પોતાનાં પુત્રોનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. બધાંના મોબાઈલ સ્વીચ ઓફ આવતાં હતાં. પોલીસ સ્ટેશનમાં આજે ચાર યુવાન ખોવાયાની ફરીયાદ નોંધાઈ હતી. બીજાં દિવસે છાપામાં ગુમશુદા તરીકે એમનાં ફોટાં પણ છપાયા અને એ દિવસે જ મોનિકા કસ્વાલનો ફોટો પણ છપાયેલ હતો. શહેરનાં મુખ્ય સમાચાર તરીકે આ વાત બધાંના જુબાન પર હતી. પોલીસ હજુ મોનિકાની કોઈ ભાળ મેળવી શકી નહોતી.

જુવાન છોકરાઓનું આમ અચાનક ગુમ થવું એ ચારે ઘરનાં માતા-પિતા માટે ખૂબ તકલીફ દાયક હતું. ઘરનું ગમગીન વાતાવરણ અનેક સવાલો અને કંકાસ ઊભાં કરે છે અને એવું જ થયું. દરેક ઘરમાં આરોપ પ્રત્યારોપ થઈ રહ્યાં હતાં. જવાબદાર છેવટે માતા ઠરે છે. પિતાજી તો હંમેશ નોકરી કે ધંધામાં મશગુલ હોય એટલે ઘરનાં લાલ શું કરે છે ? ક્યારે આવે છે ? ક્યારે જાય છે ? એમનાં મિત્રો કોણ છે ? કેવાં છે ? ક્યાં ફરે છે ? એની માહિતી કોણ રાખે ? છેવટે માયાજાળની આ જંજાળમાં મા જ ફસાય છે. એક દ્વંદમાં. ખરેખર આજ સુધી કોઈ ઘરનાં ચિરાગે યુવાનીમાં આવી જન્મદાત્રીની જવાબદારી અને દ્વંદમા ફસાયેલ એ કોમલ સ્ત્રી હૃદયની ચિંતા કરી છે ? બસ... કંઈક એવોજ નજારો, કંઈક એવીજ સમજ અને મોઘમ છવાયેલ હતી એ ચારે ઘરોમાં. કદાચ મૃત્યુની ઘટના હોય તો મરણોત્તર ક્રિયાઓ પછી ધીરે ધીરે મનસ્થિતિ શાંત થઈ શકે પણ આ ચિંતા તો ચીતા જેવી હતી જેનો અગ્નિ સતત જલતો રહેતો !

છાપાવાળા રિપોર્ટરો આમતેમ દોડી રહ્યાં હતાં હકીકત જાણવા. કેટલાંક છાપાઓમાં એ દિવાલોની તસ્વીરો પણ છપાઈ હતી. શહેરમાં વાત હતી એ ચારના ઘરનાં દિવાલો ઉપર પડેલી પંજાના છાપની... એક તમાચાની... રહસ્યની ! વાયરલ વિડિઓની સાથે આ તસ્વીરો પણ વાયરલ થઈ હતી. હવે ડર ધીરે ધીરે દોડી રહ્યો હતો, શેરીમાં, મહોલ્લામાં, શહેરમાં. ચોરે ચોટે એક જ વાત ... તમાચાનો સ...ટા..ક અવાજ..... ! જાણે દરેકના કાનમાં આ વિડીઓનો અવાજ ગુંજતો હતો....સ....ટા....ક.. !

એ તેર હતાં. છ ઠેકાણે પડી ગયાં હતાં. વારો બાકી રહેલ સાતનો હતો. એ મનમાં સમજી ચૂક્યા હતાં કે હવે પોતાનો વારો છે. કોઈને વાત કરી શકાય એવું નહોતું. દરેકને મોબાઈલ ઉપર વિડીઓ મળ્યો હતો - તમાચા વાળો. અત્યાર સુધી ગાફેલ હતાં પણ હવે સમાચાર અને છાપાઓના રિપોર્ટર હકીકત જાણવા ખૂબ પ્રયત્ન કરી રહ્યાં હતાં, ડીટેકટીવની જેમ. વાયરલ વિડિઓનું સત્ય જાણવા અને પ્રજા સમક્ષ મૂકવા તેઓ પ્રયત્નશીલ હતાં.

આજની વિચ્છેદક ટેક્નોલોજીનો માર વિચાર શક્તિને કુંઠિત કરી રહી છે. વિવિધ નેટવર્ક સાઈટ્સ જુદી જુદી રીતે યુવાન માનસને આમંત્રણ આપતી હોય છે. ઝાકમઝાળની દુનિયા બતાવી આસાન કમાણી (Easy Money) ના વિચારો ગલત દિશામાં પ્રેરી જાય છે. મહેનતથી દૂર કરે છે, આળસને આવકારે છે. પ્રવૃત્તિથી દૂર કરે છે. ખાલી ભેજું શેતાનનું ઘર બને છે કારણ વિચારોને ત્યાં સ્થાન નથી. થોડું થોડું પામી મહેનત કરી આકાશ આંબવાના વિચારોના બદલે સીધો જ આકાશ આંબવાનો વિચાર કંઈક ખોટું કરાવે છે. ગુનો કરાવે છે, ચોરી કરાવે છે, શહેર છોડાવે છે, ઘર છોડાવે છે અને પછીની એકલતા ગુનાઓનો સાથ લે છે. શરાબ, સુંદરી, હવસના અપરાધોમાં જિંદગી હોમી દે છે જે આજનું સત્ય છે. એક ગંદો પ્રવાહ છે. સારા નરસાનો વિચાર તો કરવો રહ્યો. કરેલ ગુનાની સમયસીમા ઓછી હોય પણ એ ગુનાના સજાની સમય સીમા લાંબી અને દર્દ આપનારી હોય છે !

માથે લટકતી તલવારે હવે એમને કંઈક વિચાર કરવા માટે પ્રેર્યા હતાં. તેઓ હવે ભેગાં થવાનું કે મળવાનું ટાળતાં. એમનો અડ્ડો હવે ખાલી રહેતો. તેઓ કંઈક શોધી રહ્યાં હતાં કે ચાલો કંઈક કામ ધંધો કરીએ જેથી એ શેતાન મગજ કંઈક રાહત અનુભવે. વિચારો ઓછાં થાય. મનમાં ઊભો થયેલ ડર કામ કરાવી રહ્યો હતો. ગરીબ હોય કે તવંગર ડર કે બીકની અસર બંનેને સરખી જ થાય ! કેટલાંક તવંગર નબીરાઓ હતાં તો કેટલાંક મિડલ ક્લાસ પરંતું જાનની કિંમત તો સરખી જ હશે નહીં ?

મોનિકાના પિતા આનંદ કસ્વાલના પ્રયત્નો ચાલું જ હતાં. નિયમિત છાપાંઓ વાંચનાર કાબેલ વકીલ પિતાની નજર એ ચાર ખોવાયેલ ફોટાઓ ઉપર અટકી. બે ચહેરાઓ ઓળખીતાં કે જોયા હોય એવું લાગ્યું. કદાચ એમને મળ્યાં જેવું. નક્કી કરવું મુશ્કેલ હતું. વકીલાતનો ધંધો એટલે ઘણાં આરોપી, પ્રત્યારોપી અને સાક્ષીઓને મળવાનું થતું હોય છે.

આજે સુરેન્દ્રના કેસની તારીખ હતી. ચોરીનો આરોપ હતો. તડીપાર સુરેન્દ્રએ બીજાં શહેરમાં પણ ગુનો કર્યો હતો. એને તડીપાર કરવા પાછળ પણ ચોરીના ગુનાઓ જ હતાં. એકલા રહેતાં અને રખડતા સુરેન્દ્રને પકડવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. પોલીસને આખરે એનાં જ વતનથી જ પકડવામાં સફળતા મળી હતી. લાંબા સમય બાદ જયારે કેસની પ્રોસીડીંગ હતી તે દિવસે એ કેસના બે મહત્વના સાક્ષીઓ હાજર નહોતાં. તેમનો ધંધો જરૂરિયાતોની મજબૂરીનો ફાયદો લઈ ખોટી સાક્ષી આપવાનો હતો.

આ પ્રસંગે આનંદ કોસ્વાલને છંછેડી દીધો હતો. પોતે આજ સુધી પોતાના ધંધામાં કેટલું ખરું કે ખોટું કર્યુ છે તેની ઘટનાઓ એની સામે ધીરે ધીરે દ્રશ્યમાન થઈ રહી હતી. બધું જે થયું તે તો ફક્ત પૈસા ખાતર જ ને ? કેટલાંય ગુનેગારોને પોતાની વકીલાતથી, કાબેલિયતથી બેકસૂર સાબિત કર્યા હશે તો કેટલાંય નિર્દોષોને ગુનેગાર સાબિત કર્યા હશે. કેટલાકની પાસે વચેટિયા બની પૈસા પડાવી કેસોને પડતાં મૂકાવ્યા હશે તો કેટલાકને ગુનાઓ દાખલ કરવા પ્રેર્યા પણ હશે. કાબેલિયતથી પૈસા અને નામ તો મળ્યું પણ એક દીકરીની ખબર આજ સુધી મળી નહોતી કે મેળવી શક્યા નહોતાં. અચાનક એક વિચાર થયો કોઈએ બદલો તો નહી લીધો હોય ? પાપ પોકારે છે એ સાંભળ્યું હતું તો આ સત્ય હોય શકે ? હજારો સાક્ષીઓ અને પુરાવા ભેગાં કરી કેસ જીતનાર પાસે આજે કોઈ સાક્ષી કે પુરાવો નહોતો કે દીકરી ક્યાં છે ? કેવી હાલતમાં છે ? જીવિત છે ? જીવિત નથી ? કંઈક અઘટિત થયું હોય અને એણે આત્મહત્યા કરી હશે ? કે કોઈએ ખોટું કૃત્ય કરી એને દફનાવી દીધી હશે ?

વિચારોની ગમગીનીમાં એક પ્રકાશનું કિરણ દેખાયું. સરકાર જાણતી હતી છતાં કરી શકતી નહોતી એવાં ઐતિહાસીક ધરોહરની રાખ-રાખવ અને સુરક્ષા કરવાની અરજી કરી. પોતાના પરિવાર સાથે બનેલ કિલ્લાની ઘટનાની અને ખોવાયેલ દીકરીનું ઉદાહરણ આપી એવી જગ્યાઓ સુરક્ષિત કરવા વિનંતી કરી. એવી જગ્યાઓ ઉપર પોલીસ અને ગાર્ડની નિમણુંક કરવાની અને એક સ્કોડ મૂકવાની જરૂરિયાત બતાવી. ઈતિહાસમાં દેશના અને પ્રાંતના રક્ષણ અર્થે બનેલ કિલ્લાઓ આજે અરક્ષિત હતાં. અસામાજીક તત્વોના અડ્ડાઓ હતાં તે બંધ થાય અને બહારના પ્રવાસીઓને કોઈ કનડગત નહી થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની હતી. વિદેશ પ્રવાસીઓમાં નારીઓ પણ હોય અને તેનું રક્ષણ અને સુરક્ષા રાષ્ટ્રની જવાબદારી બને છે એટલે એનો નિકાલ વહેલો લાવી એક ઉમદા કાર્યને તરત લાગુ કરવા વિનંતી કરી.

મગજમાં આવેલ ઉત્તમ વિચારે હવે ઘણાં ખોટાં માર્ગો બંધ કરવા પ્રેર્યા હતાં. સારા કામની શરૂઆત ઘરથી થાય એ સમજાયું. કરેલ ભૂલોના પસ્તાવા શરૂ થયાં ! પોતે સરકારને કરેલ વિનંતીથી રાખ-રખાવ અને સુરક્ષાના કામની શરૂઆત થઈ ચૂકી છે એવો સરકારનો પત્ર મળ્યો.

સમય ઘણો વીતી ગયો હતો મોનિકાના માતાની આંખોમાં એક પ્રશ્ન હતો દીકરી ક્યાં હશે ? 

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama