Mariyam Dhupli

Inspirational Others

5  

Mariyam Dhupli

Inspirational Others

ત્રાજવું

ત્રાજવું

9 mins
585


મેં ઘડિયાળ તરફ નજર કરી. મધ્યાહનનો સમય થઈ ગયો હતો. આજે મારો કોલેજકાળનો શ્રેષ્ઠ મિત્ર મારી દુકાન ઉપર આવવાનો હતો. એને મળવા હું ઘણો આતુર હતો. ઘણા સમયથી એની જોડે મુલાકાત થઈ ન હતી. એ એના કામમાં અને હું મારી દુકાનમાં પરોવાયેલો હતો. અંતિમ એક વર્ષથી હું જાણે મારી જાતને પણ મળ્યો ન હતો. દુકાનનું કામ ઘણું રહ્યું હતું. બે વર્ષ પહેલા જયારે દુકાન શરૂ કરી હતી ત્યારે ધંધો ખુબજ મંદ હતો. કાપડના વ્યવસાયમાં મારો અનુભવ શૂન્ય હતો. એ સમયે સેલ્સમેન રાખવાની આર્થિક મોકળાશ પણ ન હતી. જેટલી પૂજી હતી બધીજ દુકાનના સામાન અને માલ પાછળ ખર્ચી નાખી હતી. પણ હું મારા ખુદાનો આશાવાદી બંદો હતો. મને મારા ખુદા ઉપર ભરોસો હતો. મારી ઈબાદતો મારી તાકાત હતી. દરેક સજદામાં હું એકજ દુઆ માંગતો હતો. મારી દુકાનની તરક્કી અને વ્યવસાયમાં બરકત. દુઆનો કોઈ રંગ નથી હોતો પણ એ રંગ જરૂર લાવે છે. એ દુઆ એવી તો રંગ લાવી કે થોડાજ સમયમાં શહેરની જાણીતી કાપડની દુકાનોની યાદીમાં મારી દુકાનનું નામ પણ સામેલ થઈ ગયું !

પરંતુ એ માટે પરસેવો નહીં મેં લોહી વહાવ્યું હતું. આખી આખી રાત જાગતો રહી હું વ્યવસાયિક યોજનાઓ ઘડતો રહેતો. માલ ક્યાંથી ઉઠાવવો, વેચાણ વધારવા કયા વ્યવસાયિક કૌશલ્યો વાપરવા, ગ્રાહકોના સંતોષ માટે કઈ કઈ નવી સેવાઓ સર્જી શકાય. ..મારી બંધ આંખો જોડે હું વિચારો વાગોળતો જાગતો રહેતો. સવારે નાસ્તો કરું ન કરું કે દુકાન પહોંચી જતો. ગ્રાહકોને આકર્ષવા ઊભાં પગે તૈયાર રહેતો. મારા કાપડની ગુણવત્તા અંગે, મારી પારદર્શક વ્યવસાયિક નીતિ અંગે હું કલાકો ગ્રાહકો આગળ થાક્યા વિના બોલતો રહેતો. હું તદ્દન ધૂની બની ગયો હતો. અંતિમ વાર પરિવાર જોડે ક્યારે બેસીને જમ્યો હતો એ મારી સ્મૃતિમાં ઉપસી રહ્યું ન હતું. સલમા પર તો કારણ વિનાજ વરસી પડતો. ક્યારેક ફોન કરી એ મને ઘરે આવવા કહેતી. બપોરનું ભોજન સાથે લેવા રીઝવતી. પણ બદલામાં બિચારી મારો રાક્ષસી અવાજ સાંભળતી.

"દુકાન મૂકી ઘરે આવ ? કઈ ભાન પડે છે ? ટિફિન દુકાન ઉપર મોકલ. " અને એનો પ્રતિઉત્તર જાણ્યા સાંભળ્યા વિનાજ હું કોલ કાપી નાખતો. ઘરેથી નીકળું ત્યારે બાળકો ઊંઘતા હોય અને ઘરે પહોંચું ત્યારે ઊંઘી ગયા હોય.  

સફળતા જયારે જીવનમાં આવે છે ત્યારે નફ્ફટ બની પોતાની કિંમત વસુલે છે અને એને ગુમાવી દેવાના ભયે માનવી એની દરેક તાર્કિક અતાર્કિક કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. હું પણ એ માનવ પ્રકૃતિથી અછડતો ન જ હતો. મારી સફળતા મને ગુમાવવી ન હતી. એ લાલચમાં હું ક્યારે મારી પત્ની સલમાંથી ભાવાત્મક અંતરે પહોંચી ગયો એ જાણી પણ ન શક્યો. જે બાળકોના ભવિષ્ય બનાવવા માટે રાત દિવસ એક કરી નાખ્યા હતાં એ બાળકો જોડે વાર્તાલાપ પણ થઈ રહ્યો ન હતો અને મને એનાથી કશો ફરક જ પડી રહ્યો ન હતો. એક હસતો, નમ્ર પુરુષ એક અક્ક્ડ નિયમોનું ચાલતુંફરતું પુસ્તક બની ગયો હતો. મારો સ્ટાફ મારા કડક સ્વભાવથી ટેવાઈ ગયો હતો. ન કોઈ એક મિનિટ દુકાન ઉપર મોડે આવતું, ન એક મિનિટ પહેલા કામ છોડીને જઈ શકતું. કામની વચ્ચે એક પણ સેકન્ડ આરામ ન લઈ શકે એ રીતે બધા મારી ચુસ્ત નિગરાની હેઠળ રહેતા.  

આમ જોવા જઈએ તો બે વર્ષ પહેલાના અને આજના મારા જીવનમાં આભ ધરતી જેવો તફાવત હતો. પહેલા મારી પાસે ફક્ત એક બાઈક હતી અને આજે બે બાઈક અને એક સેકન્ડ હેન્ડ કાર. આજની વાર્ષિક આવક બે વર્ષ પહેલાની આવક કરતા ત્રણ ચાર ગણી થઈ ચૂકી હતી. પહેલા હું દુકાનમાં એકલો જ પરસેવો પાડતો હતો અને આજે મારા સટાફમાં ચાર સભ્યો હતાં, આર્થિક રીતે હું ઘણો સધ્ધર અને પ્રોગ્રેસીવ બની રહ્યો હતો.  

પરંતુ વિચિત્ર વાત એ હતી કે બે વર્ષ પહેલાની સરખામણીમાં હું આજે વધુ તાણ અને ચિંતાગ્રસ્ત રહેતો હતો. વાતે વાતે ક્રોધિત બની જતો. મારુ આક્રમણ સ્થળાન્તર ક્યાં તો સલમા ઉપર, ક્યાં તો બાળકો ઉપર, ક્યાં તો સ્ટાફ ઉપર ને ક્યાં તો કોઈ જટિલ ગ્રાહક ઉપર આવી પહોંચતું. એક સમયે જેનો અવાજ પણ નીકળતો ન હતો એ માનવીને બરાડા પાડીને વાત કરવાની કુટેવ પડી ચુકી હતી. બધુજ મળી ગયા પછી પણ આ ચીઢનું કારણ શું ? આટલી બેચેની કઈ વાતની ? ક્યાં અને શું કમી હતી ? મારા બે વર્ષ પહેલાના શાંતિ અને સુખ શા માટે અદ્રશ્ય થઈ ગયા હતાં ? કામને ૧૦૦ ટકા કરતા પણ વધારે સમય અને પરસેવો આપ્યા પછી પણ મન ખુશ કેમ ન હતું ?

વિચારોના ભારે ઘણીવાર લાગતું હું ગાંડો થઈ જઈશ. પણ એ ભાર કોઈની જોડે વહેંચવાની જગ્યાએ હું હૃદયના ઊંડાણોમાં ધપાવી દેતો. સલમાને કઈ પણ કહેવાની પરવાનગી મારો પુરુષ તરીકેનો અહમ આપતો નહીં. મારે તો એનો સંપૂર્ણ પુરુષ બનવાનું હતું. એની આગળ બેસી આંસુ કઈ વહાવી શકાય ? ઘરના નહીં તો બહારની કોઈ વ્યક્તિ આગળ મનની પરિસ્થિતિ મુકવી અશક્ય જ. ક્યારેક વિચાર આવતો કોઈ સાઈકિયાટ્રિસ્ટની મદદ લઉં. પણ પછી સમાજના વિચારે ડરી જતો. જો કોઈ ને જાણ થઈ કે શરીરના ડોક્ટર પાસે ગયો હતો તો કદાચ મારી ખબર અંતર પૂછે. પણ એવી જાણ થાય કે મગજના ડોક્ટર પાસે ગયો હતો તો મારા નામનું સીધું મેંટલ કે પાગલ હોવાનું સામાજિક સર્ટિફિકેટ જ નીકળી આવે. શરીરને થાકવાની પરવાનગી હોય પણ મગજને નહીં. જો કે મગજતો શરીર કરતા પણ વધુ કાર્યરત. મારુ મગજ ખરેખર થાકી ગયું હતું. હું ખુબજ મૂંઝવણમાં ઘેરાયેલો હતો. એ દિવસે પણ મારો સ્ટાફ, સલમા, ગ્રાહકો બધાજ વારાફરતી મારી ક્રોધની જ્વાળાઓના શિકાર બની ચૂક્યા હતાં.  

રસ્તા ઉપર મેં એક નજર ફરી નાખી. મારા મિત્રએ આજ સમય આપ્યો હતો. એ આવતોજ હોવો જોઈએ. અમારી મિત્રતા કોઈ અજાયબથી ઓછી ન હતી. બે જુદી જુદી વિચારધારાઓ, બે જુદા જુદા જીવન મંતવ્યો કહો કે બે જુદા જુદા જીવન દ્રષ્ટિકોણ. અમે કોઈ બાબતમાં પણ એક સરખા ન હતાં. પેલું કહેવાય છે ને એમજ 'વી આર સેમ સેમ બટ ડિફરન્ટ. '

એના વિચાર જોડે મનની વિહ્વળતા થોડી ઓછી થઈ. મને એના ઉપર ખુબજ ગર્વ હતો. કોલેજ સમયથી જ એને લખવાનો ભારે શોખ. એની ડાયરી એની પાસેજ રહેતી. કેમ્પસ હોય કે કેન્ટીન. એની કલમ હંમેશા કાર્યરત રહેતી. ક્યારેક નિબંધ, ક્યારેક ગઝલ તો ક્યારેક વાર્તા. જીવનને એ જાતે અગણિત પ્રશ્નો પૂછતો અને જે જવાબો જડતા એના દ્વારા ભાત ભાતનું ને જાતજાતનું સાહિત્ય રચી નાખતો. એની જીવન ફિલોસોફી આજે ઘણા જાણીતા પુસ્તકો સ્વરૂપે શ્વાસ ભરી રહી હતી. એ ફિલ્મો માટે ગીતો રચતો અને વાર્તાઓ પણ. મોટા મોટા ફિલ્મ નિર્માતાઓ જોડે એણે કામ કર્યું હતું અને એની સફળતાની સફર હજી પણ અવિરત આગળ વધી રહી હતી. હું મારા પોતાના વિચારો મારી જાત આગળ પણ રજૂ કરતા ખચકાતો ને એ પોતાના વિચારો અને મંતવ્યો કેવી નીડર રીતે આખા વિશ્વ આગળ અભિવ્યક્ત કરી દેતો. વ્હોટ એ બ્રેવ સોલ !

"સો વર્ષ જીવીશ. તારોજ વિચાર કરી રહ્યો હતો. "

મારી દુકાનમાં અતિવેગે પ્રવેશેલા મારા મિત્રના ડગલાનું મેં ભાવવાહી અભિવાદન કર્યું.  

" ના ભાઈ, ના. સો વર્ષ આ જંગલમાં ના જીવાય. " પોતાની ટેવ પ્રમાણે એણે પોતાની જીવન ફિલોસોફી પોતાની વાતમાં ઉતારી.  

મને એક ચુસ્ત આલિંગન આપ્યા પછી એણે શીઘ્ર એક કાગળ મારા હાથમાં થમાવ્યો. એના શરીરની ઝડપ એના હવા પર સવાર હોવાની સાબિતી આપી રહી.  

" આ વાંચ. "

કાગળ ઉપર ટાઈપ થયેલા શબ્દો વાંચવા મેં કાઉંન્ટર ઉપરથી મારા નજીકના ચશ્માં ચઢાવ્યા.  

" અબ્દુલ, બે ચા અને નાસ્તો. ...."

મારા સ્ટાફ માટે છૂટેલો આદેશ એના ઉતાવળીયા હાવભાવોએ રદ કરી મૂક્યો.  

" અરે એ બધાનો સમય નથી. જવાનું છે. તું આ ઝડપથી વાંચ. તું એને ચોક્કસ મારાથી વધુ સમજી શકીશ. " મારા સામે એણે વ્યંગથી આંખ પલકારી.  

હું મૂંઝવણ જોડે કાગળ વાંચવા મથ્યો અને એની ઉપર છપાયેલી પ્રાર્થનાના શીર્ષકથીજ એની આંખ પલકારવાની ચેષ્ટા હું આખરે સમજ્યો. એના દ્વારા સજાવાયેલા શબ્દોને એ સામે બેઠો સાંભળી શકે એટલી અવાજની તીવ્રતા જોડે મેં વાંચવાનો આરંભ કર્યો.  

"ભૂલ્યો 

તેં મને હર ઘડી યાદ રાખ્યો 

ને હું તનેજ ભૂલ્યો.


તારા થકી બધુજ પામ્યો 

અને પામી બધું હું તનેજ ભૂલ્યો.


મારો દરેક સંઘર્ષ હળવો તેં કર્યો 

અને હળવો થઈ પછી હું તનેજ ભૂલ્યો.


મારા આંસુ લૂંછી તેં મને હાસ્ય આપ્યું 

અને હસવામાં વ્યસ્ત હું તને ભૂલ્યો.


જન્મ આપી મને હસ્તીમાં તેં મૂક્યો 

ને અસ્તિત્વના અભિમાનમાં રાચી હું તને ભૂલ્યો.


અન્ન,જળ, રહેઠાણ, શું શું ન આપ્યું તે વરદાન ?

વરદાનની લજ્જતમાં લથપથ હું તને ભૂલ્યો.


દુનિયામાં મને લાવનાર કોણ ? એક તુજ.

ને દુનિયાદારીમાં ખોવાઈ હું તને ભૂલ્યો.


માં, બાપ, સંતાન, સગા, એકેક સંબંધ તે ભેટમાં ધર્યો. 

ને સંબંધો એ સાચવતા હું તને ભૂલ્યો.


હવા, વૃક્ષો, જમીન, પહાડ, તે આપી પ્રકૃત્તિ વિના કિંમત.

ન કિંમત કરી એની, ન તારી. 

ભૌતિકતાની માયા જાળમાં સપડાઈ હું તને ભૂલ્યો.

 

ચિંતા, તાણ અને વેદના એજ મારો જીવનસાર. 

તું મારો તારણહાર એ વાત પણ ભૂલ્યો.


ક્યાં જાવ હવે ? બધેજ ઘોર અંધકાર.

એક તારીજ હતી આશ ને હું તને ભૂલ્યો.


તે મને હર ઘડી યાદ રાખ્યો 

ને હું તને જ ભૂલ્યો.


તારા થકી બધુજ પામ્યો 

ને પામી બધુજ હું તને ભૂલ્યો. "

પ્રાર્થના વંચાઈ ગઈ હતી. મારી આંખો હજી પણ એ કાગળ પર શોક્ગ્રસ્ત રીતે સ્થિર હતી. હું અંદરથી હચમચી ગયો હતો. મારા ખભે હાથ મૂકી મારા મિત્ર એ મને ઢંઢોળ્યો.  

" શું થયું ? કેવી લાગી ? આજેજ સબમિટ કરવાની છે. મોટી બજેટની ફિલ્મ છે. ધાર્મિક છે. ફિલ્મના થીમ તરીકે એક પ્રાર્થના લખવાની હતી. ને હું જાણું છું પ્રાર્થના ને કોઈ સમજી શકે તો એ તુજ. મેં તારાથી વધુ ધાર્મિક વ્યક્તિને જોઈ નથી. દુનિયા અહીં થી ત્યાં થઈ જાય પણ તારા અને તારી ઈબાદત વચ્ચે કોઈ આવી ન શકે. ખરું ને ? " 

એના પ્રશ્નનો મારી પાસે એ સમયે ઉત્તર ન હતો. એના પ્રશ્ન એ મને હલબલાવી નાખ્યો હતો. તદ્દન ભીતર સુધી.  

" પણ તું તો ઈશ્વરને માનતો જ નથી. તો પછી આ પ્રાર્થના ..........." હું અચરજથી પહોળી આંખો વડે એને અને એના કાગળને વારાફરતી નિહાળી રહ્યો.  

એના ચહેરા ઉપર એક અટ્ટહાસ્ય છવાઈ ગયું. તદ્દન ગર્વપૂર્વક એણે સ્વીકાર્યું.

" હા, હું નાસ્તિક છું. ઈશ્વરને નથી માનતો. મને ધર્મ જોડે કોઈ લેવાદેવા નથી. પણ આ પ્રાર્થના મારા વ્યક્તિગત નહીં વ્યવસાયિક જગતનો ભાગ છે. "

એ બોલી રહ્યો હતો અને એની આંખોમાં મને કોઈ દિવ્ય દ્રષ્ટિ દેખાઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ સાઈકિયાટ્રિસ્ટની ક્લિનિકના સોફા ઉપર લંબાયો હતો અને મને જીવનસમસ્યાનું કોઈ કિંમતી નિરાકરણ મળી રહ્યું હતું.  

" દોસ્ત મારા. મહેનત કરીએ એટલે સફળતા તો મળી જાય. એ તો સહજ છે. પણ સફળતા પાછી બે પ્રકારની હોય. એક પરમ શાંતિ વાળી અને એક બેચેની વાળી. જ્યાં વ્યક્તિગત અને વ્યવસાયિક જગતની સીમારેખા ન હોય ત્યાં મન અરાજકતા વચ્ચે ભટકતું રહે. બધું પામીને પણ અપૂર્ણ. સદા નિરાશ અને વ્યાકુળ. પરંતુ જ્યાં વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જગતને પોતપોતાના સ્થળે સાચવવામાં આવે ત્યાંજ મન રાહત પામે. એજ પરમશાંતિ વાળી સફળતા. " 

મારી બેચેન, વ્યાકુળ આંખો એની શાંત, સંતુષ્ટ આંખોમાં ઊંડે ઉતરી. ત્યાં મને સંપૂર્ણ નિયંત્રણ અને સમતોલન દ્રષ્ટિમાન થયું.  

મોબાઈલની રિંગ મારી દુકાનમાં ગુંજી અને હું સફાળો, સ્વસ્થ લાગવા પ્રયાસ કરવા માંડ્યો.  

મિત્રએ પોતાનો કોલ ઉપાડ્યો.

" યસ સર" 

" હા, તૈયાર છે. "

"હું પહોંચું જ છું. "

"નો પ્રોબ્લેમ. " 

મારા હાથમાંથી કાગળ લઈ એણે ઉતાવળે રજા લીધી.

" નીકળવું પડશે. ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પહોંચી ગયા છે. આજે જ રેકોર્ડિંગ પણ છે. મળીએ પછી. "

એ જતો રહ્યો. પણ મારી દુકાન એના અવાજથી, એના શબ્દોથી જાણે ગુંજતીજ રહી ગઈ.  

" તારા અને તારી ઈબાદત વચ્ચે કોઈ પણ આવી ન શકે. ખરું ને ?" 

નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ મારા કાન જ નહીં અંતરાત્મા સુધી પહોંચ્યો.અચાનક મારો ઊંચો અવાજ આખી દુકાનમાં ગુંજી ઉઠ્યો.

" અબ્દુલ, દુકાન બંધ કર. "

અબ્દુલ સહિત આખો સ્ટાફ કામ પડતું મૂકી મને અજાયબ અને હેરતના હાવભાવો જોડે તાકી રહ્યા. માલિક અને વિરામ ? 

મેં દુકાનના દરવાજા તરફ ઉતાવળે આગળ વધતા ચોખવટ કરી.

" નમાઝનો સમય થઈ ગયો છે. જમીને આવજો. એક કલાકનો બ્રેક. "

અબ્દુલે હસતા ચહેરે દુકાનને તાળું વાંસી દીધું. મારા ડગલાં અતિ ઝડપે મસ્જિદની દિશામાં આગળ વધ્યા. અંતિમ બે વર્ષથી એ તરફનો માર્ગ હું ભૂલી બેઠો હતો. કામના ભાર હેઠળ મારી ઈબાદતો ક્યારે કચડાઈ ગઈ હતી હું જાણી પણ ન શક્યો.

મસ્જિદની દાદર ઉપર પહોંચ્તાજ મેં સલમા ને ફોન લગાવ્યો.

" હું ઘરે જમવા આવું છું. "

" ઠીક છે. " સલમાએ બેજ શબ્દો ઉચ્ચાર્યા. પણ એમાં હજાર ભાવો અને લાગણીઓ ઉમટી આવી. મારા મનમાં એવીજ પરમ શાંતિ અને તૃપ્તિ છવાઈ ગઈ જેવી મેં મારા એ નાસ્તિક મિત્રની આંખોમાં નિહાળી હતી.  

પાછળ દાદર ઉપર મને અનુસરી રહેલા અબ્દુલને સંબોધી મેં કહ્યું.

" હવે રાત્રે દુકાન થોડી જલ્દી બંધ કરી દઈશું. ઘરે બાળકો રાહ જોતા હોય છે. "

"જી સાહેબ "

મસ્જિદમાં પહોંચી હું વઝુ કરવામાં વ્યસ્ત થયો અને એજ ક્ષણે જીવનનું એક તરફ ઢળેલું ત્રાજવું સંતુલિત થઈ નિયંત્રણમાં આવી ગયું.  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational