Vijay Shah

Tragedy

3  

Vijay Shah

Tragedy

ઉભો રહે બીપીન હું આવું છું..

ઉભો રહે બીપીન હું આવું છું..

5 mins
7.3K


અજવાળું અંદર કરવા

સંકોરી પીડાની શગ !

-લક્ષ્મી ડોબરિયા

હજી તો ૬૫મું હમણા બેઠું હતું અને ડોક્ટરે કહ્યું કે સારકોમાનો છેલ્લો તબક્કો ચાલે છે...સ્તબ્ધ બીપીન ડોક્ટરની સામે જોઇ રહ્યો.. હવે તો ખરેખર ઇલા સાથેનું જીવન શરુ થયું હતું.. બે જ ઘેલછા હતી સાકર બાપાની શાખ વધારવા આખા મહુધાના જુવાનીયાઓને વિદેશ બતાવવું અને સ્થિર કરવા અને કુટુંબ માટે મરી ફીટવું.

ઇલા કહે પણ ખરી “બીપીન! તને ખબર છે ને કે હું અને મારો વૈભવ તારુ પહેલું કટુંબ છે?”.. બીપીન કહે “તને ખબર છે ને કે સાકર બાપા કેટલા ખુશ છે?”

“પણ બીપીન તું જે કરે છે તે અમારા ભોગે થાય છે તેની તને સમજ છે ને?”

“હા. પણ ગામના છોકરાઓને ઠેકાણે પાડવા આપ્ણે થોડાક ઘસાઇએ તો આપણે ઘસાતા નથી પણ ઘસાયા પછી ઉજળા થઇએ છે.”

ઇલા કહે “બીપીન તારા હાથ પગ ચાલતા હતા ત્યાં સુધી તે આખા મહુધા ગામના જુવાનીયાઓને ઠેકાણે પાડ્યા.. હવે તો જરા ઝંપ!”

“હવે ઝંપ્યા વિના ચાલે તેવું પણ ક્યાં છે તારા વૈભવે જ કહી દીધુંને કે પપ્પા ૨૦૧૩ તમે પુરો નહીં કરો.. હવે મમ્મીની સાથે રહો અને જરા તમારી તબિયતની કાળજી રાખો.. હું ઓંકોલોજીસ્ટ છું અને તમારા બધા ટેસ્ટ પરિણામો જે મને કહે છે તેજ તમને હું કહું છુ.”

વૈભવની સામે જોતા જોતા બીપીન બોલ્યો...”બહાર એટલો પથરાયો છું કે હવે અંદર જોવાનો સમય જ જતો રહ્યો...એક પછી એક સીત્તેર જણા ગામના અત્રે અહીં છે..સૌ સુખી છે અને એક અવાજે દોડી આવે તેમ છે. તેમની જવાબદારી મેં લીધી છે...”

“પપ્પા હવે મમ્મીની સાથે રહો..તેને આખી જિંદગી ચાલે તેટલું ભાથું આપવાનું છે... તમારો સમય સંકોચાઇને નજીક આવી ગયો.. પણ મમ્મીને હજી બે કે ત્રણ દાયકા તમારા વિના જીવવાનુ છે ને?”

ઇલા ત્યારે બોલી..”મારી તો આમેય તેમના જીવનમાં પત્ની તરીકે કોઇ જરુરિયાત હતી જ નહીં..સાકર બાપાનો કાગળ આવે અને કોઇક નવાંગતુક અત્રે આવ્યો જ હોય.. તેને ઠેકાણે પાડવમાં બે ત્રણ મહીના થાય તેને ગાડી અપાવે.. નોકરી અપાવે અને એપાર્ટમેંટ અપાવે ત્યાં સુધીમાં પાછું કોઇ ને કોઇ આવ્યું જ હોય...”

“પણ મમ્મી.. હવે કોઇ નહીં આવે.. ત્યારે તેમણે જવાની તૈયારી કરી..સરકોમા તેમના ફેંફસાને ૯૦% ગ્રસ્ત કરી ચુક્યો છે.. એમને એમ કંઇ ઓછી આટલી બધી હાંફ ચઢે...”

ઇલા કહે મને ખબર જ છે ને વૈભવ...પણ તેઓ ક્યાં સાંભળે છે? ફોન કરી કરી મિત્રોને બોલાવે છે.. તેમની સાથે હૈયું ખોલીને વાતો કરે છે..કનુભાઇ જેવા મિત્રો તો પાછા બીજા લોકલ મિત્રોને પણ ભળાવી ને જાય છે કે તેઓ પણ આવીને તેમની સાથે વાતો કરે... હું કહું પણ ખરી કે હવે વાતો ના કરો.. તેમની ચિંતાઓ મોં પર શારીરિક પીડાઓને દાબવા દોડી આવે..." વૈભવ બોલ્યો.. ”મોમ તેં નર્સીંગ્નું કર્યુ છે તેથી સ્વસ્થતાથી તેમની અંતિમ ઘડીઓ જોયા કરે છે." ત્યારે બીપીન બોલ્યો “ઇલા તું સાચું કહેજે તું જે ફરિયાદ વૈભવને કરે છે તે સાચી છે?"

ક્ષણ બે ક્ષણના મૌન પછી ઇલા બોલી.. "બીપીન જ્યારે બહુ શાંતિથી વિચારું છું ત્યારે મને લાગે છે તેં મને કદી અન્યાય નથી કર્યો.. કે નથી તારી કોઇ જવાબદારી સંભાળવમાં તું પાછો પડ્યો.. જન કલ્યાણનું કામ તને ગમતું હતું અને તેથી તુ કરતો હતો..પણ સાથે સાથે એટલું પણ કહીશ કે જેટલા લોકોને તું અમેરિકા લાવ્યો તે દરેકની જિંદગી બની હોય તેવું પણ નથી...”

“ઇલા હું તે દરેક્નો ભગવાન થવા નહોતો બેઠો.. હું તો સાકર બાપાની જબાન સાચવતો હતો..”

"જો બ્રાહ્મણ ફળીયાની જ્યોતિનું તો આખું જીવન વેરણ છેરણ થઇ ગયું.. એને અહીં આવીને તેના વરે રઝળતી કરી મુકી... જો તું તેને અહીં ના લાવ્યો હોત તો.. કદાચ મને તારો વધારે સાથ મળ્યો હોત...”

“તો તું મને કહે પરીખ કુટુંબના બંન્ને નબીરા સુધીર અને સુરેશ ગામમાં રહ્યા હોત તો મંડાતે?”

"હા તે વાત સાચી છે અમેરિકાનું લેબલ વાગ્યું અને તેમને સારી કમાતી છોકરીઓ મળી."

“વળી નરભુ ઠક્કર ત્યાં પડીકા વાળી ખાતો હતો તે અહીં ઇન્સ્યોરન્સનું બીલીંગ કોડીંગ કરી લાખોમાં ખેલતો થઇ ગયો ને?”

વૈભવ ઇલા અને બીપીન વાતો કરતાં થયાને સહેજ બાપા પાસેથી ખસ્યો.. તેને આ જ જોઇતું હતુંને?

પછી તો દરેકે દરેક પાત્રોની મહુધામાં જે દશા હતી અને અહીં આવીને તેમની બદલાયેલી દશાનો સચિત્ર અહેવાલ બીપીને આપ્યો... ૭૦માંથી સાત જ દુઃખી હતા..૯૦ ટકા લોકોને સમૃધ્ધિનો રાહ બતાવનાર આજે કેમ આટલી પીડા વેઠે છે? ઇલાની આ વાતનો તેની પાસે કોઇ જવાબ નહોતો..તેને શ્વાસ ચઢ્તો જણાયો એટલે તેને પંપ આપ્યો અને હોઝ્પીસની નર્સે તેને સુઇ જવાનું કહ્યું.

બીપીન શાંતિથી સુઇ ગયો..વૈભવે આવીને સુતેલા પપ્પાને જોઇને મમ્મીને ઇશારો કર્યો બંને બહાર નીકળ્યા ત્યારે ઇલાની અંદર રહેલી નર્સ અને વૈભવ વાતો કરતા હતા.. હવે પપ્પાને પેઇન કીલર આપી આપી તેમના મનમાં જે કંઇ કરવાનું બાકી રહ્યું છે તે વિશે જાણી લે.. હવે તેમના જીવનની ક્ષણો બહુ ઝડપે ખાલી થઇ રહી છે. બંને થોડી ક્ષણો બાદ રડી પડ્યા.. તેઓનો મુખવટો ઉતરી ગયો હતો.

કલાકની નિંદર પછી બીપીન જ્યારે ઉઠ્યો ત્યારે ઇલાએ બીપીનના માથા ઉપર હાથ ફેરવતા એટલું જ કહ્યું.. "આવતે ભવ હવે ગામને નહીં મને જોજે..આપણા દીકરાને જોજે.. પણ અત્યારે તો તું આતમ દિવો પ્રગટાવ... બહાર બધાને જોવાનું છોડ.. પરમાંથી ખસ અને સ્વમાં વસ.."

ઇલા કાગળ પેન લે મારે એક કાગળ લખવો છે.

“કોને લખવો છે?”

“તું હમણાં શું બોલી હતી? પરમાંથી ખસ.. બોલી હતીને?”

"હા તે પરમાંથી ખસની પ્રક્રિયા એટલે જ આ કાગળ.. દ્વારા મારે જતા પહેલા તે સૌને કહેવું છે." વૈભવે કાગળ પેન મમ્મી ને આપ્યા...

જાઉં છું આતમ લઇને પરમ આતમ પાસે..

જે સાકરે દીધી તે સૌ શુભ સાકરો લઈ સાથે

ભુલ તો કર્યાનું નથી યાદ છતા જો થઇ હોય

તો આપુ વચન સુધારીશ આવીને પાછો..

તેનો અવાજ ધીરો થતો હતો અને ઇલા બોલી "આવજે સખા મળશું પાછા આવતે ભવ."

અંદરની પીડા સંકોરતી ઇલા બહાર નીકળી ત્યારે બીપીનના અવાજ સાથે સાથે તેનો શ્વાસ પણ ધીરો થઇ ગયો હતો. વૈભવે દોડા દોડ કરી ઓક્સીજન ચઢાવ્યો..આંખ થોડીક ઝબકીને થોડાક શ્વાસ સહજ થયા અંતરનાં અગોચર પ્રદેશે બીપીને પગલા પાડવા શરુ કર્યાને પેલા સાતે જણાનો અફસોસ દરેક ડગલે દુર થતો ગયો..છેલ્લા પગથીયે ઇલા ઉભી હતી તે સાંભળતો હતો આવજે સખા મળશું પાછા આવતે ભવ..વેંટીલેટરે શ્વાસોચ્છશ્વાસનું માપયંત્ર છોડી દીધુ...સારકોમા બીપીનને લઇ ગયું..ઇલાનો બીપીન વિનાના જીવનનો પહેલો દિવસ શરુ થઇ ગયો....આમ તો આ સાથ છુટી જવાનો છે તે વાત તો છ મહીના પહેલા જ્યારે સારકોમાનું નિદાન થયું ત્યારે આવી જ ગયું હતુ.. ત્યાર પછીનાં બધા દિવસો બીપીન સાથે ઇલા પણ ક્ષણે ક્ષણે મરી રહી હતી...આજે તો ખાલી બીપીનનો દેહ છુટ્યો હતો.

વૈભવ “મમ્મી તું રડને..પપ્પા નથી રહ્યા...”

છતના પોકળ ઉંડાણમાં નજર ટેકવીને બેઠેલી ઇલા અચાનક પોલાણમાં બીપીનને જોઇ ઉભી થઈ ગઈ. તેનું મન આક્રંદ કરી રહ્યું “ઉભો રહે બીપીન હું પણ આવું છું..”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy