Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Thriller Others

4.5  

Prashant Subhashchandra Salunke

Thriller Others

ટ્રીપ ટુ ભાનગઢ

ટ્રીપ ટુ ભાનગઢ

13 mins
239


એક સફેદ રંગની ઈનોવા વહેલી સવારથી જ જયપુરની ગલીઓને ખુંદી રહી હતી. ગુલાબી નગરીના નામે પ્રસિદ્ધ જયપુરના ઐતિહાસિક વિરાસતોની મુલાકાત લેતી તે આગળ વધી રહી હતી. ઈનોવાની અંદર બેઠલ દંપતિ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ શહેર જાહેર કરેલા એ નગરીની ઐતિહાસિક ધરોહરોને નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સર્વ પ્રથમ ગોવિંદદેવજી મંદિરમાં દર્શન કરી તેઓ આમેરનો કિલ્લો, જંતર મંતર જેવા આકર્ષણોને માણી સીટી પેલેસના ભાગ એવા હવા મહલ સામે આવીને ઊભા રહ્યા હતા. હવા મહેલની રચના જોઈને તેઓને ભારતીય હોવાનું ગૌરવ થઈ રહ્યું હતું.

“દ્રષ્ટાંત, એક વાત પૂછું ?”

“પૂછને ડીયર.”

“આ મહેલમાં ૯૫૩ બારીઓ કેમ બનાવાઈ હશે ?”

ઉન્નતી પાંચ માળ ઊંચા મધપુડા જેવી રચના ધરાવતા હવા મહેલ તરફ વિસ્મયથી જોઈ બોલી.

“ડીયર, બારીવાળી આ રચનાને ઝરૂખા તરીકે ઓળખાય છે. દરઅસલ આ મહેલની રાણીઓ પડદા પ્રથાનું ચુસ્તપણે પાલન કરતી હતી. હવે રાણીઓ શહેર અને ગલીઓને જોઈ શકે એ આશયથી આ બારીઓનું નિર્માણ કર્યું હતું. વળી બહારનો વ્યક્તિ બારી પાસે ઊભેલી રાણીઓને જોઈ શકે નહીં એ માટે તેની પર સુંદર નકશીદાર જાળીઓ બેસાડવામાં આવી હતી.”

“ઓહ ! કેટલી ખુબસુરત રચના છે.”

“એ પણ ઈ.સ. ૧૭૯૯ની આસપાસ કોઈપણ ટેકનોલોજીની સગવડ નહોતી ત્યારે આપણા પૂર્વજોએ આ રચનાનું નિર્માણ કર્યું હતું. આપણા ભારત દેશમાં આવી અનેકો બેનમુન અને બેજોડ વારસાગત સંપતિ આવી છે. હવે હવામહેલની શ્રી કૃષ્ણના મુગુટ જેવી આ અદ્ભૂત રચનાને જ જોઈલે ને.”

હવામહેલને અંદરથી નિહાળીને ઉન્નતી અભિભૂત થઈ ગઈ હતી. મહેલમાંથી બહાર નીકળતા જ તે બોલી, “હવે આપણે જયગઢનો કિલ્લો જોવા જઈશું ને ?”

“ના.”

“કેમ ? અહીંથી તે માંડ ૧૫ કી.મીના અંતરે આવેલો હશે. ચાલો ને તે જોવા જઈએ.”

દ્રષ્ટાંતે ઘડિયાળમાં જોઈને કહ્યું, “ઉન્નતી, હું તને અહીંથી ૯૦ કી.મી. દૂર આવેલી એક જગ્યાએ લઈ જવા માંગું છું. આપણે ત્યાં કોઈપણ સંજોગોમાં બપોર સુધી પહોંચવું જ પડશે.”

“કેમ ?”

 “કારણ આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપતો બોર્ડ ત્યાં લગાવ્યો છે કે, સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈએ પણ એ જગ્યાની અંદર જવું નહીં.”

બંને જણા ચાલતા ચાલતા કાર નજીક આવ્યા.

ઉન્નતીએ કૌતુકથી પૂછ્યું, “એવી તો એ કઈ જગ્યા છે ?”

દ્રષ્ટાંતે કારનો દરવાજો ખોલતા કહ્યું, “ભાનગઢનો કિલ્લો.”

ઉન્નતી તેની પાછળ પાછળ સીટ પર ગોઠવાતા કહ્યું, “ભાનગઢનો કિલ્લો એટલે એ જ કિલ્લોને કે જ્યાં કરણ અર્જુન ફિલ્મની શુટિંગ થઈ હતી.”

“હા.”

 “અરે ! પણ એ જગ્યા તો ભૂતિયા છે. ભારતની ટોપ મોસ્ટ હોન્ટેડ જગ્યાઓમાં તેનો સમાવેશ થયો છે. મારી જાણ પ્રમાણે એ જગ્યા ભાનગઢના કિલ્લા કરતા ભૂતોના ભાનગઢ તરીકે વધુ પ્રચલિત છે.”

“તારી વાત એકદમ સાચી છે. ભારતના ઘણા કિલ્લાઓ પર ભૂતોએ કબજો કરેલ છે. આ કિલ્લામાં પણ આવી જ કાળી શક્તિનો વાસ છે.”

ઈનોવા ફરી એકવાર ધૂળ ઊડાડતી માર્ગ પર દોડી રહી. આસમાનમાં સૂર્ય તપી રહ્યો હતો. કારમાં એસી ચાલુ હોવા છતાંયે ઉન્નતી પરસેવે રેબઝેબ થઈ રહી હતી. “શું એ કિલ્લામાં જવું જરૂરી છે ?”

“ઉન્નતી, ઈંટરનેટ પર અને નામાંકિત વર્તમાન પત્રોમાં એ કિલ્લા વિષે મેં એટલું બધું વાંચ્યું છે કે તેને જોવાની અદમ્ય ઈચ્છાને રોકી શકતો નથી.”

“પણ ઝેરના પારખા કરવા માટે મારું મન માની રહ્યું નથી.”

તેઓની ઈનોવા પહાડ કોતરીને બનાવેલી ટનલમાં પ્રવેશી. અને હવે પહાડીઓથી ઘેરાયેલા આગ્રા રોડ પર દોડી રહી. ચોમેર ફેલાયેલી લીલોતરી જોઈને તેમનું મન પ્રફુલ્લિત થઈ રહ્યું.

ઉન્નતી કુદરતની સુંદરતાને નિહાળી જ રહી હતી ત્યાં તેની નજર કિમિ દેખાડતા હાઈવે સાઈન બોર્ડ પર પડી. ભાનગઢ માત્ર ૨૯ કિ.મિ. દૂર છે તે જોઈ તેના રૂવાડા ઊભા થઈ ગયા.

તેઓની ઈનોવા અચાનક એક વળાંક પર વળી ગઈ. આ જોઈ ઉન્નતી ચોંકીને બોલી, “દ્રષ્ટાંત, આપણે કંઈ તરફ જઈ રહ્યા છીએ ?”

“ડીઅર, આપણા ભારત દેશના લોકો કેટલા કુશળ છે તેના દર્શન કરવા.”

ઉન્નતી અસમંજસમાં આસપાસની લીલોતરીને જોઈ રહી હતી. થોડીવારમાં તેમની ઈનોવા બોરદાબાંધા ગામમાં આવીને ઊભી રહી.

ઉન્નતી કંઈ સમજે તે પહેલા દ્રષ્ટાંત ઈનોવામાંથી ઉતરીને સામે આવેલા માટીના ટીંબા પર ચઢી રહ્યો. આ જોઈ ઉન્નતી પણ તેની પાછળ પાછળ દોડી રહી, “દ્રષ્ટાંત, મારી માટે ઊભો તો રહે.”

ઉન્નતી બબડાટ કરતી દ્રષ્ટાંતની પાછળ ચાલી રહી. ઓચિંતામાં વાયેલા પવનના સુસવાટાથી તે ભાનમાં આવી. તેણે નજર ઉઠાવીને જોયું તો તે જે માટીના ટેકરા તરફ ચઢી હતી તેની બંને તરફ નદી દેખાઈ રહી હતી. ઉન્નતી મંત્રમુગ્ધ થઈને આંખ સામે દેખાઈ રહેલા દ્રશ્યનું રસપાન કરી રહી.

“ઉન્નતી, તને ખબર છે તું જ્યાં ઊભી છે તે શું છે ?”

ઉન્નતીએ નકારમાં માથું હલાવ્યું.

“આજદિન સુધી તે ઘણા ડેમ જોયા હશે. પરંતુ બોરદાબાંધા ગામ લોકોએ મળીને બનાવેલા આ માટીના ડેમ જેવો ડેમ તને બીજે ક્યાંય જોવા નહીં મળે.”

ઉન્નતી માટીના એ વિશાલ બાંધકામને જોઈ આફરીન પોકારી ઊઠી.

“નદીના પ્રવાહને રોકવા માટે ૬૦ વર્ષ પહેલા આ ગામના પૂર્વજોએ માટીનો બંધ બનાવ્યો હતો.”

બંને દંપતિ થોડીવાર સુધી એ ડેમ પર લટાર મારી રહ્યા.

“ચાલ હવે આપણે અહીંથી નીકળવું પડશે.”

ઉન્નતી ત્યાંથી ખસવા માંગતી નહોતી. પવનના સુસવાટા અને નદીના પાણીની ખળખળ તેને પ્રફુલ્લિત કરી રહી હતી. આવી જગ્યા છોડી ભૂતાવળમાં જવાનું મન કોને થાય ?

દ્રષ્ટાંત પાછો વળી રહ્યો છે તે જોઈ ઉન્નતી મનેકમને તેની પાછળ ચલાવા લાગી.

ફરી એકવાર તેમની ઈનોવો ધૂળિયો માર્ગ છોડી હાઈવે પર દોડી રહી.

ભાનગઢથી તેઓ હવે માત્ર એક કિલોમીટર દૂર હતા. ઉન્નતી માર્ગમાં બેઠલા વાંદરા જોઈને આનંદવિભોર થઈ ગઈ. તેમની ઈનોવા પસાર થતા વાંદરા હૂપાહૂપ કરતા સરકી જતા. થોડીવાર બાદ દ્રષ્ટાંતે તેની ઈનોવાને એક રિસોર્ટ સામે ઊભી રાખી.

“ઉન્નતી, અહીં આપણે ભોજન કરી પછી આગળ વધીશું.”

બંને જણા હોટેલનું એક ખાલી ટેબલ જોઈ ત્યાં બેસી ગયા. વેઈટર આવીને તેમનો ઓર્ડર લઈ ગયો. તેઓ ભોજનની રાહ જોઈ જ રહ્યા હતા ત્યાં દ્રષ્ટાંતની નજર નજીક બેઠેલા વૃદ્ધ પર ગઈ. તેને જોઈ દ્રષ્ટાંતે પૂછ્યું, “ખમાં ઘણી દાદા.”

વૃદ્ધે મલકાઈને કહ્યું, “ખમાં ઘણી બેટા.”

“દાદા, કેમ મજામાં છો ને ?”

“હા બેટા.” વૃદ્ધે કંઈક વિચારીને પૂછ્યું “અહીં ફરવા આવ્યા છો ?”

“અમે ભાનગઢનો કિલ્લો જોવા આવ્યા છીએ.”

આ સાંભળી વૃદ્ધ ચમક્યો. તે ઊઠીને તેમના ટેબલ પાસેની ખાલી ખુરશી પર બેઠો.

“દાદા, ભાનગઢનો કિલ્લો ખરેખર ભૂતિયા છે ?”

વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, “બેટા, રાત્રીના સમયે એ કિલ્લાની અંદરથી તલવારો અથડવાનો, બંગડીઓ ખખડવાનો અને ડરામણી ચીસોનો અવાજ સંભળાય છે.”

“તમે એ અવાજ સાંભળ્યો છે ?”

“હા, બન્યું એવું કે, એકદિવસ મારું ઢોર માર્ગ ભૂલીને કિલ્લાના પરિસરની આસપાસ ઘૂસી ગયું હતું. હું જયારે તેને લેવા ગયો હતો ત્યારે મને એક સ્ત્રીની ચીસનો અવાજ સંભળાયો હતો. તેની પાછળ જ ઘૂઘરા ખનકવાનો અવાજ આવતા હું ગભરાઈને ઉલટા પગ ભાગ્યો હતો. તે ઘડી અને આજનો દિ, હું એ કિલ્લાની આસપાસ ભૂલથી પણ ફરક્યો નથી. હું તો કહું છું કે એ શાપિત કિલ્લામાં દિવસના અજવાળામાં પણ કોઈએ જવું જોઈએ નહીં.”

આ સાંભળી ઉન્નતી ધ્રુજી ઊઠી.

વૃદ્ધે આગળ ચલાવ્યું, “ઈ.સ. ૧૫૭૩માં રાજા ભગવંતદાસે તેમના નાના રાજકુમાર માધવસિંઘ માટે આ કિલ્લો બનાવ્યો હતો. લગભગ ૩૦૦ વર્ષ સુધી આ કિલ્લો આબાદ રહ્યો. ત્યારબાદ આ કિલ્લામાં રહેતી રાજકુમારી રત્નાવતી પર તાંત્રિક સિંધુ સેવડાની કુદ્રષ્ટિ પડતા આ કિલ્લાની બરબાદી શરૂ થઈ.”

ઉન્નતીને વૃદ્ધની વાતમાં રસ પડ્યો. “દાદા, તમે એ પ્રસંગ અમને કહી સંભળાવશો.”

વૃદ્ધ મસ્તિષ્ક પર જોર આપતા બોલી રહ્યો, “રાજકુમારી રત્નાવતી રૂપ રૂપના અંબાર સમી સુંદર હતી. તે બોલતી તો તેના મુખમાંથી જાણે ફૂલ ઝરતા અને હસતી તો મધુર ઘંટડીના સ્વર રેલાઈ ઊઠતાં. તેની સુંદરતાના વખાણ અડોશ પડોશના રાજ્યોમાં થતા હતા. અનેક રાજકુમારો તેની સાથે પરણવાના ખ્વાબ જોઈ રહ્યા હતા. એકદિવસ રાજકુમારી રત્નાવતી બજાર ફરવા ગઈ ત્યારે તેના પર દુષ્ટ તાંત્રિક સિંધુ સેવડાની નજર પડી. તાંત્રિક તેને જોતા જ તેના રૂપ પર ફિદા થઈ ગયો. તે કોઈપણ હિસાબે રાજકુમારી રત્નાવતીને પામવા માંગતો હતો. જોકે તે જાણતો હતો કે રાજા તેના જેવા તાંત્રિક સાથે રાજકુમારીને પરણાવવા હરગીજ રાજી નહીં થાય. તાંત્રિક સિંધુ સેવડા કોઈપણ હિસાબે રાજકુમારીને પામવા માંગતો હતો. આ માટે તેણે પોતાની મેલી વિદ્યાનો સહારો લેવાનું વિચાર્યું. હવે તેણે તેના મંત્રતંત્રના સહાયથી એક અત્તરની બોટલ તૈયાર કરી. આ બોટલમાંના અત્તરની ખાસિયત એવી હતી કે જેના પર તેનો છંટકાવ કરો તે આપમેળે જાદુગર તરફ ખેંચાઈ આવી.

એકદિવસ મોકો જોઈ સિંધુ સેવડાએ તે અત્તરની બોટલ રાજકુમારી રત્નાવતીને ભેટ આપી. હવે બન્યું એવું કે રાજકુમારીની દાસી કનક થોડીઘણી તાંત્રિક વિદ્યા જાણતી હતી. તેણે રાજકુમારીના હાથમાંની અત્તરની બોટલ જોઈ ત્યારે તેને શંકા થઈ. તેમાંય એ બોટલ તાંત્રિક સિંધુ સેવડાએ આપી છે તે જાણ્યું ત્યારે તે સાવધ થઈ ગઈ. તેણે રાજકુમારીને એ ઈતરની બોટલ ફેંકી દેવાની સલાહ આપી. પરંતુ રાજકુમારીને ઈતરની બોટલ ઘણી ગમી ગઈ હોવાથી તે માની નહીં. દાસી કનક જાણી ગઈ હતી કે આ બધો તાંત્રિક સિંધુ સેવડાની મેલી વિદ્યાનો પ્રભાવ હતો. આથી તેણે રાજકુમારીના હાથમાંની અત્તરની બોટલ ખેંચી અને તેનો સામે આવેલા વિશાળ પથ્થર પર ઘા કર્યો. આ સાથે એક ચમત્કાર થયો. અત્તરના તંત્રના પ્રભાવથી એ પથ્થર તાંત્રિક સિંધુ સેવડા તરફ ખેંચાઈ ગયો. જયારે તાંત્રિક સિંધુ સેવડાએ પથ્થરને પોતાની તરફ ઘસી આવતો જોયો ત્યારે તે આખો મામલો સમજી ગયો. એ વિશાળ પથ્થર ફરી વળતા તાંત્રિક સીધું સેવડાનું મૃત્યુ થયું પરંતુ મરતા પહેલા તેણે ભાનગઢ કિલ્લાની બરબાદીનો શ્રાપ આપ્યો.

પરિણામે એક મહિના બાદ પડોશી રાજ્ય અજબગઢ સાથેના યુદ્ધમાં રાજકુમારી રત્નાવતી સહીત પુરા ભાનગઢ વાસીઓનું મૃત્યુ થયું. તાંત્રિક સિંધુ સેવડાના શ્રાપની અસરથી મૃત્યુ બાદ ભાનગઢ વાસીઓની આત્માઓને મુક્તિ મળી નહીં. કહેવાય છે કે આજેપણ તે બધાની આત્માઓ કિલ્લામાં જ ભટકી રહી છે.”

ઉન્નતી આ સાંભળી હેબતાઈ ગઈ.

વૃદ્ધે ઊભા થતા કહ્યું, “તમને માટે સલાહ આપું છું કે અહીંથી ભોજન કર્યા બાદ તમે પાછા તમારા વતને ચાલ્યા જાઓ. કિલ્લામાં જઈને તેના શ્રાપના પ્રભાવમાં આવવામાં કોઈ શાણપણ નથી.”

વેઈટર આવીને ભોજનની થાળી પીરસી ગયો.

ઉન્નતીએ કહ્યું, “સાંભળો છો ?”

“શું ?”

 “મારે એ કિલ્લો જોવા આવવું નથી.”

“ઉન્નતી, હું તારી સાથે છું ત્યારે તને ડરવાની શું જરૂર છે ?”

“પણ એ સિંધુ સેવડાનો શ્રાપ...”

ઉન્નતીની વાત સાંભળીને બાજુમાંથી પસાર થતો યુવક રોકાઈ ગયો.

તમે ભાનગઢ કિલ્લાની વાત કરી રહ્યા છો ને ?”

“તમને કેવી રીતે ખબર પડી !”

“હમણાં આ મેડમના મોઢેથી સિંધુ સેવડાની વાત સાંભળી એટલે મને શંકા ગઈ.”

“શું ખરેખર એ કિલ્લા પર તાંત્રિક સિંધુ સેવડાનો શ્રાપ છે ?”

“બધો બકવાસ...”

આ સાંભળી ઉન્નતીને હાશકારો થયો.

“મતલબ... મતલબ... એ કિલ્લો શાપિત નથી ?”

“કિલ્લો શાપિત જ છે. પરંતુ એ શાપ સાથે જોડાયેલી સિંધુ સેવડાની કહાની બકવાસ છે.”

“તો સાચી કહાની શું છે ?”

યુવાન ખાલી ખુરશી જોઈને બેસતા બોલ્યો, “મેડમ, આ બધું કોઈ તાંત્રિક બાંત્રિકને કારણે નહીં પરંતુ એક સાધુના શ્રાપને કારણે થયું છે. દરઅસલ રાજા ભગવંતદાસ ભાનગઢ કિલ્લામાં મહેલનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે એક સાધુએ તેઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, તારા મહેલનો પડછાયો મારી કુટિયા પર ક્યારેય પડવો જોઈએ નહીં. જો એમ થશે તો તારા મહેલ સાથે આખા ભાનગઢનો વિનાશ થઈ જશે. રાજા ભગવંતદાસ એક ધાર્મિક વ્યક્તિ હતા. તેઓ સાધુઓનો ખૂબ આદર કરતા હતા. તેથી મહેલ નિર્માણ વખતે તેમણે એ વાતની કાળજી લીધી કે તેનો પડછાયો સાધુની કુટિયા પર પડે નહીં. જોકે પાછળથી તેના નાના દીકરા માધવસિંઘે મહેલની ઊંચાઈ વધારી અને તેનો પડછાયો સાધુની કુટિયા પર પડ્યો. જેના કારણે ભાનગઢનો વિનાશ થયો. આજે પણ એ કિલ્લો સાધુના શ્રાપથી શાપિત છે. તેની અંદર જનાર કોઈ વ્યક્તિ તેના દુષ્પ્રભાવથી બચી શક્યો નથી.”

યુવાન આમ કહી જતો રહ્યો.

દ્રષ્ટાંતે મલકાઈને કહ્યું, “જોયું જેટલા મોઢા એટલી વાતો. હવે તો તને કિલ્લામાં આવતા ડર નહીં લાગે ને ?”

“તેઓની વાતો ભલે જુદી હોય પરંતુ કિલ્લો શાપિત છે એ નક્કી છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાએ સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈએ પણ એ જગ્યાની અંદર જવું નહીં. એવો ચેતવણીનો બોર્ડ કિલ્લા પાસે અમસ્તો જ લગાવ્યો નહીં હોય.”

આખરે દ્રષ્ટાંતની જિદ આગળ ઉન્નતીને ઝૂકવું પડ્યું. આમપણ તે મુશ્કેલ ઘડીમાં પતિનો સાથ છોડે તેવી નહોતી. બંને જણાની ઈનોવો ભાનગઢ ચેકનાકા પાસે આવીને ઊભી રહી. દ્રષ્ટાંતે પૈસા આપી પ્રવેશ કુપન ફડાવી લીધી.

“દ્રષ્ટાંત, અંદર જવા પહેલા હજુપણ વિચારી લે.”

દ્રષ્ટાંતે કંઈપણ બોલ્યા વગર ઈનોવા આગળ વધારી દીધી. એ સાથે શંકા કુશંકાથી ઉન્નતીનું મન ઘેરાઈ જવા લાગ્યું. તેમની ઈનોવા ભાનગઢ તરફ વધી રહી છે તે જોઈ તેણે હનુમાન ચાલીસાનું પઠન શરૂ કરી દીધું.

હનુમાન ગેટથી બંને દંપતી ધબકતા હૈયે ભાનગઢ કિલ્લામાં પ્રવેશ્યા. પ્રવેશદ્વાર આગળ આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની ચેતવણીનો બોર્ડ તેમના હૈયાને કંપાવી ગયું.

ઉન્નતીએ કિલ્લાના ખંડેરને જોતા જોતા દ્રષ્ટાંતની પાછળ પાછળ ચાલી રહી. બંને જણા કિલ્લામાં આવેલી ‘મોડો કી હવેલી’ આગળ આવીને ઊભા રહ્યા. જર્જરિત અવસ્થામાં ઉભેલીએ હવેલી જોઈ બંને જણા ગભરાઈ ગયા. ઉન્નતીની એ મોડો કી હવેલીમાં પ્રવેશવાની હિંમત જ થતી નહોતી. સિંધુ સેવડા અને સાધુનો ક્રોધિક ચહેરો તેના માનસપટ પર ઉભરાઈ જાણે તેને ચેતવી રહ્યો. ઉન્નતીની મોડો કી હવેલીમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નહોતી. પરંતુ દ્રષ્ટાંત તેમાં પ્રવેશતા ઉન્નતીને પણ નછુટકે તેની અંદર પગ મૂકવો જ પડ્યો.

હવેલીમાં આછું આછું અજવાળું પ્રસરેલું હતું. હવેલીમાં ચામાચીડિયા દેખાતા નહોતા. પરંતુ તેઓના મૂત્રની ગંધ હવેલીમાં પૂર્વે તેઓની હાજરી હોવાની ચાડી ખાઈ રહી હતી. બંને જણા એક અંધારિયા ઓરડામાં પ્રવેશ્યા જ હતા ત્યાં એક સ્ત્રીના હસવાના અવાજથી તેમનું કાળજું કંપી ઊઠ્યું.

ઉન્નતીએ ગભરાઈને દ્રષ્ટાંતનો હાથ પકડી લેતા કહ્યું, “દ્રષ્ટાંત, મને ખૂબ ડર લાગી રહ્યો છે.”

દ્રષ્ટાંત કંઈક કહેવા જતો જ હતો ત્યાં ફરી એકવાર સ્ત્રીનું હાસ્ય ગુંજી ઊઠ્યું.

“આ... આ... સાંભળ્યું ?”

હવે તો દ્રષ્ટાંતના પણ ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. છતાંયે ઉન્નતીને આશ્વાસન આપતા તે બોલ્યો, “ઉન્નતી, હિંમત રાખ.”

“હું તમને અહીંયા આવવાની પહેલાથી જ ના પાડી રહી હતી.”

તેઓ ખુદને સાંભળવાની કોશીશ કરી જ રહ્યા હતા ત્યાં પાયલની ખનખનથી તેમના છાતીના પાટિયા બેસી ગયા. દ્રષ્ટાંતે કપાળે બાઝેલો પરસેવો લૂછ્યો. ઉન્નતીએ તેના હાથ પરની પોતાની પકડ મજબૂત કરી.

હવે તેઓને બંગડીઓનો ખખડવાનો ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો. હવે ઉન્નતી સાથે દ્રષ્ટાંત પણ ડરી ગયો. તેઓના મુખમાંથી અવરિતપણે હનુમાન ચાલીસાની ચોપાઈઓ નીકળવા લાગી.

મોડાની એ હવેલીની તેમને ભૂતોના અસ્તિત્વની અનુભૂતિ કરાવી રહી હતી. ફરી એકવાર હવેલીમાં સ્ત્રીનો હાસ્ય ગુંજતા દ્રષ્ટાંતે હિંમત કરીને પૂછ્યું, “કોણ ? કોણ છે ત્યાં ?”

ઓચિતામાં વાતારવણમાં શાંતિ છવાઈ ગઈ.

બંને જણા પરિસ્થિતિનો ક્યાસ લગાડવાનો પ્રયત્ન કરી જ રહ્યા હતા ત્યાં એક દીવાલ પાસેથી બે માનવ આકૃતિ બહાર આવી. આ જોઈ બંને જણા ગભરાઈને બે ડગલું પાછળ ખસી ગયા.

“કોણ છે ?”

અંધારામાંથી બહાર નીકળીને એક યુવતી તેમની સામે આવીને ઊભી રહી. યુવતીએ તેના ચહેરાને દુપટ્ટા વડે ઢાંક્યો હતો. તેની પાછળ એક યુવક પણ આવીને ઊભો રહ્યો. યુવકે ટોપી વડે તેના ચહેરાને ઢાંકી લીધો હતો. ઉન્નતી અને દ્રષ્ટાંત કંઈ સમજે તે પહેલા તે પ્રેમી પંખીડાઓનું જોડું ઝડપથી બહાર નીકળી ગયું. બંને જણા અચંબિત નજરે તેઓને જતા જોઈ રહ્યા.

“દ્રષ્ટાંત, જો આ પ્રેમી પંખીડા અહીં આરામથી પ્રેમાલાપ કરી શકતા હોય ત્યારે આપણે અહીં ફરવા માટે અમસ્તા જ ડરી રહ્યા છીએ.”

“સાચી વાત છે.”

આ ઘટના બાદ બંને જણાના મનનો ડર નીકળી ગયો. હવે તેઓ નિર્ભીકપણે કિલ્લાના સૌંદર્યને માણી રહ્યા. એક તરફ કિલ્લાની દીવાલ પરની નકશીકામ જોઈને તેમનું મન આનંદિત થતું હતું તો બીજી તરફ ભૂતકાળમાં આક્રમણકારીઓએ કિલ્લાને લુંટતીવેળાએ તેની કલાકૃતિઓને પહોંચાડેલ નુકસાન જોઈને તેમનું મન વ્યથિત થતું. વળી કિલ્લાની અદ્ભૂત દીવાલો પર અનપઢ એવા શિક્ષિતોએ ચોક વડે દોરેલી હ્રદયની આકૃતિઓ જોઈ તેમના હૈયાને પીડા થઈ રહી.

તેઓએ કિલ્લામાં આવેલ વિવિધ અવશેષો, ખંડેર હાલતમાં પડેલું તે કાળનું જ્હોરી બજાર, પુરોહિત હવેલી અને રોયલ પેલેસની મુલાકાત લીધી.

દ્રષ્ટાંતે દૂર પહાડી પર આવેલ એક ટાવર તરફ આંગળી ચીંધતા કહ્યું, “ઉન્ન્રતી, પેલું વોચ ટાવર છે.”

“પણ એ ટાવર પર વોચ તો દેખાતી નથી ?”

“અરે ! વહાલી, વોચ ટાવર એટલે પૂર્વે તેની પર રાજાના સૈનિકો ઊભા રહીને દુશ્મનો પર વોચ રાખતા હતા.”

ઉન્નતી પોતાની મુર્ખામી પર મનોમન હસી પડી. ભાનગઢનો કિલ્લો તો અદ્ભૂત હતો જ પણ તેની આસપાસ પથરાયેલ કુદરતી સૌદર્ય પણ એટલું જ નયનરમ્ય હતું. ઉન્નતી તો એ જોઈને ભાવવિભોર થઈ ગઈ હતી.

સાંજ પડવા પહેલા તેઓ કિલ્લામાંથી બહાર નીકળી આવ્યા. કિલ્લાનું સુંદર નકશીકામ અને અદ્ભૂત કલાકૃતિઓની નિહાળી બંને જણા મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

ફરી એકવાર તેમની ઈનોવા માર્ગ પર દોડવા લાગી.

ઉન્નતીને ચુપચાપ બેઠેલી જોઈ દ્રષ્ટાંતે પૂછ્યું, “વહાલી, કેમ આવી ગુમસુમ બેઠી છું ?”

“મારી આંખ સામેથી ભાનગઢનો કિલ્લો ખસવાનું નામ જ લેતો નથી.”

“તને હજુ એ કિલ્લો ભૂતિયા લાગે છે ?”

“ના રે ના... એ કિલ્લો ભૂતિયા નથી પરંતુ ફરવા લાયક ઉત્તમ સ્થળ છે.”

“હા ઈન્ટરનેટ પર જયારે મેં આ કિલ્લા વિષે વાંચ્યું હતું ત્યારે મને પણ તેના ભૂતિયા હોવાની વાત પર શંકા થઈ હતી. અને એટલે જ હું ખાસ તેની મુલાકાતે આવ્યો હતો. તાંત્રિક અને સાધુની ક્લ્પોક્લ્પિત વાર્તા મેં અગાઉ પણ વાંચી હતી પરંતુ તેની સત્યતા પર મને વિશ્વાસ બેઠો નહોતો.”

“તો પછી આ કિલ્લો ખંડેર કેવી રીતે બની ગયો ?”

“ઉન્નતી, આ કિલ્લો ક્યાં આવેલો છે તે તું જાણે છે ?”

“ઓબવેસ્લી રાજસ્થાનમાં.”

‘હવે રાજસ્થાનમાં સદીયોથી પાણીની અછત છે એ તો તું જાણે જ છે. મારા ખ્યાલથી વર્ષો પહેલા આ કિલ્લાની જગ્યાએ પણ દુકાળ પડ્યો હશે. જેથી અહીની પ્રજા સ્થળાંતર કરીને બીજે જતી રહી હશે. અથવા બીજું પણ કારણ હોઈ શકે છે.”

“એ વળી કયું ?”

“આપણે જયારે કિલ્લાની દીવાલો જોતા હતા ત્યારે તેમાંની કલાકૃતિઓને ખંડિત હાલતે જોઈ મને એવી પણ શંકા જઈ રહી છે કે ભૂતકાળમાં આક્રમણકારીઓના હુમલાથી બચવા ભાનગઢમાં વસતા પ્રજાજનો સ્થળાંતર કરી બીજે રહેવા જતા રહ્યા હશે. પૂર્વે લોકો આફતની ઘડીએ સ્થળાંતર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વસ્યા હોવાના અનેકો દાખલા છે.”

“મને પણ તમારી વાતમાં સચાઈ લાગે છે.”

“વળી તું જ વિચાર કર કે જે કિલ્લામાં હનુમાન મંદિર, મંગલાદેવી મંદિર, ગણેશ મંદિર, ગોપીનાથ મંદિર, સોમેશ્વર મંદિર અને મંગલા દેવી મંદિર આવેલા હોય તેમાં ભૂતોનો વાસ હોઈ શકે ખરો ?”

“તો પછી લોકો કેમ આવી ભૂતોની વાહિયાત અફવા ઉડાવી આ જગ્યાને અભડાવી રહ્યા છે. વળી આપણા આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાનું તો શું કહેવું ! તેઓ પણ લોકોની અફવા સાંભળીને ભ્રમિત થઈ ગયા.”

“હવે આમાં તે બિચારાઓનો શો દોષ ?”

“શું દોષ ? તો પછી તેઓએ આ સ્થળને પર્યટનસ્થળ કેમ ઘોષિત કર્યું નહીં ?”

“ડીયર, તો હમણાં આપણે એ કિલ્લામાં ફરી આવ્યા એ શું હતું ? તેના અંદરની જે સુંદર વ્યવસ્થા કરી છે તે તેઓએ જ સ્તો કરી છે ને ?”

“તો પછી પ્રવેશદ્વાર પર જ સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈએ પણ આ કિલ્લામાં જવું નહીં. આવો બોર્ડ તેઓએ કેમ માર્યો છે ? વળી ફક્ત હનુમંત દરવાજા પર જ નહીં પરંતુ કિલ્લાના બીજા ત્રણ દરવાજાઓ પર પણ આવું જ લખાણ લખેલા બોર્ડ તેઓએ લગાવ્યા છે. આનો મતલબ સાફ છે કે તેઓ પણ આ કિલ્લામાં ભૂત હોવાનું માને છે.”

“ના એવું જરાયે નથી.”

“તો કેવું છે ?”

“તેં એ કિલ્લાના અવશેષો જોયા જ છે ને ? એ ખંડેરોનું બાંધકામ એટલી જર્જરિત અવસ્થામાં છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. વળી એ ખંડેરના અવશેષોમાં જંગલી જીવજંતુઓ હોવાની પણ સંભાવના છે. આ બધા કારણે કોઈ હોનારત થાય નહીં એટલે તેઓએ અંધકારના સમયે કોઈએ કિલ્લામાં આવવું નહીં એવા બોર્ડ લગાવેલા છે. હવે લોકો એ સૂચનાને ભૂત સાથે જોડી દે તેમાં એ બિચારાઓનો શું વાંક !”

ઈનોવા માર્ગ પર દોડી રહી.

દ્રષ્ટાંત સડક પર નજર જમાવી રાખતા બોલ્યો, “વહાલી, આપણે ભારતીયો વિજ્ઞાનના આ જમાનામાં પણ ભૂતપ્રેતની વાતો પર જલદી વિશ્વાસ કરી બેસીએ છીએ. આપણા પૂર્વજોએ આપણને વિરાસતમાં આપેલી એવી તો ઘણી ભવ્ય ઈમારતો છે જેને ભૂતિયાનું લેબલ લગાવીને આપણે ખંડેરમાં ફેરવી દીધી છે. જે ઈમારતોમાં ભારતના ભવ્ય ભૂતકાળના દર્શન થાય તેની અવદશા પાછળ આપણે જ જવાબદાર છીએ. વાસ્તવમાં તે ધરોહરોને ભૂતોનો નહીં પરંતુ આપણા અંધવિશ્વાસનો લાગ્યો છે વળગાડ. જે ઈશ્વર જાણે ક્યારે દૂર થશે.”

  કાર ઘરના માર્ગે દોડી રહી. દ્રષ્ટાંત અને ઉન્નતી હંમેશ માટે યાદગાર રહી જવાની હતી આ ટ્રીપ ટુ ભાનગઢ.


Rate this content
Log in

Similar gujarati story from Thriller