Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Romance

4  

Prashant Subhashchandra Salunke

Romance

પ્રેમની ઋતુ

પ્રેમની ઋતુ

6 mins
370


આપણે સહુ જાણીએ છીએ કે, વેલેન્ટાઇન એટલે પ્રેમની ઋતુ. જોકે આ ઋતુ બધાને એકસરખી માફક નથી આવતી. કેટલાકના હૈયા આ ઋતુમાં મળે છે તો કેટલાકના તૂટે છે ! વેલેન્ટાઈનની આ ઋતુમાં પ્રેમના સંદેશાઓનો વર્ષાવ થાય છે. પ્રેમના બે મીઠા બોલ અનેકો જુવાન હૈયાઓને ભીંજવી દે છે. જોકે જેમના દિલ તૂટે છે તેમના અશ્રુઓથી રાતે ઓશિકા ભીના થાય છે. ક્યારેક ક્યારેક હતાશાની આ અવસ્થામાં વ્યક્તિ ન કરવાનું વિચારી બેસે છે. કંઈક આવી જ પરિસ્થિતિ હતી અતુલની.

શહેરથી દૂર આવેલી નદી ઉપરના પુલની દીવાલ પર ચઢી અતુલ આંખો મીંચી ઈશ્વરને સ્મરણ કરી રહ્યો હતો. પ્રભુ પ્રાર્થના બાદ આંખમાં આવેલા અશ્રુને લૂછતાં અતુલે કહ્યું, “જેને દિલોજાનથી ચાહતા હોઈએ તે જ જો ઠુકરાવી દે તો જીવવાનો શો અર્થ!”

આજે ૧૪ ફેબ્રુઆરીના રોજ અતુલ સવારથી જ ઘણો ખુશ હતો. અતુલ તેના કોલેજની સહપાઠી મનાલીને દિલોજાનથી ચાહતો હતો. મનાલીની એક ઝલક જોવા તે દીવાનાની જેમ કોલેજના ગેટ પાસે કલાકો ઊભો રહેતો. મનાલીના સુંદર મુખારવિંદને નિહાળ્યા સિવાય તેને ચેન પડતું નહીં. કયારેક મનાલીની નજર સાથે તેની નજર મળી જતી ત્યારે તેના શરીરમાંથી રોમાંચની લહેર પ્રસરી જતી. અતુલનું શાયર હૈયું એ ઘડીએ પંક્તિઓ બોલી ઊઠતું.

નજરથી નજર મળતી રહી

મારા વિચારોમાં તું ભળતી રહી,

હૈયામાં મારા પીગળતી રહી,

આહ! દિલમાંથી નીકળતી રહી.

જોકે આશાની પણ કેટલી આશા રાખવી ! કારણ આશા પણ મનુષ્યને પરિણામ સુધી જ ખુશ રાખી શકે છે. અતુલ પણ મનાલીના પ્રેમને પામવાની આશામાં હજુસુધી જીવી રહ્યો હતો. પરંતુ વેલેન્ટાઈનના દિવસે તેના સઘળા ભ્રમ ભાંગીને ભુક્કો થઇ ગયા. વેલેન્ટાઇન નિમિત્તે અતુલે મુકેલો પ્રેમપ્રસ્તાવ મનાલીએ નિર્દયતાથી ઠુકરાવી દીધો હતો. કારણ પોતે રૂપેશ જેવો દેખાવડો નહોતો એટલે ! શું દેખાવડું ન હોવું એ ગુનો છે ? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી ?”

મનમાં મચેલા ઉત્પાતને શામવા અતુલે નીચે વહી રહેલા નદીના ખળખળ પ્રવાહ સામે જોયું. નદીના વહેતા જળ જાણે અતુલને તેમાં સમાઈ જવાનું આહવાન આપી રહ્યા. અતુલે પણ નદી માતાના ખોળામાં ઝંપલાવીને ચિરનિદ્રામાં પોઢી જવાનું ઉચિત સમજ્યું. આ સાથે તેણે નદીના પ્રવાહમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પોતાનો નિર્ણય મક્કમ કર્યો. વળી મનાલી સામે પોતાના સાચા પ્રેમને પુરવાર કરવાનો આ એક જ માર્ગ તેની સામે બચ્યો હતો. જીવતેજીવ જે મનાલીને તે પામી શક્યો નહોતો તેના હૃદયમાં મરીને વસવાનું અતુલે નક્કી કર્યું હતું.

અતુલ મુઠ્ઠીવાળીને નદીના પ્રવાહમાં ઝંપલાવવાની તૈયારીમાં જ હતો ત્યાં  સહસા તેની નજર પૂલના બીજા છેડા તરફ ગઈ. એ સાથે અતુલ પોતાની જગ્યાએ ખીલો થઈને ઊભો રહ્યો. તેણે જોયું કે પુલની દીવાલ પર ઊભી રહીને એક યુવતી બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. આ જોઈ અતુલ ડઘાઈ ગયો. યુવતીના ચહેરાના હતાશાના ભાવ અતુલને સચેત કરી રહ્યા. અતુલને અમંગલ બનાવનો અણસાર આવી જતા તે તાડૂકી ઊઠ્યો, “એય છોકરી ઊભી રહે. તું આ શું કરવા જઈ રહી છે ?”

અતુલનો ઘાંટો સાંભળી યુવતીએ ચોંકીને અવાજની દિશા તરફ જોયું. તો ત્યાં પાળ પર ઊભેલા અતુલને જોઈ તેના હોંશકોશ ઉડી ગયા. તેના સિવાય અન્યની પણ ત્યાં હાજરી હતી તેનો જરાયે સરખો અંદેશો તે યુવતીને નહોતો. યુવતી વિચારમગ્ન અવસ્થામાં ઊભી છે તે જોઈ અતુલ ઠેકડો લગાવીને દીવાલ પરથી નીચે ઊતર્યો. અતુલને પોતાની તરફ આવતા જોઈ યુવતી ઘબરાઈ ગઈ. તે ઝડપથી નદીમાં છલાંગ લગાવવા ગઈ; અતુલ તેના કરતા વધુ સ્ફૂર્તિલો નીકળ્યો. અતુલ ચીલઝડપે યુવતીની નજદીક ગયો અને તેનો હાથ પકડી લીધો.

“મારો હાથ પકડવાની તમારી હિંમત કેવી રીતે થઇ?”

અતુલે યુવતીની વાત તરફ ધ્યાન આપ્યા વગર તેણે ખેંચીને પાળ પરથી નીચે ઊતારતા કહ્યું, “બેવકૂફ, તું આ શું કરવા જતી હતી? ”

“મને મરી જવા દો. જેને દિલોજાનથી ચાહતા હોઈએ તે જ જો ઠુકરાવી દે તો જીવવાનો શો અર્થ !”

યુવતીની વાત સાંભળી અતુલ ઝંખવાઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે ખુદને સંભાળતા તે બોલ્યો, “છોકરી ભાનમાં આવ. ક્યારે પણ કોઈ બાબતનો અંત નથી હોતો. આજે તને પ્રેમ નથી મળ્યો એનો મતલબ એ નથી કે તને જિંદગીમાં ક્યારે પ્રેમ નહીં મળે. જોડીઓ તો સ્વર્ગમાં બનતી હોય છે. કદાચ તારા માટે ઈશ્વરે આનાથી બહેતર વિચારી રાખ્યું હોય. પ્રેમની પાછળ અંધ બની આપણા અનમોલ જીવનને આમ વેડફી ન દેવાય.”

“અનમોલ જીવન ! ઇચ્છિત વ્યક્તિની હાજરી વિના, શું જીવનને અનમોલ સમજવાની ઈચ્છા થાય ખરી ?” યુવતી આંખમાં આવેલા અશ્રુઓને લૂછતા આગળ બોલી, “સમીરને હું દિલોજાનથી ચાહતી હતી પરંતુ આજે વેલેન્ટાઇનના દિવસે તેણે મારું દિલ તોડ્યું. અને તે પણ ખબર છે શા કારણે? ”

અતુલે અસમંજસમાં માથું હલાવ્યું.

યુવતીએ ક્રોધપૂર્વક કહ્યું, “કારણ સમીરને શ્રીમંત ઘરની એ હેતલડી મળી ગઈ એટલે. શું ગરીબ હોવું ગુનો છે ? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી ? હવે તમે જ કહો મારી સાથે ખોટું થયું કે નહીં.”

અતુલ પાળ પર બેસતા બોલ્યો, “મારા મતે જે થયું તે સારું જ થયું. નહીંતર એ સમીર જેવા મૂરખના સરદાર સાથે તારે આખી જીંદગી વિતાવવી પડી હોત.”

યુવતી અતુલને રોષભેર જોઈ રહી.

અતુલ સહેજ મલકાઈને બોલ્યો, “હવે તારા જેવી સુંદર છોકરીને નકાર આપે એ મૂરખનો સરદાર જ કહેવાય ને.”

અતુલની વાત સાંભળી યુવતી રડમસ ચહેરે પણ હસી પડી. તે અતુલની પાસે આવીને બેઠી જ હતી ત્યાં છાંટા સાથે વરસાદ શરૂ થયો.

અતુલે વિચાર્યું, ‘આજકાલ ઋતુનું કોઈ ઠેકાણું નથી.’

“કદાચ ઘણાના હૈયા આજે આ વેલેન્ટાઇનના દિવસે તૂટ્યા હશે.” યુવતી હતાશાથી આસમાન તરફ જોઈને બોલી.

આસમાનમાંથી વરસી રહેલા અમી છાંટણામાં અતુલ અશ્રુઓનો ગરમાવો મહેસુસ કરી રહ્યો.

“કદાચ દિલ તોડવા જ કોઈ મસખરાએ આ વેલેન્ટાઈનનું આયોજન કર્યું હોય તેમ લાગે છે. મારા ખ્યાલથી એપ્રિલફૂલ અને વેલેન્ટાઈનમાં કોઈ ઝાઝો ફરક નથી. વર્ષોવર્ષ જે પ્રેમને મેળવવા આપણે તડપતા હોઈએ તે પાત્ર વેલેન્ટાઈનના દિવસે આપણી જાણે મજાક ઉડાડતું હોય તેમ હાથમાંથી સરી જાય છે. અને આપણે? આપણે જાણે મૂરખાના સરદાર હોઈએ તેમ હાથ મળતા રહી જઈએ છીએ.” અતુલે હાથ લંબાવતા કહ્યું, “બાય ધી વે. મારું નામ અતુલ છે; અને તમારું ?”

“આશ્લેષા.” યુવતીએ અતુલ જોડે હાથ મેળવતા કહ્યું.

ફરી બંને વચ્ચે મૌન પ્રસરી રહ્યું. તેઓ શૂન્યમનસ્કપણે સડક પર નજર દોડાવી રહ્યા. દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું નહોતું. નદીના પેલે પાર આવેલા માર્ગ પરથી એકલ દોકલ વહાનો ઝડપથી પસાર થઇ જતા હતા.

અતુલે બંને હાથને ઘસીને ગરમાવો મેળવવાનો નિરર્થક પ્રયત્ન કરી જોયો. વર્ષાની બુંદો તેમને ભીંજવી રહી હતી.

મૌનને તોડતા આશ્લેષા બોલી, “એક વાત પૂછું ?”

“શું?”

“તમે પેલી દીવાલ પર કેમ ચઢ્યા હતા?”

“અમસ્તો. અલહાદક આબોહવાની મજા માણવા.”

“એક વાત કહું ?”

“શું?”

“તમને ખોટું બોલતા જરાયે આવડતું નથી. જાણો છો કેમ ?”

“કેમ?”

“કારણ તમે દિલથી ખૂબ સારા માણસ છો. ખરેખર એ મૂરખની સરદાર જ હશે જેણે તમારા જેવાને ઠુકરાવ્યો.”

બંને અપલક નજરે એકબીજાને જોઈ રહ્યા. ફરીથી ખામોશીની દીવાલ બંને વચ્ચે ઊભી થઇ ગઈ. આશ્લેષા જમીન સાથે ટકરાઈ રહેલ વર્ષાની બુંદોને અપલક નજરે નિહાળી રહી.

અતુલે શાંત સ્વરે કહ્યું “આશ્લેષા, ભૂતકાળ ભૂલીને તારે નવેસરથી જીંદગી શરૂ કરવી પડશે.”

“સમીરને ભૂલવું મારા માટે આસાન નથી. હું સમીરને દિલોજાનથી ચાહું છું. તેનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવી મને બેચેન બનાવી દે છે.” બોલતા બોલતા આશ્લેષાનો ડૂમો બેસી ગયો. તેણે રૂંધાતા સ્વરે કહ્યું, “આખરે કેમ સમીરે મારો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો ? ખબર નહીં હું ક્યાં જન્મનું પાપ આ જન્મે ભોગવી રહી છું.”

“આશ્લેષા, આપણા કર્મોનો હિસાબ આ જ જન્મમાં આપણને ભોગવવા પડતા હોય છે.”

ઓચિંતી આકાશમાં વીજળી ચમકી.બંને જણાએ મગજમાં જાણે ઝબકાર થયો હોય તેમ ચોંકીને એકબીજાના ચહેરા તરફ જોયું.

“વિનાયક.” આંચકા સાથે પાળ પરથી આશ્લેષા ઊભી થતા બોલી.

“કોણ વિનાયક ?” અતુલ પણ પાળ પરથી નીચે ઉતર્યો.

“વિનાયક મારો સહપાઠી છે. મારા કોલેજમાં ભણે છે. તે દિલોજાનથી મને ચાહે છે. પાછલા વેલેન્ટાઇનના દિવસે તેણે મારા સામે તેના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. પરંતુ મેં તેનો સ્વિકાર કર્યો નહોતો.”

“કેમ?”

“કારણ તે ગરીબ હતો.” આશ્લેષા નીચું જોઈ ગઈ, “પરંતુ હવે દિલ તુટવાની વેદના હું જાણી ગઈ છું. હું વિનાયકની માફી માંગીશ અને તેની આગળ મારા પ્રેમનો પ્રસ્તાવ મુકીશ. કદાચ સંત વેલેન્ટાઇને મને શીખ આપવા જ તારી સાથે મારી ભેટ કરાવી હશે.”

“પરંતુ આટલા લાંબા અંતરાલ બાદ વિનાયક તારા પ્રેમનો સ્વિકાર કરશે ?”

“પ્રેમનો સ્વિકાર કરશે? અરે! એ ભોળો તો મારી વાત સાંભળીને રડી જ પડશે. ચાલ, હવે વધુ મોડું થાય એ પહેલા મારે અહીંથી નીકળવું પડશે. બાય.”

આમ કહી આશ્લેષા ત્યાંથી સડસડાટ નીકળી ગઈ. આથમતા સૂરજને જોતાજોતા અતુલ નજદીક આવેલા ઝાડ નીચે જઈ ઊભો રહ્યો. પુલ નીચેથી વહેતી નદીના પાણીના પ્રવાહની જેમ અતુલના મસ્તિષ્કમાં પણ વિચારોનો અવરિત પ્રવાહ વહી રહ્યો હતો. ખૂબ મનોમંથન બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કોલ જોડી મોબાઈલને કાને અડાડ્યો, “હલ્લો, પલ્લવી.”

“કોણ અતુલ?”

 “પલ્લવી, મને માફ કર. હું મૂરખ તારા મનની સુંદરતાને પિછાણી શક્યો નહોતો. પરંતુ હવે મને મારી ભૂલ બદલ પસ્તાવો થઇ રહ્યો છે. વિલ યુ બી માય વેલેન્ટાઇન ?”

અતુલ જવાબ સાંભળવા આતુર બન્યો. સામે છેડેથી પલ્લવીના ધ્રુસકાનો અવાજ આવ્યો. વર્ષોની તડપ એ ધ્રુસકાઓમાં ધરબાયેલી હતી. ઉપર આસમાન અને નીચે અતુલની આંખો વરસી રહી. વીજળીના ગડગડાટ સાથે સામે છેડેથી પલ્લવીનો સ્વર સંભળાયો, “હા.”

એ સાથે ક્યારનો પડુંપડું કરતો વરસાદ મુશળધાર વરસી પડ્યો. અને નવી આશા અને ઊમંગની લહેર સર્વત્ર રેલાઈ ગઈ. સુખાંતે અતુલના જીવનમાં શરૂ થઇ ગઈ હતી પ્રેમની ઋતુ.


Rate this content
Log in

Similar gujarati story from Romance