Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Horror Fantasy Thriller

4.5  

Prashant Subhashchandra Salunke

Horror Fantasy Thriller

વળગાડ

વળગાડ

12 mins
289


ઓચિંતામાં થયેલા ઘૂરકાટથી અનિરુદ્ધની આંખો ખુલી ગઈ ! અસમંજસમાં તેણે ચારેકોર નજર ફેરવી જોઈ પરંતુ ઓરડામાં તેની પડખે સૂઈ રહેલી પત્ની સુલોચના અને તેની બાર વર્ષની દીકરી હેલી સિવાય ચોથું કોઈ હાજર નહોતું ! અનિરુદ્ધે દીવાલ પર લાગેલી ઘડિયાળમાં સમય જોયો. સવારના ચાર વાગ્યા હતા. ચોમાસાની એ પરોઢમાં બહાર ગાઢ અંધકાર છવાયેલું હતું. ઊંઘવાના ઈરાદે અનિરુદ્ધે પથારીમાં પાછું લંબાવ્યું જ હતું ત્યાં ફરીથી ઘૂરકાટ સંભળાયો.

અનિરુદ્ધે કંપતા સ્વરે પૂછ્યું, “કોણ છે ?”

પડખે ઊંઘી રહેલી સુલોચનાએ આંખો ચોળતા પૂછ્યું, “શું થયું ? કેમ ઘાંટા પાડો છો ?”

અનિરુદ્ધે કપાળ પર બાઝેલી પ્રસ્વેદની બુંદોને લૂછતાં લૂછતાં કહ્યું, “સુલોચના, ઓરડામાં કોઈકનો ઘૂરકાટ સંભળાઈ રહ્યો છે.”

સુલોચનાએ પડખું બદલાતા કહ્યું, “એ તમારા મનનો વહેમ હશે. સૂઈ જાઓ હવે. ઓરડામાં કોઈ નથી.”

“ઘરરરર.... ઘરરરર....”

ઓરડામાં ગુંજી ઊઠેલા ઘૂરકાટથી સુલોચનાએ અવાજની દિશામાં જોયું. તો તેના છાતીના પાટિયા બેસી ગયા. પથારીમાં સૂઈ રહેલી હેલી દાંત કચકચાવતી અને ઘૂરકાટ કરતી તેના તરફ જ જોઈ રહી હતી.

“બેટા, તારી તબિયત તો ઠીક છે ને ?” સુલોચના તાવ જોવા હેલીના કપાળે હાથ મુકવા જ જતી હતી ત્યાં હેલીએ તેના હાથ પર ઝપાટો માર્યો. સુલોચનાને હાથ ખસેડવામાં ક્ષણનો પણ વિલંબ થયો હોત તો હેલીના મોઢામાં તેના હાથનો માંસનો ટુકડો આવી ગયો હોત !

સુલોચનાએ હેબતાઈને પથારી એક તરફ ફેંકી અને ઝડપથી ઊઠી.

“શું થયું સુલોચના ?” અનિરુદ્ધ વિસ્મયથી પૂછી જ રહ્યો હતો ત્યાં ઘૂરકાટ કરતી હેલી અનિરુદ્ધ પર ત્રાટકી. અનિરુદ્ધ ડઘાઈને પલંગ પરથી ઊઠ્યો અને સુલોચનાની બાજુમાં જઈને ઊભો રહ્યો.

બંનેના હ્રદય ટ્રેનના એન્જીનની માફક ધબકી રહ્યા હતા. સામી બાજુ દાંત કચકચાવતી હેલી તે બંનેને જોઈ રહી હતી.

સુલોચના ભયથી થરથર ધ્રુજતા બોલી, “અનિરુદ્ધ, આપણી હેલીને શું થયું ? તે કેમ આવું અજુગતું વર્તન કરી રહી છે ?”

અનિરુદ્ધ કંઈક બોલવા જતો જ હતો ત્યાં હેલી છલાંગ લગાવતી બાલ્કની તરફ દોડી. આ જોઈ સુલોચનાએ ડરથી બૂમ પાડી. “હેલી, ક્યાં જાય છે ?”

હજુ કોઈ કંઈ સમજે તે પહેલા તો હેલીએ બાલ્કનીમાંથી નીચે કુદકો લગાવી દીધો. આ જોઈ સુલોચનાના મુખમાંથી રાડ નીકળી ગઈ. તેણે દોડીને બાલ્કનીમાંથી નીચે તરફ જોયું તો ત્યાં અંધકારમાં ઊભેલી હેલીની આકૃતિ દેખાઈ. તેને આમ ઊભેલી જોઈને સુલોચનાએ બુમ પાડી, “હેલી, ઊપર પાછી આવ.”

પરંતુ હેલીએ જાણે કશું સાંભળ્યું ન હોય તેમ તે છલાંગો લગાવતી અંધારામાં ઓઝલ થઈ ગઈ. અનિરુદ્ધ અને સુલોચના હાંફળા ફાંફળા ઘરની બહાર નીકળ્યા અને હેલી જે દિશામાં દોડી હતી તે દિશા તરફ દોડવા લાગ્યા. બંને જણાએ હેલીને શોધવા નજર ફેરવી પરંતુ અંધકારમાં બધું વ્યર્થ. ઓચિંતી વાતાવરણમાં તેમના પાડોશી માધવની ચીસ ગુંજી ઊઠી. એ સાંભળી બંનેના અંગેઅંગમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. મનમાં અનેક જાતની શંકા કુશંકા ઘેરી વળતા તેઓ અવાજની દિશા તરફ દોડી ગયા.

માધવના ઘર પાસે પહોંચી તેઓએ જોયું તો તે જમીન પર ચત્તોપાટ પડીને તરફડી રહ્યો હતો.

અનિરુદ્ધે પૂછ્યું, “શું થયું માધવ ?”

“અનિરુદ્ધભાઈ, હું મારી મરઘીઓને દાણા ખવડાવી રહ્યો હતો ત્યાં ઓચિંતામાં કોઈકે મને પાછળથી બચકું ભર્યું અને મને ભોંય પર પછાડી દીધો. હું કંઈક સમજુ એ પહેલા તો તે મારી મરઘી ઊઠાવીને ભાગી ગયો.”

“કોણ હતો એ ?”

“ખબર નહીં. પરંતુ તે મારી મરઘી લઈને આ દિશા તરફ જ ભાગ્યો છે.”

અનિરુદ્ધે હાશકારો લીધો. કારણ માધવે જે તરફ આંગળી ચીંધી હતી તે દિશા તેમના ઘર તરફની હતી. મતલબ હેલી જ મરઘી લઈને ઘર તરફ ભાગી હતી. પરંતુ કેમ ?

બંને જણાએ ઉતાવળમાં ઘર તરફ પગલા ઊપાડ્યા. ઘરે પહોંચતા જ તેઓને આઘાતનો એક ઝાટકો લાગ્યો. કારણ હેલી ભૂખ્યા વરુની જેમ મરઘીને ફાડીને ખાઈ રહી હતી. મરઘીના પીછા તીતરબીતર અવસ્થાએ હવામાં લહેરાઈ રહ્યા હતા.

બંનેના પગલાના અવાજ સાંભળી હેલીએ ચોંકીને તેમના તરફ જોયું. ઓચિંતી આસમાનમાં વીજળી ચમકી અને તેના પ્રકાશમાં હેલીનો લોહીથી ખરડાયેલો ચહરો દ્રષ્ટિગોચર થયો. તેના મોઢામાં મરઘીના માંસનો ટુકડો હતો અને તેમાંથી લોહી ટપકી રહ્યું હતું. તેઓને જોઈ હેલી મરઘીને મોઢામાં ઊઠાવી છલાંગો લગાવતી બાજુના ઓરડામાં દોડી ગઈ.

“હે ભગવાન ! મારી દીકરીને આ શું થયું છે ?” આમ કહેતાની સાથે સુલોચના ભોંય પર ઢળી પડી.

અનિરુદ્ધને પણ કશી સમજણ પડી રહી નહોતી. તે હતપ્રભ અવસ્થાએ પોતાની જગ્યાએ ખીલો થઈને ઊભો હતો.

“સાંભળો છો ?” આંખના અશ્રુઓને લૂછતા લૂછતા સુલોચના પોતાની જગ્યાએથી ઊભી થઈ. “આપણી હેલીને જરૂર વળગાડ થયો છે.” તેણે દરવાજાની કડીને બહારથી વાસતા કહ્યું.

“ચાલો મારી સાથે.” દરવાજાને તાળું વાસી તેની ચાવી પર્સમાં મુકતા સુલોચના બોલી.

“પણ ક્યાં ?”

“બાબા જોગી પાસે...”

“બાબા જોગી !”

“હા, મેં તેમના વિષે ઘણું સાંભળ્યું છે. તેઓ ગામની બહાર આવેલી એક ગુફામાં રહે છે. કહેવાય છે કે તેઓ ભૂતપ્રેત સાથે સીધી વાર્તાલાપ કરી શકે છે. હેલીનો ઈલાજ તેમના સિવાય બીજું કોઈ કરી શકશે નહીં. ચાલોને આપણે તેમની પાસે જઈએ.”

અનિરુદ્ધ પાસે દલીલ કરવા માટે કોઈ કારણ નહોતું. તેની આંખો સમક્ષ જે કંઈ ઘડાયું હતું તે તેની સમજ બહારનું હતું.

અનિરુદ્ધે કહ્યું, “તારી વાત સાચી છે. જરૂર હેલીને વળગાડ થયો છે. નહીંતર માંસની ગંધ માત્રથી ઊબકા આવવા લાગે તેવી આપણી હેલી આમ કાચુંને કાચું માંસ કદાપી ખાય નહીં. ચાલ આપણે અબઘડી જ બાબા જોગી પાસે જઈએ.”

બંને જણાએ ગુફા તરફ જતા પહેલા પાછળ વળીને ઘર તરફ જોયું. ઓચિંતી આકાશમાં વીજળી ઝબૂકી અને તેના પ્રકાશમાં બારી પાસે ઊભેલી હેલીને જોઈને તેઓના રૂવાડાં ઊભા થઈ ગયા. હેલી કોઈ લોહી પિપાસુ શેતાનની જેમ દાંત કચકચાવીને તેઓને જોઈ રહી હતી. બંનેએ ઘબરાઈને હેલી તરફથી નજર હટાવી અને ગુફા તરફ ઉતાવળમાં પગ ઊપાડ્યા.

ગીચ ઝાડીઓને કારણે ગુફા તરફ જવાનો માર્ગ ખૂબ જ દુર્ગમ બની ગયો હતો. વળી વરસાદી માહોલમાં એ માર્ગમાં ઝેરી સરીસૃપો અને કીટકોનું જોખમ પણ હતું. છતાંયે દીકરી માટે તેઓ જીવની પરવા કર્યા વગર ગુફા તરફ ધપી રહ્યા હતા. સુમારે સવારના સાડા પાંચ વાગે તેઓ તેમની મંઝિલ પર આવીને પહોંચ્યા. 

ગુફામાં બાબા જોગી ધૂણી લગાવીને બેઠા હતા. લાંબી જટા અને ખોપરીની માળામાં તેઓ ઘણા ભયંકર દેખાઈ રહ્યા હતા. અનિરુદ્ધ અને સુલોચનાને આમ અચાનક ગુફામાં આવેલા જોઈ તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમનો પડછંદ દેહ જોઈ અનિરુદ્ધ અવાચક થઈ ગયો. થોથવાતા સ્વરે તે પોતાની આપવીતી કહેવા જતો જ હતો ત્યાં બાબાનો સ્વર ગુફામાં ગુંજી ઊઠ્યો, “બેટા, તારી દીકરી શેતાની પ્રેતાત્માની ચપેટમાં આવી છે.”

“હા બાબા.” કહેતાની સાથે સુલોચના બાબાના ચરણોમાં ઢળી પડી. “મારી દીકરીને બચાવી લો.”

બાબા જોગી બે ડગલા પાછળ ખસતા બોલ્યા, “બેટી, મારા માટે સ્ત્રી સ્પર્શ વર્જિત છે. પરંતુ તું ચિંતા કરીશ નહીં. હું તને વચન આપું છું કે તારી દીકરીને કશું નહીં થાય. હું તેનો વળગાડ દૂર કરીને જ જંપીશ.”

સૂર્યનું પહેલું કિરણ ગુફામાં પ્રવેશ્યું. આ જોઈ અનિરુદ્ધની મનને થોડી ટાઢક વળી પરંતુ બીજી જ ક્ષણે બાબાએ કહેલા કથનથી તેને નિરાશા થઈ, “આપણે અંધકાર થવાની રાહ જોવી પડશે.”

“બાબા, કૃપા કરી તમે હમણાં જ અમારી સાથે ચાલો.” અનિરુદ્ધ ચિંતિત સ્વરે બોલ્યો.

“બેટા, એ શક્ય નથી. શેતાની તાકાત અંધકારમાં જ જાગૃત થાય છે. તારી દીકરી પર જે વળગાડ છે તે કોઈ મામુલી નથી. તેની સામે લડવા મારે શેતાની આત્માઓનો સહારો લેવો પડશે. અને તે માટે તમારે સાંજ સુધી અહીં રોકાવું જ પડશે.”

“પરંતુ બાબા, મારી દીકરી ઘરમાં એકલી છે. તે બિચારી કાલ સાંજ સુધી ભૂખી પ્યાસી કેવી રીતે રહી શકશે.” સુલોચનાનું માતા હૃદય તડપી ઊઠ્યું.

“શેતાન કદી ખાલી પેટ રહેતો નથી. તમે બેફીકર થઈ અહીં રોકાવો ત્યાં સુધી હું જરૂરી તૈયારીઓ કરી લઉં.”

આમ કહી બાબા પોતાની બેઠક પર બેઠા અને સમાધિમાં લીન થઈ ગયા.

સુલોચના અને અનિરુદ્ધ પાસે સાંજ પડવાની રાહ જોયા સિવાય કોઈ છૂટકો જ નહોતો. મને કમને તેઓ ગુફાના એક ખૂણે જઈને બેઠા.

અનિરુદ્ધ અને સુલોચના રાત્રીના સાડા અગિયારની આસપાસ બાબા જોગીની સાથે પોતાના ઘર સામે ઊભા હતા. રાત્રીનો અંધકાર વાતાવરણને બિહામણું બનાવી રહ્યું હતું. ઘરની અંદર રહેલી શાંતિ તેઓને ખલી રહી હતી.

ધ્રુજતે સ્વરે સુલોચનાએ કહ્યું, “કદાચ હેલી સૂઈ ગઈ હશે.”

આ સાંભળી બાબા જોગી ઠંડે લહજે બોલ્યા, “શેતાન ક્યારે ઊંઘતા નથી. પરંતુ તેઓ યોગ્ય સમયનો ઈંતજાર કરતા હોય છે.”

આ સાંભળી બંને જણા ધ્રુજી ઊઠ્યા.

બાબા જોગીએ દરવાજા તરફ પગ ઊપાડતા કહ્યું, “આપણને હમણાં જ ઘરમાં જવું પડશે.”

“પરંતુ બાબા.” અનિરુદ્ધ આગળ બોલવા જાય એ પહેલા બાબાએ આદેશ આપ્યો. “ઘરનું બારણું ખોલો. રાત્રીના બાર વાગ્યા પછી શેતાની તાકાત વધી જાય છે. એવી પરિસ્થિતિમાં હેલીના અંદર પ્રવેશેલી આત્મા પર કાબુ મેળવવાનું અઘરું થઈ જશે.”

અનિરુદ્ધે વિવાદમાં પડવા કરતા બારણું ખોલવામાં શાણપણ લાગ્યું. ઘરમાં પગ મૂકતાંની સાથે જ બાબા જોગીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, “ભયંકર... ભયંકર... આ ઘરમાં ભયંકર આત્માનો વાસ છે.”

પવનની લહેરખીમાં બારીના પડદા આમતેમ ઊડી રહ્યા. સુલોચનાએ હિંમત કરીને ઓરડાની લાઈટ ચાલુ કરી. પરંતુ તેઓને હેલી ક્યાંય નજરે પડી નહીં.

સુલોચનાએ ચિંતિત સ્વરે સાદ પાડ્યો, “હેલીઈઈઈઈ... બેટા ક્યાં છે તું ?”

બાબાએ રોષથી મોઢા પર આંગળી મૂકતાં કહ્યું, “શ... શ... શ... અવાજ કરશો નહીં.”

બાજુના ઓરડામાંથી કોઈકના દોડી જવાનો પગરવ સંભળાયો. બાબા ઝડપથી બાજુના ઓરડામાં ગયા પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં. બાબા જોગીની પાછળ પાછળ અનિરુદ્ધ અને સુલોચના પણ આવીને ઊભા રહ્યા.

બાબાએ ચોમેર નજર ફેરવી.

અનિરુદ્ધ અને સુલોચનાની નજરો પણ હેલીને શોધવા માંડી.

અચાનક બાબા જોગીને ખભા પર ચીકણું પ્રવાહી પડતું હોય તેમ જણાયું. તેમણે નજર ઊઠાવી જોયું તો કબાટ ઊપર હેલી બેઠેલી દેખાઈ. હેલી ત્યાં બેસી એક ઢીંગલાને ચાવી રહી હતી. બાબા જોગી સાથે નજર મળતા જ હેલીએ હાથમાંનું ઢીંગલુ એક તરફ ફેંકી દીધું અને દાંત કચકચાવીને તેમની પર છલાંગ લગાવી દીધી. બાબા કશું સમજે તે પહેલા હેલી તેમના પર સવાર થઈ ગઈ હતી. બાબાએ હનુમાન ચાલીસાનું પઠન શરૂ કર્યું. પરંતુ હેલી પર તેની ધારી અસર થઈ નહીં. બાબા જોગીએ ગંગાજળની શીશી કાઢવા પોતાના થેલા તરફ હાથ લંબાવ્યો જ હતો ત્યાં હેલીએ તેમના હાથ પર બચકું ભરી લીધું. બાબા જોગી પીડાથી કણસી ઊઠ્યા.

આ જોઈ સુલોચનાએ ગભરાઈને કહ્યું, “હેલી, આ શું કરે છે. બાબા જોગી તારી મદદ કરવા માટે આવ્યા છે. છોડી દે તેમને.”

હેલીએ ડોકું વળાવી સુલોચના તરફ જોયું. તેની લાલચોળ આંખો જોઈ સુલોચના ગભરાઈને બે ડગલા પાછળ ખસતા બોલી, “બેટા, બાબા જોગીને છોડી દે.”

સુલોચનાના સ્વરનો હેલી પર જાદુ થયો હોય તેમ તેણે બાબા જોગીનો હાથ છોડી દીધો. બાબા જોગી પીડાથી કણસતા હેલીથી દૂર ખસ્યા. હેલી ઉછાળા મારતી ભોંય પર પડેલા ઢીંગલા પાસે ગઈ અને તેને બટકા ભરવા લાગી.

“હેલી બેટા, ભાનમાં આવ.”

સુલોચનાનો અવાજ સાંભળી હેલીએ ઢીંગલાવાળો હાથ નીચે લીધો. દરવાજામાંથી આવી રહેલા આછા અજવાળામાં તેની એ મુદ્રા ભયંકર ભાસી રહી હતી. હજુ કોઈ કંઈ સમજે તે પહેલા હેલીએ લાંબી છલાંગો લગાવતી ઓરડામાંથી બહાર નીકળી ગઈ.

બાબા જોગી પોતાની જગ્યાએથી ઊભા થતા બોલ્યા, “આ શું બલા છે ?”

અનિરુદ્ધે આશ્ચર્યથી પૂછ્યું, “કેમ શું થયું બાબા ?”

બાબા જોગી, “અસંભવ... અસંભવ...” આમ બોલતા બોલતા ઘરની બહાર નીકળી ગયા. અનિરુદ્ધ અને સુલોચનાને કશું સમજાયું નહીં. તે બંને પણ બાબાની પાછળ પાછળ દોડી ગયા.

બાબા ઘરની બહાર એક સાફસુથરી જગ્યા જોઈને બેસી ગયા હતા. અનિરુદ્ધ અને સુલોચનાને આવેલા જોઈ બાબા જોગીએ ઈશારાથી તેઓને ચૂપ રહેવા કહ્યું. ત્યારબાદ તેમણે થેલીમાંથી ભભૂત કાઢી તેનું ગોળ કુંડાળું બનાવ્યું. પછી તેમાં બે લીંબુ મૂકી તેઓ મોટેમોટેથી મંત્રોચ્ચાર કરવા લાગ્યા.

થોડીવાર બાદ બાબાએ જોર જોરથી માથું ધુણાવીને પૂછ્યું, “અનિરુદ્ધ, ભૂલેચૂકે પણ તારા હાથે કદી કોઈ પાપ થયું છે ?”

અનિરુદ્ધે ચમકીને કહ્યું, “હું કંઈ સમજ્યો નહીં બાબા.”

બાબાએ કહ્યું, “તારા હાથે કદી કોઈની હત્યા થઈ છે ?”

“ના બાબા. હું કેમ કોઈ મનુષ્યની હત્યા કરું ?”

“મનુષ્ય નહીં તો પછી કોઈ મૂંગા જીવની ! યાદ કર... મગજ કસીને યાદ કર કે, તારા હાથે કોઈ નિર્દોષની હત્યા થઈ છે ?”

“ના બાબા.”

બાબાએ કુંડાળામાંથી એક લીંબુ ઊઠાવી તેમાં સોય ખોંચી. એ સાથે તેમાંથી લોહીના ટીપા કુંડાળામાં પડવા લાગ્યા. ધીમે ધીમે તેમાંથી એક નામ ઊપસી આવ્યું. “જુલી”.

બાબાએ ત્રાટક નજરે અનિરુદ્ધ તરફ જોઈને પૂછ્યું, “તો પછી આ જુલી કોણ છે ?”

અનિરુદ્ધ ચમકી ઊઠ્યો. “બાબા, જુલી નામની કુતરી અમારા ફળીયામાં રહેતી હતી. પણ મેં તેની હત્યા કરી નથી.” કંઈક વિચારીને તે આગળ બોલ્યો, “એક મિનિટ... યાદ આવ્યું. બાબા મેં જુલીની નહીં પરંતુ તેના બચ્ચાની હત્યા જરૂર કરી છે.”

“કેમ ?”

“કારણ તે આવતાજતા રાહદારીઓને કરડતું હતું. ત્યારે મારી હેલી ખૂબ નાની હતી. તેને ના પાડવા છતાંયે તે બચ્ચાને રમાડવા તેની પાસે જતી. મને કાયમ ડર રહેતો કે ક્યાંક એ બચ્ચું મારી હેલીને કરડી ન લે. અને બસ એટલા માટે જ મેં તેને બેટના ફટકા વડે મારી નાખ્યું.”

બાબાએ ઘુણવાનું બંધ કર્યું.

કુંડાળામાંનું લીંબુ ગોળગોળ ફરતું બંધ થયું.

બાબાએ કહ્યું, “અનિરુદ્ધ, જુલી તેના બચ્ચાની હત્યાનો બદલો લેવા જ તારા દીકરીના શરીરમાં પ્રવેશી છે.”

“મતલબ.” સુલોચનાએ અચરજથી પૂછ્યું.

“મતલબ સાફ છે. તમારી દીકરી પર મારા મંત્રોચ્ચારે અસર કર્યા નહીં કારણ તેમાં કોઈ મનુષ્યની નહીં પરંતુ પ્રાણીની આત્મા છે.”

“બાબા, આખરે જુલી ઈચ્છે છે શું ?”

“અનિરુદ્ધ, જુલી તારી કસોટી કરવા તારા દીકરીના શરીરમાં પ્રવેશી છે. તેનું બચ્ચું બધાને કરડતું હતું એટલે તે તેની હત્યા કરી. હવે એ જોવા માંગે છે કે તારી સગી દીકરી બધાને કરડે છે ત્યારે તું શું કરે છે ?”

“બાબા, આનો કોઈ ઉપાય ?”

“બેટા, જયારે માતા તેના બચ્ચા માટે લડવા નીકળે છે ત્યારે ભલભલા તેની સામે પાણી ભરે છે. હું આ વિષયમાં કશું કરી શકતો નથી. આ જંગ તારે જ સૂઝબૂઝથી જીતવી પડશે.”

સુલોચના બાબાના ચરણોમાં ઢળી પડતા બોલી, “બાબા, મારી હેલીને બચાવો.”

બાબા બે ડગલા પાછળ ખસતા બોલ્યા, “મૂંગા જીવોના કૃત્યોનો ફેસલો કરવાનો અધિકાર આપણા મનુષ્યોને કોણે આપ્યો છે ? આજે તમારી હેલી પર આફત આવી છે તો તમે તડપી ઊઠ્યા છો. પરંતુ વિચાર કરો કે જેની નજરો સામે તેનું બાળક તડફડાટ કરતું મર્યું હશે. એ માતા પર શું વીતી હશે.”

અનિરુદ્ધે બે હાથ જોડીને કહ્યું, “બાબા, હું મારા કૃત્ય પ્રત્યે દિલગીર છું. મને માફ કરો.”

“બેટા, માફી આપવાવાળો હું કોણ ? માફી માંગવી હોય તો જુલીની માંગ.”

અનિરુદ્ધ ઘરમાં દોડી ગયો. સામે જ હેલી હાંફતી ઊભી હતી. તેને જોઈ અનિરુદ્ધે કહ્યું, “જુલી, તારા બચ્ચાને મેં માર્યો છે. તેની સજા મારી દીકરીને ન આપીશ. મને માફ કરી દે.”

હેલીએ આસમાન તરફ જોઈ ઘૂરકાટ કર્યો અને બીજી જ ક્ષણે છલાંગ લગાવી તે ઘરની બહાર નીકળી ગઈ.

સુલોચના “હેલી... હેલી....” એમ બૂમો પાડતા તેની પાછળ દોડી. પરંતુ હેલી રોકાઈ નહીં. તે રાતપાળીએ આવતાજતા રાહદારીઓને બચકા ભરવા માંડી. અંધકારમાં રાહદારીઓની ચીસો ગુંજી ઊઠી અને સર્વત્ર અફરાતફરી મચી ગઈ.

બાબા જોગીએ તેમના થેલીમાંથી એક રિવોલ્વર કાઢી અને અનિરુદ્ધના હાથમાં મૂકતાં કહ્યું, “બેટા, આ લે. હેલીને પીડામાંથી છૂટકારો અપાવવા આપણી પાસે બસ આ એક જ માર્ગ છે.”

અનિરુદ્ધે અસમંજસથી બાબા જોગી તરફ જોયું.

“તારી દીકરીને ગોળી માર.” બાબા જોગી શાંત લહેજે બોલ્યા.

“પરંતુ બાબા, હું મારી દીકરીનો જીવ કેવી રીતે લઈ શકું છું ?”

“તો તેને આમ તડપી તડપીને મરતી જોઈ શકવાનો છે ?”

અનિરુદ્ધ નીચું જોઈ ગયો. બાબા જોગીએ તેના ખભે હાથ મૂકી સાંત્વનાભર્યા સ્વરે કહ્યું, “તારે કાળજું કઠણ કરી રિવોલ્વરની ચાપ દબાવવી જ પડશે.”

અનિરુદ્ધે બાબા જોગીના હાથમાંથી રિવોલ્વર લીધી.

“બેટા, તારી દીકરીને ગોળી મારતા પહેલા મોટેથી બોલજે કે, હડકાયેલા પ્રાણીને ગોળીએથી વીંધવું જ પડે છે.”

“પણ બાબા.”

“બેટા, મારા પર વિશ્વાસ રાખ અને હું જેમ કહું તેમ કરતો જા.”

હેલી એક રાહદારીના પેન્ટને પકડીને તેને ખેંચી રહી હતી. અનિરુદ્ધ તેની પાસે જઈને રિવોલ્વર તાકતા બોલ્યો, “બેટા હેલી મને માફ કર. હડકાયેલા પ્રાણીને ગોળીએથી વીંધવું જ પડે છે.”

હેલીએ અનિરુદ્ધ તરફ જોયું.

અનિરુદ્ધે રિવોલ્વરની ચાપ દબાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેની હિંમત ચાલી નહીં. સુલોચના આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગઈ. તેણે જોરથી ચીસ પાડી. “આ શું કરો છો ?”

અનિરુદ્ધે ગભરાઈને સુલોચના તરફ જોયું. બસ ! આ તકનો લાભ લઈ હેલીએ અનિરુદ્ધ પર છલાંગ લગાવી દીધી. આ જોઈ અનિરુદ્ધે હેલીને દૂર રહેવાનો ઈશારો કર્યો. પરંતુ આમ કરવા જતા તેને ખબર જ ના પડી કે ક્યારે તેની આંગળીઓ દ્વારા રિવોલ્વરની ચાપ દબાઈ ગઈ.

“ધાંય.”ના અવાજથી વાતાવરણ ગુંજી ઊઠ્યું.

હેલીનો દેહ ધરતી પર ઢળી પડ્યો.

એ સાથે એક કાળી ધ્રુમસેર હેલીના શરીરમાંથી નીકળીને આસમાનમાં ઓઝલ થઈ ગઈ.

સુલોચના બેબાકળી બનીને બાબા જોગી પાસે આવીને બોલી, “બાબા, તમે મને વચન આપ્યું હતું કે મારી દીકરીને કશું થાય નહીં.”

બાબા મુસ્કુરાઈને બોલ્યા, “બેટા તું ભૂલે છે કે મેં હેલીનો વળગાડ દૂર કરવાનું પણ વચન આપ્યું હતું. હેલીને કશું થયું નથી. તે માત્ર બેહોશ થઈ છે.”

અનિરુદ્ધે ખુશ થતા કહ્યું, “મતલબ હેલી જીવતી છે ? પરંતુ આ કેવી રીતે શક્ય છે !”

“બેટા, હું જ્યાં રહું છું ત્યાં જંગલી પશુઓનો વસવાટ છે. તેથી સ્વરક્ષણ કાજે મારા એક અનુયાયીએ મને આ રિવોલ્વર ભેટ આપી હતી. આ રિવોલ્વરની ખાસિયત એ છે કે તેનાથી પશુ માત્ર બેહોશ થાય છે.”

“તમે આ વાત મને પહેલા કેમ કહી નહીં ?”

“જુલીના આત્માને તું વાસ્તવમાં તારી દીકરી પર ગોળી ચલાવે છે તે દેખાડવું ખૂબ જરૂરી હતું. જો મારી યોજના વિષે જુલીને થોડી પણ શંકા આવી હોત તો તેણે હેલીનો દેહ ક્યારેય છોડ્યો ન હોત.”

“બાબા, આજે તમે મારી દીકરીનો જીવ બચાવ્યો છે. બોલો હું તમારી માટે શું કરી શકું છું ?”

“જો તારે મારા માટે કંઈક કરવું જ હોય તો એક વચન આપ.”

“શું બાબા ?”

“આજ પછી તું ક્યારેય કોઈ મૂંગા જીવની હત્યા કરીશ નહીં. અને તેમની સાથે પ્રેમથી વર્તીશ.”

“હું વચન આપું છું. બાબા.”

બાબા જોગીએ તેઓને આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લીધી.

હેલી ભાનમાં આવી. તે સંપૂર્ણ સ્વસ્થ હતી. કારણ બાબા જોગીની ચાલાકીથી તેનો દૂર થઈ ગયો હતો વળગાડ.


Rate this content
Log in

Similar gujarati story from Horror