Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhairvi Maniyar

Tragedy Thriller

4.8  

Bhairvi Maniyar

Tragedy Thriller

2001નો ભયાનક ભૂકંપ

2001નો ભયાનક ભૂકંપ

3 mins
369


26 જાન્યુઆરી, 2001ની એ સુંદર સવાર હતી. સૌ કોઈને 21મી સદીમાં પ્રવેશનો આનંદ તો હતો જ. હવે પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે હોંશથી સજ્જ થતી વખતે કોઈનેય અંદાજ નહોતો કે થોડાક સમય પછી એક ભયાવહ સ્થિતિમાંથી પસાર થવું પડશે !

બાળકો, તેમનાં વાલીઓ, શિક્ષકો, સરકારી અધિકારીઓ વગેરે અનેક લોકોની અવરજવરથી સવાર સવારમાં માર્ગો પર દેશભક્તિનું ઘોડાપૂર આવેલું.

શાળાઓમાં ધ્વજવંદન શિસ્તબદ્ધ રીતે પૂરું થયું. વિવિધ સ્પર્ધાઓ માટે વિદ્યાર્થીઓને જે તે સ્થાને પહોંચી જવાની સૂચના અપાઈ અને હજુ તો સૌ વિખેરાય તે પહેલાં જ જમીન ધ્રૂજવા લાગી. એક મોજું જાણે ધરતીમાં તિરાડ પાડતું વહી રહ્યું. આસપાસ નજર કરતાં મકાનો જાણે રમકડાં હોય એમ ડોલવા લાગ્યાં. સૌનો ભૂકંપ માટે આ પહેલો જ અનુભવ હોવાથી થોડીવારે એન અંગે સમજી શકાયું.

કોઈની સાઇકલ પડી ગઈ, તો કોઈને એમ લાગ્યું કે પોતાને ચક્કર આવે છે ! 

ક્ષણિક સૌ થંભી ગયાં. થોડીવારમાં બધાં પોતપોતાની રીતે વિચારીને પગલાં લેવા લાગ્યાં. 

પ્રયોગશાળામાં રસાયણોની બોટલ્સ તૂટી નથી, એની ખાતરી કરાઈ. અને સ્પર્ધા મુલત્વી રાખી સૌ ઘર તરફ નીકળવા લાગ્યાં.

ઘર સુધી પહોંચે તે પહેલાં...........

અરે ! આ ફ્રેન્ડ્સ કોલોની પડી. 

અરર ! આ પૂર્વી ફ્લેટ પડ્યા ! 

આ શ્રુતિ ફ્લેટ પડ્યા ! 

આ સી આર બી હાઉસ પડ્યું ! 

અને જેમ જેમ આગળ જતાં જાવ તેમ તેમ અસંખ્ય ઇમારતો પડેલી જોવા મળી. શિખર ટાવર, માનસી ટાવર.......અને યાદી લાંબી બનતી ચાલી.

સાજાં મકાનોમાંથી પણ દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળી ગઈ. આમ, ઘરના બદલે સૌ કોઈ ઘરની બહાર બેસીને પોતાનો અનુભવ બીજાને કહેતાં હતાં. અમે પણ ટાવરમાં રહેતાં હોવાથી દરેક માળ પર થયેલી અસરની વાતો સાંભળતાં હતાં..

બીજી તરફ જે બચી ગયાં છે, તેઓ કાટમાળમાં દટાઈ ગયેલાંની મદદ દોડવા લાગ્યાં. 

કરાટેમાં બ્લેકબેલ્ટ મેળવેલો બારમા ધોરણનો વિદ્યાર્થી માનસી ટાવર પાસેથી પસાર થતો હતો અને દટાઈ ગયેલાં લોકોની બૂમો સાંભળી મદદે દોડ્યો. ટાવરનો જે ભાગ નહોતો પડ્યો એ તરફ એ છેક ઉપર સુધી પહોંચીને જે તરફથી બૂમ સંભળાય એ તરફ જઈ, જે તે વ્યક્તિને પોતાની પીઠ સાથે બાંધીને દોરડું પકડીને નીચે લઈ આવતો. ફરી પાછો બીજાને શોધવા પહોંચી જતો. 

પણ.....જ્યારે મિડિયાએ એને વિચિત્ર પ્રશ્નો, જેવા કે, "તમને છેક છઠ્ઠા માળેથી પીઠ ઉપર લાશ લઈને આવતાં ડર ન લાગ્યો ? !" પૂછવાના શરૂ કર્યાં, ત્યારે એ ડરી ગયો અને ટ્રોમાની અસરમાં આવી ગયો.

બીજા એક કિસ્સામાં ફ્લેટના ઉપરના માળેથી એક બહેન નીચે આવી ગયાં, પણ જુએ તો પોતાના જીવનસાથી અને પડોશી હજુ નીચે નહોતા આવ્યાં. એટલે એ બેન ફરીથી ઉપર ગયાં એ જ વખતે પત્તાંના મહેલની જેમ આખું મકાન ધરાશાયી થયું. એમનાં બાળકો ધ્વજવંદન માટે ગયાં હોવાથી બચી ગયાં. પણ... માતાપિતા બંને ગુમાવીને ભાવિ માટે પ્રશ્નાર્થ લઈ, અસમંજસમાં મૂકાઈ ગયાં.

સાંકડી ગલીઓમાં આવેલા ફ્લેટ્સ પડી જતાં જેસીબી જેવાં સાધનોની મદદ પણ શક્ય નહોતી. ત્યાં તો ત્રણ દિવસ સુધી કાટમાળ નીચેથી મદદ માટે બૂમો સંભળાઈને......શમી ગઈ. 

એ સમયે સેવાભાવી લોકો નિ:સ્વાર્થ ભાવે ખોરાક, કપડાં, ઠંડી હોવાથી ઓઢવા માટે ધાબળા, ફર્સ્ટએઈડનાં સાધનો વધુ ને વધુ લોકો સુધી પહોંચે એમ નીકળી પડેલાં. આવા ભયાવહ માહોલમાં એ સેવાઓ મીઠી વીરડી જેવી લાગતી હતી.

અમે પણ ટાવરમાં રહેતાં હોવાથી ચાર દિવસ તો નાનકડી ગાડીમાં ફરતાં રહ્યાં. કોઈ દુકાનમાં ટીવી ઉપર ભૂકંપની અસર પામેલાં દ્રશ્યો વધુ ભય ઊભો કરતાં હતાં. સાથોસાથ મદદ પણ વધુ ઝડપી બનતી હતી. 

ભચાઉ તો આખું શહેર જાણે ખંડેર બની ગયું હતું. ઘણાં સ્થળે તો ચાર માળના ફ્લેટની આખેઆખી ઇમારતો ધરતીમાં ખૂંપી ગયેલી. આમ, અસંખ્ય મકાનો અને મૃતદેહોની નગરીમાં રડ્યાખડ્યા લોકોનો જ જીવ બચી ગયેલો.

એ સમયે 20,000 કરતાં વધુ મૃત્યુ થયાં. 60,000 જેટલાં લોકો ઘાયલ થયાં હતાં અને 2 લાખથી વધુ લોકો ઘરવિહોણાં થયાં હોવાનો અંદાજ છે.

જીવનમાં કદાચ આનાથી વધુ ભયાવહ પરિસ્થિતિનો સામનો મેં નથી અનુભવ્યો. કુદરત સામે માનવીની આટલી લાચારી જોઈ મન વ્યથિત થાય છે. ક્યાંક માનવસર્જિત પ્રવૃત્તિઓ આવી સ્થિતિમાં મૂકાવા માટે જવાબદાર છે, એ પણ સ્વીકારવું રહ્યું.

ધીમે ધીમે આફ્ટરશૉક્સ પણ ઓછા થયા. પરિસ્થિતિ થાળે પડતી ગઈ. છતાં.......મન પર એક ભયાવહ સ્મૃતિ અંકિત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy