Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

mariyam dhupli

Inspirational

4  

mariyam dhupli

Inspirational

થેન્ક યુ

થેન્ક યુ

7 mins
358


મેં ઈસ્ત્રી કરતા કરતા એક નજર શયનખંડના બારણાં પર નાખી. હજી એ સ્નાન કરી બહાર નીકળ્યા ન હતા. બહાર આવતાની જોડે જ એમના ઈસ્ત્રી કરેલા કપડાં એમને મળી જાય એ માટે મેં એક નજર ભીંત પર ટંગાયેલી ઘડિયાળ પર નાખી અને હાથની ઝડપ વધારી દીધી. 

હાથની જોડે મગજ પણ વેગ પકડી રહ્યું. આજે કઈ પણ થઈ જાય એમના ઓફિસ જવા પહેલા જ મારે એમને પૂછી લેવાનું હતું. ઈલા સાંજે કોલ કરવાની હતી. એને મારો આખરી નિર્ણય જણાવી દેવાનો હતો. 

હા કે ના.

મારો જવાબ ' ના ' હોય તો પણ કોઈને ઝાઝો ફેર પડવાનો ન હતો. એક સદસ્ય ઓછું. તો શો ફેર પડે ? દુનિયા થોડી અટકી પડે ? પણ મને ચોક્કસ ફેર પડવાનો હતો. મારી દુનિયા પણ અટકી તો ન જવાની હતી. પણ એ દુનિયામાં શ્વાસ લેતો મારો જીવ જરૂર વધુ રુંધાવાનો હતો. 

આજથી લગભગ દોઢ વર્ષ પહેલા મેં એકવાર આમ જ પૂછ્યું હતું. પરવાનગી માંગી હતી. માંગવી જ પડે. એ જ નિયમ હતો. 

" શ્રીકાંત, મારી બધી જ સહેલીઓ માઉન્ટ આબુ જઈ રહી છે. એક અઠવાડિયાની ટ્રીપ છે. હું જઈ શકું ? "

પોતાના શર્ટના કોલર સીધા કરતા મારા પ્રશ્નના ઉત્તરમાં અન્ય પ્રશ્નો નિયમ અનુસરતા ઉભરાઈ આવ્યા હતા. 

" કોણ કોણ જઈ રહ્યું છે ? કઈ હોટેલનું બુકીંગ કર્યું છે ? કઈ ટ્રાવેલ કંપની ? "

કોલરને સીધો કરવામાં મદદ માટે મારો હાથ સહજ લંબાઈ ગયો હતો. 

" બધું ઈલાએ નક્કી કર્યું છે. એક્ચ્યુલી ઈલાની ગાડીમાં જ બધા જવાના છે. અમારું જ ગ્રુપ. મારી જોડે કુલ દસ લોકો. ત્યાં કોઈ સંબંધીનો બંગલો છે એટલે હોટેલની ઝંઝટ નથી. "

કોલર અત્યંત વ્યવસ્થિત થયાનો સંતોષ આવતા મારા હાથ કોલર પરથી ખસી શર્ટના ઉપરના બે ત્રણ ખુલ્લા રહી ગયેલા બટનને વાંસવામાં વ્યસ્ત થઈ ગયા હતા. 

" એટલે ફક્ત સ્ત્રીઓ ? તે પણ જાતે ડ્રાઈવિંગ કરી ? આટલી દૂરના સ્થળે ? "

અંતિમ બટન બંધ કરતા મારા ગળામાં ડૂમા જેવું બાઝ્યું હતું. શ્રીકાંતના એ બધા પ્રશ્નોમાં જ જવાબ છૂપાઈ બેઠો હતો. એ મારું મન સારી રીતથી જાણતું હતું. એ અગાઉ કદી હું એકલી કશે ફરવા ગઈ હતી ? મન તો ઘણું હતું. ટીવી પર ટ્રાવેલ ચેનલ પર જયારે 'અલોન ફિમેલ ટ્રાવેલર'નો કાર્યક્રમ નિહાળતી ત્યારે મનમાં અદમ્ય ઈચ્છા ઊઠતી. આમ એકલા એકલા ફરવા ઉપડી જવાની કેવી મજા પડે ! નહીં ? ફક્ત પોતાનો જ સામાન પેક કરવાનો. દર વખત જેમ અન્યની પસંદગીના સ્થળે નહીં, પોતાના કોઈ ગમતા સ્થળની મુલાકાત લેવાની. સાથે લઈ જવાના નાસ્તાઓ ને જમણના ટિફિનો બનાવવાની હાડમારી નહીં. થોડા દિવસો તૈયાર, રેડીમેડ કોઈ અન્યના હાથ વડે તૈયાર થતી રસોઈનો આનંદ ઉઠાવી શકાય. જમ્યા પછી વાસણો પણ સાફ કરવાના નહીં. કેમેરા લઈ કોઈ નવા શહેરના રસ્તાઓ પર નીકળી પડવાનું. હંમેશા પડછાયા જેમ સાથે રહેતા કુટુંબના સભ્યોના સ્થળે અજાણ્યા લોકો જોડે વાર્તાલાપ કરી એમની જુદી સંસ્કૃતિના જુદા જુદા પાસાઓનું જ્ઞાન મેળવવાનું. પરિવાર તો આજીવન સાથે રહેવાનું જ હોય ને. 

શ્રીકાંત ભાગ્યશાળી હતા. મને મનોમન એમની ખૂબ જ ઈર્ષ્યા થતી. એમને ઓફિસના કાર્યોને લઈ એવી કેટલી બધી સોલો ટ્રીપ કરવાની તક મળતી. મિત્રો જોડે પણ એમને કેટલી બધી આઉટિંગ માણવાનો લ્હાવો મળતો. ક્યારેક ગોવા, તો ક્યારેક સીમલા તો ક્યારેક શ્રીનગર !

એવું ન હતું કે મને આ બધા સ્થળો નિહાળવાનો અવસર મળ્યો ન હતો. હું પણ એ દરેક સ્થળે જઈ આવી હતી. પણ પરિવાર જોડે જ. શ્રીકાંત, એમના માતાપિતા અને મલ્હાર... 

મારા પરિવારને હું ખૂબ જ ચાહતી હતી. એમની સેવા, દરકાર, કાળજી મારા કર્મની યાદીમાં હંમેશા ટોચ પર જ હોય. ઘર હોય કે પર્યટન સ્થળ હું કશું ચૂકતી નહીં. પિતાજીને બહારનું જમણ પચતું નહીં તો એમને માટે ઘરેથી જમવાની બધી પૂર્વ તૈયારીઓ કરવી. બાની પીઠનો દુઃખાવો સમય અને સંજોગ જોઈ આવતો નહીં. ઘણી વાર એમની જોડે હોટેલ પર રોકાઈ જવું કે જેથી અન્ય પરિવારના સભ્યોની ઉજાણી અવરોધાય નહીં. મલ્હારની ઍલર્જી અને એની દવાઓનું ખ્યાલ રાખવું અને શ્રીકાંતને ક્યારેક પર્યટન સ્થળો પર પણ ઓનલાઈન ઓચિંતી મિટિંગ હોય ત્યારે પૂર્વ નિશ્ચિત કાર્યક્રમોને પાર પાડવા પરિવારને લઈ આગેકૂચ કરવી. 

ઉજાણી મન અને મગજને આરામ આપવા માટે હોય. પણ સાચું કહું તો મોટે ભાગે ઉજાણી કરી મારા મન અને શરીર બન્ને થાકીને લોથપોથ થઈ જતા. છતાં બધાની ખુશી માટે ઘરે આવીને તો હામી પુરાવવી જ પડે ને, 

" મજા આવી ગઈ ! " 

ક્યારેક મન બળાપો કરતું. મારા રૂઢિચુસ્ત માતાપિતાનો વાંક કાઢતું. જો એમણે મને વધુ ભણવા દીધી હોત તો... નોકરી કરવા દીધી હોત તો... શું હું પણ શ્રીકાંત જેમ ઓફિસના કાર્યો માટે સોલો ટ્રીપ લેતી હોત ? ઓફિસના સહકાર્યકરો જોડે પીકનીક પર જતી હોત ? મને પણ એકલા ફરવા જવા માટે પરવાનગી લેવાની જરૂર ન હોત ? ફરતી વખતે બધું જ ભૂલીને ફક્ત સ્વ જોડે સમય પસાર કરવાની તક મને પણ મળતી હોત ? ' ઘી અલોન ફીમેલ ટ્રાવેલર '...

" ખ્યાતી, મને નથી લાગતું આમ એકલા જવું સુરક્ષિત રહેશે. ફક્ત સ્ત્રીઓ ? એક પણ પુરુષ નહીં ? તે પણ ઘરેથી દૂર અન્ય રાજ્યમાં. હું ઓફિસમાં વ્યસ્ત છું. નહીંતર તારી જોડે આવતે. આપણી જ કારમાં બધાને લઈ જતે. મલ્હાર પણ નથી. હું નહીં, તો એ તમારી જોડે હોત. તો મને કોઈ ચિંતા જ ન હોત. કોઈ પુરુષ તમારી જોડે હોત તો જુદી વાત. ઘરે સુરક્ષિત પરત ફરવાની નિશ્ચિંતતા તો હોત. પણ આમ એકલી સ્ત્રી જાત... થેન્ક યુ..."

ઉપર સુધી વ્યવસ્થિત બંધ થઈ ગયેલા બટન તરફ એક ઝડપી દ્રષ્ટિ ફેરવી શ્રીકાંત ઠંડા કાળજે ઓફિસ માટે નીકળી ગયા હતા. હું મારા સ્વપ્નના વિશ્વમાંથી ધડામ કરતી નીચે પટકાઈ ગઈ હતી. શરીરમાં કોઈ ઈજા થઈ ન હતી. પણ હૈયામાં વિચિત્ર દરદ ઊપડ્યું હતું. પરિવાર માનવીને સુરક્ષાની અનુભૂતિ આપે છે. પરંતુ સુરક્ષાનો અતિરેક ક્યારેક અસુરક્ષાનું પ્રારંભબિંદુ બની જતું હોય છે. એ ક્ષણે હું એવા જ એક પ્રારંભબિંદુ પર ઊભી હતી. 

આજે એ વાતને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. લોકો કહે છે જીવન ક્ષણે ક્ષણે બદલાય છે. પણ એ બદલાવ બે સ્તરે હોય છે. બહારનું જીવન અને અંદરનું જીવન. બહાર તો ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. પણ અંદર ? શું બહારના એ બદલાવો અંદર પર બદલાવ સર્જવા સમર્થ હોય ? એ પ્રશ્નનો ઉત્તર તો શ્રીકાંતના ઉત્તરમાં જ જડવાનો હતો. 

શયનખંડનું બારણું ધીમે રહી ઊઘડ્યું. એ બારણાં પર તકાયેલી આંખોને વ્યસ્ત દેખાડવા મેં મારી નજર ઈસ્ત્રી કરી રહેલા હાથ તરફ શીઘ્ર વાળી લીધી. શયનખંડની પથારી પર ઈસ્ત્રી કરીને હું જે પેન્ટ મૂકી આવી હતી એ શ્રીકાંતના પગ પર કડક શોભી રહી હતી. માથાના વાળ વ્યવસ્થિત કરતા એ મારી નજીક આવ્યા અને સમયસર ઈસ્ત્રી થઈ તૈયાર થઈ ગયેલો શર્ટ શરીર પર ચઢાવવા લાગ્યા. કોલરને વ્યવસ્થિત કરવા મારા હાથ અનાયાસે કામ પર વળગ્યા. કોલર સરખો થયાના સંતોષ જોડે હાથ એક પછી એક બટનને બંધ કરવામાં પરોવાયા. 

" શ્રીકાંત, મારી બધી જ સખીઓ કેરેલા જઈ રહી છે. પંદર દિવસની ટ્રીપ છે. ટ્રેનનું બુકીંગ કરવાનું છે. શું હું... "

બટન વ્યવસ્થિત બંધ થઈ ગયાનો સંતોષ નજરમાં ફરી વળ્યો કે શ્રીકાંત ઓફિસ માટે જવા અધીરા હોય એમ એક નજર ભીંતની ઘડિયાળ તરફ નાખી ઝડપથી ઓરડામાંથી બહાર નીકળી ગયા. જતા જતા મારા કાન પર એમના એટલા જ શબ્દો અથડાયા,

" ગો અહેડ.એમાં પૂછવાનું શું ? "

મને તો મારા કાન પર વિશ્વાસ જ ન આવ્યો હોય એમ હું થોડા સમય સુધી એ બારણાને તાકતી જ ઊભી રહી ગઈ જે બારણું ખોલીને શ્રીકાંત ઓફીસ માટે રવાના થઈ ગયા હતા. મને પરવાનગી મળી ગઈ હતી. મને પૂછવાની જરૂર પણ ન હતી ? બહારના બદલાવે અંદર બધું બદલી નાખ્યું હતું. મારો ઉત્સાહ પરાકાષ્ઠાએ હતો. ઈલાને કોલ કરીને ખુશીના સમાચાર આપવા મન અધીરું થઈ રહ્યું હતું. 

પરંતુ એ પહેલા અન્ય એક કોલ કરવાનો હતો. રાહ જોઈ રહેલા દૈનિક કાર્યોને થોડા સમય માટે મુલતવી રાખી હું તરત જ મોબાઈલ લઈ સોફા પર બેસી ગઈ. 

" હેલો, આમ મિસિસ વ્યાસ. વો નંબર જો..."

" ઓહ, યસ. બટ સૉરી મેમ. પર્સનલ નંબર તો હમ નહીં દે સકતે. ઈટ્સ પ્રોટોકોલ. લેકિન ઈમેલ એડ્રેસ હે. અગર આપકો... "

" જી, કોઈ બાત નહીં. આપ ઈમેલ એડ્રેસ હી દે દીજિયે. "

સામે તરફથી બોલાઈ રહેલા શબ્દોને મેં તરત જ ટેબલ પરના નોટપેડ પર ઉતારી લીધા.

" થેન્ક યુ સો મચ. "

કોલ કપાયો અને મેળવેલા ઈમેલ આઈડી પર મેં ઈમેલ લખવાની શરૂઆત કરી. 

' વ્હાલી દીકરી, 

 શું કહું તને ?

 મનમાંથી ફક્ત આશીર્વાદ જ નીકળી રહ્યા છે. તારો ખૂબ ખૂબ આભાર. મારા ૨૯ વર્ષના પુત્ર, મલ્હારને ઘરે સુરક્ષિત લઈ આવવા માટે. ફક્ત ૨૪ વર્ષની આયુમાં યુદ્ધ છેડાયેલા દેશની સરહદમાં પ્રવેશી ૮૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને વતન સુધી સુરક્ષિત પહોંચાડી તે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ તમામ લોકો માટે જે વિચારે છે કે સ્ત્રી નિર્બળ છે, પોતાની સુરક્ષા જાતે કરી શકતી નથી. મારા પતિ જેમ તે સેંકડો અન્ય વિચારધારાઓને રાતોરાત બદલી છે. તું ફક્ત એક વિમાન ચાલક નહીં, પ્રેરણામૂર્તિ છે. મહાશ્વેતા ચક્રવતી ! વંદન છે તને અને તારા માતાપિતાને. તમે સાચા અર્થમાં પુરવાર કર્યું છે કે વતન કે આગે કુછ નહીં, ખુદ ભી નહીં. 

લિ. એક મા અને એનાથી પણ વધુ, વતનની એક સ્ત્રી. '


Rate this content
Log in

Similar gujarati story from Inspirational