Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

ખરું સ્વર્ગ

ખરું સ્વર્ગ

5 mins
397


 આજે રવિવારે રજાનો દિવસ હોવાથી વિલાસ તેના એક જુના મિત્ર પ્રદીપને મળવાનું વિચારતો હતો. દરઅસલ થોડાક મહિના પૂર્વ પ્રદીપે નવું ઘર ખરીદેલું હોવાથી તે ક્યારનો વિલાસને તે જોવા આવવાનું કહેતો હતો. વિલાસે આજે રવિવારના દિવસે દોસ્તને ખુશ કરવાનું વિચાર્યું. તે જયારે પ્રદીપના ઘરે ગયો ત્યારે તેનું ખૂબ સારું સ્વાગત થયું. પ્રદીપની પત્ની શર્મિલાએ તેના માટે ગરમાગરમ બટાકા પૌઆ બનાવ્યા. નાસ્તા દરમિયાન વિલાસે પ્રદીપના ઘર પર નજર ફેરવી જોઈ. ખરેખર તેનું ઘર ખૂબ જ અદભુત હતું. દીવાલો ઉપર મોંઘોદાટ રંગ ચમકતો હતો. અને તે દરેક ઉપર એન્ટિક તસવીરો શોભતી હતી. ઘરનું રાચરચીલું પણ ખૂબ જ કિંમતી હતું. વળી તેની પરનું નકશીકામ જોઇને કોઇપણ અવાચક થઇ જાય. જાણે પોતે નાના અમથા રજવાડામાં બેઠો હોય એમ પ્રદીપ અનુભવી રહ્યો.

વિલાસે કૌતુક કરતા કહ્યું, “પ્રદીપ, તારા ઘરમાં પ્રવેશતા જ મને સ્વર્ગનો અનુભવ થયો. અહા ! શું અલ્હાદક વાતાવરણ છે અહીંનું. ઘરનો પ્રત્યક ખૂણો અને દીવાલો અપ્રતિમ વસ્તુઓથી શોભી રહ્યો છે. તારા ઘરના આ મનોરમ્ય વાતાવરણથી મારો તો આખા દિવસનો થાક ઉતરી ગયો. સાચું કહું તો તારા ઘરના પ્રત્યેક ઓરડા સામે ફાઈવ સ્ટાર હોટેલની રૂમો ફિક્કી પડે છે. મને ગર્વ છે કે મારા મિત્રનું ઘર આટલું સુંદર છે.”

વિલાસના મુખે આવું કૌતુક સાંભળી પ્રદીપ રાજીરાજી થઇ ગયો. જયારે આમ કોઈ તારીફ કરે ત્યારે કરેલો ખર્ચ વસુલ થયેલો જણાય છે. પ્રદીપે ઉત્સાહમાં આવીને કહ્યું, “વિલાસ, તેં હજુ મારું આખું ઘર જોયું જ ક્યાં છે ? ચાલ હું તને એ બતાવું છું.”

પ્રદીપે નાસ્તાની ડીશ ખાલી કરતા બંને જણા ઘર જોવા તૈયાર થયા. પ્રદીપ હરખથી તેના ઘરની રૂમો અને સાજસજાવટ દેખાડી રહ્યો, “વિલાસ, આજે પેન્ટિંગ દેખાય છે તે સીધીસાદી નથી પરંતુ એન્ટિક છે. મેં પૂરા પચાસ હજાર રૂપિયાની બોલી લગાવી તેને ખરીદી છે. તને ખબર છે મને નાનપણથી એન્ટિક વસ્તુઓનો ખૂબ શોખ હતો. મને રમત કરતા જૂની વસ્તુઓ ભેગી કરવામાં વધુ મજા આવતી.”

વિલાસે ઘરમાં આવેલ એન્ટિક વસ્તુઓ તરફ જોતા કહ્યું, “નાનપણનો તારો શોખ હજીપણ ટકી રહ્યો છે એ આ વસ્તુઓ સાબિત કરી આપે છે.”

આ સાંભળી બંને જણા ખડખડાટ હસી પડ્યા. આમ અલકમલકની વાતો કરતા બંને જણા ઉપરના માળે આવી પહોંચ્યા. વિલાસને ઝડપથી દાદરા ચઢવાની આદત હોવાને કારણે તે પ્રદીપ કરતા સહેજ જલ્દી ઉપરના માળે આવી ગયો. અહીં આવીને વિલાસે જોયું તો એક નાનકડી બાળકી દડાની રમતમાં મશગુલ હતી. તે એકલી એકલી દડાને ઉછાળીને ખીલખીલાટ હસી રહી હતી. તેના ચહેરા પરનો નિર્દોષ આનંદ જોઇને વિલાસનું હૈયું પ્રફુલ્લિત થઇ ગયું. હવે પ્રદીપ પણ છેલ્લા પગથીયા ચઢી રહ્યો હતો. તેને આવેલ જોઈ વિલાસે બાળકી તરફ આંગળી ચીંધીને કહ્યું, “પ્રદીપ, આ તારી દીકરી છે?”

પ્રદીપે હકારમાં માથું હલાવતા કહ્યું, “હા, દ્રષ્ટિ તેનું નામ છે.” પરંતુ બીજી જ ક્ષણે ફ્લાવરવાઝની બાજુમાં દ્રષ્ટિને આમ હાથમાં દડો લઈને ઊભેલી જોઈ પ્રદીપ ભડકી ઊઠ્યો, “તું અહીંયા શું કરી રહી છું ?”

 દ્રષ્ટિના હોઠ ફફડ્યા પરંતુ તેમાંથી સ્વર નીકળ્યો નહીં. દ્રષ્ટિને કચકચાવીને લાફો મારતા પ્રદીપ બોલ્યો, “આમ બાઘાની જેમ શું ઊભી છે ? બોલ આ ફ્લાવરવાઝ પાસે તું શું કરી રહી હતી ? મેં તને કેટલીવાર કહ્યું છે કે ઘરની એન્ટિક વસ્તુઓથી દૂર રહે. જો તેમને કંઈ થઇ જશે તો ?”

દ્રષ્ટિ ડુસકા ભરતા નીચે મમ્મી પાસે દોડી ગઈ. પ્રદીપે બોલવાનું ચાલુ જ રાખ્યું, “ડફોળ, આજ પછી જો તું મને કોઈ એન્ટિક વસ્તુ પાસે રમતા દેખાઈ તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ.”

વિલાસે ચોમેર નજર ફેરવી; પ્રદીપનો ઘરનો ખૂણેખૂણો એન્ટિક વસ્તુઓથી ખરડાયેલો હતો. આવી પરિસ્થિતિમાં બિચારું બાળક રમત ક્યાં રમે ? વળી આજકાલ પૂર્વે જેવા રમતગમતના મેદાન પણ રહ્યા નથી. થોડીવાર પહેલા સ્વર્ગ સમું લાગતું પ્રદીપનું ઘર હવે વિલાસને જેલ જેવું લાગી રહ્યું. જાણે દ્રષ્ટિ એ સોનાના પીંજરામાં કેદ હતી. એક ઝાટકે વિલાસનો સંપૂર્ણ અભિગમ બદલાઈ ગયો હતો.

પ્રદીપે કહ્યું, “ચાલ વિલાસ, હું તને બીજા ઓરડા દેખાડું.”

વિલાસભાઈ મનેકમને પ્રદીપની પાછળ ચાલવા લાગ્યા. તેઓને હવે ઘર જોવામાં જરાયે રસ નહોતો. એકાદી રૂમ જોઈ લીધા બાદ વિલાસભાઈએ સહેજ નારાજગીથી કહ્યું, “બસ પ્રદીપ હવે તારું ઘર હું બીજા કો’ક દાડે જોવા આવીશ.”

“કેમ શું થયું? તને મારું ઘર ગમ્યું નહીં?”

“પ્રદીપ, કુત્રિમતાથી સજાવેલ આ ચાર દીવાલોને તું ઘર કહે છે?”

“હું કંઈ સમજ્યો નહીં.”

 “જે ઘરમાં તારી દીકરી આનંદથી રમત રમી શકતી ન હોય તે ઘરને બાંધવાનો શો અર્થ ? જીવિત વસ્તુઓને છોડી તો આ વાહિયાત નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરી રહ્યો છે.”

“આ લાખોની કિંમતની એન્ટિક વસ્તુઓ તને વાહિયાત લાગી રહી છે?”

“જે વસ્તુઓને કારણે દ્રષ્ટિબેટા સુખથી રહી શકતી નથી તે મારા મન વાહિયાત જ છે. તને શું લાગે છે તારી દીકરી સૃષ્ટિ આ ઘરમાં ખુશ છે ? કલાકારે બનાવેલી માટીની આ નિર્જીવ મૂર્તિઓ તારા મન લાખોની છે ! અને ઈશ્વરે બનાવેલ હાડ માંસની જીવંત એવી તારી દ્રષ્ટિ તને ડફોળ અને મૂર્ખ લાગે છે!”

“તું એક દિવસ માટે આ ઘરમાં આવ્યો છે એટલે તને એવું લાગે છે ! બાકી બે દિવસ અહી રોકાઈ જો ત્યારે તને ખબર પડશે કે દ્રષ્ટિ કેટલી મસ્તીખોર છે.”

  “દોસ્ત, આ ઊંમરે બાળક મસ્તી નહીં કરે તો કોણ કરશે ? તેને ઠોઠ કે ડફોળ કહીને આમ ઉતારી પાડવામાં કોઈ સાર નથી.”

“તો પછી તેને હું શું કહું?”

“કશું કહીશ નહીં તે મોટી થઇ જતા આપમેળે સુધરી જશે. પરંતુ જો તું તેને કાયમ ડફોળ ડફોળ કહેતો રહીશ તો હું ખાતરીપૂર્વક કહું છું કે તે ક્યારે હોંશિયાર નહીં બને.”

“દોસ્ત, ઉપર મેં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. તે જોવા તો ચાલ.”

“તારા એ ટેરેસ ગાર્ડનમાં દ્રષ્ટિ રમતો રમી શકે છે ?”

પ્રદીપ અકળાઈને બોલ્યો, “અરે! ટેરેસ ગાર્ડનમાં મોંઘા ફૂલછોડ લગાવેલા છે. હું તેને ત્યાં રમત રમવાની પરવાનગી કેવી રીતે આપી શકું?”

વિલાસે રોષભેર કહ્યું, “દોસ્ત, જે દિવસે તારી દ્રષ્ટિ છૂટથી એ ટેરેસ ગાર્ડનમાં રમી શકશે તે દિવસે તું મને જરૂર બોલાવજે. હું દોડતો તારું ઘર જોવા આવીશ. અને હા તેમાં કિંમતી ફૂલછોડ નહીં હોય તો પણ ચાલશે.”

પ્રદીપ નીચું જોઈ ગયો. આ દિવસને થોડા દિવસો વીતી ગયા બાદ એકદિવસ પ્રદીપનો વિલાસને ફોન આવ્યો. વિલાસે સહેજ રુક્ષ સ્વરમાં કહ્યું, “બોલ પ્રદીપ કેમ ફોન કર્યો ?”

“દોસ્ત, આજે મારા ઘરે આવ.”

“તારી દીકરી એ ઘરમાં છૂટથી રમતો રમી શકે છે ?”

 “તું એકવાર આવ તો ખરો.”

વિલાસ સાંજે જ પ્રદીપના ઘરે ગયો. તેણે જોયું તો તેના ઘરની આખી તાસીર જ બદલાઈ ગઈ હતી. તેના ઘરના કોઈ ખૂણામાં હવે એન્ટિક વસ્તુઓ દેખાતી નહોતી. દ્રષ્ટિ આખા ઘરમાં કિલ્લોલ કરતી દોડી રહી હતી અને તેને જોઈ તેની મમ્મી ખીલખીલાટ હસી રહી હતી.

 પ્રદીપે કહ્યું, “દોસ્ત, મેં એ તમામે તમામ કુત્રિમ વસ્તુઓને ઘરની બહાર કાઢી મૂકી છે જે મને મારા પરિવારજનોથી યેનકેન પ્રકારે દૂર કરી રહી હતી. મારી સાથે ટેરેસ પર ચાલ તને એક વાત દેખાડવાની છે.”

બંને જણા ટેરેસ પર પહોંચતા જ વિલાસનું હૈયું આનંદથી ઉછળી પડ્યું. પ્રદીપે ટેરેસ પર દ્રષ્ટિને રમવા માટે લપસણી અને હીંચકાની વ્યવસ્થા કરી હતી.

પ્રદીપે કહ્યું, “આજ પછી દ્રષ્ટિ અહીંયા રમતો રમશે.”

વિલાસે આનંદથી કહ્યું, “દોસ્ત, આ તેં ખૂબ સરસ કામ કર્યું છે. પૂર્વે કુત્રિમ વસ્તુઓને કારણે તારું ઘર સ્વર્ગ જેવું દેખાતું હતું જયારે હવે હકીકતમાં બની ગયું છે સ્વર્ગ.”


Rate this content
Log in