Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhairvi Maniyar

Inspirational

4.8  

Bhairvi Maniyar

Inspirational

સારસબેલડી

સારસબેલડી

4 mins
323


ચાલો, જાણીએ એક સ્વાતંત્ર્યસેનાની યુગલની જીવનકહાણી

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્યસેનાનીઓ વિશેની માહિતીસભર વાતો જાણવા મળે છે. તો એ પ્રસંગે દેશદાઝ લઈને આજીવન ભેખધારી એક યુગલનાં વ્યક્તિત્વની કેટલીક ઝલક અહીં મૂકવાનું મન થયું. તો ચાલો એ ભવ્ય ભૂતકાળને વાગોળીએ.

તરવરિયા લબરમૂછિયા, ભગતસિંગ જેવી હામ અને લોહિયાના કૉમરેડ્સમાંના એક તેમજ જયપ્રકાશ નારાયણના માર્ગદર્શનમાં, જ્યૉર્જ ફર્નાંડિઝ જેવા ખાસ મિત્ર સાથે મુંબઈમાં શ્રમિકો માટે કાર્ય કરનાર, ડૉ.લોહિયાની સૂચનાને અનુસરીને સામૂહિક રીતે ગાંધીવિચારને અનુસરવા કૉંગ્રેસમાં જોડાયેલા, તેમજ એમની જ સૂચનાને કારણે મહેસાણા જિલ્લામાં સ્થાયી થયેલાં, જોકે મોરારજીભાઈની સલાહને માન આપી વડનગર ખાતે કન્યાકેળવણીની ધૂણી ધખાવનાર એવા શ્રી રસિકલાલ દવે 12 એપ્રિલ, 1925ના રોજ જન્મ્યા હતા. 

નવ વર્ષની નાની ઉંમરે એક જાહેર કાર્યક્રમમાં જામનગરના મહારાજા જામસાહેબને સ્ટેજ પરથી કહ્યું,"બાપૂ, હવે આપનું રાજ નહિ, અમારું એટલે કે લોકોનું રાજ આવશે." માત્ર 16 વર્ષની ઉંમરે 14 યુનિયન્સમાં પ્રમુખ કે સેક્રેટરી હતા. મુંબઈ, કલકત્તા, દિલ્હી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર,પોરબંદર, ભાવનગર, અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને વડનગર જેવાં સ્થળે વિવિધ પ્રવૃત્તિઓમાં આજીવન સક્રિય રહ્યા. અનેકવાર જેલવાસ ભોગવ્યો. વળી, કેદીઓને ખરાબ ખોરાક અપાતાં જેલમાં પણ હડતાળ પાડી ઉપવાસ પર બેસી સારો ખોરાક મળે એની લડત આપેલી.

1975ની કટોકટીમાં 'મિસાવાસ' પણ ખરો. એ સમયે રાજકોટના શ્રી કેશુભાઈ પટેલ(ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય), સુરતના મેયર શ્રી નવીનચંદ્ર ભરતિયા પણ એમની સાથે એકજ બેરેકમાં હતાં.સરદાર પટેલનાં દિકરી પૂજ્ય મણીબેન પટેલ સાથે ઓલ ઇન્ડિયા રેલ્વે ટ્રેડ યુનિયનના સેક્રેટરી તરીકે ખૂબ સરાહનીય કામગીરી, તેમ જ પદ્મશ્રી મણીબેન કારા સાથે હિન્દ મજદૂર સભામાં મુંબઈ ખાતે સક્રિય કામગીરી. ઓલ ઇન્ડિયા ચેમ્બર ઑફ કૉમર્સના સેક્રેટરી તરીકે વર્ષો સુધી કામ કરેલ. તેમજ મજૂર મહાજન સંઘ, બ્રૂકબૉન્ડ વર્કર્સ યુનિયન, જામનગર વગેરે વગેરેમાં અગત્યની જવાબદારી સાથે સક્રિય હતા. 

જામજૂથ યોજના હેઠળ અલગ સૌરાષ્ટ્ર એકમને નિષ્ફળ બનાવવામાં સરદાર પટેલની સૂચનાથી સમયસર તેનો મુસદ્દો સરદારશ્રી સુધી પહોંચાડી છેલ્લી ઘડીએ ચાવીરૂપ કામગીરી કરેલ. આથી સોમનાથ જતાં જામનગર ખાતે ખાસ એમને બિરદાવવા સરદારે ઉતરાણ કરેલ અને એરપોર્ટ પર એ યુવાન રસિકની પીઠ થાબડી બોલ્યા, "શાબાશ છોકરા, તારા કારણે આજે સૌરાષ્ટ્રનાં રજવાડાં ભારતનો જ ભાગ બની શક્યાં છે. દિલ્હી આવવું છે ?" 

એ યુવાને પણ મક્કમતાથી જવાબ આપ્યો, "કામ હોય તો યાદ કરજો. બાકી, દેશના ખૂણેખાંચરે પ્રજાનો અવાજ બનવા ઘૂમતો રહીશ."

વડનગરમાં આજદિન સુધી જળવાઈ રહેલાં કોમી એખલાસનો યશ એમને ફાળે જાય, આજે પણ વસંતરજ્જબદિને એમની સંસ્થામાં હિંદુ બાળકો કુરાનની આયાતો અને મુસ્લિમ બાળકો ગીતાના શ્લોકોનું ગાન કરે છે. જેને કારણે છ દાયકાથી હિંદુ-મુસ્લિમ શાખપાડોશી બનીને હોંશભેર જીવી રહ્યાં છે. 1956 માં 200થી વધુ પુસ્તકો અને સ્થાપત્યોની મદદ વડે વડનગરને 'હેરિટેજ વિલેજ' બનાવવા માટે તે સમયે મુંબઈ સ્ટેટના રાજ્યપાલને વિગતવાર માહિતી રજૂ કરી હતી.  વડનગરની સમૃદ્ધ લાયબ્રેરીનાં 50 વર્ષ પૂરાં થતાં 'અભણને ભણેલાં વાંચી સંભળાવે,' એ નાતે આબાલવૃધ્ધ સૌને પુસ્તકાલયમાં જતાં કરી ગામનું બૌધ્ધિક સ્તર ઊંચું લાવવાનો પ્રયોગ કરેલો. જેનાં પરિણામે દુકાનોનાં પાટિયે બેસીને ચર્ચા કરતાં નાગરિકોની વાતચીતનું સ્તર પણ ઊંચું રહેતું. 

'તાના-રીરી' મલ્હાર ગાઈને તાનસેનને દિપક રાગનો દાહ ઠારનાર સંગીતબેલડીનાં સન્માનાર્થે 1953માં પોતાની દિકરીનું નામ 'તાનારીરી' પાડ્યું. થોડાં વર્ષ બાદ 'તાનારીરી સંગીત સમારંભ ' યોજવાનું શરૂ કર્યું. એનાથી પ્રજાજનો સંગીતમાં રસ કેળવે તેમજ સ્થાનિક કલાકારોને રાષ્ટ્રીય કલાકારો પાસેથી શીખવા માટેનું પ્લેટફોર્મ મળે. વડનગર અંગેનું સંશોધન હાથ ધરી તેનો સ્થાપનાદિન ઉજવવો અને તે દિવસે ગામની જ હસ્તિ કે જે વિવિધ ક્ષેત્રમાં કાર્યરત હોય તેમને આમંત્રીને સન્માનવાની પ્રથા શરૂ કરી.

પોરબંદરના મેજિસ્ટ્રેટ ડોડિયાસાહેબની દિકરી ભાગિરથી અને નાનકડી દોહિત્રી સૂર્યકુમારી બંને મેજિસ્ટ્રેટના જ બંગલાનાં ધાબે વોલન્ટિયર્સ માટે તૈયારી કરતાં. ત્યાં કાળી છત્રી નીચે ફાનસનાં અજવાળે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા શરુ કરેલ સામયિક 'સિંધુડો' માટે એ સૌ મળીને લખાણ તૈયાર કરતાં. એ લખાણ માટેની માહિતીનું એકત્રીકરણ કરતી ટીમમાં રસિક પણ હતો. આમ, સ્વાતંત્ર્યની ચળવળમાં એમને સાથ આપનાર એમનાં જીવનસંગિની સરલાબેન (સૂર્યકુમારી)પણ ઘણીવાર સત્યાગ્રહમાં જોડાઈને જેલમાં ગયેલાં. એમણે પણ મહિલા મજૂરોનાં વેતન, વગેરે માટે અવાજ ઉઠાવેલો. અને મોરારજીભાઈની સલાહ થકી વડનગર ખાતે કન્યાકેળવણીની ધૂણી ધખાવીને રસિકલાલ દવેનાં કાર્યમાં સાથ આપતાં રહ્યાં.

વડનગર એજ્યુકેશન સોસાયટીની સ્કૂલ અને કોલેજમાં મૂલ્યનિષ્ઠ નાગરિકો તૈયાર થાય એ માટે તેઓ ખૂબ સજાગ હતાં. '60ના દાયકામાં વડનગર અને એની આસપાસના વિસ્તારમાં રુઢિચુસ્ત સમાજ હતો. બાળલગ્ન જેવી પ્રથાને કારણે બાળવિધવા અને ત્યક્તા દિકરીઓને ઘરેઘરેથી શોધી, સીધી એસ.એસ.સી.ની પરીક્ષા અપાવી, પી.ટી.સી. કે ગ્રેજ્યુએટ બનાવી પગભર કરીને સ્વમાનભેર જીવતાં શીખવ્યું.

તેમજ ખબરપત્રી તરીકે જવાબદારીપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાત સ્ટેટ સ્પોર્ટ્સ કાઉન્સિલનાં સભ્ય તરીકે ગામડે ગામડે રમતગમતનાં સાધનો પૂરાં પાડવાની સાથે વ્યાયામ અંગેની જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું. અનેક પરિવારોને દારુ-જુગાર ની ચુંગાલમાંથી છોડાવી નોકરીધંધે ચડાવ્યાં. 

આ યુગલની સંઘર્ષ સામે ઝઝૂમવાની ક્ષમતા અને કુશળતાને બિરદાવીએ એટલી ઓછી. સમાજસેવા અને દેશદાઝ લઈ ઘૂમતી આ 'સારસબેલડી'ને કોઈ એકવાર મળ્યું હોય તો જીવનભર યાદ રહે એવું અનેરું વ્યક્તિત્વ હતું શ્રી રસિકલાલ દવે અને શ્રીમતિ સરલાબેન દવેનું. એક સંતાન તરીકે મેં મારાં માતાપિતાને સક્ષમ વ્યક્તિત્વ તરીકે જ જોવા અને સમજવાનો પ્રયાસ કર્યો છે. શ્રધ્ધા છે આપ સૌને આ વાત ગમશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational