Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Romance Inspirational

4.2  

Prashant Subhashchandra Salunke

Romance Inspirational

ઝીરોમાંથી હીરો

ઝીરોમાંથી હીરો

7 mins
297


કરિશ્મા દેખાવમાં રૂપરૂપના અંબાર સમી હતી. કોલેજનો દરેક યુવાન તેને “આહ” ભરેલી નજરે જોતો. તેનું એ યૌવનથી ધગધગતું શરીર, માખણની પિંડ સમો દેહ, દૂધ જેવો ગોરો વાન. કોઈપણ યુવકને ઘાયલ કરવા માટે પુરતો હતો. કરિશ્મા કુદરતનો એવો અજાયબ કરિશ્મો હતો કે જેને જોઈ ખુદ કામદેવ પણ વિચલિત થઈ જાય.

એકવાર કરિશ્મા કોલેજની કેન્ટીનમાં જઈ રહી હતી ત્યારે તેની નજર બારણા પાસે ઊભેલા શેખર પર ગઈ. બસ પછી શું ? કરિશ્માને શેખર જોડે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. શેખર દેખાવમાં એવો સોહામણો હતો કે તે કરિશ્માના મનમંદિરમાં પ્રસ્થાપિત થઈ ગયો. તેનું એ શરીર સૌષ્ઠવ, રૂઆબથી બાઈક પર બેસવું. પવનમાં લહેરાતા તેના કેશુઓ. જયારે એ ટાઈટ જીન્સ પેન્ટ અને સફેદ ટીશર્ટ પહેરતો ત્યારે ફિલ્મી હીરો જેવો સોહામણો દેખાતો. કરિશ્મા મનોમન શેખરને ચાહવા લાગી હતી. તેને હવે ઊઠતા, બેસતા અને ખાતાપીતા બસ શેખર જ દેખાતો. શેખરે તેના મનમસ્તિષ્ક પર એવો તો કબજો કરી લીધો હતો કે તેની ગેરહાજરીમાં જીવવું કરિશ્માને અઘરું લાગતું. તે હવે શેખર સિવાય એક પળ પણ જીવી શકતી નહોતી. એવો એક શ્વાસ નહોતો જે શેખરનું નામ લીધા સિવાય કરિશ્માના દેહમાંથી છૂટ્યો હોય. કરિશ્માને શેખરની સામે પોતાના દિલની વાત કહેવાની હતી પરંતુ પ્રશ્ન એ હતો કે તેની સામે પોતાના પ્રેમનો એકરાર કરવો કેવી રીતે ? ઘણા મનોમંથન બાદ આખરે કરિશ્માને એક રસ્તો સૂઝી આવ્યો. તેણે પોતાની એક સહેલી માધુરીની મદદ લેવાનું વિચાર્યું. માધુરી શેખરના જ એક મિત્ર ઘનશ્યામને દિલોજાનથી ચાહતી હતી. તેથી શેખર સાથે માલતીનો પરિચય હોવો સ્વાભાવિક બાબત હતી. માધુરી દેખાવે એકદમ સુંદર હતી જયારે ઘનશ્યામ પગે થોડો લંગડાતો હતો. વળી દેખાવે પણ તે ખાસ નહોતો. કંઈક અલગ હોય તો જલ્દી મશહુર થાય એ ન્યાયે માધુરી અને ઘનશ્યામનું કજોડું પણ આખા કોલેજમાં પ્રખ્યાત હતું. તેમના પ્રેમપ્રકરણની ચર્ચા અવારનવાર થતી રહેતી. ઘનશ્યામ શેરો શાયરીઓનો શોખીન હોવાથી બધા તેને લંગડા ગાલિબ કહીને સંબોધતા. ઘણી વેળા કરિશ્મા અકળાઈને માધુરીને કહેતી પણ ખરી કે “બકા, તને આ લંગડા ઘનશ્યામમાં એવું તે શું દેખાયું કે તું એની પર મોહી પડી ! કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે !”

જે માધુરીને પૂર્વે મ્હેણાંટોણા મારતી હતી તેની સામે આજે મદદ માટે હાથ લંબાવવવો કેવી રીતે ? ખૂબ વિચારવિમર્શ બાદ કરિશ્માએ માધુરી પાસે જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે તે કોલેજમાં પહોંચી ત્યારે માધુરી કેન્ટીનની બહાર જ મળી. કરિશ્મા મદદની આશાએ તેની નજીક જઈને બોલી: “માધુરી, તને એક વાત કહેવાની હતી.”

“શું ?”

“પહેલા મને વચન આપ કે હું તને જે કહીશ તેની ચર્ચા તું બીજા કોઈ સાથે નહીં કરે.”

“હું વચન આપું છું. હવે તને જે કહેવું હોય તે નિશ્ચિતપણે કહી સંભળાવ.”

“માધુરી, હું શેખરના પ્રેમમાં પડી ગઈ છું. મેં જ્યારથી તેને જોયો છે ત્યારથી સઘળું ભૂલી ગઈ છું. હું તેના પ્રેમમાં પાગલ થઈ ગઈ છું.” થોડું અટકી એ આગળ બોલી, “માધુરી, મારા પ્રેમપ્રકરણની ગાડીને આગળ ધકેલવામાં તું મને મદદ કરીશ ?”

“કરિશ્મા, તું મારી બહેનપણી છું એટલે તને સાવધ કરવી એ મારી ફરજ છે. શેખર તારા લાયક નથી માટે તેના વિષે તારા મનમાં જે પણ ખ્યાલ છે તેને અબીહાલ કાઢી નાખ. હું ખરેખર કહું છું કે આમાં જ તારી ભલાઈ છે.”

માધુરીનો આવો તોછડો જવાબ સાંભળી કરિશ્મા હેબતાઈ ગઈ, “માધુરી, મને લાગે છે કે તારું મન શેખરને જોઈને પલટાઈ ગયું છે ?”

“એટલે ?”

“એટલે કે તારું મન હવે એ લંગડાથી ભરાઈ ગયું છે એટલે...”

કરિશ્મા પોતાનું વાક્ય પુરું કરે એ પહેલાં માધુરીએ તેના ગાલ પર જોરદાર લાફો ચોપડી દીધો. “ભાનમાં આવ કરિશ્મા. આ તું શું એલફેલ બોલી રહી છું ? મારા ઘનશ્યામની બરોબરી એ નપાવટ શેખર સાથે કરતા તને શરમ ન આવી ?”

કરિશ્મા દુઃખી મને માધુરીને કોસતી ઘરે આવી. પણ તે હિંમત હારી નહોતી. બીજા દિવસે તે કોલેજમાં શેખરની બાજુમાં જઈ બેઠી. કરિશ્માને આમ પોતાની પાસે બેઠેલી જોઈ શેખર અચંબો પામી ગયો. પણ બીજી ક્ષણે તેનું રૂપ યૌવન જોઈ એ અંજાઈ ગયો. હિંમત કરી શેખરે વાતની પહેલ કરી, કરિશ્માએ એની પહેલને પ્રેમપૂર્વક પ્રોત્સાહન આપ્યું, પછી વાતોનો દોર મુલાકાતોમાં; મુલાકાતો પ્રેમમાં પલટાઈ !

હવે શેખરની બાઈકની પાછળ બેસી કરિશ્મા લોંગ ડ્રાઈવ પર જવા લાગી. કોલેજના પાછળ આવેલા બગીચામાં બંને પ્રેમી પંખીડા કલાકો સુધી વાતો કરતા દેખાતા. કોલેજના અંતિમ સત્રો પૂર્ણતાના આરે હતાં ત્યારે એક ખુશનુમા સાંજે કરિશ્માએ શેખરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “શેખર, આપણે આપણા આ પ્રેમને પરિણયમાં ફેરવી દઈએ તો ? હું પ્રેમિકા મટી તારી પત્ની બનવા માગું છું.”

કરિશ્માના પ્રેમ પ્રસ્તાવનો શેખર ત્વરિત સ્વીકાર કર્યો. બીજા જ દિવસે બંનેએ વૈદ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. બંનેના માતાપિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો પરંતુ સમયના પ્રવાહ સાથે તેઓ પણ સઘળું ભૂલી ગયા; અને તેમના લગ્નનો સ્વીકાર કરી લીધો.

અહીંયા માધુરીએ પણ કોલેજ પૂર્ણ થતાં ઘનશ્યામ જોડે લગ્ન કરી લીધા હતા. આ ખબર જયારે ઊડતી ઊડતીતી કરિશ્માના કાને પહોંચી ત્યારે તે મનોમન ખૂબ હસી હતી.

*****

પળો દિવસોમાં પલટાયા અને દિવસો વર્ષોમાં !

થોડા વર્ષ બાદ.....

માધુરી નવી સાડી પહેરી અરીસામાં પોતે કેવી દેખાય છે તે નિહાળી રહી હતી. ઓચિંતી ડોરબેલ વાગતા માધુરી ચોંકી ઊઠી, “હમણાં કટાણે કોણ આવી ચડ્યું હશે ?”

માધુરીએ આમ વિચાર કરતા દરવાજો ખોલ્યો તો તેની સામે એક યુવતી ઊભી હતી. યુવતી દેખાવે ગરીબ ઘરની લગતી હતી. તેણે સાવ સામાન્ય કપડા પહેર્યા હતા અને તેનો ચહેરો ફિક્કો હતો. માધુરીને જોતા જ એ યુવતીની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રૂઓ ધસી આવ્યા, “માધુરી, મને માફ કર.”

અવાજને જાણે ઓળખી ગઈ હોય તેમ માધુરી અચંબામાં બોલી, “કરિશ્મા તું ! તારી આવી હાલત કેવી રીતે થઈ ?”

કરિશ્મા રડતાં રડતાં બોલી, “માધુરી તેં એ દિવસે સાચું કહ્યું હતું કે શેખર મારા લાયક નથી. પણ એ સમયે મારા આંખો પર પ્રેમની પટ્ટી બંધાયેલી હતી. તેથી શું સારું કે શું નરસું એનું મને ભાન જ નહોતું. તે મને સાવધ કરી હતી પણ મેં એનો મતલબ બીજો કાઢ્યો. મને માફ કર.”

માધુરીએ દરવાજો સંપૂર્ણ ખોલી કરિશ્માને આવકાર આપતા કહ્યું, “કરિશ્મા, ઘરમાં આવ. આપણે સોફા પર બેસીને શાંતિથી વાતો કરીએ.”

કરિશ્મા સોફા પર આવીને બેસી. માધુરીએ એસી ચાલુ કરતા કહ્યું, “રામુકાકા, એક ગ્લાસ ઠંડુ પાણી લઈ આવો તો.”

રામુકાકા પાણી લઈ આવતા કરિશ્મા એક ઘૂંટડે તે પી ગઈ. થોડી રાહત મળતા કરિશ્માએ કહ્યું, “માધુરી, શેખરે મને ફસાવીને બરબાદ કરી દીધી છે. હું તેના હીરો જેવા ઠાઠમાઠ જોઈને જે અંજાઈ હતી તે બધું માત્ર દીખાવો હતો. હકીકતમાં એ બધી રંગત તેના મામાના પૈસે હતી. શેખર જે ઘરમાં રહેતો હતો તે ભાડાનું હતું. બાઈક મામાની હતી, કપડા મામા અપાવતા હતાં. દુકાન પણ તેના મામાની હતી ! મામાના દેહાંત બાદ તેમના દીકરાઓએ દુકાન વેચી દીધી. હવે એ બેકાર જ છે. રોજેરોજ લેણદારો અને મકાનમાલિક લેણું વસુલવા અમારા બારણે કતાર લગાવીને ઊભા રહે છે. રૂપિયા નહીં મળતા તેઓ અમને એલફેલ સંભળાવે છે. કેટલાક મને બુરી નજરે જુએ છે. મારાથી આ સહેવાતું નથી. હવે તો શેખર દારૂ પણ પીવા લાગ્યો છે. રોજ રાતે શરાબ પીને તે ઘરમાં આવે છે અને આખું ઘર માથે લે છે. હું તો આ જીવનથી ત્રાસી ગઈ છું. ખરેખર શેખરે સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. જેને હું હીરો સમજી રહી હતી તે તો અસલ જીવનમાં ઝીરો નીકળ્યો.”

કરિશ્માની વાત સાંભળી માધુરી ફિક્કું હસી.

“એમાં હસવા જેવું શું છે ?”

“કરિશ્મા, તને નથી લાગતું કે આમાં તારી પણ ક્યાંક ભૂલ છે ?”

“મારી કેવી ભૂલ ?”

“સાંભળ તેં હોંશિયારી દાખવી નહીં એટલે શેખર હીરોમાંથી ઝીરો બની ગયો. જયારે તને ખબર પડી કે દુકાન મામાની છે. ત્યારે જ તેં એને પોતાની દુકાન લેવા પ્રોત્સાહિત કેમ ન કર્યો ? જેની સાથે લગ્ન થયા હોય તે પુરુષ ગમે તેવો હોય પરંતુ તેને આપણને ગમે તેવો બનાવવાની જવાબદારી આખરે દરેક સ્ત્રીની જ હોય છે. ખોટું ન લગાવ પરંતુ તારી કચકચથી પરેશાન થઈને જ શેખર દારૂના રવાડે ચડ્યો છે ને ?”

કરિશ્મા શરમથી નીચું જોઈ ગઈ.

બંને જણા થોડીવાર ખામોશ થઈ ગયા.

માધુરીના વેણ કરિશ્માના હૈયાને ખૂંચી રાખ્યા હતા.

કરિશ્મા આંખમાં આવેલા અશ્રુઓ લૂછતાં બોલી, “માલતી, હું તો શેખરના રૂપ પાછળ પાગલ થઈને મારો ભવ બગાડ્યો. પરંતુ તને શું કબુદ્ધી સુઝી હતી ! તેં કેમ ઘનશ્યામ જેવા ઝીરો સાથે લગ્ન કરીને તારો ભવ બગાડ્યો ? ઘનશ્યામ સાથે લગ્ન કરી તું પણ પસ્તાવતી હોઈશ ને ?”

માધુરી જવાબમાં હસી, “ચાલ મારી જોડે...” આમ બોલી તેણે કરિશ્માનો હાથ ખેંચ્યો. “અરેરેરે... પણ ક્યાં ?”

માધુરીએ કંઈ પણ બોલ્યા વગર કરિશ્માને ખેંચવાનું ચાલુ જ રાખ્યું. કરિશ્મા પણ માધુરીની પાછળ પાછળ ઘસડાઈ રહી.

થોડા સમય બાદ બંને એક આલીશાન હોલની સામે ઊભા હતાં. હોલના ગેટની સામે જ બે ચોકીદારો ઊભા હતાં. માધુરી તેમને પાસ દેખાડી હોલની અંદર પ્રવેશી ગઈ. હોલના અંદરની જાહોજલાલી જોઈ કરિશ્મા ધીમેથી માધુરી પાસે જઈ બોલી, “કરિશ્મા આ તું મને ક્યાં લઈ આવી ? અહીં તો બધા ફિલ્મી સિતારાઓ ભેગા થયા છે ! અરે ! એ જો ત્યાં અરમાન છે. અને પેલો સાત્વિક ! તેની બાજુમાં માહરૂબ ! ઓહ ! માય ગોડ અહીં તો બધા સુપરસ્ટાર હાજર થયા છે.”

“કરિશ્મા, અહીં નોર્મલ બીહેવ કર નહીંતર ચોકીદારો તને બહાર કાઢી મુકશે...”

બંને સીટ પર ગોઠવાઈ ગયા.

કરિશ્માએ અચરજથી પૂછ્યું, “આપણે અહીં કાર્યક્રમ જોવા આવ્યા છીએ ?”

માધુરીએ ટૂંકમાં કહ્યું: “હા, બોલીવુડનો ઈનામવિતરણ કાર્યક્રમ છે.” સ્ટેજ પરથી અવાજો આવતા હતાં “એન્ડ એવોર્ડ ગોસ ટુ.....” “નો અધર....” વિગેરે વિગેરે...

એ બધા વચ્ચે અચાનક થયેલા એક એનાઉન્સમેન્ટથી કરિશ્મા ચમકી.

“એન્ડ ધ બેસ્ટ મેલોડીસ્ટ એન્ડ પોયેટ એવોર્ડ ગોસ ટુ “ગ્રેટેસ્ટ શાયર ઘનશ્યામ મહેરા.”

એનાઉન્સમેન્ટ પૂર્ણ થતા જ એક યુવક લંગડાતો લંગડાતો સ્ટેજ પર આવ્યો. તેની સાથે સુપરસ્ટાર માહરૂબ ખાન પણ હતો.

આ જોઈ કરિશ્મા ડઘાઈને બોલી: “અરે ! પેલા માહરૂબખાન જોડે જે છે તે તો ઘનશ્યામ છે ને ?”

માધુરી ગર્વભેર બોલી: “હા મારો ઘનશ્યામ...”

ઘનશ્યામ એવોર્ડ લઈ બોલ્યો, “ડીઅર ફ્રેન્ડ્સ.... હું તો એક મામુલી માણસ હતો. શાયરીઓ કાગળ પર લખી એના વિમાન બનાવી ઉડાવનાર એક આવારા લફંગો... જેને કોલેજમાં બધા લંગડો ગાલિબ.... લંગડો ગાલિબ કહીને ચીઢવતા. પણ મારી પત્ની માધુરીએ મારી અંદર છૂપાયેલો ગીતકાર જોયો. એને મને સતત પ્રેરણા આપી ગઝલો અને ગીતોની રચના કરવા પ્રોત્સાહિત કર્યો. તેના વગર હું ક્યારેય સફળ થયો નહોત. મારા જેવા ઝીરોને હીરો બનાવનાર એવી મારી પ્રાણપ્રિય પત્નીને હું સ્ટેજ પર આવવા વિનંતી કરૂ છું. માધુરી, આઈ લવ યુ....” 

કરિશ્મા અવાચક નજરે તાળીઓના ગડગડાટ વચ્ચે માધુરીને સ્ટેજ પર જતા નિહાળી રહી. તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર મળી ગયા હતા. કેટલું સાચું કહ્યું હતું માધુરીએ કે; નારી તેનામાં રહેલી અસીમ શક્તિથી બનાવી શકે છે ઝીરોમાંથી હીરો.


Rate this content
Log in

Similar gujarati story from Romance