Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Drama Romance Fantasy

જાદુ

જાદુ

7 mins
271


જાદુનું રહસ્ય સમજવું જેટલું અઘરું છે તેટલું જ અઘરું તેને પચાવવું પણ છે. ઘણી વખત ઈશ્વર આપણને ખુશ કરવા કેટલાક જાદુરૂપી ભ્રમ આપણી સમક્ષ ઊભા કરતો હોય છે. પરંતુ આપણે તે જાદુથી મળેલી તકનો ફાયદો ઊઠાવવાને બદલે તેના રહસ્યને ઉકેલીને આપણી જિંદગી બરબાદ કરી દેતા હોઈએ છીએ. કંઈક આવો કિસ્સો મયુરીના જીવનમાં બન્યો હતો.

મયુરી કોલજકાળથી વિલાસ નામના યુવકના પ્રેમમાં હતી. તેઓનો પ્રેમ સબંધ ઘણો આગળ વધી ગયો હતો. બંને જણાએ લગ્ન કરવાની કસમો ખાધી હતી. પરંતુ મયુરીના માતાપિતાને વિલાસ જેવો આવારા છોકરો દીઠો ગમતો નહોતો. તેથી તેઓએ શહેરમાં આલોક નામના એક સારા ઘરના યુવક સાથે મયુરીનું લગ્ન ગોઠવી દીધું.

મરજી વિરુદ્ધ થયેલા આ લગ્નથી આલોક જરાયે ખુશ નહોતી. છતાં મનેકમને તેણે આલોક સાથે સંસાર માંડવાનું શરૂ કર્યું. આમ બે સદસ્યોના એ પરિવારમાં મયુરીનો ઊમેરો થવાથી તેમની વસ્તી ત્રણની થઈ ગઈ હતી. શરૂઆતમાં મયુરી ઉદાસ રહેતી. પરંતુ ધીમે ધીમે તેને આલોકનો સ્વભાવ અને વર્તન ગમવા લાગ્યાં. આલોકની હૂંફ અને સહવાસ મળતાં તે જુનો પ્રેમ વિસરી ગઈ અને આલોકના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ.

જોકે કુદરતને આ મંજુર નહોતું. એક દિવસ મયુરી બજારમાં ખરીદી કરવા ગઈ ત્યારે તેનો ભેટો અનાયયાસે વિલાસ સાથે થઈ ગયો. વિલાસ પણ ત્યાં ખરીદી કરવા આવ્યો હતો. જૂની શરાબ અને જુના પ્રેમનો નશો જ કંઈક અલગ હોય છે. વિલાસને જોઈને મયુરી જૂની યાદોમાં ખોવાઈ ગઈ. ભૂતકાળનો પ્રેમ યાદ આવતા તે ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં દોડીને વિલાસને જઈને ભેટી પડી. સદનસીબે મયુરીનું ઓળખીતું પાલખીતું ત્યાં કોઈ હાજર હતું નહીં. જેમ સાપ ચંદનને લપેટે તેમ વિલાસને બાઝી પડેલી મયુરીને પોતે બીજાની પરણીતા છે એ વાત ધ્યાનમાં આવતા તે મનેકમને વિલાસથી અળગી થઈ ગઈ.

વિલાસ પણ મયુરીને જોઈ પાગલ થઈ ગયો. તેણે રૂંધાયેલા સ્વરે કહ્યું કે, “મયુરી હું તને એકવાર એકાંતમાં મળવા માંગું છું. મને એકવાર તને દિલ ખોલીને પ્રેમ કરવા દે ત્યારબાદ હું તને ક્યારેય મળવાની જિદ નહીં કરું.”

“વિલાસ, આ કેવી રીતે શક્ય છે ? હું આલોકની પત્ની છું. એવામાં તારી સાથે સબંધ રાખતા સમાજ શું કહેશે ?”

વિલાસે મયુરીને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ સમાજના ડરથી મયુરી માની નહીં.

એકદિવસ બપોરના સમયે મયુરીના ઘરમાં કોઈ નહોતું. આલોક નોકરી પર ગયો હતો અને સાસુમા મંદિરે ગયા હતાં. આવા સમયે લાગ જોઈને વિલાસ ચૂપચાપ મયુરીના ઘરમાં પ્રવેશ્યો. મયુરી અંદર શયનખંડમાં કપડાની ગડી વાળી રહી હતી ત્યારે જ વિલાસ ઝડપભેર શયનખંડમાં પ્રવેશી બહારથી દરવાજાની કુંડી વાસી દીધી. મયુરી આ જોઈ ડઘાઈ ગઈ પણ મનોમન એ રાજી થતા બોલી: “વિલાસ આ શું કરે છે ?”

વિલાસે મયુરીને બાથમાં લઈ ચૂમતાં કહ્યું, “મયુરી હવે એકપળ પણ તારા વગર રહેવાતું નથી. જમવાની થાળીમાં, સામે દિવાલમાં ચારેબાજુ બસ તું ને તું જ દેખાય છે. એકવાર બસ એકવાર તારા આ સૌન્દર્ય રસને ધરાઈને પી લેવા દે એ પછી હું કોઈ દિવસ તને હેરાન નહીં કરું.”

મયુરીએ સહમતીથી નેત્રો ઢાળી દીધા.

વિલાસે મયુરીને છાતી સરસી ચાપી દીધી. બંને જણા મુક્તમને એકબીજાના સહેવાસને માણી જ રહ્યા હતા ત્યાંજ બહારથી જોર જોરથી દરવાજો ખખડાવવાતા સાસુમા બોલી રહ્યા, “બેટા, મેં મારી સગી આંખે એક ઈસમને વહુના ઓરડામાં જતો જોયો છે. મારો વિશ્વાસ કર; એ કલમુઈ બારણા અંદરથી વાસી તેની જોડે મોઢું કાળું કરી રહી છે.”

આ સાંભળી મયુરીની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. તે વિલાસની બાહોમાંથી છટકી સફાળા પલંગ પરથી ઊઠી. વિલાસ પણ મોઢું બગાડતો પલંગ પરથી ઊભો થયો. મયુરી પોતાની સાડી ઠીક કરતા બોલી, “વિલાસ, આ તો માજીની બૂમો છે. તેઓએ તને અંદર આવતા જોઈ લીધો છે. હવે હું શું કરું ? હે ભગવાન મારી મદદ કર” ત્યાંજ મયુરીની નજર સામે આવેલા મોટા કબાટ પર ગઈ. “વિલાસ, તું ફટાફટ આ સામે આવેલા કબાટની અંદર જઈને છૂપાઈ જા. જલ્દી કર.”

વિલાસે ક્ષણનો વિલંબ ન કરતા કુદકો લગાવી પલંગ પરથી નીચે ઊતર્યો અને બીજી જ ઘડીએ કબાટની અંદર જઈને છૂપાઈ ગયો. મયુરીએ હવે બારણું ઉઘાડતા કહ્યું, “માજી, શું થયું ? કેમ આવી બુમો પાડી રહ્યા છો ?”

આલોકે રૂમની અંદર પ્રવેશતા કહ્યું, “તને દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લાગી ?”

પુત્ર અને પુત્રવધુના શયનખંડમાં માજી કયારેય પ્રવેશતા નહોતા. તેઓ બહાર જ ઊભા હતા.

મયુરીએ બહાનું દેખાડતા કહ્યું, “મારી જરીક આંખ લાગી ગયેલી..”

માજીએ રોષભેર કહ્યું, “તે કલમુહીને પૂછ કે તેની જોડે અંદર કોણ છે ?”

આલોક બોલ્યો, “મા, ગમેતેમ તેમ ન બોલો. અંદર કોઈ નથી. નકામો મને ફોન કરી તેં ચાલુ કામે ઓફિસેથી ઘરે તેડાવ્યો.”

“બેટા, આવું કેવી રીતે બને ? પલંગ નીચે જો”

આલોકે પલંગ નીચે જોઈને કહ્યું, “અહીં કોઈ નથી.”

“દરવાજાની પાછળ જો.”

“અહીં પણ કોઈ નથી.”

“માળિયા ઊપર જોયું ?”

“નથી. કોઈ નથી.”

“આવું કેવી રીતે બની શકે !”

“મા, જરૂર તને કોઈ ભ્રમ થયો હશે.” આલોકે ઉદ્દગારેલા આ વાક્યથી મયુરીએ રાહતનો ઉચ્છવાસ છોડ્યો.

કંઈક વિચારીને માજી બોલ્યા, “બેટા, તેં પેલા કબાટની અંદર જોયું ?”

ખલાસ, આ સાંભળી મયુરીના છાતીના પાટિયા બેસી ગયા. તે મનોમન પોતાના કુળદેવતાને યાદ કરી રહી.

આલોકે કબાટ ખોલ્યો.

અહીં મયુરીએ આંખો મીંચી લીધી. તેનું હ્રદય ફાટફાટ થઈ રહ્યું હતું.

આલોકનો અવાજ તેના કાન પર આવ્યો. “મા.”

માજી બહારથી જ બોલ્યા, “દેખાયો ? એ નરાધમ મળી આવ્યો ?”

“ના, મા કબાટમાં પણ કોઈ નથી.”

માજી કરતાં મયુરીને વધારે અચરજ થયું. “આ કેવો જાદુ ? આલોક કબાટમાં નથી તો ક્યા ગયો ? શું તે કોઈ જાદુથી અલોપ થઈ ગયો ! આવું કેવી રીતે બની શકે ?”

માજી બોલી, “વહુરાણી, આજે તો તમે બચી ગયા. પણ હવે આવા ધંધા પાછા કરશો તો મારે નછુટકે તમારા માતાપિતાને જાણ કરવી પડશે.”

મયુરીએ સૂર ચઢાવતા કહ્યું, “માજી, તમે ખોટેખોટું મારા પર આળ લેશો નહીં, મારા ઓરડામાં કોઈ હોત તો તમારા દીકરાને એ દેખાઈ જ આવ્યો હોત ને ? વળી ઓરડામાંથી બહાર જવા બીજો કોઈ રસ્તો છે ?”

આ ઘટના બાદ આલોકનો વ્યવહાર સામાન્ય જ રહ્યો. જાણે કશું બન્યું ન હોય તેમ એ મયુરી સાથે વર્તન કરતો. પરંતુ બીજીબાજુ મયુરીને એક જ સવાલ કોરી ખાવા લાગ્યો. મારી આંખો સામે વિલાસ કબાટમાં ગયો હતો તો પછી આલોકને દેખાયો કેમ નહીં ? કે પછી આલોક ખોટું બોલતો હશે ? શું સાચે જ વિલાસને કોઈ જાદુ આવડતી હશે !”

આ વાતને મહિનાઓ વીતી ગયા પણ મયુરીના મનમાં પાપનો ડંખ રહી ગયો હતો. એકદિવસ મયુરીએ આલોકને બધું સાચેસાચું કહી દેવાનું નક્કી કર્યું. ક્યાર સુધી કોઈ ભલા ભોળા માણસને અંધકારમાં રાખવો ?  થોડા જ દિવસ બાદ મયુરી તેના પિયરમાં રજા ગાળવા ગઈ. હવે માતાપિતા સાથે ગામડે જતા પહેલા મયુરી આલોકના નામની એક ચિઠ્ઠી ટેબલ પર મૂકતી ગઈ.

મારા,

પતિ પરમેશ્વર,

 એ દિવસે તમારા માતાજી સાચું બોલી રહ્યા હતાં. મારી સાથે મારા રૂમમાં મારો જુનો પ્રેમી વિલાસ હતો પણ હું ભગવાનના સોગંધ ખાઈને કહું છું કે અમે પહેલીવાર જ મળેલા, આ પહેલા હું વિલાસને મળી નહોતી. આ તો એ જ જબરદસ્તી મારા રૂમમાં પ્રવેશી આવેલો. હવે હું એને ભગાડું એ પહેલા જ માજી અને તમે આવી ગયા. તેથી મેં એને કબાટમાં છૂપાવાનું કહ્યું હતું. પહેલા તમે જયારે વિલાસને નહીં જોવાની વાત કરી ત્યારે હું એમ જ સમજી હતી કે વિલાસે કોઈક જાદુ ર્ક્યો હશે ! પરંતુ પછી ખૂબ મનોમંથન કરતા મારા ધ્યાનમાં આવ્યું કે, તમે મને બચાવવા ખોટું બોલ્યા હતાં. હું તમારા આ ઉપકારનો બદલો કેવી રીતે ચૂકવી શકું ? સાચું કહો, તમે કબાટમાં વિલાસને જોયો હતો ને ?

 તમે મને બચાવી એ બદલ તમારો ઘણો ઘણો અભાર. મારા પ્રત્યેનો તમારો આ પ્રેમભાવ જોઈ હું ખૂબ જ ખુશ છું. પિયરેથી આવીને હું તમને ખૂબ ખૂબ પ્રેમ કરવા માંગું છું.

લિ. તમારી

મયુરી

ટેબલ પર મુકેલી ચિઠ્ઠીના જવાબમાં મયુરીને બીજા દિવસે આલોકનું કુરિયર આવ્યું. જેમાંથી એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠી આલોકે લખી હતી. મયુરીએ ઉત્સાહભેર ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી.

મયુરી,

તારી વાત સાચી છે. એ દિવસે મેં કબાટમાં વિલાસને કઢંગી હાલતમાં જોયો હતો. એ બેશરમની જેમ મારી તરફ જોઈને હસી રહ્યો હતો. ખરેખર કહું એ સમયે મારી સ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ હતી. કયો પુરૂષ એ સહન કરી શકે કે તેના પત્નીના કોઈ બીજા જોડે આડા સંબંધો હોય !

 લોકો તો એવું જ કહેશેને કે હું પત્નીને ખુશ રાખી શકતો નથી એટલે પત્ની બીજે ફાંફા મારે છે ! એ દિવસે મેં તને નહીં પણ મારી આબરૂને બચાવવાની કોશિશ કરી હતી.

 હું એક સામાન્ય માણસ છું. તારા અને વિલાસની હત્યાના માત્ર સપના જોઈ શકું છું. પણ વાસ્તવિકતામાં તેનો અમલ મારા માટે અશક્ય છે. તેથી જ મેં ચૂપ રહેવાનો નિર્ણય લીધો હતો. કારણ તમારા આડા સંબધો વિષે જાણ્યા બાદ પણ હું કશું કરી શકતો નથી. આ વાતની જો તમને જાણ થઈ જાત તો તમારી હિંમત ખુલી જાત. ત્યારબાદ તમે બંને સરેઆમ મારી આબરૂના ધજાગરા ઉડાવ્યા હોત. પણ મારા ચૂપ રહેવાથી અને કંઈ જાણતો ન હોવાના ડોળથી મારા બે આંખોની શરમ તને નડતી હતી; પણ આજે તેં આ વાત કબૂલી શરમને તોડી નાખી. હવે, જયારે પણ તું મારી સામે આવીશ ત્યારે મને કઢંગી હાલતે કબાટમાં બેઠલા વિલાસનો હસતો ચહેરો યાદ આવશે. તેથી મને માફ કર હું આપણા સબંધો અહીં જ ટૂંકાવવા માંગું છું. તારે હવે ઘરે પાછા આવવાની કોઈ જરૂર નથી. તારા માબાપને ત્યાંજ તું ખુશ રહે. અને હા તારો વિલાસ પણ તને ત્યાં મળતો રહેશે.”

બે દિવસમાં કોર્ટમાંથી તારા ઘેર ડિવોર્સના પેપર આવશે, એની પર તું ચૂપચાપ સહી કરી દેજે. હું નથી ઈચ્છતો કે તારી અને મારી ઈજ્જત કોર્ટમાં ઉછળે.

લિ. આલોક

ચિઠ્ઠી વાંચીને મયુરી ચોધાર અશ્રુએ રડી પડી. પિયરે આવીને તેને ખબર પડી હતી કે વિલાસના લગ્ન થઈ ગયા હતા. વળી તે ચાર સંતાનોનો પિતા પણ હતો. સંયમમાં ન રહીને તેણે પોતાની હાથે કરીને જિંદગી બરબાદ કરી હતી. કાશ ! તે એ ઘટનાને ભૂલી શકી હોત સમજીને કોઈક જાદુ !


Rate this content
Log in

Similar gujarati story from Drama