Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

hardik raval

Inspirational

4  

hardik raval

Inspirational

મીઠી ટાઢક

મીઠી ટાઢક

6 mins
269


" જુઓ હો, આજે ભૂલતા નહિ બિલકુલ. આ ત્રીજીવાર કૉલ કર્યો છે આજે. છેલ્લા એક અઠવાડિયાથી તમે બહાના બનાવ્યે જ જાઓ છો. આજે તો એ.સીનો ઓર્ડર નોંધાવીને જ ઘરે આવજો. કાલે ને કાલે મારે ઘરે એ.સી જોઈએ."

" હા, પણ, સાંભળ ને..."

વાત પૂરી કરે એ પહેલાં જ સામેની બાજુએથી ફોન કટ થયો અને જાણે એક છેલ્લી કોશિશના પગ પણ કપાઈ ગયા એમ વિવેકને લાગ્યું. છતાં વિવેકે હજુ ધીરજ નહોતી ગુમાવી. ફરી પોતાની પત્નીને ફોન જોડ્યો.

"કા...મિની, હું શું કહું છું ?"

 "કે થોડોક ભીંસમાં છું, એમ જ ને ?"

 "હા... હા... બસ. તું કેવી સમજુ અને ડાહી છે ! જો ને, જૂન મહિનો તો અડધો ચાલ્યો. વરસાદ હવે વેંત છેટે છે. આમ જો, આકાશમાં પણ વાદળો ગોરંભાય છે. આવતા વર્ષે તો હોળી વખતે જ લાવી દઈશું."

"ના હો, તમારા આવા લુખ્ખા વાયદાઓ મને ન આપો. હું ઓળખી ગઈ છું તમને, પગથી માથા સુધી નખશિખ. એટલે નો મોર ડિસ્કશન. હવે એ.સી નહિ આવે તો મારા બાપનું ઘર ખુલ્લું જ છે મારા માટે અને હા, હવે ફોન ન કરતા."

વિવેક હવે ભૂતકાળમાં ભૂલો પડ્યો. તેના મા-બાપે કારમી ગરીબીમાં પણ પોતાના ચાર સંતાનોને સારું ભણાવી અને પરણાવીને માંડ માંડ સંસારનું ગાડું ગબડતું કર્યું હતું.

વિવેક હમણાં જ વતનથી પચીસેક કિલોમીટર દૂર અંતરિયાળ ગામડાની હાઈસ્કૂલમાં નોકરીએ લાગ્યો હતો અને પછી લગ્ન લેવાયાં. એક દીકરો પણ અવતર્યો ઘરે. પહેલા તો બધું ઠીક-ઠાક ચાલતું હતું. પણ, હમણાંથી બીજાની દેખાદેખી, આધુનિકતા અને સાસુમાની વધતી જતી ખટપટોથી કામિની ધીમે ધીમે બદલાઈ રહી હતી. ઘરમાં નાની નાની બાબતોમાં થતો સંઘર્ષ પણ હવે તો કજિયાનું રૂપ લઈ રહ્યો હતો.

વિવેકને એ.સીના ઓર્ડર પેટે ફક્ત પંદરસો રૂપિયા આપીને પછી હપ્તા જ ભરવાના હતા. પણ, માબાપ જે વ્યાજના પૈસા લઈને ઘરને ઊંચું લાવ્યા હતા એ ભરવામાં અને ઘરનું ગાડું ગબડાવવામાં એટલા પૈસા પણ મહિનો પૂરો થતાં થતાં હાથ પર નહોતા રહેતા. વળી, વિવેક પણ સહેજ ક્યાંક જરૂરિયાતમંદને જોવે તરત જ યથોચિત મદદ કરી દેતો.

વિવેક વિચારોના વમળમાં હતો અને શાળા છૂટી. શાળા અરવલ્લી ગિરિમાળાના પર્વતો પાસે હતી. એને આજે પુષ્કળ ગરમી અનુભવાતી હતી, ચિંતા અને વાતાવરણ બેઉની. ડુંગરો તપીને લાહ્ય વરસાવતા હતા. ગરમ પવન સુસવાટા મારતો હતો. છતાં, વાદળો જોઈને વિવેકને એમ લાગતું હતું કે જાણે હવે મેઘરાજાની સવારીનું આગમન નજીક છે. ઠંડક થશે ટૂંક સમયમાં. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળી ગયા. વિવેકને જાણે આજે કોઈ ઉતાવળ નહોતી લાગતી.

પટાવાળાએ કહ્યું પણ ખરું, " એ સાહેબ, હેંડો. મારેય ઢોરા દો'વાનું મોળું થાય સ."

વિવેક બાઈક પર બેઠો અને સૂકાભઠ્ઠ ડુંગરો તરફ નજર કરી. મનમાં થયું કે જિંદગી પણ આવી જ છે ને ! પણ ત્યાં અચાનક આવા ઉનાળામાં પણ લીલાંછમ અમુક નાના ઝાડવાં પર નજર પડી. તો જાણે સારું લાગ્યું કે જીવનમાં કયાંક આવી ટાઢક પણ છે જ ને !

વિવેક ડુંગરાળ રસ્તા પરથી બાઈક એકદમ ધીરે ધીરે હંકારતો હતો. અચાનક જ એની નજર ડુંગરની બાજુએથી, માથે ધવોળી, બોરડી, કંકાળો, મઢઢીયો, શયણી જેવા ડુંગરાળ ઝાડવાંનો ચારો લઈને રોડ તરફ આવતી એક ચૌદ વર્ષની છોકરી અને એની સાથે માથે બળીતાં લઈને ચાલતા એનાથી બે-એક વર્ષ નાના છોકરા તરફ અટકી.

વિવેક એને પળભરમાં ઓળખી ગયો. આ તો એજ હેતલ.. ! કે જેને છેલ્લા એક અઠવાડિયાથી વર્ગમાં એકના એક જ કપડાં ધોઈને પહેરીને આવતી હોવાથી, આચાર્ય સાહેબે ગણવેશ લાવે ત્યારે જ આવવું. એમ તાકીદ કરીને કાઢી મૂકી હતી.

વિવેકે બાઈક થોભાવ્યું. પોતાના શિક્ષકને જોઈને હેતલ ઊભી રહી. ભારો નીચે નાખ્યો બંને ભાઈ-બહેને...

"નમસ્તે સાયેબ ! "

"નમસ્તે બેટા ! કેમ શાળામાં બે દિવસથી નથી આવતી ?" જાણતાં છતાં અજાણ્યા થઈને વિવેકે પૂછ્યું.

"સાયેબ ! અવે મારે નઈ ભણવાનું." હેતલ હતાશ સ્વરમાં બોલી.

 "કેમ બેટા ?"

"ચેમ ક મારા બાપા કેતા'તા ક બે વરહથી વરહાદનું ઠેકૉણું નઈ. તો સેતી ક ઢોર કશામાં હરખઈ નઈ. ઓય બે ટેમનાં ખાવાનાં જ ફૉફૉ સ અન ગણવેશ ચોથી લાઈએ ?"

વિવેકને દુઃખ થયું અને કુતૂહલતા પણ. એને કોશિશ કરી વધુ જાણવા...

" બેટા તો ઘર કેવી રીતે ચાલે છે ? શું ખાઓ છો ? "

હેતલ પણ શિક્ષકની લાગણીથી ખેંચાઈ અને સ્ત્રી સહજ સ્વભાવથી કે પછી દરિદ્રતાથી ત્રસ્ત થઈને; ગમે તે હોય કારણ, પણ હૈયું ઠાલવવા માંડી.

 "સાયેબ, એક બાખળી ભેંસ સે. હવારમાં જ ફક્ત દૂધ આલે બે લીટર. તે એક લીટર ડેરી ભરાઈએ ને એક લીટરમાં બધા હવાર -હાંજ ચા પીએ. ઘઉં પડ્યા સ. બાજરી થોડી વાઈ સ."

"તો દૂધ ન પીવો ? શાક ન લાવો કે ?"

"દૂધ પીયે તો ડેરીમાં હું ભરાઈએ સાયેબ ? એટલો ડેરીનો પગાર થોડો આવ સ તે ચ્હા-ખોંડ લાઈએ. હાલ તો રોટલા ટીપીએ. એની ઓહે કેરી, મરસું અને ડુંગળીની ચટની હોય, ડુંગળી- બટાકાનું શાક કરીએ. ચાર ડોકા ભેડા વાયા સ હોજ પાહણ. તે કોક દાડો ભેડા કરીએ. અમાર બાજુમાં અમરુભાના ઈથી કોક દા'ડો ખાટી છાહ આલ તો ઈની કળી પણ બનાઈએ ચીલ નોખીન..."

વિવેકને ઘડીભર તો મગજ ચકડોળે ચડી ગયું. ક્યાં જીવવા મથતા આ માણસોની કારમી સ્થિતિ ! ને ક્યાં બધું જ સહજ મળતું હોવા છતાં એશ-આરામની અને દેખાદેખીની અમારી જિંદગી !

ઘડીભર તો એને ઉપર જોયું. વાદળો ભારે પવનથી એના ગામ બાજુ જાણે જતાં હતાં. એને આજે ઉપરવાળા પર પણ ગુસ્સો આવવા લાગ્યો કે માણસો ભેગો હું તો ઠીક, આ ઈશ્વરેય આમ માણસ જેવો નૂગરો કેમ થઈ ગયો છે !

એણે હેતલને પૂછ્યું, "બેટા ગણવેશનો ડ્રેસ કેટલામાં આવે છે ?"

 "સાયેબ મિત્તલ કેતી'તી કે ઈનો 450 માં આયો'તો."

 તરત જ વિવેકે પાકીટ કાઢીને 500 રૂપિયાની નોટ કાઢીને હેતલને ધરી, "લે બેટા ગણવેશ લઈને હવે શાળામાં આવી જજે હો."

  ગરીબાઈ નહિ પણ લાચારીની શરમથી દીકરી બોલી ઊઠી, "ના સાયેબ નઈ લેવા, ચમ કે હાલ લેહુ પણ, દિવાળી હુધી પાસા નઈ આલી હકીએ."

  "પાછા નથી લેવાના મારે. તું ચિંતા કર્યા વગર લઈ લે."

  ફોનની રિંગ વાગી વિવેકના મોબાઈલમાં. વિવેકે ન ઉપાડ્યો ફોન. એને ખબર જ હતી કે કામિનીનો જ હશે. બીજી વાર રિંગ વાગી તો નાછૂટકે ઉઠાવ્યો, " હા બોલ"

" અરે ! અહીં વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યાં આવે છે ?", કામિની બોલી.

"ના, નથી આવતો. બોલ શું હતું ? આ જ જણાવવા કૉલ કર્યો'તો ને ?"

"અરે, હું શું કહું છું ? એ.સીનો ઑર્ડર ન આપતા. હવે ટાઢક થઈ જશે.. તમે પણ જલ્દી ઘરે આવી જાઓ."

"કેમ પણ ?", વિવેકને આશ્ચર્ય થયું કે આ કામિની જ બોલે છે ને !

" અરે, મારા પપ્પાના ઘરે જવાનું છે આપણે હાલ જ. મમ્મીનો ફોન હતો કે મારી ભાભીએ એ.સી માટે ઝગડો કર્યો છે અને રિસાઈને એના પિયરમાં જતી રહી છે. જુઓ ને વિવેક ! બધાના સંસાર તૂટે એવી સગવડ માટે થઈને શું કામ કોઈએ પણ લડવું જોઈએ ? મને માફ કરી દો ને. મારે હવે એ.સી નથી જોઈતી..", આટલું બોલીને કામિનીથી રડી પડાયું !

"સારું તું ચિંતા ન કર બિલકુલ. બધું જ સારું થશે. હું આવું છું પછી જઈએ તરત." એમ કહીને ફોન મૂક્યો વિવેકે.

 વિવેકે ઉપર જોયું. ઈશ્વરની હૃદયપૂર્વક ક્ષમા યાચી, થોડીવાર પહેલા જે ગુસ્સો ને આરોપ મૂક્યો હતો એ માટે. બીજી જ ક્ષણે એની નજર બાજુમાં ગઈ. હેતલ અને એનો ભાઈ હજુ ત્યાં જ ઊભાં હતા. એમને એમ કે સાહેબ જાય પછી જ જવાય એવું માન રાખવા.

  વિવેકે કંઈક વિચાર્યું ને પાકીટ કાઢી જોયું કે હજુ બે-એક હજાર હતા. મનમાં થયું કે એક જ જોડી કપડાં દરરોજ ! ઘરે પહેરવા પણ બીજા કપડાં ક્યાં છે જ ? આ પણ જીવતી જાગતી દેવી જ ને...

"લે બેટા ! બીજા ઘરે પહેરવા ડ્રેસ લાવજે અને ખૂટે તો પણ કહેજે."

બસો રૂપિયા પેટ્રોલના રાખીને બાકીના બધા હેતલને આપી દીધા.

  ફરી એકવાર વિવેકે ઉપર જોયું. આભમાં ગોરંભાયેલા બધા વાદળો એની આંખોથી વરસી ગયાં અને હૃદય ભીંજવાઈ ગયું ! ઈશ્વરે પણ આભમાંથી ધીરે ધીરે અસંખ્ય આંખે જાણે અમીવર્ષા શરૂ કરી...

 સાચે જ મીઠી ટાઢક પ્રસરી ગઈ ! બહાર પણ.. વિવેકની ભીતર પણ...અને હેતલની આંખોમાં પણ.


Rate this content
Log in

More gujarati story from hardik raval

Similar gujarati story from Inspirational