Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Children Stories Inspirational Thriller

4.8  

અનિરૂધસિંહજી ઝાલા

Children Stories Inspirational Thriller

પરીના માતૃહ્નદયનો વિજય

પરીના માતૃહ્નદયનો વિજય

4 mins
446


સ્વર્ગથી શ્રાપ મળતા એક સુંદર સોનપરી ધરતી પર આવી. ધરતી પર ભ્રમણ કરતા એક બાળકને રડતું જોયું. પરી તેની પાસે જઈને શાંત રાખી તેણે સરસ મીઠાઈ ખવડાવી. બાળક તેને ' મા ' કહીને ભેટી પડ્યો. પરીને છાતીએ લાગેલ બાળકના અઢળક હેતનો અહેસાસ થયો અને પોતે ક્યારે તેની મા જેવી જ બની ગઈ તેનો પોતાને ખ્યાલ જ ન રહ્યો. તે બાળકના માતાપિતા નદીના પાણીમાં તણાઈ ગયા હતા. પરી હવે આ બાળકને સાચવવા લાગી. તેની કાલી ઘેલી ભાષા અને નિર્દોષ વ્હાલથી ભીંજાઈ તે સ્વર્ગ કરતા પણ વધુ સુખનો અહેસાસ કરવા લાગી.

બાળક પણ મા કહીને વળગીને જ રહેવા લાગ્યો. પરી તે બાળકને પિંકુ કહીને બોલાવતી હતી. આકાશમાંથી દેવતાઓએ આ પરીને ધરતી પર ખુશ જોતા તેમને ખુબ જ નવાઈ લાગી. દેવરાજ ઇન્દ્રને વાત કરતા તે સ્વયં જોવા માટે ધરતી પર આવ્યા.

દેવતાઓએ જોયું તો સમગ્ર દેવતાઓ જેની પાછળ ફરતાં એ પરી એક નાનકડાં બાળકની પાછળ ફરી ફરીને તેના બધા જ નખરા ગુસ્સો સહન કરીને તેણે વ્હાલથી એક એક કોળિયો ખવડાવતી હતી.

દેવરાજ ઇન્દ્ર નજીક જઈને બોલ્યાં,

"હે સોનપરી તારો શ્રાપ હું સમાપ્ત કરું છું. હવે ચાલ પાછી સ્વર્ગમાં આવી જા."

ખુબ હર્ષની વાત હોવા છતાં પરી ખુશ થવાને બદલે બાળકને છાતીએ વળગાડી રડવા લાગી. બાળક બોલ્યો, "મારી મા મને છોડી તમારી સાથે આવે જ નહીં."

દેવરાજની વાત ન માને તો કેવી સજા મળે તે જાણતી હોવા છતાં હાથ જોડી પરી બોલી, 

"ક્ષમા કરશો દેવરાજ પણ હું એક મા બની છું. સ્વર્ગ કરતા પણ અધિક સુખનો અહીં અહેસાસ કરું છું એટલે હું નહીં આવી શકું."

"મૂર્ખ પરી આ ક્ષણિક સુખ અને આ ક્ષણિક માનવ બાળ પર તું મોહિત થઈ છે. દેવરાજના આદેશની અવગણના કરે છે. હું આ બાળકને જ જીવતો નહીં રાખું. "

કહેતાંક ગુસ્સામાં એક દેવરાજના સેનાપતિ દેવતાએ બાળક પર પ્રહાર કર્યો. તીર આવતું જોઈ પરીએ બાળકને દબાવી પોતાનો હાથ આડો કરતા પરીનો હાથ વીંધીને દેવનું બાણ બાળકની છાતીમાં ઘૂસી ગયું. દેવતાઓ ગુસ્સામાં ચાલ્યા ગયા.

સોનપરી વીંધાયેલો હાથ બાળકની છાતીએ ચોંટેલો રાખી બાળકને છાતીએ લગાડી વિલાપ કરવા લાગી. એટલામાં એક મહાન તપસ્વી રુદનનો અવાજ સાંભળી આવી પહોંચ્યા. તપસ્વીએ તપોબળથી આખી ઘટના જોઈ અને પરીને આશ્વાસન આપતાં બોલ્યાં,

"હે માતૃપ્રેમથી છલકતી પરી તારો વિરહ જોઈ મને ખુબ દયા આવી છે તારા પર. હું તને એક મંત્ર આપું છું. સવાલાખ વાર ભૂખ તરસ વેઠી જાપ કરજે. ભગવાન શિવ ભોળાનાથ જરૂર પ્રગટ થઈ તારી મનોકામના પૂર્ણ કરશે."

પુત્ર વિરહમાં પાગલ સોનપરીએ હાથ જોડી ઉપકાર માનીને પુત્રને ખોળામાં રાખીને મંત્રજાપ શરૂ કર્યા અને મંત્રની અસર એવી થઈ કે દેવરાજ ઈન્દ્રનું સ્વર્ગ આખું ડોલવા લાગ્યું. ભયથી દેવતાઓ દોડ્યા બ્રહ્માજી જોડે તો બ્રહ્માજીએ કહ્યું,

 "તમે એક માતાની નજર સામે તેના નિર્દોષ પુત્રની હત્યા કરી છે તેની બદદુવાઓથી આ સ્વર્ગ ડોલી રહ્યું છે. થોડીવારમાં ભગવાન શિવજીએ માતા પર પ્રસન્ન થશે તો તમારો આ અપરાધ જાણી તમને શ્રાપ પણ આપી શકે છે. જલ્દી જાઓ એ માતાની માફી માંગી દયાની ભીખ માંગી લ્યો."

દેવતાઓ પોતાનાં પર આફત જોઈ બધા જ દોડ્યા અને મંત્ર જાપ પૂરો કરવા બોલી રહેલી પરીને હાથ જોડી ક્ષમા કરવા પ્રાર્થના કરી. દેવરાજે અમૃત સીંચી બાળકને સાજો કર્યો અને વરદાન આપ્યું કે,

"હે સોનપરી તું ઈચ્છે ત્યાં સુધી ધરતી પર રહી શકીશ અને સ્વર્ગમાંથી પણ તું પુત્રને મળવા આવી શકશે."

બાળકને મારનાર દેવતા હાથ જોડી બોલ્યાં,

"હે માતૃભાવનાથી છલકતી દેવી મારી ભૂલની ક્ષમા કરો."

 બાળક સજીવન થયો પણ ધરતી ડોલવા લાગી ભગવાન શંકર પધાર્યા દેવી શક્તિ સહીત અને મહાદેવી પાર્વતી સોનપરીના માથે હાથ મૂકી બોલ્યાં,

 "ધન્ય છે પરી તને. એક માતા બનીને તે સાચે જ પુત્ર પ્રેમથી મારુ માતૃહૃદય કરુણાથી છલકાવી દીધું."

દેવતાઓ દોડીને ભગવાન શિવજીના ચરણોમાં પડી ' ક્ષમા ક્ષમા પ્રભુ ' યાચના કરવા લાગ્યાં. ભગવાન શિવ બોલ્યાં, 

 "દેવતાઓ આ તમે દેવી પાર્વતીનો અપરાધ કર્યો છે. તમે માતૃહૃદય પર વાર કર્યો છે. તો ક્ષમા પાર્વતી જ કરી શકે હું નહીં. "

 દેવતાઓ દોડીને માતાના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યાં પણ દેવી ભગવતી ક્રોધથી પરી પરનો અત્યાચાર યાદ કરતા ભભૂકી રહ્યા હતા. ઇન્દ્રએ પરી સામે હાથ જોડતા હવે પરી બે હાથ જોડીને બોલી,

"હે માતૃ હૃદયની ભાવનાઓની રક્ષા કરતી દેવી...! આ દેવતાઓએ પોતાની ભૂલનો પ્રશ્ચાતાપ કર્યો છે અને મને મારો બાળક સજીવન કરી પાછો સોંપ્યો છે. હવે મા તમારી આ દીકરીની વાત સાંભળી પ્રસન્ન થાઓ મારા બાળકને આશીર્વાદ આપો અને દેવતાઓને ક્ષમા કરો."

મહાદેવી સોનપરીની વાત માની શાંત થઈને દેવતાઓને ક્ષમા કરતા બોલ્યાં,

"જુઓ સ્વાર્થી દેવતાઓ તમે જે ધરતીને અને માનવને તુચ્છ સમજો છો તે ધરતી, સાગર અને તેના બાળકનો પ્રેમ તમારી શક્તિઓ કરતા અધિક ચડિયાતો છે. સ્વર્ગની આ પરી ધરતીનો ક્ષણિક પ્રેમનો અહેસાસ કરી સ્વર્ગ ભૂલી ગઈ તોય તમે આ ધરતીના પ્રેમનું એક માતૃહૃદયને સમજી ન શક્યા. આ પ્રેમ પામવા જ સંતો, મહંતો અને સ્વયં ભગવાન વિષ્ણુ વારંવાર ધરતી પર અવતાર ધરે છે."

દેવતાઓ હાથ જોડી ઊભા રહ્યા અને ધરતીના પ્રેમની તાકત તો તેઓ સમજી જ ગયા હતા. માતૃ હૃદયની શક્તિ જોઈ સોનપરીને વંદન કરીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. અને શિવજી સોનપરીને અને બાળકને આશીર્વાદ આપી કૈલાશ પધાર્યા. માતૃહૃદયનો દેવતાઓ સામે વિજય થયો.


Rate this content
Log in