Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Others

3  

Prashant Subhashchandra Salunke

Others

ચાલો, જોઈએ મારી નજરે ફિલ્મ - ગર્દિશ

ચાલો, જોઈએ મારી નજરે ફિલ્મ - ગર્દિશ

14 mins
197


વાતનો પ્રારંભ : મારૂ સૌથી મનગમતું કોઈ ચલચિત્ર હોય તો એ છે ઈ.સ. ૧૯૯૩માં આવેલું હિન્દી ચલચિત્ર “ગર્દિશ”. જે ઈ.સ. ૧૯૮૯માં આવેલી મલયાલમ ચલચિત્ર કિરીદમની રિમેક હતી. આ ચલચિત્રની પટકથા એટલી જબરદસ્ત હતી કે હિન્દી સિવાય તેની બીજી ચાર ભારતીય ભાષાઓમાં પણ રિમિક બની હતી. તેલગુમાં “રાઉડીઝમ નસિનચાલી” (૧૯૯૦), કન્નડમાં “મોડાદા મરેયલ્લી” (૧૯૯૧), બંગાળીમાં ”નાયક - ધ રીઅલ હિરો” (૨૦૦૫) અને તામિલમાં કિરીદમ (૨૦૦૭). આમ કુલ છ ભાષામાં બનેલા આ દરેક ચલચિત્રોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ઘણા એવોર્ડ મેળવ્યા હતા.

કથા સાર : યુવકોની આશાઓ અને આકાંક્ષાઓ ભાગ્ય અને માનવીય પતનના સંયોજનથી કેવી રીતે વિખરાય છે તે ગર્દિશ ચલચિત્રમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોઈ જન્મજાત ગુંડો હોતો નથી પરંતુ સમાજ જ તેઓને ગુંડો બનવા મજબૂર કરતો હોય છે. આ બધી હકીકતોનું સુંદર અને અદભુત નિરૂપણ આ ચલચિત્રમાં કરવામાં આવ્યું છે. આ ચલચિત્રનું સૌથી મજબૂત પાસું જ એ છે કે તેમાં યુવાનોની વ્યથા અને પીડાને અનન્ય શૈલીમાં દર્શાવવામાં આવી છે. “ગર્દિશ” એક એવા સમય કે કાલચક્રને કહેવામાં આવે છે જેમાં ચારે તરફથી કોઈક ને કોઈ આપત્તિઓ આવતી હોય. વ્યક્તિ લાખ કોશિષ કરે છતાંયે તેમાંથી બહાર નીકળી શકતો નથી. તેની સામે કાયમ ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ સર્જાય છે. એક મુસીબતથી હજુ બહાર નીકળ્યો ન હોય ત્યાં તેની સામે બીજી મુસીબત આવીને ઊભી રહે છે. ચિત્રપટમાં શિવા સામે આવતી એક પછી એક મુશ્કેલીઓને લીધે ચિત્રપટનું શીર્ષક ગર્દિશ એકદમ સચોટ લાગે છે. ચિત્રપટની અંદર ચીવટથી વણી લીધેલા નાના નાના દ્રશ્યો આખા ચિત્રપટને અદભૂત બનાવે છે જેમકે પુત્રને ભણાવી રહેલો પિતા, “ડી ફોર ડોગ.. ડોગ એટલે કૂતરો.” આમ બોલતા બોલતા દરવાજો ખોલે છે ત્યારે સામે ગુંડો ઊભો હોય છે !

ચાલો, જોઈએ “ગર્દિશ” મારી નજરે:

એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ કોન્સ્ટેબલ પુરષોત્તમ સાઠે (અમરીશપુરી) પાસે એક પ્રેમાળ પરિવાર હોય છે જેમાં તેની પત્ની લક્ષ્મી (ફરીદા જલાલ), બે પુત્રો અને બે પુત્રી છે. પો.કો. પુરષોત્તમ સાઠેના જીવનનો બસ એક જ ધ્યેય હોય છે કે તેમનો મોટો પુત્ર શિવા (જેકી શ્રોફ) પોલીસ ઇન્સ્પેક્ટર બને ! પુત્ર શિવા સાથે તેમના સબંધો ખૂબ પ્રેમભર્યા હોય છે. સામે શિવા પણ ખૂબ કહ્યાગરો અને ડાહ્યો પુત્ર છે. વકીલાતમાં સ્નાતક થયા બાદ શિવા સામે વિવિધ ક્ષેત્રમાં પ્રવેશવાની ઉજ્જવળ તકો હોવા છતાંયે તે પિતાની ઈચ્છાને માન આપી પો. ઇન્સ્પેકટર બનવા તૈયાર થાય છે.

ધનવાન પૃથ્વીરાજ ભલ્લા (શમ્મી કપૂર)ની પુત્રી વિદ્યા (ઐશ્ચર્યા - મૂળનામ શાંતા ભાસ્કર)ની ઈચ્છા હોય છે કે તેનો પતિ ખૂબ બહાદુર હોય. જે કોઈને બચાવવા માટે સરળતાથી આગમાં કુદી શકે. જે વીસ વીસ ગુંડાઓ સાથે એકલે હાથે લડે. જે બહાદુર હોવાની સાથે સાથે પ્રણયપ્રચુર પણ હોય. આ બધા ગુણ શિવામાં દેખાતા વિદ્યા પોતાના પિતાને તેના સ્વપ્નનો રાજકુમાર મળી ગયો હોવાની જાણ કરે છે. પૃથ્વીરાજ તેની પુત્રી વિદ્યાની ઈચ્છા પૂર્ણ કરવા હવાલદાર પુરષોત્તમને મળી શિવા સાથે વિદ્યાની સગાઈ કરી દે છે. જોકે વાસ્તવિકતાની નજીક રહીને લખાયેલી આ ચિત્રપટની પટકથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ શિવાની બહાદુરી જ તેના વિદ્યા સાથેના લગ્ન થવાના માર્ગમાં અવરોધરૂપ બને છે ! ! ! ખરેખર, ચિત્રપટનું આ દ્રશ્ય પ્રેક્ષકોને મનોમંથન કરવા માટે મજબૂર કરી દે છે.

કોલેજ જીવનની ધમાલમસ્તી, પ્રેમ પ્રસંગો અને કૌટુબીક ઉષ્માભર્યા વાતાવરણના દ્રશ્યોથી શરૂ થયેલી આ ચલચિત્રની પટકથામાં અચાનક વળાંક ત્યારે આવે છે કે જયારે પુરષોત્તમ સાઠેની ધારાસભ્યના પુત્ર સાથે નાનકડી તકરાર થતાં તેની મુંબઈના કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય દ્વારા બદલી કરાવવામાં આવે છે. અહીં મુંબઈના બજારો પર કુખ્યાત ગુંડા બિલ્લા જીલાની (મુકેશ ઋષિ)નું રાજ છે. સ્થાનિક વ્યાપારીઓના પૈસે જલસા કરતાં બિલ્લા જીલાનીથી સહુ કોઈ હેરાન પરેશાન છે પરંતુ અન્યાય સામે અવાજ ઉઠાવવા કોઈ તૈયાર નથી. અહીંના લોકોને તેનાથી ડરી ડરીને જીવવાની જાણે આદત પડી ગઈ હોય છે અને પોલીસ કર્મચારીઓની પણ બિલ્લા જીલાનીના ગુંડાઓ સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત થતી નથી.

એકદિવસ વ્યાપારીઓ પાસેથી દાદાગીરીથી હપ્તો ઉઘરાવતા બિલ્લા જીલાનીના ગુંડાઓનો પુરષોત્તમ સાઠે સખત વિરોધ કરે છે. આ વાતથી રોષે ભરાઈ બિલ્લા જીલાની પુરષોત્તમ સાઠેને રસ્તા વચ્ચે નિર્દયતાથી મારે છે. ત્યાંથી પસાર થઇ રહેલા શિવાની નજરે જયારે આ દ્રશ્ય પડે છે ત્યારે તે ડઘાઈ જાય છે અને તે પિતાને બચાવવા બિલ્લા જીલાની અને તેના ગુંડાઓ પર તૂટી પડે છે. એક સામાન્ય વ્યક્તિ જયારે અસામાજિક તત્વોના અન્યાયી કૃત્યને પડકારે છે ત્યારે કેવો ઝનુને ચડે છે તેનું અદભુત ચિત્રણ આ ચલચિત્રમાં જોવા મળે છે. લડાઈના અંતે જયારે ગંભીર રીતે ઘાયલ થયેલો બિલ્લા જીલાની બેભાન થઈને ભોંય પર ઢળી પડે છે ત્યારે આખું બજાર તેને મરી ગયો છે એમ માની તેના મૃત્યુની ઉજવણી કરે છે. મીઠાઈઓ વહેંચવામાં આવે છે તથા ફટાકડા ફોડવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ તેમના ઉદ્ધારક એવા શિવાને ખભે ઊંચકી બજારમાં તેનું સરઘસ કાઢે છે. બિલ્લા જીલાનીથી નફરત કરતાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર (સુરેશ ઓબોરોય) શિવા ઘટનાસ્થળે હાજર જ નહોતો એવી ખોટી એફ.આઈ.આર. બનાવે છે.

પિતાને ગુંડાઓની ચુંગલમાંથી છોડાવવા જતા એક સીધોસાદો યુવક તેના પરિવાર, સમાજ અને કાનુનની નજરોમાં કેવો ગુંડો બનીને ઉપસી આવે છે તેનું અદભુત ચિત્રણ આ ચલચિત્રમાં થયું છે. દંગા ફસાદથી કાયમ દુર રહેવાનું પસંદ કરતા શિવા સામે એવા વિપરિત સંજોગો ઘડાતા જાય છે કે તે આપમેળે તેમાં ઘસડાતો જાય છે. માણસ નહીં પરંતુ તેનો સમય ખરાબ હોય છે આ સંદેશ ચલચિત્રમાં ખૂબ સુંદર રીતે વણી લીધો છે.

સહુને જયારે ખબર પડે છે કે બિલ્લા જીલાની જેવો કુખ્યાત ગુંડો મર્યો નથી પરંતુ માત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે ત્યારે તેઓને એ જાણીને કશો જ ઝાઝો ફેર પડતો નથી ! કારણ તેઓએ માની લીધું હોય છે કે ઈશ્વરે શિવાના રૂપમાં તેમની પાસે તેમનો ઉદ્ધારક મોકલી આપ્યો છે. પોતાની જવાબદારી સિફતપૂર્વક બીજા ઉપર ઢાળી દેવાની સમાજની આ જ કમજોર માનસિકતા આગળ જતા શિવાના પતનનું કારણ બને છે.

બજારના સ્થાનિક વ્યાપારીઓ શિવાને સામે ચાલીને મફતમાં માલ આપવાની તૈયારી દેખાડે છે ! શિવાને આ ગમતું નથી તેથી તે આ વાતનો સખત વિરોધ કરે છે પરંતુ વ્યાપારીઓ બિલ્લા જીલાનીથી શિવા બચાવશે એ આશાએ તેને ખુશ કરવાના પ્રયાસો કરતાં જ રહે છે. શિવાને ગમતું ન હોવા છતાંયે બધા તેને શિવાદાદા કહી માન આપે છે. “શિવા સાથે હોય ત્યારે કોનો ડર ?” આવી માનસિકતા ધરાવતા શિવાના દોસ્તો સામે ચાલી લોકો સાથે ઝઘડો કરે છે. આમ, લડાઈ, ઝઘડા, દંગા ફસાદથી કાયમ દુર રહેવા માંગતો શિવા અનાયાસે આવા મામલાઓમાં ફસાતો જાય છે. અને.

જુઠી અફવાઓ.

લોકોની ખોટી ધારણાઓ.

ગેરસમજો અને ભ્રમણાઓ.

આવા બધા બનાવોને લીધે સીધાસાદા શિવાની ગુંડા તરીકેની છાપ પ્રસરવા માંડી. વળી, શિવાની જાણ બહાર સ્થાનિક વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતાં તેના જીજાજી (અસરાની) અને ગુંડા કાલીને કારણે પોલીસ ખાતામાં પણ શિવા અઠંગ ગુનેગાર બની રહ્યો હોવાનું ચર્ચાય છે. જયારે શિવાને તેના જીજાના કરતૂતોની જાણ થાય છે ત્યારે તે ખૂબ રોષે ભરાય છે અને બજારમાં ધસી જઈ વ્યાપારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા કાલી અને તેના જીજાને પકડીને બહુ માર મારે છે. ત્યારબાદ તે વ્યાપારીઓને બે હાથ જોડી વિનંતી કરીને કહે છે કે “મારા નામથી કોઈને હપ્તો આપશો નહીં. હું કંઈ ગુંડો નથી. મને હરામનો પૈસો જોઈતો નથી.”

ભર બજારમાં બધા સામે અપમાનિત થયેલા શિવાના જીજા ઘરે પહોંચી પુરષોત્તમ સાઠેની ચડામણી કરે છે. પરિણામે પુરષોત્તમ સાઠે પણ તેનો દીકરો મવાલી બની રહ્યો છે એમ ધારી તેને ઘર છોડવાનું કહી દે છે. તેના જીજાજી આટલેથી જ ન અટકતા પૃથ્વીરાજ ભલ્લાને ઘરે જઈ તેમની પણ શિવા વિરૂદ્ધ કાન ભંભેરણી કરે છે. જેના કારણે પૃથ્વીરાજ ભલ્લા શિવા સાથેની સગાઈ તોડી તેની પુત્રી વિદ્યાના લગ્ન બીજા કોઈક યુવક સાથે ગોઠવી દે છે. લેભાગુઓની કપટનીતિઓનો શિકાર સીધાસાદા લોકો કેવી રીતે બનતા હોય છે તેનું સુંદર નિરૂપણ આ પ્રસંગ દ્વારા ચલચિત્રમાં આબાદ રીતે દર્શાવાયું છે.

પ્રેમિકા સાથેની સગાઈ તૂટી જવાથી.

પિતાની નજરમાંથી પોતે ઉતરી ગયો છે એ ભાવનાથી..

વાતનું વતેસર કરવાની સમાજની આદતથી..

શિવા સંપૂર્ણપણે તૂટી જાય છે..

આ સર્વ બાબતોથી ત્રાસીને શિવા કહે છે કે, “માઁ, હું જોઈ રહ્યો છું કે જિંદગી મારા હાથમાંથી રેતીની જેમ સરકી રહી છે. જો આમ જ ચાલતું રહ્યું તો ખબર નહીં હું શું બની જઈશ.”

આમ શિવા તેની સામે આવતી મુસીબતોને કારણે ખૂબ ત્રાસી ગયો હોય છે તેવામાં બિલ્લા જીલાની સાજો થઈને હોસ્પિટલમાંથી બહાર આવે છે. મૃત્યુના મુખમાંથી પાછો ફરેલો બિલ્લા જીલાની કોઈ ભયંકર ભૂતની જેમ શિવાની પાછળ પડી જાય છે. શિવા સાથે બદલો લેવા તે તેના પરિવારને નિશાન બનાવે છે. તેના ઘરમાં તોડફોડ કરે છે. તેની માતા પર હુમલો કરે છે. તેની નાની બહેનનું અપહરણ કરે છે. આ બધાથી શિવા અત્યંત ત્રાસી જાય છે. આખરે માણસ કેટલું સહન કરે ? પોલીસ શિવાના પરિવારની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાથી આખરે શિવાને પોતાની લડાઈ પોતે જ લડવાની ફરજ પડે છે.

નાની બહેનને મુક્ત કરવા ગયેલા શિવાની પુરષોત્તમ સાઠેની હાજરીમાં જ બિલ્લા જીલાની જોડે લડાઈ થાય છે. આ લડાઈમાં બિલ્લા જીલાની સંપૂર્ણપણે શિવા પર હાવી થઇ જાય છે. પોતાના પુત્રને માર ખાતો જોઈ પુરષોત્તમ સાઠે અકળાઈને શિવાને બિલ્લા જીલાનીને મારવાનો આદેશ આપે છે. પિતાનો આદેશ મળતાં જ શિવા ક્રોધ, અને બદલાની લાગણીથી ઉન્મત્ત બની પુરા ઝનુન સાથે બિલ્લા જીલાની ઉપર તૂટી પડે છે. આખરે બિલ્લા જીલાનીને કુહાડીના ઘા ઝીંકી ઝીંકીને મારી નાખે છે. અને પછી તેના શબ તરફ જોઈ એક નાના બાળકની જેમ હસતા હસતા બોલે છે કે “મેં તેને મારી નાખ્યો, મેં તેને મારી નાખ્યો.” ચલચિત્રના આ દ્રશ્યમાં બિલ્લા જીલાનીએ શિવાને આપેલી માનસિક યાતનાઓની પ્રતિક્રિયાને બખૂબી રીતે દર્શાવી છે. બીલ્લાની હત્યા કર્યા બાદ પણ શિવા જયારે તેના હાથમાંની કુહાડી ફેંકવા તૈયાર થતો નથી ત્યારે તેના પિતા તેને કુહાડી ફેંકી દેવાનો આદેશ આપે છે.

ચલચિત્રનું આ અંતિમ બિંદુ જ પટકથાનું મુખ્ય હાર્દ છે. શિવા કુહાડીને ફેંકવાની ધરાર ના પાડતા કહે છે કે, “આ કુહાડી કોણે મારા હાથમાં પકડાવી ? તમે. પિતાજી, બિલ્લા જીલાનીને મારવા કેમ કહ્યું કેમકે તમારા પુત્રને માર ખાતો તમે જોઈ શક્યા નહીં. શું મારા પિતાને રસ્તા વચ્ચે માર ખાતા જોઈ મારા મનમાં આ ભાવના નહીં જન્મી હોય ? મારી આ નાનકડી ભૂલને કારણે તમે મને ગુનેગારની ઉપમા આપી દીધી ! હું ગુનેગાર બનવા નહોતો માંગતો. મારા દોસ્તોએ મને ગુનેગાર બનાવ્યો. મારા પરિવારે મને ગુનેગાર બનાવ્યો. કાનુને ગુનેગાર બનાવ્યો. સમાજે ગુનેગાર બનાવ્યો. હું ગુનેગાર બનવા નહોતો માંગતો.” અને પછી નિરાશા, હતાશા અને ક્રોધ મિશ્રિત ભાવથી કુહાડીને ફેંકતા શિવા આગળ કહે છે, “હવે તો મારી વાત માનો પિતાજી. હવે તો મારી વાત માનો.” ત્યારબાદ શિવા અત્યંત ભાવુક થઈને રડતાં રડતાં ઘૂંટણીયે બેસી જાય છે.

ચલચિત્રના સમાપનમાં વકીલાત ભણેલા અને મેરીટ લીસ્ટમાં દ્વિતીય નંબર મેળવનાર શિવાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવે છે. હેડ કોન્સ્ટેબલ પુરષોત્તમ સાઠે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ વાંચે છે જેમાં શિવાને "કુખ્યાત ગુનેગાર" ગણાવવામાં આવ્યો હોય છે. મને મૂળ ચલચિત્રનો આ સચોટ અંત જ ખૂબ ગમ્યો હતો. જોકે પ્રેક્ષકોની સુખી અંત જોવાની ઘેલછાને કારણે પાછળથી તે બદલી દેવામાં આવ્યો છે. જે મને બિલકુલ ગમ્યો ન હોવાથી હું તેનો અહીં ઉલ્લેખ કરવાનું જરૂરી સમજતો નથી.

અહીં પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર શિવાને ગુનેગાર કહેવાય ?

અહીં ચોક્કસપણે એ કહીશ કે આ પ્રશ્નનો જવાબ પટકથાકારે ચલચિત્રની શરૂઆતમાં જ ખૂબ કુશળતાપૂર્વક આપી દીધો છે.

ચલચિત્રની શરૂઆતના જ પોલીસ સ્ટેશનના એક દ્રશ્યમાં બતાવ્યું છે કે હવાલદાર પુરષોત્તમને પોતાના પુત્ર શિવાને ઇન્સ્પેકટરની ટોપીમાં જોવાની ઈચ્છા થાય છે. આ માટે તે જિદ્દ કરીને ઇન્સ્પેકટરની ટોપી શિવાને પહેરાવે છે. આ ચાલતું હોય છે ત્યાં ઓચિંતા ઇન્સ્પેકટર આવી જાય છે અને પોતાની ટોપી પહેરીને ઉભેલા શિવાને જોઈ હવાલદાર પુરુષોતમને પૂછે છે કે “શું તું તારા દીકરાને ઇન્સ્પેકટર બનાવવા માંગે છે ?”

જવાબમાં પુરષોત્તમ હા પાડે છે ત્યારે સીધાસાદા શિવાને જોઈ ઇન્સ્પેકટર તેને સલાહ આપતા કહે છે કે, “ઇન્સ્પેકટર થવું હોય તો બદમાશોની ધોલાઈ કરતા શીખી જા.”

ચલચિત્રના બીજા એક દ્રશ્યમાં પુરુષોતમને જયારે બિલ્લા જીલાનીના ગુંડા મારી રહ્યા હતા ત્યારે આખું પોલીસ સ્ટેશન ત્યાં ઊભા ઊભા તમાશો જોઈ રહ્યું હોય છે. એવા સંજોગોમાં બિચારો શિવા શું કરે ? જયારે પોલીસ પોતાની ફરજ ચુકે ત્યારે સામાન્ય નાગરિકને મજબૂરીથી કાયદો પોતાના હાથમાં લેવો પડે છે. શિવાએ પણ એમ જ કર્યું જો તે એના પિતાને બચાવવા આગળ ન આવ્યો હોત તો બિલ્લા જીલાનીએ તેના પિતાને જાનથી મારી નાખ્યા હોત.

વળી, આ ચલચિત્રમાં ખલનાયક તરીકે બિલ્લા જીલાનીએ ભલે સહુનું ધ્યાન ખેચ્યું હોય પરંતુ મારા મતે ચલચિત્રમાં તે એકમાત્ર ખલનાયક નહોતો ! સમાજના મતલબી વ્યવહારને કારણે કંઈ કેટલાય શિવાના જીવન તબાહ થયા છે. ક્યારેક ક્યારેક કોઈકની ભૂલો એટલી પણ ગંભીર નથી હોતી જેટલી સમાજ તેને ગંભીરતાથી લઇ લે છે. જો થોડીક ઉદારતા દાખવીને સમાજે બીજાની ભાવના સમજી હોત તો આજે ઘણા સીધાસાદા માણસો ગુનેગારો બન્યા ન હોત.

મારા મતે.

આ ચલચિત્રમાં શિવાને ઉદ્ધારક માની ભેટ સોગાદોનો પ્રસ્તાવ મુકનાર સમાજના લોકો ખલનાયક હતા.

આ ચલચિત્રમાં પુત્રની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન સુદ્ધાં ન કરનાર એ પિતા ખલનાયક હતા.

આ ચલચિત્રમાં શિવાને વિપરીત સંજોગોમાં ફસાવનાર તેના મિત્રો ખલનાયક હતા.

આ ચલચિત્રમાં સાથી હવાલદારને માર ખાતો જોઈ ચુપચાપ ઊભા રહેનાર એ પોલીસકર્મી ખલનાયક હતા.

આ ચલચિત્રમાં બીજાની ચઢામણીમાં આવી બે પ્રેમીઓને અળગા કરનાર વિદ્યાના પિતા ખલનાયક હતા.

આ ચલચિત્રમાં શિવાના નામને વટાવી ખાનાર અને તેને બદનામ કરનાર તેના જીજાજી સૌથી મોટા ખલનાયક હતા.

આ ચલચિત્રમાં બિલ્લા જીલાની તો માર્યો ગયો પણ આસ્તીનકા સાપ જેવા તેના જીજાજી આબાદ બચી ગયા.

વાસ્તિવક જીવનમાં પણ આમ જ બનતું હોય છે. ધુતારાઓ સીધાસાદા લોકોને ફસાવી દુર ઊભા ઊભા તમાશો જોતાં હોય છે. કપટીઓ યેનકેન પ્રકારે જાળ બીછાવતા હોય છે જો વ્યક્તિ એમાં ફસાય, તો તેણે એના ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. ઇતિહાસ બતાવે છે કે દુષ્ટોની કપટનીતિને કારણે નિર્દોષ લોકોએ ઘણું સહેવું પડ્યું છે. દુષ્ટ લોકોએ બીજાઓને ભ્રષ્ટ કર્યા હોવાથી દુનિયામાં દુષ્ટતા કૂદકે ને ભૂસકે વધતી જાય છે પરંતુ અફસોસ કે હમ ન સમજે થે બાત ઇતની સી..

વાર્તામાં આવેલી વાર્તા વિષે :

"ગર્દિશ" ચલચિત્રની અંદર “મનીષભાઈ હરીશભાઈ સોડા બોટલ વોટર ઓપનર વાલા” નામના એક બેકાર યુવક અને શિવાના દોસ્તની કથા પણ ઉમેરવામાં આવી છે. ચલચિત્રની મૂળ વાર્તાની સમાંતર મનીષભાઈની ચાલતી આ વાર્તાનું અંતે મૂળવાર્તા સાથે જોડાણ થાય છે. મનીષભાઈ સ્વભાવે મૌજીલો છે તે ભવિષ્ય પ્રત્યે બેદરકાર છે. શિવા તેને કાયમ ભણવા માટેની સલાહ આપતો રહે છે. આખરે જયારે મનીષભાઈ નોકરી માટે દર દરની ઠોકરો ખાતો હોય છે ત્યારે ઓચિંતી ભીખ માંગવાની તરકીબ તેના હાથમાં લાગી જતા, તે ૨૦,૦૦૦ જેટલા ભિખારીઓની ફૌજ ધરાવતો એક સફળ કોર્પોરેટ ભિખારી બની જાય છે. ચિત્રપટના અંતિમ ભાગમાં શિવા જ્યારે મનીષભાઈ ખૂબ મોટો માણસ બની ગયા હોવાની તથા તેની મોટા મોટા લોકો જોડે ઓળખાણ હોવાની વાત જાણે છે ત્યારે એ મનીષભાઈ પાસે મદદની આશાએ જાય છે. શિવાની વાત સાંભળી મનીષભાઈ તેને સાંત્વના આપતા કહે છે કે, “બિલ્લા મારૂ કંઈ બગાડી શકે એમ નથી કારણ મારી પાસેથી તેને ખૂબ મોટી આવક પ્રાપ્ત થાય છે.” જે બિલ્લાએ શિવાનું જીવન બરબાદ કરી દીધું હોય છે તે જ બિલ્લા બાબતે મનીષભાઈને કોઈ ફિકર હોતી નથી ! ચલચિત્રમાં સમાયેલી આ બે વાર્તા આપણને ગીતાનો સુંદર સંદેશ સમજાવે છે કે, “સમય સમય છે બળવાન, નહિ કે મનુષ્ય બળવાન, કાબે અર્જુન લુટીયો, વહી ધનુષ વહી બાણ”

વળી આ પ્રસંગ એ પણ શીખવાડે છે કે, જિંદગી સહુને એક તક આપતી હોય છે. જરૂર છે એ તકને ઓળખીને ઝડપી લેવાની.

શું ન ગમ્યું ?

ચિત્રપટમાં જે “બિલ્લા જીલાની” તેના જુલ્મો દ્વારા “શિવા”ની જિંદગીને છિન્નભિન્ન કરી દે છે તે બિલ્લા જીલાનીને કોમલ હ્રદયનો દેખાડવું મને યોગ્ય લાગ્યું નહીં. જેમકે, ચિત્રપટની અંદર બિલ્લા જીલાનીને અપશબ્દો કહી પોતાને સળગાવી નાખવા માટે શાંતિ (ડીમ્પલ કાપડિયા) ઘણી ઉશ્કેરણી કરતી હોવાં છતાંયે બિલ્લા જીલાની ધીરજ ખૂટે નહીં ત્યાં સુધી તેને કશું કરતો નથી ! બીજા એક પ્રસંગમાં ના પાડવા છતાંયે શાંતિનો પુત્ર તેના પિતા પ્રતાપ (રાજ બબ્બર)ને પાણી પીવડાવવા જાય છે ત્યારે બિલ્લા તેને લાડથી એમ ન કરવાનું કહે છે ! ! ! તેમ છતાયે જયારે પુત્ર તેના પિતા પ્રતાપને પાણી પીવડાવે છે ત્યારે અકળાયેલો બિલ્લા જીલાની પ્રતાપ પર પેટ્રોલ નાંખે છે તેના પુત્ર પર નહીં ! મતલબ ગભરાયેલા પ્રતાપે જો તેના પુત્રને પોતાની સમીપ ખેંચી તેને છાતી સરસો દબાવી ન દીધો હોત તો એ બાળકને કશુયે થયું ન હોત ! આ બધી બાબતોને લીધે પ્રેક્ષકોના મન પર બિલ્લા જીલાનીની જે ક્રૂર ખલનાયક તરીકેની છાપ ઉપસવી જોઈતી હતી તે ઉપસી શકી નથી. આજે, ઘણા મનોમંથન બાદ મને એમ લાગી રહ્યું છે કે કદાચ પટ કથાકાર શિવાના પતન માટે સમાજ અને કાનુનને જ દોષી ઠેરવવા માંગતો હશે એટલે જાણીજોઈને જ ચિત્રપટમાં આવા દ્રશ્યો મુક્યા હશે.

ચલચિત્ર વિષેની કેટલીક માહિતીઓ :

ચલચિત્ર : ગર્દિશ

મૂળ ચલચિત્ર : કિરીદમ (મલયાલમ)

લેખક : લોબીથાદાસ

પ્રદર્શિત તારીખ : ૧૦ સપ્ટેમ્બર ૧૯૯૩

લંબાઈ : ૧૭૧ મિનિટ

દિગ્દર્શન અને પટકથા : પ્રિયદર્શનનું દિગ્દર્શન લાજવાબ છે. ચલચિત્રની વાર્તામાં આવતા વળાંકો પ્રેક્ષકોને અચંબિત કરી દે છે.

નિર્માતા : આર. મોહન

સંગીત : જાવેદ અખ્તરે લખેલા ગીતોને આર. ડી. બર્મનના મધુર સંગીતે કર્ણપ્રિય બનાવ્યા છે. ચલચિત્રના લગભગ દરેક ગીતો ખૂબ સફળ રહ્યા છે એમાં પણ “હમ ન સમજે થે.” આ ગીત મારૂ મનગમતું છે અને તે ચલચિત્રના કથાનક સાથે એકદમ બંધબેસતું છે. ચલચિત્રમાં નીચે પ્રમાણેના કુલ છ ગીતો છે.

૧) બાદલ જો બરસે તો – આશા ભોંસલે

૨) એ મેરે દીવાનો - આશા ભોસલે, બાલા સુબ્રમણ્યમ

૩) યે મેરા દિલ તો પાગલ હૈ – આશા ભોસલે, બાલા સુબ્રમણ્યમ

૪) તુમ જો મિલે હમકો – એમ. જી. શ્રીકુમાર, આશા ભોંસલે

૫) રંગ રંગીલી રાત ગાયે – આશા ભોંસલે, બાલા સુબ્રમણ્યમ

૬) હમ ન સમજે થે બાત ઇતની સી - બાલા સુબ્રમણ્યમ

મુખ્ય કલાકાર : જેકી શ્રોફ, અમરીશ પૂરી, ઐશ્ચર્યા (શાંતા ભાસ્કર), ફરીદા જલાલ, ડીમ્પલ કાપડિયા, ગોવર્ધન અસરાની, મુકેશ ઋષિ, રાજ બબ્બર, સુરેશ ઓબેરોય. અનુ કપૂર, રાકેશ બેદી

અભિનય : ગર્દિશ ચલચિત્રમાં સહુ કલાકારોએ અભિનયમાં જાન રેડી દીધો છે. જેકી શ્રોફે સંજોગો સાથે સંઘર્ષ કરી રહેલા યુવાનનો અભિનય ઉત્કૃષ્ઠ રીતે કર્યો છે. તેમાંય અંતિમ દ્રશ્યને જેકી શ્રોફે તેના લાજવાબ અભિનય દ્વારા જીવંત કરી દીધું છે. દક્ષિણની અભિનેત્રી ઐશ્ચર્યાનાં ફાળે કોઈ ખાસ અભિનય કરવાનો આવ્યો નથી છતાંયે તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. દિગ્ગજ કલાકાર એવા અમરીશપુરી પિતાના પાત્રમાં ખૂબ જામે છે. ડીમ્પલ કાપડીયાએ અદભુત અભિનય આપ્યો છે. ધૂર્ત જીજાનું પાત્ર ભજવવામાં ગોવર્ધન અસરાની બાજી મારી ગયા છે. રાજ બબ્બરે ટૂંકો પણ ચોટદાર અભિનય કર્યો છે.

“મનીષભાઈ હરીશભાઈ સોડા બોટલ વોટર ઓપનર વાલા”ની ભૂમિકામાં અનુ કપૂરે ચલચિત્રમાં ચાર ચાંદ લગાવી દીધા છે. સમગ્ર ચલચિત્રમાં તે પ્રેક્ષકોને ગલગલીયા કરાવવામાં સફળ રહ્યો છે. ચલચિત્રમાં ચાલી રહેલા રોમાંચક અને દિલ ધડક દ્રશ્યોમાં પણ અનુ કપૂરના પ્રસંગોને આગળ જોવાની અને માણવાની પ્રેક્ષકોને ઇંતેજારી રહે છે.

અગાઉ “ઘાયલ (૧૯૯૦)”, “હમલા” (૧૯૯૨), “પરંપરા” (૧૯૯૨) જેવા ચિત્રપટોમાં અને “ધ સ્વોર્ડ ઓફ ટીપું સુલતાન (૧૯૯૦)” જેવી ટી.વી. સીરીઅલમાં કામ કરી ચુકેલા મુકેશ ઋષિની એક સફળ અભિનેતા તરીકેની ઓળખ આ ચલચિત્ર થકી ઊભી થઇ હતી. ગર્દિશ ચલચિત્રમાં મુકેશ ઋષિ દ્વારા નિભાવેલ પાત્ર બિલ્લા જીલાનીએ હિન્દી સીને જગતના ખલનાયકોની વ્યાખ્યા બદલી નાંખી હતી. ઈ.સ. ૧૯૭૫ પછી શોલેના “ગબ્બર” પછી બીજા કોઈ ખલનાયકે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું હોય તો એ “બિલ્લા જીલાની” હતો. અભિનેતા કરતા વિરોધી અભિનેતા સશક્ત હોવો જોઈએ એવી કલ્પના આ ચલચિત્રએ જ હિન્દી સીને જગતને આપી હતી.

એવોર્ડ : આ ફિલ્મે બે ફિલ્મફેર એવોર્ડ જીત્યા - બેસ્ટ આર્ટ ડિરેક્શન (સબુ સિરિલ) અને બેસ્ટ એક્શન (ત્યાગરાજન), અને બેસ્ટ એક્ટર (શ્રોફ), બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (અમરીશ પુરી) અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (ડિમ્પલ) માટે નામાંકિત થયા હતા.

અંતે : કેરળ રાજ્યના થ્રિસુર જીલ્લામાં આવેલા શહેર ચાલાકુડીના એક સુથારે એક જ ઘામાં કુખ્યાત ગુંડા કેશવનને મારી નાખ્યાની સત્યઘટના સાંભળીને લેખક એ.કે. લોબીથાદાસને મલયાલમ ચલચિત્ર “કિરીદમ”ની વાર્તા સૂઝી હતી ! મલયાલમમાં કિરીદમનો અર્થ “તાજ” એવો થાય છે.

લેખક લોબીથાદાસ એ દિગ્દર્શક સિબી મલયિલના લગ્નમાં જઈ શક્યા નહોતા એટલે તેમણે સિબી મલયિલને લગ્નની ભેટ તરીકે “કિરીદમ”ની પટકથા માત્ર છ દિવસમાં લખી આપી હતી.


Rate this content
Log in