મઝધાર
મઝધાર
આ કિનારે હું ઉભી છું, વ્હાલમ સામે કિનારે તું,
નાવ લઈ પહોંચવું મઝધારે આવી પહોંચજે તું !
વાટ જોઈ ઉભી માઝીની લઈ જા પેલે પાર,
જીવનસાગરમાં ઉઠ્યો મહેરામણ, સાજન પેલે પાર !
લઈને નીકળી હોડી કાગળની, જીવનસાગર તરવાને !
સાહ્યબો મારો અધ્ધર શ્વાસે, તડપી રહ્યો મળવાને !
જાવું છે મળવા સાજનને, ચાંદ-તારાનાં સથવારે,
આશા ભારે તારી ઉપર, એકલી ના ડૂબાડતો મઝધારે !
તું આવ પેલી બાજુથી હું આ બાજુથી આવું,
બેઉં પ્રિયજન મળીએ મઝધારે, ગીત મિલનનું ગાવું !
ઝરમર ઝરમરતાં વરસાદમાં ભીનાં ભીનાં મળીએ,
એકમેકને ભેટીને અંદર બહારથી ભીંજાઈએ !
છત્રીને નાંખી દરિયામાં, કાગળની હોડીમાં મળીએ,
શ્વાસ બેસી જાય જો હોડીનો તો સાથે આપણે ડૂબીએ !
માલિક માંગુ દુઆ એટલી સાથે સાથે જીવાડજે,
જીવડવા ના હોય સાથે તો મઝધારે સંગ ડુબાડજે !
એકલા પહોંચવું નથી કિનારે એકલા નથી જીવવું,
સંગ મળી જાય જો પિયુનો, હસતાં હસતાં તરવું !