તું છે ને.!
તું છે ને.!
સત્ય અસત્યને પરખાવવા માટે તું છે ને.!
હું જહેમત કેમ ઉઠાવું.!?
અહીં તો બધા આડંબરોથી પર થવું છે,
અહમને ત્યજી, તારા હમસફર થવું છે.
યોગ્ય અયોગ્યને અંકિત કરવા તું છે ને.!
હું જહેમત કેમ ઉઠાવું.!?
અહીં તો નિજાનંદ બની બધું ભૂલી જવું છે,
શ્વાસ છૂટે પહેલાં વિશ્વાસ જગાવી જવું છે.
પ્રેમ નફરતને એક ત્રાજવે તોલવા તું છે ને.!
હું જહેમત કેમ ઉઠાવું.!?
અહીં તો નફરતને ભુલાવી નખાય એવું કરવું છે,
પ્રેમમાં ભળી તારામાં મળી પ્રેમ પાન કરવું છે.
જીવન મૃત્યુને કર્મને તાંતણે બાંધવા તું છે ને.!
હું જહેમત કેમ ઉઠાવું.!?
અહીં તો જીવન એવું અનોખું જીવી તારવું છે,
મૃત્યુ પણ શરમાઈ જાય એવું જીવી તારવું છે.