રચનાઓ મીના શાહની

Inspirational Others

4.5  

રચનાઓ મીના શાહની

Inspirational Others

આંસુઓના અંતિમસંસ્કાર

આંસુઓના અંતિમસંસ્કાર

2 mins
17


દસેક સ્ત્રીઓનું ગ્રુપ કીટી પાર્ટી માટે હોટલમાં ગયું હતું. ખૂબ ધમાલ મસ્તી કરી. અંતાક્ષરી રમ્યા, હાઉસી રમ્યા અને વાતોના વડા કર્યા. વાતો કરતા કરતા સ્ત્રીઓના સ્વભાવ મુજબ ઘર સંસાર અને પતિની વાતો પર ઉતરી ગયા. મીના, મીતા, દક્ષા વગેરે હસતા રમતા પતિ, વહુ અને સંતાનોની તથા નવા જમાના સાથે કરવા પડતા સમાધાનની વાતો કરી રહ્યા. બધા રાહ જોતા હતા હમણાં જ સપનાનું રડવાનું ચાલુ થશે. સરપ્રાઈઝ. સપના પણ બધા સાથે મજાક મસ્તી કરતી રહી, અંતે રીટાથી ના રહેવાયું.

" સપના શું વાત છે આપણે મહિના પછી મળીએ છીએ. તારો અવાજ નથી. તને ખબર છે હંમેશા આપણે મળીએ ત્યારે આડીઅવળી વાતો કરતા કરતા તું રડી પડતી હોય છે. અમે જાણીએ છીએ તારા પતિ અને બાળકો તારી અપેક્ષા પ્રમાણે નથી. તેનું તને ખૂબ દુઃખ છે. આજે તને કોઈ ફરિયાદ નથી ? બધા સુધરી ગયા કે શું ?"

"સાચું કહું રીટા, મને બહુ ઓછું આવતું. મારા પતિને લાગણીભરી વાતોમાં રસ નહીં. પોતાની રીતે જીવનાર. તો બાળકો ખુદમાં અને ગેજેટમાં વ્યસ્ત. થોડા દિવસ પહેલા બસ એક વિચાર આવ્યો‌‌. કશેક વાંચ્યું કે થોડું સ્વમાં જીવતા શીખો. મેં હર એક વાતને સહેલાઈથી સ્વીકારતા શીખી લીધું. સામેની વ્યક્તિ જે પણ હોય, તેનું વર્તન જેવું પણ હોય તેની મારા મનોવ્યાપાર પર એક હદ સુધી અસર થવા દેવી તેવું નક્કી કર્યું. બાળપણથી હસતો રમતો મારો સ્વભાવ. બધા મને લાફીંગ ડોલ જ કહેતા. હમણાં હું તમારા બધા આગળ રડતી. દુખિયારી બની ગઈ. શા માટે મારે આંસુભરી આંખે જ જીવવું ?"

"વાહ સરસ."

"ખબર છે થોડા દિવસ પહેલા સગામાં એક મૃત્યુ થયું. તેના અંતિમ સંસ્કારમાં ગઈ હતી. જોયું તો મૃતાત્મા સિવાય બધા જ પોતાનામાં મશગુલ હતા. તેના અંતિમ સંસ્કાર બાદ પરિવારજનો પોતાની રીતે જીવવા લાગી ગયા. મેં પણ મારા આંસુઓના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. મગજની જે બાજુએ દુઃખ દર્દની વાત હતી તેની આડી દીવાલ ચણી લીધી. ઠરાવી લીધું હવેથી વાણી કે વર્તનમાં કે વ્યવહારમાં હસતા રહેવું. માનીશ ? સાચું કહું તો "આંસુઓના અંતિમ સંસ્કાર" કર્યા બાદ કોઈની વાત કે વર્તણૂક દુઃખી નથી કરતી. જીવનની રફતાર સરળ ગતિએ વહી રહી છે."

રીટા સાંભળી રહી. ખુશ થઈને સપનાની પીઠ થાબડી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational