Ekta Doshi

Classics

4  

Ekta Doshi

Classics

અઢી અક્ષર

અઢી અક્ષર

5 mins
14.3K


શહેર નામે કલકત્તા અને હું સોહમ અનાથ પણ દેખાવડો ચોર. મારો સાથી છે ખાસ અને એકમાત્ર મિત્ર રાજેશ, લગભગ મારી જ ઉંમરનો અને બાંધાનો, અમારા બંનેના ગાળાની નીચે જમણા ખભાની ઉપર એકસરખું લાખું પણ છે. અમે બંને મળી નાની મોટી ચોરીઓ કરી મજાની જિંદગી જીવતા હતા.

એક દિવસ હજારોની ભીડમાં મેટ્રો સ્ટેશન ઉપર મને એક રૂપાળો ચહેરો દેખાણો, મોટી મોટી પાણીદાર આંખો, તીખું નાક, ભરેલા હોઠ, લાંબી ગરદન. હા એ ગરદન લંબાવી કોઈને શોધતી હતી.

"સુમી, કોને શોધે છે? જલ્દી ચાલ."

ચાલો નામ તો ખબર પડી સુમી! હું પણ એ મેટ્રો ટ્રેનમાં સાથે ચડી ગયો. મેટ્રોમાં ખૂબ ભીડ હતી એટલે વધુ તો કંઈ સમજાયું નહિ પણ એટલી ખબર પડી કે, એ ભુવનેશ્વર પાસેના કોઈ ગામની છે. આખા રસ્તે હું જાણે સુમીને પી રહ્યો હતો.

મને ખબર હતી કે, હું કોઈ દિવસ એને મળી નહિ શકું અને મળીશ તો પણ એ આ ચોરને નહિ ગમાડે. પરંતુ મને તો તોય એની સાથે પ્રેમ થઈ ગયો. આંખ બંધ કરૂ કે ખુલ્લી રાખું સુમીનો જ ચહેરો દેખાતો રહેતો.

રાજેશ કહેતો, "એ બધું શરીફ લોકોનું કામ છે, તું એને ગોતવા ક્યાં જઈશ? છોડી દે સુમીનો ખ્યાલ. તે બે ઘડીનું આકર્ષણ હતું. એ તો તને ઓળખતી પણ નથી."

મેં નીર્ધાર કરી લીધો બસ એક મોટો હાથ મારી લઉં, પછી એ પૈસાથી કોઈક કામ શરૂ કરી દઈશ.

"રાજેશ! જીવનમાં પહેલીવાર સારૂં બનવાનું મન થયું છે. મને આકર્ષણ નહિ પ્રેમ જ થયો છે. સારું છે એ મને નથી ઓળખતી, એની સામે ઇજ્જતદાર બનીને જઈશ તો એ પણ મને ચાહશે." સુમી પ્રત્યેનો મારો પ્રેમ હંમેશા મારા ઉપર સવાર થયેલા રહેતો.

એક દિવસ હું ને રાજેશ અમારો પોકેટમારીનો ધંધો કરવા ગયા હતા. મને અચાનક સામેના રોડ ઉપર સુમી દેખાઈ. હું તો ભાન ભૂલીને એના તરફ ચાલવા લાગ્યો. મને ખબર નહોતી કે તે સમયે એક ટેક્ષી ધસમસતી મારી દિશામાં આવી રહી હતી. મને બચાવવા રાજેશ દોડ્યો તેણે મને તો ધક્કો મારી બચાવી લીધો. પરંતુ તે ટેક્ષીની અડફેટે આવી ગયો. ટક્કર વાગતા ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો.

દુનિયામાં હું સાવ એકલો થઇ ગયો. મેં શહેર છોડી દીધું.

હવે તો મારા જીવનમાં એક માત્ર ધ્યેય હતું, ‘સુમી.’

સૌ પ્રથમ તો, હું ભુવનેશ્વર પહોંચ્યો. ત્યાં થોડી તપાસ કરવાથી એક મોટો હાથ મારવાનો રસ્તો મળી ગયો. સુત્રાપાડા ગામના જમીનદારનો દીકરો નાનપણમાં ખોવાઈ ગયો હતો. અને તેઓ હજુ પણ આશા લગાવીને બેઠા છે કે દીકરો ચોક્કસ મળી જશે.

મેં મારા દેખાવડા ચહેરાનો ઉપયોગ કરી લોકોના મનમાં ઠસાવી દીધું કે હું નાનપણમાં મારા માતા-પિતાથી વિખૂટો પડી ગયો છું, મારા ગામનું નામ કંઈક ‘પાડા’ છે. હું મારા પેંતરામાં સફળ થયો. સુત્રાપાડાનાં કોઈ વડીલના મનમાં વસી ગયું કે હું જ ‘રાજુ’ છું. તેમણે મને કહ્યું કે તું મારી સાથે ચાલ.

અમારા પહોંચતા પહેલા તો વડીલના એક ફોને ગામને ગાજતું કરી દીધું. અમે સ્ટેશને ઉતર્યા ત્યાંતો બધા હાર તોરા લઈ મને લેવા આવ્યા હતા. એક વ્યસ્ક માણસ આંખોમાં ઝળઝળિયાં સાથે હરખાતો હતો,

‘ઓહ! એ જ પપ્પા! બેટા સોહમ ચાલ આવી જા રાજુના રોલમાં.’

પપ્પાને પગે લાગવા ગયો પણ એ તો મને ભેટી જ પડ્યા. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

"મારો રાજુ, મારો રાજુ."

"આવા હોય પિતા?" મને અનાથને શું ખબર! એ મને મોટી હવેલીમાં લઈ ગયા.

"સોહમ! ભગવાન તારી સાથે છે, જલ્દી અહીં પૈસા ભેગા કર પછી સુમી સાથે શરીફોની જિંદગી જીવવાની તૈયારીમાં લાગી જા."

દરવાજે એક આંટી ઉભા હતા, એમની આંખોમાં પણ રાહ દેખાતી હતી. 

"મારો દીકરો."

ઓહ! આ તો મા છે. હું પગે લાગ્યો અને એ મારા ચહેરા ઉપર હાથ ફેરવીને હરખતી'તી.

"આવી હોય મા? મારે શું? વધીને અઠવાડિયામાં તિજોરી સાફ કરીને નીકળી જવું છે."

"જો તું ત્રણ વર્ષનો હતો ત્યારે આ દાદરેથી પડી ગયો હતો. તને આ ગોખલામાં બેઠું રહેવું બહુ ગમતું." એ બોલી.

મારે શું લેવા-દેવા રાજુ ક્યાં રમતો અને ક્યાં પડતો!

"મા હું બહુ થાકી ગયો છું."

“ઠીક છે. દીકરા જો ઉપર ત્રીજો રૂમ તારો છે. જા આરામ કર. જમવાનું બને એટલે ઉઠાડશું.”

મને ઊંઘ ક્યાં આવતી હતી પણ મારથી તો આ લાગણીવેડા સહન નહોતા થતા. હું મારા કહેવાતા રૂમમાં પહોંચ્યો. નાહીને બહાર નીકળ્યો. લાગ્યું કે કોઈ મને ઘુરી રહ્યું છે. મેં દરવાજો ખોલ્યો પણ કોઈ ન દેખાયું. વહેમ સમજી હું તૈયાર થયો અને આરામ કરવા આડો પડ્યો. ખબર જ ન પડી ક્યારે ઊંઘ આવી ગઈ અને સપનામાં સુમી આવી. "ઉઠો, ઉઠી જાવને." સુમી મને શર્ટના કોલરથી ખેંચતી હતી. હું ખેંચાઈને ઊભો થયો.

"તમે શું બધાને બેવકૂફ સમજો છો? ભોળા વડીલોને ભોળવી શકશો. આ સુમીને નહિ. મોટા આવ્યા રાજુ બનવા."

બાપ... રે! આ સપનું નહોતું. એની મોટી મોટી આંખો આજે મને ધમકાવી રહી હતી. તીખું નાક મને જોઈ ગુસ્સામાં ફૂલી રહ્યું છે. જે હોંઠને ચૂમવા હું પ્રતિપળ તડપું છું એ હોઠ ફટાફટ ફફડી રહ્યા છે. મને ક્યાં કંઈ સંભળાય છે.

"સાલા રાજુ! તું તો મારા માટે જબરો લકી. હવે આ ઘર છોડીને જવાનું કોઈ કારણ જ નથી ને." મનનો બડબડાટ.

"નીચે ચાલો જમવાનું તૈયાર છે." સુમી બોલી.

"દીકરા જમી લે પછી આ બૂઢા થતા બાપ સાથે એના રૂમમાં આવજે ને."

“જી” પરાણે નીકળેલો જવાબ.

સુમી મારા તરફ બરોબરની ઘુરકિયાં કરતી હતી પણ મને તો એમાંય પ્રેમ જ દેખાતો હતો. પીરસતા પીરસતા મારા શર્ટ ઉપર ગરમ શાક ઢોળાયું એટલે મા એ જલદીથી શર્ટ કાઢી નાખ્યું અને સાફ કરવા લાગી. અને સુમી મારા ખુલ્લા શરીરને તાકી તાકીને જોતી હતી. સુમીની આંખમાં થોડી નરમાશ આવી.

"સોહમ! ભગવાન તારા ઉપર ખરેખરો મહેરબાન છે. હવે તો છોકરી પણ તને જ જોયા કરે છે. હવે તો ખાલી હાથ પકડવાની વાર છે."

"તારી મમ્મી સાફ કરી લેશે. તું મારી સાથે ઉપર ચાલને."

"જી પપ્પા."

હું ઉપર ગયો એટલે બુઢાએ દરવાજો બંધ કર્યો અને તિજોરી પાસે ગયો. ખાલીખમ તિજોરીમાં ફક્ત એક ફોટો. ‘અરે! આતો રાજેશ.’ મને ચક્કર આવી ગયા પણ એજ ક્ષણે મેં નક્કી કરી લીધું કે હવે આજીવન હું આ ઘરનો રાજુ. તે અકસિડેન્ટમાં માર્યો તે સોહમ હતો. જેણે મને જીવન આપ્યું એના મા-બાપની હું જીવનભર સેવા કરીશ.

"હા, પપ્પા બોલો શું કહેવું છે?" આ ખરેખર રાજુ બોલ્યો.

"બેટા હવે મારી પાસે આ જાહોજલાલી ફક્ત દેખાડા પૂરતી જ છે. આ ઘર પણ વહેંચાય ગયું છે. ખાલી તારી બેનના લગ્ન સુધી રહેવાની છૂટ માંગી છે."

"જરાય ચિંતા ન કરશો પપ્પા! તમારો જુવાન દીકરો શું કામનો છે?"

"હા, બેટા તું આવી ગયો મારી હિમ્મત આવી ગઈ. બસ ચાર દિવસમાં તો લગ્ન છે આપણી નાનકીનાં."

હું મારા રૂમમાં પાછો આવ્યો. બધી જ રીતે હચમચી ગયેલો. ચોરી કરવા આવ્યો’તો. અને હવે જવાબદારી લઈને જીવવાનો છું. રાત પડતાજ ઊંઘી ગયો.

ત્યાં મારી બાજુમાં અવાજ સંભળાયો.

"સોરી, મને માફ કરી દો! જયારે તમે તમારું શર્ટ કાઢ્યું ત્યારે તમારું લાખુ બરોબર દેખાણું જે ફક્ત રાજુને જ છે."

"અરે સુમી! કઈ વાંધો નહિ."

"ભાઈ! હવે મને મમ્મી-પપ્પાની કોઈ ચિંતા નથી. હવે હું નિશ્ચિંત થઈ માંડવે બેસીશ." કહી સુમી ચાલી.

આ શું બોલીને ગઈ સુમી! ભાઈ, ના આતો હું નહિ જ થવા દઉં. ભલે બધા મને બહુરૂપી કહી કાઢી મૂકે. મનમાં થયું હું સુમીની પાછળ જાઉં. એના હોઠ ઉપર હાથ દાબી કહું, "સુમી મારી વાત સંભાળ. હું તને ખુબ પ્રેમ કરું છું. આજનો નહિ ત્રણ મહિના પહેલા તું કલકત્તા આવેલી ત્યારનો. હું તારો ભાઈ નથી."

ત્રણ દિવસ પછી આજે સુમીના લગ્નમાં ભાઈ દ્વારા થતી વિધિઓ કરી રહ્યો છું. કેમ કે હું રાજેશ બની ગયો છું. મારા મનના દ્વંદ્વમાં અઢી અક્ષર પ્રેમના, અઢી અક્ષર દોસ્તી સામે હારી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Classics