Shalini Thakkar

Tragedy

4.8  

Shalini Thakkar

Tragedy

અધૂરું મિલન

અધૂરું મિલન

5 mins
325


આમ તો અનુરાગને વરસાદમાં ભીંજાવાનું ખુબજ ગમતું, પણ આજે આકાશમાંથી વરસી રહેલા વરસાદ માં ભીંજાવાનું એક બીજું કારણ પણ હતું. આજે એના અંતરમાં ઉઠેલી વિયોગની વેદના જે આંખમાંથી આંસુ બનીને ધોધમાર વરસી રહી હતી, એ આંસુઓની ધારાને દુનિયાથી છુપાવાની હતી. એને વરસાદમાં એટલું બધું ભીંજાઈ જવું હતું કે વરસાદના પાણી અને આંખમાંથી આવી રહેલા આંસુ વચ્ચે કોઈ ભેદ ન રહે. અનુરાગ જ્યારે નાનો હતો ત્યારે ક્યાંક સાંભળ્યું હતું કે છોકરાથી કંઈ છોકરીની જેમ ના રડાય. રડવું એ તો કમજોર હોવાની નિશાની છે. બસ ત્યારથી જ અંતર ના આંસુઓને અંતર માં જ દબાવી દેવાની કળા માં આમ તો અનુરાગ નિષ્ણાત હતો, પણ આજે તો એ વિરહની વેદના અસહ્ય બનીને આંખોમાંથી બેકાબૂ બનીને વહી રહી હતી. પોતાના પડોશ માં વાગી રહેલા શરણાઈ ના સૂર માં દબાઈ ગયેલી એની ચીસ એની આંખમાંથી બહાર આવીને પ્રદર્શિત થઈ રહી હતી. શરણાઈના સૂર સાંભળીને વ્યાકુળ થઈ ગયેલા અનુરાગે બંને હાથે પોતાના કાન દબાવી દીધા અને એ અવાજથી દૂર ભાગવા માટે પોતાના ઘરની બહાર નીકળી ગયો. વાતાવરણ પણ એના મનની ઉદાસીને વધુ ગમગીન બનવા માં પોતાનો ફાળો આપી રહ્યું હોય એમ આકાશ માંથી ધમધોકાર વરસી પડ્યું. પાણી માં તરબતર થઈ ગયેલા અનુરાગની નજર સામે વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયા પર પડી. ત્યાં પાંચ વર્ષનો નાનો અનુરાગ અને એના જેટલી જ ઉંમરની સુપ્રિયા પાણી માં રમી રહ્યા હતા. હા, હજી જાણે કાલેની જ વાત લાગતી હતી. સુપ્રિયા અનુરાગને કહી રહી હતી,"તારી નાવ કેવી સરસ પાણી માં તરી રહી છે અને મારી નાવ તો પાણી માં ડચકા ખાય છે. "અને અનુરાગે સુપ્રિયાને ચીડવતા જવાબ આપ્યો હતો,"તારી નાવ તારા જેવી કમજોર છે અને મારી નાવ તો મારા જેવી મજબૂત છે. "એની વાત સાંભળીને સુપ્રિયા રિસાઈ ગઈ હતી અને પોતાના ઘરમાં જતી રહી હતી. એ હતું અનુરાગ અને સુપ્રિયા નું વરસાદ માં પહેલું મિલન.

સુપ્રિયા જ્યારથી પોતાના પરિવાર સાથે અનુરાગ ના પડોશમાં રહેવા માટે આવી હતી ત્યારથી જ બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી,પાક્કી મિત્રતા ! બંનેના પરિવારે પણ એમની એ નિર્દોષ મિત્રતાને હૃદયથી વધાવી લીધી હતી.

ભૂતકાળની યાદ માં ખોવાયા અનુરાગ ના મન પર સુપ્રિયાની યાદ છવાઈ ગઈ હતી. એના અને સુપ્રિયાના નાનપણના પ્રસંગ વાગોળતા અનુરાગ દિશાશૂન્ય થઈને જઈ રહ્યો હતો ત્યાં જ અચાનક એને સામેથી દસ વર્ષની સુપ્રિયા સાઈકલ લઈને સામેથી આવતી દેખાઈ. હા, હજી થોડા સમય પહેલાં તો આ વાત છે.

"મને તારી જેમ જ સાઈકલ ચલાવતા શીખવાડને. "સુપ્રિયા બોલી રહી હતી. અનુરાગ પર પૂરા વિશ્વાસ સાથે એ, એના ટેકાના આધારે જેવી સાઈકલ પર બેઠી અને પોતાનું સમતુલન જાળવવાનો પ્રયાસ કરવા ગઈ ત્યાંજ તો અનુરાગે પોતાના હાથ સાઈકલ પરથી હટાવી લીધા અને એ જોરથી નીચે જમીન પર પડી. એ દ્રશ્ય જોઈને અનુરાગ ખડખડાટ હસી પડ્યો. ગુસ્સામાં આવેલી સુપ્રિયા રિસાઈને બોલી,"જા, હવે તારી સાથે ક્યારેય વાત નહીં કરું". નાનપણમાં સુપ્રિયાના મોઢામાંથી નીકળેલું એ વાક્ય આજે તીર બનીને અનુરાગના હૃદયને વીંધી ગયું.

અતીતની યાદ અનુરાગના માનસપટ પર હાવી થઈ ગઈ હતી. ખાટી-મીઠી યાદોથી ભરેલા અનુરાગ અને સુપ્રિયાના સંબંધના સમીકરણમાં ક્યાંક રિસામણા હતા તો ક્યાંક મનામણાં, ક્યાંક પરસ્પર સ્નેહ હતો તો ક્યારેક વળી મીઠો ગુસ્સો ! ક્યારેક કલાકોના કલાક સુધી થતી વાતો હતી તો ક્યાંક વળી બંને વચ્ચે થતા અબોલા ! પણ એ બધા સમીકરણનો ઉકેલ માત્ર એક જ હતો, જે હતો બંને વચ્ચેનો અતૂટ પ્રેમ ! પણ જીવનની એ સંવેદનશીલ ક્ષણો માત્ર માણી શકાય છે, રોકી નથી શકાતી.

આજે બંને વચ્ચે વિયોગની ઘડી આવી ચૂકી હતી. આજે અનુરાગની નાનપણની ખાસ મિત્ર સુપ્રિયાના ના લગ્ન હતા. અને એની વિદાય વેળાએ એને મળવાનું અનુરાગે એને વચન આપ્યું હતું. પણ એ ક્ષણ નો સામનો કરવાનું એના માં સાહસ ન હતું. સુપ્રિયાની વિદાય વેળા નજીક આવી રહી હતી. "એ મારી રાહ જોઈ રહી હશે. "અનુરાગ વિચારી રહ્યો હતો. ત્યાં તો પાછળથી એને એક સાદ સંભળાયો,"અનુરાગ. . . . એણે ચમકીને પાછળ ફરીને જોયું. એની સામે ઝાડ પાછળથી ડોકિયું કરીને શરમાતી સોળ વર્ષની સુપ્રિયા એને બોલાવી રહી હતી,"ચાલને અનુરાગ, આ વરસતા વરસાદમાં પલળતા પલળતા બંને ક્યાંક દૂર જઈએ. દૂરથી સફેદ સલવાર કમીઝ અને લાલ દુપટ્ટામાં લાંબા રેશમી વાળ લહેરાવતી, અનુરાગની સમીપ આવી રહેલી સુપ્રિયા કેટલી સુંદર લાગી રહી. અનુરાગ પ્રેમ ભરી નજરે એને જોતો જ રહ્યો અને પછી બંને જણા હાથમાં હાથ લઈને ક્યાંક દૂર નીકળી ગયા હતા અને લાગણીના પૂરમાં ભીંજાઈને તરબતર થઈ ગયા હતા. જ્યારે હાથમાં હાથ લઈને એ બંને યુવાન હૈયાઓ પાછા ફર્યા ત્યારે બંનેના પરિવારના સભ્યો ચિંતિત થઈને બહાર એમની રાહ જોઈને ઊભા હતા. બંને વચ્ચેની મૌન સમીપતા એમના પરિવારના વડીલોની અનુભવી આંખોથી અજાણ ન હતી. બંને એ પોતાના પરિવારના વડીલોની આંખોમાં કડકાઈ જોઈ અને એમના હાથની પકડ ઢીલી પડી ગઈ અને પછી છૂટી ગઈ. એ દિવસે બંનેને પોતાના પરિવારોમાંથી સખત શબ્દોમાં સૂચના મળી કે હવે એ બંને બાળકો નથી રહ્યા અને હવે તેમની મિત્રતા એક મર્યાદાની અંદર જ શોભે. માટે હવે એકબીજાથી અંતર રાખે એમાં જ એમની ભલાઈ છે. બંનેના પરિવારો ખૂબ જ સંસ્કારી અને ઉચ્ચ વિચાર ધરાવતા હતા પરંતુ બંનેના રીત-રીવાજો અને પરંપરાઓ અલગ હતા. અલગ જ્ઞાતિના બંને રૂઢિચુસ્ત પરિવારોની દિશાઓ અલગ હતી અને એમના વહેણની વિરુદ્ધ જઈને તરવાનું એ બંને નિર્દોષ અને નાજુક હૈયાઓમાં સાહસ ન હતું. એ દિવસથી અંતરથી જોડાયેલા અનુરાગ અને સુપ્રિયા વચ્ચે એક અદ્રશ્ય દીવાલ રચાઈ ગઈ હતી. પોતાના પરિવારની માન મર્યાદા જાળવતા એ બંને યુવાન હૈયાં વચ્ચે પ્રેમ તો અકબંધ જ રહ્યો. પાણીના પ્રવાહની જેમ વહેતા સમય સાથે આજે બંને વચ્ચે રચાયેલી એ અદ્રશ્ય દીવાલ, સુપ્રિયાના લગ્નની શરણાઈના સૂરમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. એ વિયોગની વેળા બંને માટે અસહ્ય બની ગઈ હતી જેનો અહેસાસ કદાચ પ્રકૃતિને પણ હતો અને એટલે જ તો તોફાની વરસાદ રોકાવાનું નામ નહતો લઈ રહ્યો. સુપ્રિયાએ પોતાના અંતરથી અનુરાગને યાદ કર્યો જેનો ભાસ તરત જ અનુરાગની થઈ ગયો. બંને વચ્ચે થયેલા મિલન અને વિયોગની યાત્રાને અંત આપવા અનુરાગ ના પગ ઘરની દિશા તરફ વાળ્યા. પડોશમાં સુપ્રિયાના લગ્ન થઈ ચૂક્યા હતા અને એની વિદાય વેળા ચાલી રહી હતી. ગાડીમાં બેસતા જ સુપ્રિયાની ઉદાસ નજર, સામેથી આવી રહેલા અનુરાગ પડી. બંનેની આંખો ચોધાર આંસુએ રડી રહી હતી. બંનેના આંખોના ભાવ એકબીજાને અલવિદા કહી રહ્યા હતા. વિદાય વેળાએ રડીને લાલ થયેલી સુપ્રિયાની આંખો અને વરસાદમાં તરબતર થયેલા અનુરાગની ભીની આંખો પાછળ એમના આજીવન વિયોગની પીડાથી આવેલા આંસુઓનું રહસ્ય છુપાયું હતું જેની દુનિયાએ નોંધ સુદ્ધા ના લીધી. સુપ્રિયા ગાડીમાં બેસી ગઈ અને એની ગાડી અનુરાગની બાજુમાંથી પસાર થઈ ગઈ. અનુરાગ લાચાર બનીને એને જોતો રહ્યો અને ગાડી માં બેઠેલી સુપ્રિયા ધીરે ધીરે એની નજર સામેથી અદ્રશ્ય થઈ ગઈ. એ બંનેના પરિવારો મૌન બનીને એમના અધૂરા મિલનની સાક્ષી આપી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy