Hiren MAHETA

Tragedy Inspirational Children

4.2  

Hiren MAHETA

Tragedy Inspirational Children

અમૂલ્ય ભેટ

અમૂલ્ય ભેટ

7 mins
348


‘કાલે સોનલબેનનો શાળામાં છેલ્લો દિવસ છે. તેઓની બદલી તેમના પોતાના વતનમાં થઈ છે. આપણે કાલે તેમને વિદાય આપીશું’, આચાર્યએ ચોથા ધોરણના બાળકોને કહ્યું. આમ તો શાળામાં ચોથું ધોરણ તો સોનલબેન જ ભણાવે. જ્યારથી શાળામાં આવ્યા ત્યારથી તેઓ ચોથા ધોરણમાં હતાં. રોજ નિયમિત વર્ગમાં આવનારા સોનલબેન આજે ચોથા ધોરણમાં નહોતા આવ્યા. તેમના બદલે શાળાના આચાર્ય અહીં આવ્યા હતાં. 

   સોનલબેન આમ તો પોતે નડિયાદના, પરંતુ એમને નોકરી મળી વાવ તાલુકાના વેઢ ગામમાં. ગુજરાતથી રીસાયેલું હોય તેમ વેઢ સાવ છેટું રહેલું. વેઢ ગામમાં નોકરી કરવી એ બહેનો માટે સામાન્ય વાત ન હતી. એક તો આટલું દૂર, ત્યાં આવવા જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા જ નહીં. વાવથી રામપરા સુધી બસ આવે પરંતુ ત્યાર પછીના છ કિલોમીટર તો ચાલવું જ રહ્યું. પાણીનો પણ ત્રાસ. ઠુંઠવતા શિયાળે અને વરસતા ચોમાસે પણ પાણીની ઘટ હોય. ગરમીના દિવસોમાં તો ગામમાં પાણીની ટેન્કર બોલાવવી પડે. રહેવા માટે પણ કોઈ પાકું મકાન નહી. ગામના નાળીયાવાળા મકાનોમાં એકાદું ખાલી મળે તો મેળ પડે.

   સોનલબેનને અહી નોકરી લાગ્યા પછી ઘરના લોકોએ બહુ સમજાવેલા. કહ્યું હતું કે આ નોકરીને જવા દે. પરંતુ બેન તો મક્કમ. મનમાં નિશ્ચય કર્યો હતો કે નોકરી કરવી અને બાળકોને ભણાવવા. ગમે તે થાય પણ એકના બે ના જ થયા. આજે એમ કરતા કરતા તેમને અહી પાંચ વર્ષ પુરા થવા આવ્યા. 

પાંચ વર્ષના સમયગાળામાં તો તેમણે શાળાને જીવતું મંદિર બનાવી દીધી હતી. રવિવાર હોય કે સોમવાર બેન તો શાળામાં જ હોય. બાળકો પણ જાણે કે બેન તો ઘરે હોય જ નહીં. આવતાની સાથે જ તેમને શાળામાં બાળકો માટે સુંદર મજાનો બાગ તૈયાર કર્યો. પછી તો બાળકોને મજા પડી ગઈ. નહોતા આવતા તે પણ હવે તો રમવાને બહાને આવવા લાગ્યા. ગામમાંથી આવતા ગંદા, મેલાઘેલા બાળકોની કોઈ જ સુગ નહીં. તેમની સાથે મોજથી રમતો રમે, આનંદથી મિત્રવત વાતો કરે, ખડખડાટ હસે, જરૂર પડે તો ધમકાવી પણ નાખે. 

તેમની સજા પણ બહુ મજાની. કોઈ ભૂલ થાય તો ઘરે માતા-પિતાને પગે લાગીને માફી માંગવાની, છોડ વાવવાનો, કચરો વાળવાનો. બાળકોને તો બહુ મજા પડી જાય. પરંતુ જો બહુ ગુસ્સે થાય તો તો તેમની સાથે બોલવાનું જ બંધ કરી દે.

બાળકોને બધું જ ગમે પરંતુ બેન ગુસ્સે થઈને બોલવાનું બંધ કરે તે તો જરાય ન ચાલે. એકવાર વર્ગમાં બાળકો અંદરો-અંદર લડ્યા. બેન વચ્ચે પડ્યા તો પણ માને જ નહીં. પછી તો બેન એવા ગુસ્સે થયા કે તેમણે બોલવાનું જ બંધ કરી દીધું. બેન વર્ગમાં આવે ભણાવે અને ચાલ્યા જાય. એમના ચહેરા પર ખીલેલું સ્મિત કોઈ ગંભીરતાનો ધાબળો ઓઢીને સંતાઈ ગયેલું લાગતું. વર્ગમાં આવ્યા પછી ફૂલની જેમ ખીલી ઉઠતાં બેનને ગંભીર જોઈને કોઈને પણ ફાવતું નહીં. કેટલાક બાળકો તો રડવા પણ લાગ્યા. અંતે બાળકોએ બેનની માફી માંગી અને બેન ત્રીજા દિવસે હસ્યા. એ દિવસે તો બાળકોએ ઉત્સવ મનાવ્યો હતો. 

બેન ભણાવવામાં પણ એવા હોંશિયાર. ચોપડી ખોલાવ્યા વગર એવી રીતે શીખવાડે કે બધું જ આવડી જાય. બધા જ બાળકો આનંદ સાથે શિક્ષણ મેળવે. ત્રીજા ધોરણવાળા બાળકો તો ટાંપીને જ બેઠા હોય કે ‘હવે ચોથામાં તો બેનનો વર્ગ આવશે અને મજા પડી જશે.’ અને ચોથા ધોરણવાળા નિસાસો નાખે કે ‘હવે તો આપણે પાંચમાં ધોરણમાં આવી જઈશું. બેન જોડે ભણવા નહીં મળે.’ 

બેન પણ આમેય એકલા જ રહેતા. પણ બાળકો તેમને એકલા પાડવા જ નહોતા દેતા. બેનનું ઘર પણ જાણે નિશાળ જ સમજો. સાંજ ને સવાર બાળકો એમના ઘરે જ હોય. ગામમાં દરેક જણ બેનને માનથી જોવે. કોઈને પણ તકલીફ હોય તો બેન જોડે આવે. બેન તો કોઈ કામમાં ના જ નહીં પાડવાની. થઈ શકતી મદદ બધાને કરવાની.

પરંતુ હવે બેનની બદલી પોતાના વતનમાં - નડીયાદ થવાની હતી. બાળકોને એમણે પહેલા આ વિશે વાત કરી જ નહોતી. જો વાત કરે ને ‘હો...હુલ્લડ’ મચી જાય એ બીકે તેમણે બદલીની વાત છાની રાખી હતી. પરંતુ આજે આચાર્યએ વર્ગમાં આવીને બાળકોને કહી દીધું. બાળકોને તો માન્યામાં જ ના આવે. વર્ગમાં હોહા મચી ગઈ. આચાર્યએ સમજાવીને મામલો થાળે પાડ્યો. બાળકોને કહ્યું, ‘આપણે તેમને ઘરે જતા કેવી રીતે રોકી શકીએ? તેમને ઘરે જવાની તક મળી છે તો આપણે સમજવું જોઈએ.’ 

બાળકો તેમ કરતા સમજ્યા તો ખરા, પણ હવે વિદાય કેવી રીતે આપવી તેની ચર્ચા શરુ થઈ. બધા બાળકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા. બધાએ નક્કી કર્યું કે આવતીકાલે બેનને દરેક બાળક ભેટ આપશે અને પોતાના વિચારો કહેશે. કોઈ પણ બાળક પોતે પણ નહીં રડે અને બેનને પણ નહીં રડાવે. પોતાના વ્હાલા બેન રડે તો કેવી રીતે જોઈ શકે? 

જાણે ફૂલોમાં વૈરાગ આવ્યો હોય તેમ બાળકો જરાય આવાજ કર્યા વગર ઘરે ગયા. બધા બેનને આપવાની ભેટ તૈયાર કરવામાં લાગી ગયા. ફક્ત ભારતીને કંઈ જ સમજાતું નહોતું કે એ શું કરે. ઘરે જઈને એણે ખાવાનું પણ ન ખાધું. મમ્મીને કહી દીધું કે ‘મને આજે ભૂખ નથી.’ અંદરના અંધારિયા ઓરડામાં પેસીને ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી. આખી રાત તે પથારીમાં જાગતી પડી રહી. એને જરાય ઊંઘ ન આવી. 

બેનની વિદાય ભારતી માટે સૌથી મોટા આઘાતના સમાચાર હતાં. ભારતી જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તો તેને વાંચતા પણ નહોતું આવડતું. ગુજરાતી કક્કામાં પણ ઘણા ખરા અક્ષરો વાંચતા તેને ભૂલ પડતી. એના કપડાં પણ ગોબરા - ધોયા વગરના. માથાના વાળ પણ અસ્ત-વ્યસ્ત. કોઈ એની સાથે વાત કરે નહી. આખાય વર્ગમાં તે મજાકનું પાત્ર બની ગઈ હતી. શાળાએ આવવાનું પણ તેને નહોતું ગમતું. ઘણીવાર તો ઘરેથી નીકળીને રસ્તામાં છુપાઈ રહેતી આખો દિવસ. શાળામાં એનો જીવ જરાય લાગતો નહીં. 

ચોથા ધોરણમાં આવ્યા પછી પણ એક ખૂણામાં ભયભીત આંખો સાથે તે બેસી રહેતી. સોનલબેને તેને બોલાવવા ઘણોય પ્રયત્ન કર્યો, પરંતુ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતી. સોનલબેન તેને બગીચામાં રમવા લઈ જતા, ગીતો ગવડાવતા, વાર્તાઓ કહેતા. આ બધુંય એને ગમતું અને હસુય ઘણું આવતું. પરંતુ બધા પોતાની ઉપર હસશે એ ભયે તે પોતાના હાસ્યને બે હોઠોની વચ્ચેની ખીણમાં ભારે હૈયે દબાવી દેતી.

સોનલબેને પણ મનોમન નક્કી કર્યું હતું, ‘ભારતીને તો વાંચતી-બોલતી કરવી જ છે.’ ધીમે ધીમે એમણે તેની સાથે એકલતામાં વાતો કરવા માંડી. એના પરિવાર વિશે પૂછવા માંડ્યું. ભારતી પણ એકલતામાં ધીમે ધીમે ખીલવા લાગી. બેને એને જવાબદારી પણ આપેલી કે ભારતીએ રોજ શાળાએ આવીને બોર્ડ સાફ કરી દેવું. 

પછી તો ધીમે ધીમે જવાબદારી વધતી ગઈ અને ભારતીની શરમ પણ ઓછી થતી ગઈ. બેન એને ઘરે બોલાવીને પણ શીખવાડવા લાગ્યા. અને જોતજોતામાં તો ભારતી વાંચવા લાગી. પછી તો તેનામાં નવો પ્રાણસંચાર થયો. આખો દિવસ વર્ગના એક ખૂણે સુનમુન બેસી રહેતી ભારતી હવે તો બધાની સાથે ખીલખીલાટ હસતી, બોલતી, વાતો કરતી, રમતી. 

એક વાર ભારતીને બેને કહેલું, ‘બેટા, તું વાળમાં તેલ નાખીને આમ વાળીશ તો બહુ મસ્ત લાગશે.’ અને પછી તો રોજ ભારતી તેલ નાખીને સરસ વાળ ઓળી લાવતી. ચોખ્ખા ધોયેલા, ફૂલડાં જેવા કપડા પહેરીને આવતી. સોનલબેનની સામે તેની આંખો મંડાયેલી રહેતી. સોનલબેન પણ આ જોઈને ખુબ ખુશ હતાં. 

પરંતુ આજે ભારતી ફરી એક વાર દુઃખી હતી. પોતાના પ્રિય બેન આજે શાળામાંથી વિદાય લેવાના હતાં. સવારે વહેલા જાગી ગઈ. હજી બેનને આપવા માટે ભેટ તૈયાર કરવાની બાકી હતી. પરંતુ શું તૈયાર કરે ? પોતાના ઘરમાં એવી એકેય નવી વસ્તુ ન હતી કે બેનને આપી શકે. પોતાના રમકડા પણ ફેંદી દીધા. ઘરનો એકેક ખૂણો પણ શોધી દીધો. 

અગિયાર વાગે શાળામાં બધા ભેગા થયા. પ્રાર્થના સભા રોજની જેમ ભરાઈ ગઈ હતી. પરંતુ કોઈના ચહેરા પર આનંદ નહોતો. દરેકની આંખોમાં પાણી ભરાઈ ગયા હતાં, પરંતુ બેનને આજે હસતા હસતા વિદાય આપવાની હતી. એટલે બધાએ પોતાની જાતને રોકી રાખી હતી. ગામમાંથી પણ બધા વાત જાણીને આવી ભરાયા હતાં. પ્રાર્થના શરુ થઈ. આચાર્યએ બેનને શ્રીફળ આપીને વિદાય આપી. તેમના ઉન્નત ભવિષ્યની કામના કરી. 

હવે વારો હતો બાળકોનો. ચોથા ધોરણના બધા બાળકો એક પછી એક બેન પાસે આવીને ભેટ આપવા લાગ્યા. કોઈ પેન લાવ્યું હતું, તો કોઈ પુસ્તક. કોઈ નવી થાળી ભેટમાં આપતું હતું, તો કોઈ પેન્સિલ. બધા બાળકો આવતા ગયા, બેનને ભેટ આપતા ગયા અને બેન વિશે એકાદ વાક્ય પણ બોલતા ગયા. 

બધા આવી ગયા પરંતુ હજુ ભારતી આવી ન હતી. બેનની નજર ભારતીને શોધી રહી હતી. પ્રાર્થનાસભામાં ભારતી સાવ છેલ્લે બીજાની આડમાં છૂપાઈને બેઠેલી હતી. બેનની નજરે એને શોધી કાઢી. એને બુમ પાડી, ‘ભારતી, અહી આવ, બેટા !’ 

સંકોચાતી, ગભરાતી ભારતી ઊભી થઈ. બેને જોયું કે આજે ફરી એના વાળમાં તેલ નહોતું. એના કપડા પહેલા જેવા જ મેલા હતાં. આંખો પણ સુઝી ગયેલી. બધાની નજર ભારતી પર મંડાઈ ગઈ. મનમાં હતું, ‘ભારતી ન રડે તો સારું.’ 

ભારતી હાથ પાછળ રાખીને બેન પાસે પહોંચી. બેને પૂછ્યું, બેટા, તું શું લાવી છે મારા માટે?’ ભારતી કંઈ જ બોલી નહી. એના આંખો પણ નીચી થઈ ગઈ. એ કશુંક છૂપાવતી લાગી. બેને એનો હાથ પકડીને મુઠ્ઠી ખોલી તો એમાં ફાટી ગયેલો, ચીમળાઈ ગયેલો એક કાગળ નીકળ્યો. બેને કાગળ ખોલ્યો તો એમાં સાવ ખરાબ ન વંચાય તેવા અક્ષરોમાં લખ્યું હતું, ‘આઈ લવ યુ, બેન’. સોનલબેન તો વાંચીને ભારતીની ભાવનામાં તરબોળ થઈ ગયા. સહેજ નીચા નમીને ભારતીની આંખમાં જોઈને બોલ્યા, ‘મને આ બહુ ગમી. થેંક્યું.’ અને ભારતી તેમના ગાલે બચી કરીને વેલની જેમ વળગી પડી, હૈયાફાટ રુદન કરવા લાગી. એ સાથે જ બેન પણ રડી ગયા અને ત્યાં બેઠેલું હરકોઈ પોતાની જાતને રડતાં રોકી ન શક્યું. છેવટે એ જ થયું જે સહુને બીક હતી. ભારતીએ બેનને રડાવી દીધા પણ સહુથી અમૂલ્ય ભેટ આપી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy