mariyam dhupli

Comedy Thriller

4  

mariyam dhupli

Comedy Thriller

અથાણું

અથાણું

9 mins
414


સતત વાગી રહેલા મોબાઈલથી અનીસાની ગાઢ નિંદ્રામાં ખલેલ પહોંચી. મોઢા ઉપર દબાવીને રાખેલા તકિયા જોડેજ એણે પોતાનો હાથ પથારી નજીકના ટેબલ ઉપર ફેરવ્યો. થોડા નિષ્ફ્ળ પ્રયાસોને અંતે આખરે મોબાઈલ હાથ લાગ્યો. આળસ જોડે એણે મોબાઈલને પણ તકીયાની અંદર છુપાયેલા પોતાના ચહેરા નજીક આવવા વિવશ કર્યો. શાંત ફ્લેટના પરદાથી ઢંકાયેલા નાઇટલેમ્પના આછા અજવાસ વાળા શયનખંડમાં અનીસાનો ઊંઘથી ભારે થયેલો અવાજ સંભળાયો. 


"હેલો..."

"વાલેકુમ સલામ...."

"હમ્મ...હમ્મ..."

"હા, થઇ ગયું."

"ના, હજી નહીં. "

"અમ્મી હું હજી ઊંઘમાં છું...."

"અરે યાર...પછી વાત કરીશ...."

"હજી બ્રશ પણ નથી કર્યું ને તમે લંચની વાત...."

"હું મુકું છું...પછી આરામથી વાત કરીશ....."

ફોન ફરીથી ટેબલ ઉપર પટકાયો. અનીસાએ તકિયો બળજબરીએ હટાવી આળસ મરોડી આખરે પોતાના પગ જમીન ઉપર ઉતાર્યા. નવા ફ્લેટની નવી સવાર એની રાહ જોઈ રહી હતી. 

બારી તરફના પરદા તરફ એનું નાઈટ ડ્રેસમાં સજ્જ શરીર આવી ઉભું રહી ગયું. પરદો હટાવયો જ કે ચહેરાના હાવભાવો સ્થિર થઇ ગયા. એનું અભાન, સબકોન્શિયસ મગજ કંઈક જુદીજ અપેક્ષા સેવી રહ્યું હતું.પણ કોન્શિયસ, સભાન મગજ કંઈક જુદુંજ દ્રશ્ય દેખાડી રહ્યું હતું. અહીં કોઈ ખેતર, વડના વૃક્ષો, કાચા રસ્તા ઉપર ચાલતી મરઘીઓ, બકરીઓ, નદીના શાંત,નિર્મળ પાણીમાં ઉભેલી નાવડીને પંપાળતી સૂર્યની સોનેરી કિરણો ન હતી. એને લાગ્યું કે એની આંખોએ એ બધુજ હમણાં નિહાળ્યું. પણ એ ફક્ત એક ભ્રમણા હતી. એની આંખો સામે તો ફક્ત ઊંચી ઊંચી ઇમારતોનું જંગલ હતું. એ જંગલ જાણે પ્રકુત્તિને ગળી ગયા પછી એક યાંત્રિક ઓડકાર ભરી રહ્યું હતું. અનીસાએ ફરીથી પરદો એની જગ્યાએ ગોઠવી દીધો અને નવા ફ્લેટની અંદર પોતાનો દિવસ શરૂ કરવા પગ ઉપાડ્યા.

સ્નાન લઇ એ સીધી રસોડામાં પ્રવેશી. ગઈ કાલે જ સીટી સેન્ટર માર્કેટમાંથી એણે રસોડાનો બધો સામાન અને કરિયાણું ખરીદી લીધું હતું.યુનિવર્સીટીથી થાકીને આવી હોવા છતાં રસોડાની દરેક સગવડ રસોઈ કરતા કરતા જ કરી નાખી હતી. રવિવારની રજામાં થોડો આરામ લઇ શકાય એ હેતુથી જ. પહેલું અઠવાડિયું તો ફ્લેટની સગવડ અને યુનિવર્સીટીમાં માનસિક રીતે બંધ બેસતા થવામાં જ પસાર થઇ ગયું હતું. 

નાસ્તામાં તો એને પરંપરાગત સ્વાદ જ ગમતો. પણ અહીં અમ્મી ન હતા કે એક બૂમ પાડી પોતાની ફરમાઈશ મૂકી છુટ્ટા થઇ જવાઈ. ફક્ત જમવા માટે જ હાથ ઉપડે. અહીં તો બધુજ એ ટુ ઝેડ જાતે જ સંભાળવાનું હતું. અઠવાડિયાના થાકે આળસની એવી ભેટ ધરી કે એણે રેફ્રિજરેટરમાંથી ગઈ કાલે ખરીદીને લાવેલ દૂધનો ડબ્બો ટેબલ ઉપર મુક્યો. પ્લેટફોર્મ ઉપરથી કોર્નફ્લેક્સનો ડબ્બો ઊંચકી પડખે ગોઠવ્યો. પોતાના સ્માઈલી વાળા મગમાં બન્નેનું મિશ્રણ કર્યું કે નાસ્તો તૈયાર. 

મગ હાથમાં લઇ એ બેઠક ખંડમાં પ્રવેશી. મગ ટેબલ ઉપર મૂકી ટેલિવિઝનના વાયરનું પ્લગથી જોડાણ કર્યું. રીમોર્ટ શોધવા એની નજર ચારે દિશામાં ફરી રહી. પરંતુ રીમોર્ટ કશે દેખાયું નહીં. અકળાઈને એણે મોબાઈલ ઉઠાવી નંબર ડાયલ કર્યા. બીજા હાથ વડે દૂધ અને કોર્નફ્લેક્સ મોઢામાં મુક્યા. બીજે છેડેથી કોલ ઊંચકાયો જ કે એણે ઝડપથી મોઢાના દૂધ અને કોર્નફ્લેક્સ ગળા નીચે ઉતારી વાત શરૂ કરી. 

"હેલો. ઇટ્સ અનીસા. "

"ઓહ, ગુડ મોર્નિંગ હાનિસા. "

"ઇટ્સનોટ હાનિસા. ઇટ્સ અનીસા. "પોતાના નામનાં ઉચ્ચારણમાં ફરી એકવાર એણે સુધારો કરાવવાનો પ્રયાસ કર્યો. "ઇટ્સ અનીસા મલિક. "વ્યક્તિની ઓળખ નામથી જ હોય છે. ઓળખ પર આવતી આંચ મૂળ પર આવતી આંચ સમાન છે. જે સ્વમાન સામે મોટું જોખમ ઉભું કરી શકે છે. અને જો સ્વમાન જ ન રહે......અનીસાના મનમાં એ જ નિયમિત વિચારોના વમણ ફરી ગોળ ગોળ ફરી રહ્યા.

સામેના અવાજમાં ફરી એકવાર મૂંઝવણ અને જટિલતા ડોકાઈ. 

"હાનિ....." 

"નેવર માઈન્ડ. આઈ જસ્ટ કૉલ યુ ફોર ઘી ટીવી રિમોટ. કાન્ટ ફાઇન્ડ ઈટ. " 

"ઇટ્સ મસ્ટ બી ઈન ધ ડ્રોવર નેક્સ્ટ ટુ સોફા." 

મળી રહેલી માહિતી જોડે અનીસાએ પોતાની આંખો સોફાની નજીક આવેલા ડ્રોવર તરફ નાખી. 

"ઓકે. થેન્ક્સ. "

"હોપ યુ આર સેટલ નાવ. "

"કાઈન્ડ ઓફ...." 

"ઓકે ધેન. એનીથિંગ યુ લેટ મીનો. આમ હિયર. "

"થેન્ક્સ. હેવ એ નાઇસ ડે. "

"યુ ટુ. "

કોલ કપાયો અને ડ્રોવરમાંથી રીમોર્ટ હાથમાં આવ્યું. એક પછી એક ટીવીના ફરતા ચેનલો જોડે નાસ્તો ધીમે ધીમે આગળ વધ્યો. એક પણ ચેનલ ગમ્યું નહીં. કંટાળીને એણે ટીવી બંધ કર્યું. મોબાઈલ ઉઠાવ્યો. યુ ટ્યુબમાં જઈ 'લેટેસ્ટ બૉલીવુડ સોન્ગ્સ ' ટાઈપ કર્યું. એક પછી એક ગીતોની લિંક ઉપર આંગળી ઝડપથી સ્ક્રોલ થવા લાગી. અચાનક ઉપર ચઢી ગયેલા એક ગીતને એણે ધીમે રહી ફરીથી નીચે તરફ સ્ક્રોલ કરી ઉતાર્યું. એનું સૌથી પ્રિય ગીત હતું એ. એના શબ્દો એની આત્માને અનેરી ટાઢક આપતા હતા. એ લિરીક્સમાં કંઈક તો જાદુ હતું જ. જયારે પણ એ ગીત સાંભળતી એના શરીરના રુંવાડા ઉભા થઇ જતા. એણે ગીતની લિંક દબાવી અને આખું ફ્લૅટ કર્ણપ્રિય ગીતથી ચહેકી ઉઠ્યું.

'તેરી મિટ્ટી મેં મિલ જાવા 

ગુલ બનકે મેં ખીલ જાવા 

બસ ઇતની હે દિલ કી આરઝૂ....'

ગીતના શબ્દો થકી અનીસાના શરીરમાં અનેરી સ્ફૂર્તિ આવી ગઈ. થોડા સમય પહેલા આળસના ખોળે ચઢેલું શરીર અત્યંત સ્ફૂર્તિમય અને ચુસ્ત બની કામે ઊપડ્યું. 

શયનખંડમાં એક ખૂણે ગોઠવાયેલી ત્રણ બેગને વારાફરતી એણે અનપેક કરી. બધોજ સામાન વ્યવસ્થિત જગ્યા ઉપર ગોઠવતા દોઢેક કલાક જેટલો સમય નીકળી ગયો. 

રસોડામાં પહોંચી એણે લંચ માટેની તૈયારી શરૂ કરી દીધી. દરરોજ બહાર જમવું સ્વાસ્થ્ય માટે હાનિકારક તો હતું જ સાથે મોંઘુ પણ એટલું જ. અમ્મી જેવી રસોઈ તૈયાર કરવી તો અશક્ય. છતાં ઘર જેવો થોડો ઘણો સંતોષ મળી રહે એટલો સ્વાદ તો એ તૈયાર કરી જ શકે. એણે ઝડપથી રસોઈ કરવાની શરૂઆત કરી. બધોજ સામાન આગળથી ખરીદી રાખ્યો હતો. નહીંતર રવિવારના દિવસે કઈ મળવું મુશ્કેલ. તૈયાર થયેલા દાળભાતની સુવાસ ભૂખને બમણી કરી રહી હતી. થોડાજ સમયમાં જમવા માટે તૈયાર એનું મન અચાનક ઉતરી ગયું. કંઈક બહુ જરૂરી યાદ આવ્યું હોય એ રીતે એણે રસોડાની આખી અલમારીની તપાસ કરી નાખી. પ્લેટફોર્મ ઉપર ગોઠવાયેલા દરેક સામાન ઉપર ફરી એકવાર ઝીણવટ ભરી દ્રષ્ટિ દોડાવી. ત્યાં પણ ન મળ્યું. એનો હાથ કપાળ ઉપર આવી પડ્યો. બધુજ ખરીદી લાવી ને સૌથી મુખ્ય વસ્તુ ભૂલી ગઈ. અથાણું. 

અથાણું તો અનીસા માટે જાણે ફરજીયાત હતું. એના વિના જમવાનું ગળે ઉતરતુંજ નહીં. અનીસાના મગજમાં પોતાના ઘરના રસોડાની અલમારીનું ચિત્ર ઉપસી આવ્યું. એક લાંબી હરોળમાં અમ્મી દ્વારા તૈયાર થયેલા જાતજાતના ને ભાતભાતના ચટાકેદાર અથાણાની ગોઠવાયેલી બરણીઓ એ આંખ સામે તાદ્રશ નિહાળી રહી. કેરી, લીંબુ, ચીભડું, મરચું, ગાજર.....રાય.....મેથી...... ફક્ત વિચારમાત્રથીજ એના મોઢામાં પાણી છૂટી વળ્યું. 

અમ્મીએ કેટલા કાલાવાલા કર્યા હતા. 

"અથાણું સાથે લઇ જા. "

બેગ પૅક કરતી વખતે બરણીઓ ભરીને લઇ આવી હતી. પણ અનીસાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. મુસાફરી દરમિયાન એને શાંત ચિત્ત રહેવું હતું. કસ્ટમ ડ્યુટીના સખત નિયમો અને ઉપરથી એનું નામ ' અનીસા મલિક '.ના રે ના. એને કોઈ જોખમ ખેડવું ન હતું. 

"હવે તો દુનિયા બહુ નાની થઇ ગઈ છે,અમ્મી. આપણા દેશનું અથાણું દરેક સ્થળે સહેલાયથી મળી રહે છે. " 

કેટલા વિશ્વાસ અને ગર્વથી કરી હતી એણે આ વાત. ગઈ કાલે સીટી સેન્ટર માર્કેટમાં સહેલાઈથી મળી જતે. ત્યાં બધોજ દેશી સામાન સહેલાઈથી મળી રહે છે. પણ યાદ જ ન રહ્યું. હવે ? આજે રવિવારે તો માર્કેટ બંધ. અથાણું તો જોઇશે જ. એનું મન ટેવ પ્રમાણે જીદ પર ચઢ્યું. સામે તૈયાર દાળભાત પણ જાણે અથાણાંનીજ રાહ જોઈ રહ્યા હોય એવો એને આભાસ થયો. 

એક નજર ઘડિયાળ ઉપર પડી. સાડા અગિયાર થયા હતા. રહેઠાણના પાછળના વિસ્તારમાં એક નાની સુપર સ્ટોર હતી. રવિવારે એ બાર વાગે સુધી ખુલ્લી રહે છે એવું દુકાનદારે કહ્યું હતું. એ સમયસર યાદ આવ્યું. અતિ ઝડપે ઓવરકોટ ચઢાવી એણે વોલેટ ઉઠાવ્યો. ફ્લેટને લૉક કરી એ રીતસર દોડી. દુકાન પહોંચી ત્યારે ૧૧ : ૪૦ સમય હતો. દુકાન હજી બંધ ન થઇ ગઈ એ જોઈ મોટો હાશકારો થયો. સુપર સ્ટોરમાં પ્રવેશી એણે વારાફરતી દરેક હરોળ પર નજર ફેરવવા માંડી. શક્ય એટલી ઝડપ જોડે એણે આખું સુપર સ્ટોર ખૂંદી વાળ્યું. એકમાત્ર અથાણાં સિવાય દરેક પ્રકારના ખાદ્ય પદાર્થ એની દ્રષ્ટિ એ ચઢ્યા. એનું મન અકળાઈ ઉઠ્યું. હદ છે યાર. અથાણું તો જોઇશેજ. કઈ પણ થઇ જાય. એના વિના ન જીવાય. અથાણાં વિનાનું ભોજન એટલે શાકર વિનાની ખીર, ચાવી વિનાનું તાળું, આત્મા વિનાનું શરીર. ભૂખને કારણે વિચારો પણ ચિત્રવિચિત્ર એબ્સર્ડિટીમાં રંગાઈ રહ્યા હતા. દુકાનનો સ્ટાફ દુકાન બંધ કરવાની તૈયારી આરંભી રહ્યો હતો. મનમાં હજી પણ આશ હતી. દોડતી જઈ એ કાઉન્ટર ઉપર પહોંચી. 

"એક્સક્યુઝ મી. ડુ યુ હેવ પિકલ્સ. " 

"યસ વી હેવ. "કાઉન્ટર ઉપર પૈસાની ગણતરીમાં વ્યસ્ત માલિકે ઉપર જોયા વિનાજ ઉત્તર આપ્યો. 

"બટ આઈ કુડન્ટ ફાઇન્ટ ધેમ ઓન શેલ્ફ. "હાંફતા શબ્દોમાં અનીસાએ માહિતી આપી. 

"ગીવ મી એ સેકન્ડ. એમી...ફાઇન્ડ એ પિકલ જાર ફોર મિસ....."અનીસા ઉપર ઉઠેલી આંખો એનું નામ જાણવા ઉત્સુક બની. 

"અનીસા, અનીસા મલિક. " 

"ફોર મિસ એનિસા મેલિક. " 

પોતાના નામનું ખોટું ઉચ્ચારણ અનીસાને ખટક્યું. મારું નામ મારી ઓળખ. મારી ઓળખ મારું સ્વમાન અને સ્વમાન વિના...વિચારોની સાંકળ ફરી એ જ વર્તુળમાં ફરવા લાગી. પરંતુ પરિસ્થિતિની કટોકટી વચ્ચે એ ખોટા ઉચ્ચારણના સ્વીકાર સિવાય છૂટકારો ન હતો. 

"હિયર યુ આર. એક્ચ્યુલી વી જસ્ટ રિસીવ્ડ ધ ડિલિવરી. સો ટુમોરો ધે વીલ બી સેટ ઓન શેલ્ફ. " 

માલિકના હાથમાં સ્ટાફે થમાવેલ અથાણાની બરણી ઉપર અનીસાની નજર મધ ઉપર માખીની જેમ ચોંટી ગઈ.

મિક્સ પિકલ્સ !

અથાણાંનો ચટાકેદાર રંગ અને દેખાવ નિહાળી એ જાણે પોતાના ઘરના રસોડાની અલમારીમાં અમ્મીએ ગોઠવેલી અથાણાંની કાચની એન્ટિક બરણીઓ સામે ઉભી હતી. ગરમાગરમ દાળભાત જોડે જાણે એ અથાણું એના ગળાની નીચે ઉતરી પણ ગયું હોય એમ એના થૂંક જોડે એ તીખો તમતમતો સ્વાદ એને ગળામાં અનુભવાયો. 

"ઇટ્સ એ વેરી ફેમસ બ્રાન્ચ. પીપલ ફ્રોમ યોર કન્ટ્રી લવ ધીઝ પ્રોડક્ટ. વી આર ઘી સોલ ઈમ્પોર્ટર. યુ કેન ગેટ ઈટ ઓન્લી ઈન આર સ્ટોર. " 

પોતાના પ્રોડક્ટનો પ્રચાર કરતા માલિકે બરણી કાઉન્ટર આગળ ધરી. અનીસાએ ઉત્સાહ જોડે બરણી હાથમાં ઊંચકી લીધી. બરણી ઉપરની પ્રોડક્શન અને એક્સપાયરી ડેટ નિહાળવા જેવી નજર બરણીને નજીકથી તાકી રહી જ કે જાણે હાથમાં વીજળીનો કરન્ટ લાગ્યો હોય એમ તરત જ બરણી એણે ફરીથી કાઉન્ટર ઉપર મૂકી દીધી. એનું શરીર બે ડગલાં પાછળ હટી ગયું. પૈસાની ગણતરીમાં વ્યસ્ત માલિક અનીસાની ચુકવણીની અપેક્ષા સેવી રહ્યો હતો. અનીસાની પ્રતિક્રિયાએ એને ચોંકાવ્યો. 

"વ્હોટ હેપન્ડ મિસ ?" 

"આમ સોરી. આઈ કાન્ટ બાય ધીઝ પ્રોડક્ટ. "

અનીસાએ સુપર સ્ટોરની બહાર નીકળવા મક્કમ ડગલાં ઉઠાવ્યા. 

"બટ...વાય ?" 

અનીસા એક ક્ષણ માટે થંભી. અથાણાંની બરણીને એક અંતિમ દ્રષ્ટિએ તાકી. અમ્મીએ બાળપણથી શીખવેલી વાત યાદ આવી. અનાજનું હંમેશા સન્માન કરવું. કોઈ પણ વાત હોય, આપણો ગુસ્સો કદી જમણ પર ઉતારવો નહીં. પણ આજે એ શીખ અનુસરાય નહીં. એણે મનોમન અથાણાંની બરણીને 'સોરી' કહી દીધું. 

"ઇફ આઈ વીલ બાય ઈટ....યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ.... સોરી સર. "

સુપર સ્ટોરની બહાર નીકળી આવેલી અનીસા અંદર પ્રવેશેલી અનીસા કરતા ઘણી જુદી હતી. અંદર પ્રવેશેલી અનીસા એક બાળક જેવી નિખાલસ હતી જયારે બહાર નીકળેલી અનીસા પરિપક્વ અને જવાબદાર હતી. 

ધીમા ડગલે ફ્લૅટ તરફ પરત થઇ રહેલી અનીસાની નજર રવિવારના દિવસનો માર્ગનો સન્નાટો હેરતથી નિહાળી રહી હતી. રવિવારના દિવસે તો એનું શહેર મોડી રાત સુધી ધમધમતું રહેતું. ક્યાંક પાણીપુરીની મહેફિલો, ક્યાંક કોઈ પુલ ઉપર બેઠક જમાવી બેઠા પરિવારો, ખીચોખીચ ભરેલા ફૂડ અને જ્યુસ સેન્ટર. એને ઘર નજીકનું ખમણ સેન્ટર, આલુપુરીની લારી, ફણસાણ માર્ટ ઉપરના ગરમ ફાફડા અને જલેબી આંખો સામે દેખાઈ આવ્યા. અમ્મી, અબ્બુ, ભાઈ બધાની યાદ મનમાં ટકોરા પાડવા લાગી. 

અહીં જેવો સ્વચ્છ નહીં, શિસ્તબદ્ધ નહીં....કમીઓ અનેક છે...પણ મારો દેશ તે મારો છે...વિદેશની ધરતી ઉપર આગળ વધી રહેલા અનીસાના ડગલામાં દેશપ્રેમની ધારા ફૂટી નીકળી. સ્કોલરશીપ જોડે જયારે એક અઠવાડિયા પહેલા વિદેશી ધરતી પર હોંશે હોંશે પગ મુક્યો હતો ત્યારે ધાર્યું પણ ન હતું કે આમ એક અઠવાડિયામાંજ દેશ યાદ આવી જશે. પણ માં અને દેશ કઈ એમના એમ ભુલાતા હોય ? 

ફ્લૅટ ઉપર પહોંચ્તાજ એણે મનને આશ્વાસન આપ્યું. બે વર્ષની જ તો વાત છે. ડિગ્રી મળે કે વતન પરત. ભારત પહોંચીને અમ્મીના હાથનું અથાણું જેટલું ખાવું હોય ખાઈશ. આવતી કાલે સીટી સેન્ટર માર્કેટમાં દેશી અથાણું મળી જ જશે. 

દાળભાત અથાણાં વિનાજ આરામથી ગળા નીચે ઉતરી ગયા. 

રવિવારના દિવસને દેશની યાદ જોડે પોતાના મનગમતા ગીતના શબ્દો સાથે અનીસા મલિક પસાર કરી રહી હતી.

'તેરી મિટ્ટી મેં મિલ જાવા 

ગુલ બનકે મેં ખીલ જાવા 

બસ ઇતની હે દિલ કી આરઝૂ....'

એજ સમયે સુપર સ્ટોરનો માલિક અનીસાએ ન ખરીદેલ અથાણાંની બરણી ચારે તરફથી ગોળ ગોળ ફેરવી નિરીક્ષણ કરી થાક્યો. પ્રોડક્શન ડેટ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રીડિઅન્ટ્સ.....બધુજ વ્યવસ્થિત હતું. થાકીને, કંટાળીને આખરે એણે બરણી સ્ટાફને સુપર્દ કરી. સ્ટોર બંધ કરવાનો સમય થઇ ગયો હતો. બરણી આખરે મોટા ડિલિવરી બોક્ષમાં ગોઠવાયેલી અન્ય બરણીઓ જોડે પરત મુકાઈ ગઈ. 

ડિલિવરી બોક્સના ઉપર લાગેલા મોટા સ્ટીકર ઉપરના શબ્દ 'પ્રોડક્ટ' ની સામે ' પિકલ્સ ' અને ' કન્ટ્રી ઓફ ઓરિજીન ' ની સામે ' મેડ ઈન પાકિસ્તાન ' છપાયું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy