lina joshichaniyara

Comedy

4.5  

lina joshichaniyara

Comedy

પતિની વ્યથા - લોકડાઉન અને રસોઈકળા

પતિની વ્યથા - લોકડાઉન અને રસોઈકળા

12 mins
24.2K


ના, ના આ લેખ કોઈ લોકડાઉન વિરોધી લેખ બિલકુલ નથી. મોદીજી એ લીધેલા આ લોકડાઉનના નિર્ણયની પ્રશંસા કરીએ એટલી ઓછી છે. એકદમ સાચા સમયે સાચો નિર્ણય કર્યો છે. મારો આ લેખ તો લોકડાઉન દરમિયાન મને થયેલા અનુભવો અને મારી વ્યથાઓ વિશેનો છે.

તમે તો મારા વિષે જાણો જ છો અને જો ન જાણતા હોય તો પતિની વ્યથા- નવરાત્રી સ્પેશ્યિલ તથા પતિની વ્યથા- દિવાળી સ્પેશ્યિલ વાંચી લેશો.

તમને જણાવ્યા મુજબ હું એક લેખક કમ પાર્ટટાઈમ બુટીકમેનેજર કમ અકાઉન્ટન્ટ કમ સેલ્સ પર્સન કમ પતિ છું. એટલે મને આ લોકડાઉનથી આમ જોવા જઈએ તો ખાસ ફરક પડવો ન જોઈએ. પરંતુ મિત્રો, જો જિંદગીમાં બધું જ આપણે કહીએ એમ જ થતું હોય તો એ જિંદગી ન કહેવાય. હવે તમે પૂછશો કે લેખક મહાશય, તમને શો ફરક પડે? તમારે ખાસ બહાર તો ક્યાંય જવાનું તો હોતું નથી અને કાયમી લોકડાઉન જેવી પરિસ્થિતિથી હવે તો ટેવાઈ જ ગયા હશોને?

જી હા, મને ફરક ન પડતો હોત જો આ લોકડાઉન ફક્ત મારા પૂરતું જ સીમિત હોત તો. પરંતુ આ લોકડાઉન તો બધા માટે છે એટલે સ્વાભાવિક છે કે ઘરમાં આવતા કામવાળા બહેન થી લઈને રસોઈવાળા બહેન બધા ને આ લોકડાઉન લાગુ પડ્યું છે.

હવે તમે કહેશો કે આમ નવીન શું છે? તમને એમ લાગતું હશે કે કામવાળા, રસોઈવાળા બહેનની ગેરહાજરીમાં મારી રાણી મારી પાસે બધું જ કામ કરાવતી હશે એની વ્યથા હશે મને. તો તમે સદંતર ખોટા અનુમાન લગાવો છો ! મિત્રો, હું તો એવો વ્યક્તિ છું કે મારા માટે કામ એ જ પૂજા છે અને કોઈ પણ કામ નાનું કે મોટું નથી. ઘરમાં રસોઈવાળા, કામવાળા બહેન આવતા હોવા છતાં પણ ઘણીવખત હું મારી રાણી ના રાજ્યમાં હાથફેરો કરી લેતો હોઉં છું. તો હવે તમને થતું હશે કે એમાં વ્યથા, સમસ્યા ક્યાં આવી? તો મારી સમસ્યા હવે જ ચાલુ થાય છે. લોકડાઉનના કારણે મારી રાણી નું બુટિક તથા એનજીઓ નું કામ થોડું ધીમું પડી ગયું છે. હવે મારી રાણી ઘરમાં પુરાણી.

મારી રાણીની એક ખાસિયત છે કે એ જયારે ઘરમાં પુરાય ત્યારે પહેલા તો ખુબ જ ગુસ્સે થાય અને પછી એ એની અંદર રહેલા રસોઈકળાના કીડા ને જગાડે અને આ લોકડાઉન દરમિયાન એની અંદરનો રસોઈકળાનો કીડો જાગી ગયો.

અરે, અરે વળી પાછું તમારું અનુમાન ખોટું છે. તમે એ જ વિચારતા હશો કે હવે મારે અથાણાં, પાપડ, મસાલા, ઘઉં વગેરે વગેરે જેવી ચીજ વસ્તુઓ કરવાની હશે.

જી ના, આ બાબતમાં હું થોડો નસીબવાળો છું. કેમ કે મારી રાણીને પણ આ કોઈ પણ વસ્તુ જાતે કરવી ગમતી નથી અને આમ પણ મારી રાણી આ બધી બાબતોમાં થોડી એડવાન્સ છે એટલે મસાલા,ઘઉં એવું બધું તો લોકડાઉન થયું એ પહેલા જ એને કરાવી લીધું હતું અને અથાણાં પાપડ ની બાબત માં તો એ રાવણ બનેલી જ છે. (વાંચો પતિ ની વ્યથા- દિવાળી સ્પેશ્યિલ) તો હવે તમને ખરેખર ગુસ્સો આવતો હશે કે ભાઈશ્રી તો તમારી વ્યથા ખરેખર છે શું?

મારી વ્યથાની કથાની શરૂઆત થાય છે મારી રાણી ના રસોઈકળાના કીડા થી. લોકડાઉન દરમિયાન એ કીડો આપોઆપ જાગી ગયો છે. અધૂરામાં પૂરું, આ લોકડાઉન દરમિયાન મારી રાણીના એક નવા દાદી જન્મ્યા છે એ છે "યુ ટ્યુબ દાદી". મારી રાણી આખો દિવસ યુટ્યુબ ઉપર આવતી વિવિધ વાનગીઓ જોયા રાખે. હવે જો આ વસ્તુ ખાલી જોવા સુધી જ સીમિત હોય તો તો વ્યથા જન્મે જ નહિ પરંતુ આ વિડિઓ જોયા પછી મારી રાણી એના રસોઈકળાના કીડા સાથે નવી નવી વાનગીઓ પણ બનાવે. હવે, આમ પણ તમે એમ કહેશો કે આ તો સારી વાત કહેવાય કે પત્ની નવી નવી વાનગીઓ શીખે અને બનાવે. તમે મને તો નસીબદાર માનતા હશો. જી હા, હું નસીબદાર હોત જો એ ફક્ત વાનગીઓ શીખતી હોત તો. પરંતુ વાનગી શીખ્યા પછી સૌથી પહેલા મારે જ ચાખવી પડે છે. એટલે કે એની રસોઈકળાનું હું ગીનીપીગ છું.

તમે એવું વિચારતા હશો કે એમાં નવીન શું છે? અમારા પણ એવા જ હાલ છે. દુનિયાની દરેક પત્ની નવા અખતરા પતિ ઉપર જ કરે છે અને એ જગ નો નિયમ પણ છે. હા, ભાઈ હા, તમારી વાત સો ટકા સાચી પરંતુ નવી વાનગીઓ ક્યારેક ભારે નહિ પણ અતિભારે પડી જાય છે.

હવે હું તમને મારી વ્યથા ની કથા કહું છું. એ વાંચ્યા પછી તમે જ નક્કી કરજો કે નવા અખતરા સારા કે ભારી ?

જયારે અમારા લગ્ન થયા ત્યારે મારી રાણીને રસોઈ નો 'ર' પણ આવડતો ન હતો. જો કે એમાં મારી રાણી નો કોઈ વાંક પણ ન હતો. એમાં એવું છે કે મારા સસુરજી થોડા અલગ અને અત્યંત આધુનિક વિચારસરણીવાળા છે. સાથે સાથે સિદ્ધાંતવાદી પણ ખરા. એમના ઘરમાં દીકરીઓ પાસે કોઈ જ કામ કરાવવાનું નહિ એવો ઠરાવ પસાર થયેલો છે. આ ઠરાવ મારી રાણી ના ફઈના જમાનાથી જ છે. મારી રાણીના દાદા એ એમની દીકરી એટલે કે ફઈ પાસે ઘરના કોઈ જ કામ કાજ કરાવ્યા ન હતા. એટલે કે નાનપણથી જ મારી રાણી એ ઘરમાં ચમચી પણ ઉપાડી ને મૂકી ન હતી. પણ ખુબ ખુબ આભાર મારા સાસુજી નો કે જેમણે મારા સસરાજીના સિદ્ધાંતો, ઠરાવોનો વિરોધ કરીને પણ મારી રાણીને ચા તથા રોટલી બનાવતા શીખવ્યા હતા. જયારે અમારા લગ્ન થયા ત્યારે મારી રાણી ને ફક્ત ચા અને રોટલી બનાવતા આવડતું હતું. પણ મજાની વાત વાત એ હતી કે એને રોટલીનો લોટ બાંધતા આવડતું ન હતું. આગળ વાંચ્યા પછી ખબર પડશે કે કેમ મેં એને મજાની વાત કહી??

મારા સદ્દનસીબે મને મારી મજબૂરીઓએ રસોઈકળામાં પાવરધો બનાવી દીધો હતો. એટલે કુકર બંધ કરવાથી લઈને,સીટી લગાવવાથી લઈને રાબેતા મુજબ ની રસોઈ બનાવતા મેં મારી રાણી ને શીખવ્યું. જેમ નવી વહુ ને સાસુ બધી જ ટ્રેનિંગ આપે એમ મેં મારી રાણી ને બધી જ ટ્રેનિંગ આપી અને સાથે સાથે એની અંદર રસોઈકળાના કીડા ને પણ જગાવ્યો. પરંતુ ક્યારેક ક્યારેક આ કીડો મને જ બહુ ભારી પડી જાય છે.

એકવાર હું મારો લેખ લખી સ્ટડીરૂમમાંથી બહાર આવ્યો તો મારી રાણીએ મને સખત શબ્દોમાં સૂચના આપી કે મારે રસોડામાં જ્યાં સુધી એ ન બોલાવે ત્યાં સુધી પ્રવેશવાનું નથી કે રસોડાનો દરવાજો ખખડાવવાનો નથી. મારી રાણી મને કંઈક સરપ્રાઈઝ દેવા માંગતી હતી. આપણે તો બંદા બહુ ખુશ થઇ ગયા કે વાહ! આજે તો કંઈક વાનગી જમવા મળશે અને દિવા સ્વપ્ન જોવા લાગ્યા. અલગ-અલગ અનુમાન પ્રમાણેની વાનગીઓ નજર સામેથી પસાર થવા લાગી અને મોં માં પાણી છૂટવાની શરૂઆત થઇ ગઈ.

એ દિવસે એ ૨ કલાક સુધી રસોડાની બહાર ન આવી એટલે મને ચિંતા થઇ.

મેં રસોડાનું બારણું ખખડાવ્યું અને પૂછ્યું" અરે જાનું, શું કરે છે આટલી વાર થી રસોડામાં? તું એવી તે કઈ વાનગી બનાવી બનાવવાની છે જેમાં આટલી બધી વાર લાગે?"

મારી મુંજાયેલી રાણી મુંજાયેલા અવાજમાં બોલી કે મને હજી થોડી વાર લાગશે. હું તમને બોલવું ત્યારે જ આવજો.

મને થયું કે હશે, ફરી પછી યુ ટ્યુબ દાદી ધૂણી હશે. ચાલો આટલી રાહ જોઈ જ છે તો હજી વધારે રાહ જોઈ લઈએ. વધુ અડધી કલાક થઇ ગઈ. હવે મારી ધીરજ ખૂટી ગઈ. મારા પેટમાં ઉંદરડા, બિલાડા બધા જ કુદકા મારી રહ્યા હતા. છેવટે મેં મારી રાણીને ધમકી આપી કે જો એ દરવાજો નહિ ખોલે તો હું દરવાજો તોડી નાખીશ. સરપ્રાઈઝ સરપ્રાઈઝ હોય તો ગમે માથાના દુ:ખાવા જેવું હોય તો કોઈ ને ન ગમે. આખરે મારી રાણી એ એના રાજ્યના કમાડ ઉઘાડ્યાં. હું તો એને જોતો જ રહી ગયો. મને એને જોઈને અત્યંત દયા પણ આવતી હતી અને હસવું પણ રોકાતું ન હતું.

વિખરાયેલા વાળ, વાળ માં ચોંટેલો બાજરાનો લોટ,કપાળ ઉપર આડા-અવળા થયેલા બાજરાના લોટ ના ટીલા-ટપકાં. નીચે જમીન ઉપર ઢોળાયેલા લોટ અને પાણી......

મુંજાયેલી રાણી મુંજાયેલા સૂર માં બોલી,"આ જોવોને બાજરાનો લોટ! હું ક્યારની રોટલો બનાવવાંની કોશિશ કરું છું પણ જેવો લોટ હાથમાં લઇ ટીપવાની શરૂઆત કરું ત્યાં તો એ નીચેથી પડી જાય છે. રોટલો ટિપાતો જ નથી.

મેં એક નજર કથરોટમાં અને એક નજર મારી રાણી ઉપર નાખી. મારી રાણીને મેં પૂછ્યું" શું તું બે કલાક, સોરી અઢી કલાક થી આ જ કરતી હતી? ઓરો બનાવ્યો કે નહિ?

રાણી બોલી" મને એમ થયું કે પહેલા રોટલા બનાવી લઉં. પછી ઓરો બનાવું."

મને રીંગણાંનો ઓરો અને બાજરાનો રોટલો અતિપ્રિય છે. ખબર નહિ એ દિવસે ક્યાં ચોઘડિયામાં એને ઓરો બનાવવાનું સૂજ્યું.

હજી તો હું મારા પારેવડાંને કંઈ કહેવા જાઉં એ પહેલા મારુ ધ્યાન એક કટોરામાં પડેલા બરફના ટુકડાઓ ઉપર પડ્યું. મને આશ્ચર્ય થયું કે આ બરફ અહીં શું કરે છે? પછી એમ થયું કે કદાચ મારી રાણી ને ગભરામણના કારણે ગરમી થતી હશે. પછી મને બીજો ખતરનાક વિચાર આવ્યો અને એ વિચાર માત્રથી જ હું ડરી ગયો. વળી પાછું ક્યાંક મારુ પારેવડું ગુસ્સે તો નથી ભરાણુંને? એનો ગુસ્સો તો બાપ રે બાપ! બહુ જ ખતરનાક છે. હવે તો મને પણ પસીના છૂટી ગયા. મેં વિચાર્યું કે જલ્દી મારા પારેવડાંને શાંત કરવું પડશે. એટલે મેં એને પૂછ્યું," પ્રિયે, શું હું તારામાટે લીંબુ પાણી કે પછી કંઈક શરબત બનાવી આપું?"

રાણી બોલી,"ના, ના, જમવા ટાઇમે લીંબુપાણી નથી પીવું."

મેં પૂછ્યું," તો પછી આ બરફ શા માટે કાઢી ને રાખ્યો છે? મને એમ થયું કે તને ગરમી થતી હશે એટલે..."

રાણી બોલી," ઓહ, અરે આ? ના, ના આ મેં લીંબુપાણી બનાવવા માટે નથી કાઢી રાખ્યો. પરંતુ લોટ બાંધવા માટે કાઢ્યો છે."

મને આંખે અંધારા આવી ગયા. રોટલાનો લોટ બાંધવા માટે બરફ નું શું કામ? મેં એને કુતુહલ વશ આ સવાલ પૂછ્યો. અને જવાબ માં મારા પારેવડાએ, ના,ના ચાંચવાળા પારેવડાં એ મને જોરથી ચાંચ મારી. એ બોલી ,"અરે આ તો મેં યુ ટ્યુબ માં જોયું હતું."

મેં પૂછ્યું,"શું જોયું હતું? બરફ થી લોટ બાંધવાનો?"

રાણી બોલી " અરે ના, ના લોટ બાંધવાનો નહિ. પણ શિખંડ ઢીલું થઇ ગયું હતું ને તો એની તપેલીને બરફની વચ્ચે રાખ્યું તો થોડું કડક થઇ ગયું."

જોયું? જોયું તમે? સ્ત્રીની બુદ્ધિ પાનીએ એ કહેવતને હું બિલકુલ સમર્થન નથી આપતો અને મારુ આ પારેવડું ક્યારેક ક્યારેક આ કહેવત ની સાબિતી પણ આપી દે છે.

હવે રાણીને એમ તો ન કહેવાય કે માતાજી, એ શિખંડ હતું અને આ બાજરાના રોટલા બને એ લોટ છે અને એ પણ સ્વિમિંગ પુલમાંથી સ્નાન કરીને નીકળેલો હોય એટલો ઢીલો. એ એમ કડક ન થાય. સરખામણી કરતા પેલા જરાક તો વિચાર કર, ડોબી!!!

જો આમ કહેવા જઈએ તો તો આપણા જ રામ રમી જાય. એ ક્યાંક મને જ બાજરાનો લોટ સમજી ટીપી નાખે અને ચૂલે પણ ચડાવી દે અને પછી ચીપિયા મારી મારી ને ફુલાવી પણ દે.

મેં કથરોટમાં પડેલા લોટની સામે જોયું અને ૨ મિનિટ માટે મને એની દયા આવી ગઈ. એવું લાગતું હતું કે ભરશિયાળે તાપમાન માઇનસ ડિગ્રીમાં ચાલ્યું ગયું હોય અને કોઈએ એ લોટને ઠંડા પાણીથી નવડાવી નવડાવી ને ઢીલો ઢબ કરી દીધો હોય અને પાછો એ ઠંડીથી તથા કંઈક અંશે મારી રાણીના મજબૂત હાથો વડે ટીપવાના ડર થી થર થર ધ્રૂજતો હોય એવું લાગી રહ્યું હતું. એ લોટ એટલો ઢીલો હતો કે એના રોટલા કરવા કરતા એ લોટથી સીધું નહાઈ લેવું સારું.

મેં મારા ચાંચવાળા પારેવડાં ને પૂછ્યું," પણ એમાં આટલો બધો લોટ શા માટે લીધો? થોડા લોટમાં ટ્રાય કરાય ને? આ લગભગ એકાદ કિલો જેટલો લોટ હશે!!"

તો મારુ પારેવડું શું બોલ્યું ખબર છે?

"અરે, ના, ના એક કિલો લોટ માં હજી થોડો લોટ બાકી છે. મેં તો એક જ વાટકી લોટ લીધો હતો. પરંતુ લોટ-પાણી-લોટ-પાણી કરતા કરતા આટલો બધો લોટ ક્યારે વપરાઈ ગયો એ ખબર જ પડી."

હવે તમે કલ્પના કરો કે તમને કકડીને ભૂખ લાગી હોય, તમારા પેટમાં કુતરા, બિલાડા, ઉંદર અને દુનિયાના બધા જ પ્રાણીઓ કૂદકા મારી રહ્યા હોય અને જો આવી સ્થિતિ ઊભી થઇ તો તમને કેવું લાગે? મારી હાલત કેવી થઇ હશે? ત્યારે તો મને મારી જાત ઉપર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો કે શા માટે મેં આને રસોઈ શીખવી અને રસોઈકળાનો કીડો જાગૃત કર્યો.

એ દિવસે જેમતેમ કરી રસોડું સાફ કરી રાત્રે ૯ વાગે અમે બહાર જમવા ગયા. જો કે એ દિવસ પછી એક સારી ઘટના એ પણ બની કે હવે મારી રાણી મને સરપ્રાઈઝ આપવાનું બિલકુલ નથી વિચારતી.

આ બનાવ બન્યાના થોડા દિવસો પછી એક દિવસ મારી રાણી પરોઠા અને શાક બનાવી રહી હતી. હું રસોડામાં એમ વિચારીને ગયો કે લાવ થોડી એને મદદ કરું જેથી કરીને અમે બંને જલ્દી નવરા થઈએ અને એક બીજા સાથે સમય વિતાવીએ. પણ મને શું ખબર કે એવું કરીને મેં કેટલી મોટી ભૂલ કરી નાખી હતી. હા, હા આગળ વાંચો એટલે સમજાશે કે .... ના, ના પહેલા વાંચો...

રસોડામાં જઈને જોયું તો પંજાબી સ્ટાઇલનું શાક બની રહ્યું હતું જેની ખુશ્બુ છેક બહાર સુધી પ્રસરી રહી હતી અને મારા મોઢામાં પાણી લાવી રહી હતી. મારી રાણી પરોઠાનો લોટ બાંધી રહી હતી. હવે તો તમે પણ અનુમાન લગાવી શકો છો કે મારી રાણી ને અને લોટ બાંધવાને કેટલામો ચંદ્રમા હોઈ શકે.

એને લોટ બાંધતા જોઈ મારાથી રહેવાયું નહિ અને કહી દીધું"ડાર્લિંગ, તને આ લોટ વધારે નથી લાગતો? કેટલા પરોઠા નો લોટ બાંધ્યો છે?"

રાણી બોલી,"અરે, આપણે બે જ છીએ ને તો મેં ૬ પરોઠાનો લોટ બાંધ્યો છે."

હું બોલ્યો," ખરેખર, પણ આ લોટ તો ૧૫ થી ૨૦ પરોઠા જેટલો લાગે છે."

રાણી ગુસ્સામાં બોલી," અચ્છા, તમને એવું લાગે છે? મેં તો ૬ જ પરોઠાનો લોટ બાંધ્યો છે."

એટલે હું એની મજાક ઉડાડતા ઉડાડતા કટાક્ષમાં બોલ્યો,"કંઈ વાંધો નહિ જાનું, વધે તો સાંજે જમી લઈશું અને એ પછી પણ વધે તો પાડોશીઓ શું કામના છે? એમને આપી દઈશું."

બસ, વાત ખતમ! મને ખબર ન હતી કે મેં ક્યાં પારેવડાં ને છંછેડ્યુ હતું. એ પારેવડું અને એ પણ ચાંચવાળું એની ખબર તો બહુ મોડી પડી.

કમાલની વાત તો એ થઇ કે એ દિવસે ફક્ત ૬ જ પરોઠા બન્યા હતા. ન ૬ થી વધારે અને ન ૬ થી ઓછા.

તમને સમજાયું કે શું થયું હતું?

જી હા, એ લોટ તો ૧૫ પરોઠાનો જ હતો. પરંતુ મારા દોઢડહાપણના કારણે એ ૧૫ પરોઠાને બદલે એ લોટમાંથી ફક્ત ૬ જ પરોઠા બનાવ્યા. હવે તમે અંદાજ લગાવી લો કે એ પરોઠાની જાડાઈ, પહોળાઈ કેટલી હશે? એ પરોઠા આખી જિંદગી યાદ રહી જાય એવા હતા.

એ દિવસ થી એક શીખ મળી મિત્રો, કે જયારે પણ પત્નીની મદદ કરવા રસોડામાં જાઓ ત્યારે મૂંગા મોઢે, કોઈ પણ જાતની કોમેન્ટ કર્યા વિના જ મદદ કરવી, નહીંતર બહુ ભારી પડી જાય છે.

હવે તમને સમજાયું કે યુ ટ્યુબ દાદી, રસોઈકળાનો કીડો આ બધું મારા માટે શા માટે વ્યથા છે?

જ્યારથી આ લોકડાઉંન આવ્યું છે ત્યારથી અમારા રાજ્યમાં યુ ટ્યુબ દાદીએ કબ્જો જમાવી દીધો છે. દરરોજ નવીન નવીન અને ક્યારેક તો નામ પણ ન સાંભળ્યા હોય એવી વાનગીઓ બને છે તથા મારે ગીનીપીગની જેમ ચાખવી પડે છે. ક્યારેક જો નસીબ સારા હોય તો અત્યંત સરસ વાનગી મળે અને જો નસીબ જ ન હોય તો, જી હા તમે બરાબર જ વાંચ્યું છે. નસીબ ન હોવા એમાં ક્યાંય વ્યાકરણની ભૂલ નથી.

ખરાબ નસીબ તો મેં જે ૧૫ પરોઠાના ૬ પરોઠા ખાધા એને કહેવાય. પરંતુ ક્યારેક ક્યારેક તો પરોઠાથી પણ કેટલી ગણી હાલત ખરાબ થઇ જાય ત્યારે એમ જ કહેવું પડે કે સાલું નસીબ જ નથી રહ્યા હવે.

સામાન્ય રીતે મારી રાણી વાનગીઓ બનાવતી હોય ત્યાર માટે સ્પાઈડર મેન, સુપર મેન, બેટ મેન બની ઉડવા માટે તૈયાર જ રહેવું પડે. પણ હમણાં મને આ બધામાંથી મુક્તિ મળી છે.

હવે તમે જ વિચારો છે ને મારી વ્યથા વ્યાજબી? આટલું ઓછું હોય એમ રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવે છે. મિત્રો સાચું કહું ને તો જ્યારથી આ રામાયણનું પુનઃપ્રસારણ ચાલુ થયું છે ત્યારથી મારી વાટ લાગી ગઈ છે. કેમ, ભૂલી ગયા મારી રાણી અને રાવણનો જોક? (વાંચો પતિ ની વ્યથા-દિવાળી સ્પેશિયલ) હા , તમારી જેમ મારી રાણી પણ ખુબ જ ડાહી છે. એણે પણ મારા લેખો વાંચ્યા છે. ના,ના વારંવાર વાંચ્યા છે. એટલે આ પ્રસારણ પહેલા યુ ટ્યુબ દાદીનો ત્રાસ ફક્ત એક જ વખત થતો હતો. પરંતુ હવે, દિવસમાં ત્રણ-ત્રણ વખત યુ ટ્યુબ દાદી અમારા રાજ્યમાં પ્રવેશે છે અને મારુ ધનોત પનોત કાઢી નાખે છે.

જેમ કોરોનાના કહેરે આખા જગતમાં હાહાકાર મચાવ્યો છે. એવી જ રીતે આ યુ ટ્યુબ દાદી નામનું વાંદરું હાહાકાર મચાવીને મારી રાણીની લંકામાં કૂદકા મારીને મારી ઉપર કહેર વરસાવે છે.

રામાયણના પુનઃપ્રસારણથી મને ઘણીવાર આનંદ પણ આવે છે.

એકવાર મારી રાણી યુ ટ્યુબ દાદી સાથે નવા વ્યંજન શીખવામાં મશગુલ હતી અને હું એને દ્રાક્ષના કટકા કરીને મોમાં આપી રહ્યો હતો. શરૂઆતના આઠ-દસ કટકામાં તો એનું ધ્યાન ન ગયું કે હું એને આખી દ્રાક્ષના બદલે કટકા આપી રહ્યો છું. પરંતુ જેવું એનું ધ્યાન ગયું એવી એણે મને ચાંચ મારી "આ શું મને કટકા ખવડાવો છો ? આખી દ્રાક્ષ આપવામાં શું જોર પડે છે?

મેં કહ્યું "પ્રિયે, એમાં એવું છે ને કે આજે હું શબરી બન્યો છું."

રાણી બોલી,"અરે, તો તો હું રામ થઇ ને?"

મેં કહ્યું,"અરે, ગાંડી, હું કળયુગની શબરી બન્યો છું. જે રામને નહિ રાવણને પોતાની એંઠી દ્રાક્ષ ખવડાવે છે."

મિત્રો, આશા રાખું કે તમારી પત્નીઓ, અરે આ તો આમ લખાય પત્નીઓ, બાકી તો એક જ ભારી પડે છે. હા, તો તમારી પત્નીઓની અંદર આવો રસોઈકળાનો કીડો જાગૃત ન થતો હોય અને જો થતો હોય તો યુ ટ્યુબ દાદીના ત્રાસમાંથી આપને જલ્દી મુક્તિ મળે એવી પ્રાર્થના.

આપણે જલ્દીથી આ કોરોના (કોવિદ-૧૯) સામે વિજય પ્રાપ્ત કરીએ અને લોકડાઉન પરિસ્થિતિમાંથી મુક્ત બનીએ અને જલ્દીથી અમારા રસોઈવાળા બહેન કામે લાગે એવી આશા સાથે મારા આ લેખનને અલ્પવિરામ આપું છું. જી હા, અલ્પવિરામ જ ને? મારુ પારેવડું, ના, ના, ચાંચવાળું પારેવડું એમ શાંતિથી બેસે એવું થોડી છે ?

એના બીજા અનેક નવા કિસ્સાઓ અને એની નવી વ્યથાઓ સાથે ફરી મળીશું.

(કથાબીજ: મારા પ્રિય પતિ મહોદય)


Rate this content
Log in

Similar gujarati story from Comedy