Rupal Vasavada

Thriller

2.5  

Rupal Vasavada

Thriller

બાલ્કની

બાલ્કની

3 mins
7.8K


સૂમસામ રાત હતી. ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી. શહેરથી દૂર, એક લક્ઝરી એપાર્ટમેન્ટની, સાતમા માળની બાલ્કનીમાં ઊભેલો એક કાળો પડછાયો, એકલતા સાથે અનુરૂપ તાદાત્મ્ય સાધતો હતો.

શરદ નવી જોબના આનંદમાં મોટા શહેરમાં આવી તો ગયો પણ કામ એનો પીછો છોડતું નહોતું. દિવસ આખો ઑફિસની ચાર દીવાલમાં અને ઘરે પાછા ફરી ઓરડામાં બેસીને કોલ્સ પર બીઝી રહેતો શરદ, બાલ્કનીમાં જરા તાજી હવાનો એહસાસ મેળવવા નીકળ્યો.

એકલવાયું જીવન જીવતા શરદ માટે આ હવે એક નિત્યક્રમ બની ગયો. બાલ્કનીમાં જઈ ઉભા રહેવું. એની  સોસાયટી શહેરથી દૂર હોવાથી ઘણા ફ્લેટ્સ ખાલી હતા. બસ ફક્ત એક ફ્લેટમાં હંમશા બેઠક રૂમની લાઈટ ચાલુ રહેતી.

એક રાત્રે શરદે એ જ ફ્લેટમાં એક સ્ત્રીને સોફા પર હાથપગ સંકોરીને બેઠેલી જોઈ. થોડી બારીકીથી જોતા ખ્યાલ આવ્યોકે એક પુરુષ ત્યાં ઊભીને કંઈ બોલતો હતો. પેલી સ્ત્રી નીચી નજરે એને સાંભળતી હતી. બીજા દિવસે સવારે એ ફ્લેટની બાલ્કની ખુલી. પેલી સ્ત્રી ત્યાં ઘરકામ કરતી દેખાઈ. હવે રોજનો સિલસિલો થઇ ગયો જાણે, રોજ આ જ ક્રમ. રાતે નાટ્યાત્મક રીતે સ્ત્રી સોફા પર અને પુરુષ એને સંબોધીને સતત બોલ્યા કરે. બીજી સવારે સ્ત્રી કામ પતાવી પોતાની બાલ્કની બંધ કરે અને આખો દિવસ એનું ઘર શાંત લાગે.

એક દિવસ કામ કરતાં કરતાં, પેલી સ્ત્રીનું ધ્યાન શરદ પર પડ્યું. સહેજ ખચકાઈને એ અંદર જતી રહી. શરદ પણ ભોંઠપ અનુભવતો રૂમમાં ચાલ્યો ગયો. એજ સપ્તાહના અંતમાં, શરદ લટાર મારતો પાસેના માર્કેટમાં, જુદી જુદી શાકની લારીઓ જોતાંજોતાં ચાલતો હતો, ત્યાં તેને પેલી સ્ત્રી દેખાઈ. તે ખરેખર સુંદર હતી. કોણ જાણે શું રહસ્ય હતું એની જિંદગીનું, જે શરદને નવાઈ પમાડતું હતું. એ સ્ત્રીનું નામ શું હશે? એમ વિચારતો અજાણતાંજ એ પેલી સ્ત્રીની દિશામાં દોરવાયો.

અચાનક પેલીનું ધ્યાન શરદ પર પડ્યું અને એ ત્યાંથી જલ્દી ચાલવા લાગી. બંને હાથમાં થેલીઓ ઊંચકી, એ રોડની બીજી બાજુ ગઈ. ત્યાંજ એનો પતિ હાથમાં સિગરેટ ફૂંકતો ભો હતો. શરદ અને પેલા માણસની નજર ઘડીભર એકબીજા સાથે ટકરાઈ. પેલાના ભવાં ઊંચા થયા. શરદ તરત ત્યાંથી આગળ ચાલવા લાગ્યો.

શરદ ઘરે પહોંચ્યો, આજની આખી ઘટના કંઈક વિચિત્ર લાગી. હવે કદી બાલ્કનીમાં જઈને સામેના ઘરની જાસૂસી નહી કરે એમ એણે નક્કી કર્યું. બરાબર ત્યારેજ એક કારમી ચીસ સંભળાઈ. શરદ દોડીને બાલ્કનીમાં ગયો. જોયું તો સામેના ઘરમાં બધા જ રૂમની લાઇટો ચાલુ હતી. વસ્તુઓ પછાડવાના અવાજ આવતા હતા. પણ કોઈ દેખાતું નહોતું. વરસાદ વરસવાનો શરુ થયો અને શરદને અંદર જવું પડ્યું.

બીજા દિવસે ઊંઘમાંથી સફાળા ઉઠી, શરદે બહાર જઈને જોયુંતો સામેનો ફ્લેટ હજુ એજ હાલતમાં હતો. શું થયું હશે એમ વિચારતા એણે છાપું હાથમાં લીધું. મુખ્ય સમાચારોમાં હેડલાઈન હતી. શહેરના ભવ્ય ગણાતા એપાર્ટમેન્ટમાં બનેલો એક ગમગીન બનાવ. પતિ પત્ની વચ્ચેના તણાવનું બેહુદુ પરિણામ. પાસે રહેતા એક પરિવારે આપેલ અહેવાલ મુજબ, સુંદર પત્નીને કદી એકલી ક્યાંય બહાર ન જવા દેનાર પતિ, એને ઘરમાં જ રહેવા મજબુર કરતો અને છતાં કોઈ પરપુરુષ સાથે સંબંધની શંકા કરતો. રાત્રે નશો કરી આવતો. અને મોટે મોટેથી રોજ આખા દિવસનો અહેવાલ માંગતો. પતિએ પત્ની પર પાસેના માર્કેટમાં પ્રેમીને મળ્યા હોવાનો આરોપ મૂકતાં મામલો બિચક્યો. દારૂડિયા પતિ અને એની શંકાઓથી કંટાળેલી પત્નીએ, પતિને કાચ અને ધાતુના ઓજારોથી જખ્મી કર્યો. ગંભીર હાલતમાં લવાયેલ પતિનું, શહેરની એક હોસ્પિટલમાં મૃત્યુ. પત્ની ફરાર!

શરદના પગ જમીન સાથે જાડાઈ ગયા. એ સુંદર સ્ત્રીનું નામ મોના હતું. એ એને આજ  જાણવા મળ્યું. એ પણ કેવા સંજોગોમાં! પોતે અનાયાસે માર્કેટ ગયો અને કેવડી મોટી ગેરસમજ સર્જાઈ! આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા બાદ, રાત્રે ધ્રુજતા શરીરે એ બાલ્કનીમાં ગયો. ધોધમાર વરસાદમાં પેલી સ્ત્રી ક્યાં ગઈ હશે વગેરે વિચારોથી એનું માથું ચકરાવવા લાગ્યું.

આજ ફરી સૂમસામ રાત હતી. ભારે વરસાદ પછીની શાંતિ ચોમેર અનુભવાતી હતી. શહેરથી દૂર એક લક્ઝરી એપાર્ટમેન્ટની સાતમા માળની બાલ્કનીમા ભેલો એક કાળો પડછાયો એકલતા સાથે અનુરૂપ તાદાત્મ્ય સાધતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller