Rathod Bhagirath

Inspirational Others

3  

Rathod Bhagirath

Inspirational Others

બદલો

બદલો

10 mins
624


સાંજના છએક વાગ્યાના સમયે ડૂમ્મસના દરિયા કિનારે હું અને જલ્પા ઠંડા પવનોની લહેરખીઓની સાક્ષિએ એકબીજાનો હાથ હાથમાં લઈને ભવિષ્યના સપનાઓ ગૂંથી રહ્યા હતા. કેવી રીતે મણીશું આ જિંદગીને અને કેવી રીતે જીવીશુંની મીઠી વાતોમાં એકમેકમાં મશગુલ થઈને એકબીજા માં પીગળી રહ્યા હતા.

એકાદ અઠવાડીયા પહેલાજ તો હજુ સગાઈ થઈ હતી અને પહેલી વખત આવી રીતે ક્યાક બહાર એકલા મળવાનુ ગોઠવાય એમ હતું, એટલે હું વધારે વિચાર્યા વગરજ ભાવનગરથી આજે સુરત જલ્પાને મળવા આવી પહોચ્યો. શિયાળાની મધમધતી સાંજ હતી અને ધીમે ધીમે અંધારાના ઓળા આ ઘૂઘવતાં મહાસાગરને પોતાની બાહુપાશમાં સમાવવાની તૈયારી કરી રહ્યા હતા. અને અમે બંને એક બીજામાં જામી રહ્યા હતા.

જલ્પાએ સહજતાથી મને પુછ્યું, “અર્પણ આપણે અહી આવીને બેઠા ત્યારે હતું તેના કરતાં અત્યારે પાણી ખૂબ નજીક આવી ગયું હોય તેવું નથી લાગતું ?” ત્યાં અચાનક જ હું દિવાસ્વપ્નોમાંથી વાસ્તવિકતાની વરવી ભયાવહતામાં પટકાયો. એક જ ક્ષણમાં પરિસ્થિતિની વક્રતા માપી લીધી.

અમે મુખ્ય રસ્તાથી ઘણા દૂર દરિયા કિનારે બાઇક પાર્ક કરીને ચાલતા ચાલતા અહી ભેખડ વટાવીને ઝાડી જેવા લાગતા જંગલ અને દરિયા કિનારાના સંગમે આવી બેઠા હતાં. ફરવા આવનારનો પ્રવાહ પણ ખૂટી ગયો હતો. એકલ દોકલ ત્યાના જ કોઈ આંટા મારી રહ્યા હતાં.

આછા પ્રકાશમાં દૂર સુધી પાર્ક કરેલું બાઇક દેહતું નહોતું. મે જલ્પાને, “ઊભીથા ચલ જલ્દી નીકળવું પડશે” કહી સાથે આવવા કહ્યું. હજુ ભેખડ પસાર કરી ત્યાં સુધીમાંતો પાણી ગોઠણ સુધી આવી ગયું હતું. અને અમે મોબાઇલની ટોર્ચ લાઇટના આછા પ્રકાશમાં થડકતા હૈયે આગળ વધી રહ્યા હતાં.

“એ વાલા ન્યાથી નય નિહરાય, ભરતી ઘણી સડી ગય લાગહ, આણીકોર થઈ ઝાડી માથી પરબારો ગામનો મારગ સે ન્યાથી નિહરી જાવ”, ભેખડ પરથી કોઈ પીઢ માણસનો આવાજ સંભળાયો. પણ બાઇક અહિયાં છોડીને કેમ જવું મને વિચાર આવ્યો અને ટૂકમાં તે અજાણ્યા વ્યક્તિને કહ્યું કે “આગળ બાઇક પડ્યું છે તે લઈને જ નીકળવું પડશે”. તે વડીલે પાછું ઠપકાના સૂરમાં કહ્યું, “ એલા ન્યાથી નો જવાય અટાણે, બાયું માણહ ભેગા સે ને અંધારમાં ચ્યમના બાર નિહરસો”,

“કાકા વાંધો નહીં નીકળી જઈશું” કહીને અમે આગળ વધ્યા.

ઓહ ! આ શું ? અચાનક મારા મોં માંથી ઉદગાર સરી પડ્યો. બાઇક અડધે સુધી પાણીમાં ગરક હતું , જલ્પાનો હાથ મારા હાથમાં હતો , અને બીજા હાથમાં આછી લાઇટ વાળો મોબાઇલ. છાતીના પાટિયા પર પરિસ્થિતિની અસર થઈ ધબકારા તેજ થયા. પરંતુ અત્યારે પરિસ્થિતી સામે લડ્યા સિવાયનો વિકલ્પ મને પોસાય તેમ નહતો, કેમકે ના તો અહિયાં કોઈ ઓળખીતાને મદદ માટે બોલાવવા જેટલો સમય હતો કે ના વધારે ઊભા રહીને મોડેથી તરી નીકળવાની ક્ષમતા. અને પગ નીચેનો કીચડ પણ વણ માગ્યો જવાબ આપતો હતો કે નિકળ જલ્દી અહીથી.

“ચિંતા ના કરો નીકળી જવાશે, ચાલો હું બાઇકને ધક્કો મારૂ તમે આગળથી ચલાવો” જલ્પા બોલી, મારી કલ્પના બહારનું આ વાક્ય હતું. હું વિચારતો હતો કે જલ્પા રડે નહીં તો સારું, હમણાં ગુસ્સો કરશે ? શું થશે ? પણ તેની હિમ્મત જોઈ ને મને જાણે લો બેટરી વાળા મોબાઇલને ચાર્જર મળી જાય ને પાવરમાં આવે એવો પાવર મળી ગયો.

તેની હિમ્મતને મનોમન દાદ દઈને બાઇકને રીતસર અમે બંને એ ઢસડવાનું ચાલુ કર્યું. કાદવ અને દરિયાના પાણી ને લગભગ બસોક મીટર મહા મહેનતે વટાવ્યા પછી અમે મુખ્ય રસ્તા સુધી પહોચ્યા. ઘેર જઈને શું જવાબ આપીશું નો મનમાં ભય હતો, તો ક્યાક આટલી હિમ્મત વાળી અને મુશ્કેલીમાં પણ ના ડગનારી થનાર પત્નીનો સાથ જોઈને ઉમંગ હતો.

પરંતુ સાચી પરિસ્થિતિનો સામનો કરવાનો હજુ બાકી હતો. બાઈકેતો રિસામણ ચાલુ કર્યુ, તેમણે તો ના ચાલુ થવાના વચને બંધાઈ હોય એમ મારી મારેલી કીક ના જવાબ બુડબુડ બુડબુડ કરીને આપ્યા. બાઇકનું સાઈલેન્સર સરસ મજાનું પાણીથી તરબોળ ભરાયેલુ હતું.

રસ્તે પસાર થતાં એક વ્યક્તિની મદદથી બાઇકને ત્રાસું કરીને આગળથી ઊચું કરીને સાઈલેન્સરમાથી પાણી કાઢ્યું, ત્યારબાદ ઘણી કીક “દમ લાગકે હેસા” કરીને લગાવી પરંતુ બાઇકનુ રિસામણ ચાલુ રહ્યું. મદદ કરનાર વ્યક્તિની સલાહથી મેં પ્લગ સાફ કર્યું છતાય મારી આ માંદલી ઘોડીએ આજે દશેરા માનીને ના દોડવાની હઠ ચાલુ રાખી. તે વ્યક્તિને મે નજીકમાં કોઈ ગેરેજ હોવા વિશે પુછ્યું , પરંતુ નજીકના ત્રણેક કિલોમીટર સુધીમાં એકે ગેરેજ ના હોવા વિશે તેમણે જણાવ્યુ. તેમનો આભાર માનીને મે તેમને જવા દીધા.

હવે અમારી ધક્કા ગાડી પાછી ચાલુ થઈ. પાણી અને કાદવમા આટલું ચાલ્યા બાદ લગાવેલી કીકો નો જવાબ પગ આપી રહ્યા હતા. થોડો થાક અનુભવતો હતો. મે જલ્પાને પુછ્યું, “થાક લાગ્યો છે તને ?” મને સ્પષ્ટ દેખાતું હતું છતાય પુછ્યું. તેમણે જવાબ આપ્યો, ”ના,તમતમારે ચાલો હજુ ઘણું ચાલવાનું છે” મે કશો જવાબ ના વાળ્યો, નીતરતા કપડે અમે મંદ ગતિએ પંથ કાપવાનું ચાલુ રાખ્યું. વિચાર્યું કે જલ્પાને કોઈકની જોડે લિફ્ટ માંગીને મોકલી દઉં, પરંતુ એવું કરતાં હિમ્મત ના ચાલી.

ઘણા વાહનો પસાર થઈ રહ્યા હતા પણ એની સામે ખાસ ધ્યાન નહોતું, મગજ તો હવે ઘેર જઈને શું જવાબ આપીશું તેનો પ્લાન ઘડવામાં મશગુલ હતું. ત્યાં જ મે અનુભવ્યૂ કે હમણાં જ સાઈડ કાપીને આગળ ગયેલી કાર રિવર્સ ગિયર લઈને અમારી નજીક આવી રહી છે . તે મારી બિલકુલ જમણી બાજુમાં આવીને ઊભી રહી. આગળનો સાઈડ ગ્લાસ નીચે ગયો અને એક ડોક લંબાઈને બહાર આવી અને તેમણે પુછ્યું , “શું થયું ભાઈ ? કાઈ મદદની જરૂર ?” મે શું થયું પ્રશ્નનો ટૂંકમાં પરિસ્થિતી સંબંધી સાર આપ્યો. ત્યાં જ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો યુવાન બહાર આવીને બોલી પડ્યો , “અરે ડોક્ટર તમે !” મારૂ મગજ કામે લાગી ગયું , આ કોણ ? અને પાછું મને ઓળખે અને તે પણ અહી ? તેનો ચહેરો ઓળખવાની કોશિશ કરી. ક્યાક જોયેલો લાગ્યો પણ ખાસ યાદ ના આવ્યૂ.

તેમણે અમને આગ્રહ પૂર્વક અંદર બેસવા કહ્યું, પણ મે મારો સ્વાભાવિક પ્રશ્ન ફેકયો “આ મારૂ બાઇક.. મારા પ્રશ્ન ને અધવચ્ચે જ અટકાવી ને તેમણે સાથે આવનાર ને અનુલક્ષીને કહ્યું આ મારો ભાઈ તમારું બાઇક રેપઈર કરાવીને ઘરે લઈ આવશે તમે અંદર બેસો. અમને તો જાણે વિકટ પરિસ્થિતીમાંથી ઊગારવા કોઈ ઈશ્વરનો મોકલેલ ફરિશ્તો આવ્યા જેવું અનુભવાયું.

તે યુવાને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે હું “ચિરાગ, તમે મને ભાવનગરમાં... આટલું બોલ્યો ત્યાં મારા વિચારો લગભગ આજેથી બેએક વર્ષ પહેલાની ઘટના પર જઈ પહોચ્યા. ચિરાગનું બોલવાનું ચાલુ હતું અને હું મારા વિચારો સાથે હકારમાં અને હળવી મુસ્કાન સાથે માથું હલાવી રહ્યો હતો.

તે દિવસે પણ દરરોજની જેમ વાહનોની અવરજવર ખાસ્સી હતી. થોડો ઘોંઘાટ અને બપોરનો બે વાગ્યાનો સમય હતો આથી અત્યારે દર્દીઓનો ઘસારો પણ નહિવત થઈ ગયો હોય. અને આમેય સવારથી દર્દીઓ વધારે આવ્યા હતા તેથી હળવા દુખવાથી માથું જવાબ આપી રહ્યું હતું. જમવા જવાની પણ ઇચ્છા નહોતી તેથી મે થોડો સમય ક્લિનિક પર જ આરામ કરવાનું વિચાર્યું, બેલ મારીને કમ્પાઉન્ડરને બોલાવીને સૂચના આપી કે અડધો કલાક કોઈને અંદર ના મોકલતો. તે દરવાજો બંધ કરીને ગયો અને મે મોં પર રૂમાલ ઢાંકી ને ખુરશી પર જ લંબાવ્યું.

હજુ માંડ દસેક મિનિટ થઈ હશે ત્યાં મારો મોબાઈલ રણક્યો, સ્ક્રીન પર અવિનાશનું નામ ડિસ્પ્લે થયું. જો કોઈ અન્ય નામ હોત તો હું કદાચ રિસીવ કર્યા વગર જ સાઈલેન્ટ કરીને આંખો મિચી દેત. પરંતુ આજે સવારે જ અવિનાશે મને તેમના ઘેર જવાનું ભાર પૂર્વક નિમંત્રણ આપ્યું હતું. તેમણે સગાઈ માટે છોકરી વાળા જોવા અવવાના હતા. પણ મને એ બાબત સાવ વિસરાઈ ગયેલી.

મે કોલ રિસીવ કરતાં જ કહ્યું, “બસ ભાઈ બે મિનિટમા પહોચું” આ વાક્ય પૂરું કરું તે પહેલાજ અવિનાશ તાડૂકયો, 'અલ્યા તને કેટલી વખત કહ્યું છે આખા ગામને સ્કીમો આપ પણ મને નહીં.જો દસ મીનિટ મા ઘેર ના પહોચ્યોને તો તું આજે કામથી ગયો સમજજે.' અને સામે છેડેથી કોલ કટ થઈ ગયો.

હું ઝડપથી બહાર નીકળ્યો. બહાર વેઇટિંગમાં ત્રણેક દર્દીઓ બેઠા હતા પણ તેમણે જોવાનું ટાળીને સીધોજ પાર્કિંગમા ગયો. મને ખબર હતી કે કમ્પાઉન્ડરને ગોખાવેલ પારંપારિક જવાબ આપી દર્દીઓને સાંત્વના આપી દેશે કે સરને ઈમરજન્સીમા જવું પડ્યું હમણાં જ આવી જશે.

હું મારૂ બાઇક સ્ટાર્ટ કરીને બનતી સ્પીડે બહાર નીકળ્યો. કાળાનાળાથી મારે યુનિવર્સિટી રોડ જવાનું હતુ. પરંતુ કાળાનાળા વિસ્તારનો ટ્રાફિક એટલો જડપથી પસાર ના કરી શકાય તે લગભગ દરેક ભાવનગરી સારી પેઠે જાણે છે. કેમ કે લગભગ સૌથી વધુ દવાખાનાઓ અને સિંગલ પટ્ટી રોડથી થોડી મોટી કહી શકાય તેવી ગલી જેવા રોડ, અને તેમાં પણ આડેધડ કરાયેલા વાહન પાર્કિંગથી સ્થિતિ લગભગ ખીચોખીચ હોય. પરંતુ સંયમથી અને થોડી અંદરની ઉતાવળથી હોર્ન પર અંગુઠો દાબીને મે બાઇક ભીડ ચીરીને વાઘાવાડી રોડ પર લીધું.

હજૂ તો માંડ શામળદાસ કોલેજ ગેટ વટાવ્યો ત્યાં જ ફટાક. દઈને બાઈકે જવાબ આપ્યો. બાઇક થોડું રોડ પર રેલાયું પણ મે જડપથી સાઈડ પર રોકી દીધુ. અને થોડા આક્રોશથી ટાંકી પર પંજો પછાડીને પાછલા વ્હીલને ધમકાવ્યું, “કેમ અત્યારે જ મુહૂર્ત આવ્યૂ તને ફાટવાનું” બાઇકને ત્યાં જ પાર્ક કરીને રિક્ષામાં અથવા કોઈ જોડે લિફ્ટ માંગીને બનતી ઉતાવળે જવાનું વિચાર્યું.

થોડે દૂરથી અને થોડી વધારે સ્પીડથી આવતું બાઇક મે જોયું અને મનોમન જ ગણતરી માંડી કે અહીથી ટાંકી અને ત્યાંથી રિક્ષામાં યુનિવર્સિટી રોડ. આ બંદાને તો ઊભો રાખવો જ પડશે નહિતર પેલો અવિનાશ આજે લાલઘૂમ તો છે જ એમાંય પાછો હું મોડો છુ, તે આજે ખબર લઈ નાખશે, વિચારીને બાઇક વાળાને રોકવા અધિરો થઈને હું લગભગ રોડ પર આડો જ પડ્યો. પરંતુ તે કદાચ મારાથી પણ વધારે ઉતાવળમાં હતો. તે મને અવગણી ને આગળ વધ્યો. અને હું નવા આગંતુકની રાહમાં પાછો ફર્યો.

લગભગ પાચેક સેકન્ડમા મોટો ધડાકો મારા કાને અથડાયો. મે ચોકીને પાછળ જોયું તો પેલો યુવાન રોડ પર ચત્તો પાટ પડ્યો હતો અને અડધો બાઇકની નીચે દબાયેલો હતો . અને રોંગ સાઈડ માથી આવીને અથડાનાર કારના બોનેટ પરનો ગોબો જોઈ ને મારે પરિસ્થિતી સમજવી ના પડી.

હું દોડીને ત્યાં પહોચ્યો. કારમાથી હાંફળી ફાંફળી થતી એક યુવતી નીચે ઉતરી. થોડીવાર તો વિસ્ફારિત નજરે જોઈ જ રહી પણ હું પેલા યુવકને બાઇક નીચેથી બહાર કાઢવાની કોશિશ કરતો હતો તે જોઈ ને તેમણે પણ બાઇક હટાવવામાં ને પેલા યુવકને બહાર કાઢવામાં મદદ કરી. તે યુવકનું માથું સખત વહી રહ્યું હતું અને કોણી પર પણ વધારે વાગેલું હોવાનું ફાટેલ શર્ટ સ્પષ્ટ ચડી ખાઈ રહ્યું હતું. મે પેલી યુવતી ને કહ્યું આમને ઝડપથી હોસ્પિટલ લઈ જાઓ ખૂબ વાગ્યું છે. “હું અહી નવી છુ, મે હોસ્પિટલ જોઈ નથી, તમે સાથે ચાલો” તે યુવતી થોડા ડર અને ઉતાવળ સાથે જડપથી બોલી ગઈ.

અત્યારે હવે મારી સામે બે પરિસ્થિતી હતી, એક તો મારો ડોક્ટર ધર્મ કહો કે માનવ ધર્મ આ વ્યક્તિને દવાખાને લઈ જાઉં, અને બીજું અવિનાશના ઘેર જાઉં અને તેના ગુસ્સાથી બચુ, પરંતુ ખરે સમયે અને ઈશ્વર કૃપાથી મારી બુધ્ધિ સીધી ચાલી, અને તે વહેતા માથાને વધારે ના વહેવા દેવાનું નક્કી કરીને યુવકને કારમા બેસાડીને સાથે હું ગોઠવાયો. અને પેલી યુવતીને મે રસ્તો બતાવીને તે મુજબ કાર ચલાવવા કહ્યું. અને વગર સ્પષ્ટતાએ મારા ક્લિનિક પરજ દોરી ગયો.

હજુ દાદર ચડ્યા ત્યાં જ પેલી યુવતીએ સામે ઉભેલા કમ્પાઉન્ડરને ઊચા અવાજે ઉતાવળથી પૂછી લીધું, “ડોક્ટર ક્યાં છે ? ઈમરજન્સી પેશન્ટ છે એક્સિડંટનું, ખૂબ લોહી વહી ગયું છે. ઝડપથી ડોક્ટરને બોલાવો.

કમ્પાઉન્ડરે પાછળ મને પેલા યુવક સાથે આવતો જોઈને પરિસ્થિતી માપી લીધી અને મારી સૂચનાની રાહ જોયા સિવાય જ અંદર જઈ ને કોટન અને સ્ટીચમશીનની વ્યવસ્થા કરી. પેલી યુવતી પણ મને અંદર જતાં પ્રશ્ન સૂચક નજરે જોઈ રહી કે આ કેમ વગર ડોક્ટરને જોયાકે પૂછ્યા અંદર ઘુસ્યાં. તે પણ અમારી પાછળ અંદર પ્રવેશી.

મે પેલા યુવાનને ટેબલ પર બેસાડીને વહેતું માથું સીવ્યું અને કોણી પરના ઘાવનું ડ્રેસિંગ કરી ને એક ટ્રામડોલ ઈંજેક્ષન આપ્યું. અને કમ્પાઉન્ડરને એક પ્રિક્સિપ્શન પકડાવીને નજરના ઈશારાથી જ દવા લેવા જવા સૂચવ્યું.

આ દરમિયાન પેલી યુવતી મને કઈક અચંબાથી તો કઈક અવઢવમાં પણ ચૂપચાપ નિહાળી રહી હતી. અને તેનો અચંબો સ્વાભાવિક હતો કેમ કે મારા જીન્સ ટીશર્ટ અને સ્પોર્ટ શૂજ થી અને અમે જે પરિસ્થિતીમા મળ્યા તેમા ક્યાય હું ડોક્ટર જેવો નહોતો દેખાતો કે નહોતું વર્તન કર્યું.

મારૂ કામ પત્યું, પેલા યુવકને ત્યાં બેડ પર રેસ્ટ કરવાનું જણાવી ને મારી ખુરશીમા બેઠો અને પેલી યુવતીને પણ બેસવા જણાવ્યુ. ત્યાર બાદ થોડીવાર એક્સિડંટ બાદ થતી , કેમ થયું ? શું થયું ? કાઈ ખબર જ ના પડી વગરેની ઔપચારિક વાત બાદ તે યુવતી એ પેલા યુવકની માફી માંગી અને સોરી કહીને તથા મારો આભાર માનીને નીકળી ગઈ.

થોડી વાર પહેલા જ કમ્પાઉન્ડર આપી ગયેલો તે દવા પેલા યુવકને આપી અને. તેના નામ સરનામા વિશેની વાત થઈ તો જાણવા મળ્યું કે તે મૂળ સુરતનો હતો અને ભાવનગર કશાક કામથી આવ્યો હતો. તેમના મિત્રનો સંપર્ક કરીને બોલાવ્યો અને તેમની સાથે મોકલ્યો. તે આભાર માનીને અને સુરત આવોતો જરૂરથી મળજો કહીને નંબર આપીને ગયો.

મારો વિચાર પ્રવાહ અહી જ અટક્યો, ખબર નહોતી કે કદાચ આવીરીતે મળવાનું થશે. અમે ચિરાગ સાથે તેમના ઘરે ગયા. અમારા કપડાં સાફ કર્યા અને તેમના દબાણ પૂર્વક જમીને જ જવાના આગ્રહથી અમે ત્યાજ સાંજે જમ્યા. આજે બનેલ ઘટનાની થોડી ઔપચારિક વાતો બાદ બેઠા હતા ત્યાં જ તેમનો ભાઈ મારૂ બાઇક લઈને આવ્યો. અને અમે ત્યાથી રવાના થવાની પરવાનગી લઈ આભાર માનીને ત્યાથી નીકળ્યા.

બાઇક ચાલુ કર્યું પાછળ જલ્પા ગોઠવાઈ અને અમે નીકળ્યા. આજની ઘટનાનું વિશ્લેષણ મારૂ મગજ કરી રહ્યું હતું. જલ્પા જેવા નીડર અને હિમ્મત વાળા અને ગમે તેવી પરિસ્થિતિમાં સાથે અડગ રહેનાર સ્ત્રી પાત્રને પામીને ખુશી અને અહોભાવથી છલોછલ હતો. જ્યારે ચિરાગ જેવા મુશ્કેલીમાં સાથ આપનાર વ્યક્તિને ભૂલી ના જનાર કૃતજ્ઞી વ્યક્તિનો પણ મનોમન આભાર માની રહ્યો.

સરવૈયું..

કોઈનું અપમાન કરતાં પહેલા સો વખત વિચારવું, અને મદદ કરતાં પહેલા જરાય ના વિચારવું,કેમકે અપમાન અને વિકટ પરિસ્થિતિમાં કરેલ મદદ કોઈ પણ વ્યક્તિ હંમેશા વ્યાજ સાથે ચૂકવવાનું પસંદ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational