ansh khimatvi

Others

3  

ansh khimatvi

Others

બોકડો

બોકડો

2 mins
360


છેક નાનો હતો ત્યારથી બોકડો લીલાલહેર કરતો હતો. રોજનું નવું નવું આરોગવાનું મળે, બસ બેઠાબેઠા મોજ કરવાની છે આ બોકડાને. માલિક પણ રોજ બોકડાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. જરાકે બે.. બે થાય કે હડી કાઢતો દોડી આવતો. અને બોકડાને વ્હાલ કરતો. સમયે પાણી પીવડાવતો,ચરાવા લઈ જતો. ખૂબ વિશેષ કાળજી આ બોકડાની લેતો. બોકડો પણ ક્યારેક ક્યારેક આકાશમાં જોઈને ભગવાનને પ્રાર્થના કરતો કે વાહ મલિક વાહ ! તારો હું ખૂબ આભારી છું તે મને ખૂબ પ્રેમાળ માલિક નહિ પણ એક મીઠડો બાપ આપ્યો છે ! બોકડાની આંખોમાં માલિક પ્રત્યે વિશાળ ભાવ ઉભરાતો હતો. જ્યારે જ્યારે માલિક નજીક આવતો ત્યારે એ માલિકની સાવ નજીક આવી જતો. બાળક સમાન વ્હાલ કરવા માંડતો.

આમને આમ સમય વીતવા લાગ્યો. બોકડો ખાઈ પીને તાજો માજો થઈ ગયો. બોકડો તો પોતાની જાતને ભાગ્યવાન માનતો હતો. એ તો એવું પણ વિચારતો હતો કે કાશ મારો એ ભાઈ શિગાંડીયો બોકડો પણ આ માલિક જોડે હોત, તો એ પણ આજે ખાઈ પીને લીલા લહેર કરતો હોત.પણ ! બોકડો એક અબોલ પ્રાણીજ છે એ માનવીની જાતને ક્યાં ઓળખે છે ! પણ તોય ઘણીવાર બોકડો સપનામાં સરી જતો.અને સપનામાં માલિક અને બોકડો સ્વર્ગ પણ ફરી આવતા. એકવાર એવું બન્યું કે માલિક ઘરે નહોતો અને બાજુવાળા ભાઈએ બોકડાને ઘણી કોશિશ કરી ખવડાવવાની પણ બોકડે એક પાંદડું પણ આરોગ્યું નહિ. ખાવાની વાત તો બાજુમાં જ રહી પણ એક ટીંપુ પણ પાણી પીધું નહિ. પેલો ભાઈ તો ગુસ્સો કરીને જતો રહ્યો. મારે શું ,ખાવું હોય તો ખા નહિ તો જા ! એમ કહીને એ તો ઘરે જતો રહ્યો.પણ બોકડો આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો જ રહ્યો. એ તો એક વાત રટીને બેઠો હતો કે ક્યારે મારો માલિક આવે અને એના હાથે જમુ! કાગડોળે રાહ જોતો ઝાંપા સામું મો રાખીને બેઠો હતો.

સાંજ ઢળવા લાગી હતી. ગોધણ પણ ઘર ભણી આવતા હતા. અને ખેતરે ગયેલા ખેડૂતો પણ હવે રાસ ,ગાડા લઈને ઘરતરફ આવતા હતા. ટાબરીયા પણ રમતા ખેલતા આનંદ કિલ્લોલ કરતા ધૂળની ડમરીઓ ઉડાડતા ઘર તરફ આવતા હતા.અને બોકડાની નજર માલિક પર પડી. ને બોકડો ખુશ ખુશ થઈ ગયો. હવે હાશકારો થયો. બોકડાને તો ફક્ત દોડીને માલિકના આલિંગનમાં જવાની ઉતાવળ હતી. જેમ જેમ માલિક નજીક આવતો દેખાણો તો એની સાથે કોઈ અજાણ્યો વ્યક્તિ પણ હતો. પણ બોકડાની નજર તો એના મલિક પર જ વારેઘડી ટીકાતી હતી. 

સવાર પડી. રોજ જેવી સવાર આજે નહતી.આજે એ જગ્યાએ રોજની જેમ કોલાહલમાં ઉણપ વર્તાતી જોવા મળી. સાવ ખાલી ખાલી લાગવા માંડ્યું. આજુબાજુના માણસોની નજર પણ નિસાસો નાખતી દેખાણી. કેમ જાણે આજે સૂરજ ઉગ્યો જ ન હોય ! માલિક બાજુમાંજ ખાટલા પર આરામ ફરમાવતો શાંતિથી સૂતો હતો. કોઈ પણ જાતની એના ચહેરાપર અશાંતિ દેખાતી ન હતી. પણ તે છતાં વાડામાં ઘણું બધું ખૂટતું હતું.કારણ કે રોજની સવાર સવારની બે.. બે. આજે હંમેશની માટે બંધ થઈ ગઈ હતી. માલિકે બોકડાને સારી એવી કિંમતે સાથે આવેલા કસાઈને વેચી દીધો હતો !


Rate this content
Log in