kunjan gandhi

Drama Romance Tragedy

4  

kunjan gandhi

Drama Romance Tragedy

છેલ્લી ક્ષણ

છેલ્લી ક્ષણ

8 mins
755


અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું,તને વરસાદ ભીંજવે.

-રમેશ પારેખ

આ પંક્તિ સાથે જ વીતેલા વર્ષોની ઘટનાઓ આંખ સામે તરવરવા લાગી. એ દરેક પળ જેમાં અમે એકમેકની સાથે હતા, એકમેકના સહવાસમાં હતા. આજે આપણા વચ્ચે વર્ષોની દીવાલ ઊભી છે જેને હું તોડવાની કોશિશ કરું છું. પોતાના ઘરની અગાસીએથી વરસતા વરસાદને નિહાળતી મીરા ભૂતકાળમાં સરી પડી. એ રાત મને આજે પણ યાદ છે.

પૂનમની રાત હતી પણ વરસાદના લીધે ચાંદો વાદળથી ઢંકાઈ ગયો હતો. વીજળીનો ગડગડાટ અને મુશળધાર વરસાદમાં બે યુવાન હૈયા પ્રેમમાં તરબતર થઈ રહ્યા હતા. 

સાગર વારંવાર મીરા ને સમજાવી રહ્યો હતો; “મીરા, અત્યારે ભીંજાવાનું રહેવા દે, બા ને ખબર પડશે તો તારા પર વાક્બાણથી વરસી પડશે.” 

“ભલે બા ની નારાજગી આજે સહન થશે પણ જો આ આલ્હાદ્ક મોસમમાં હું કોરી રહી જઈશ તો વરસાદ મારાથી રિસાઈ જશે.” મીરા એ મસ્તીભર્યા અવાજમાં કહ્યું. 

‘મીરા, સાચું કહેજે તને હું વ્હાલો છું કે વરસાદ ?’ - સાગરે પૂછ્યું. 

 મારા વાલીડા, તું મને વહાલો છે અને આ વરસાદ તો……. 

 તને યાદ છે સાગર આપણે કોલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે જેવો વરસાદ પડતો કે તું મને મરીન ડ્રાઈવ લઈ આવતો સામે અફાટ ઉછળતા મોજાં, ઉપર વરસતું આભ બંને વચ્ચે પાંગરતો આપણો પ્રેમ.. 

હા, મીરા મને બધું જ યાદ છે. છેલ્લા પાંચ વર્ષથી એ નિયમ આપણે અકબંધ જાળવી રાખ્યો છે. 

સાગર, આજે મન મૂકી ભીંજાઈ લેવા દે ! તારા પ્રેમની વર્ષા ને મારે મારા હૃદયમાં ઝીલી લેવી છે. આ મોસમની નજાકતને માણી લેવી છે. ચાલ આજ એકમેકને સ્પંદનોથી ભીંજવી દઈએ. કેમકે કાલથી આ બધા માટે આપણે રાહ જોવી પડશે ! 

કેમ ? તું કાલે નહિ મળે ? 

અરે હા ! યાદ આવ્યું તને કહેવાનું તો ભૂલી જ ગઈ કે પપ્પાની ટ્રાન્સફર રાજકોટ થઈ ગઈ છે. 

એટલે ...એટલે ….તું મને મૂકીને જતી રહેશે ? 

ના .. ના … હું કશે નથી જવાની તને છોડીને, હું તો મમ્મી-પપ્પાને મૂકવા જાઉં છું. ચાર દિવસ પછી અહીં જ મરીન ડ્રાઈવની પાળીએ મળીશું. 

પણ ...મીરા ચાર દિવસ હું તારા વિના કેવી રીતે રહીશ ? 

સાગર તું અહીં બેસી વરસાદને માણજે અને હું ત્યાં…..બંને વ્હાલપની હુંફમાં ભેટી પડે છે.

એકમેક ને યાદ કરવાના, ફરી પાછા મળવાના વાયદા કરી સાગર અને મીરા છૂટા પડે છે. પણ બંનેને ક્યાં ખબર હતી કે કિસ્મતે તો એમના ભાગ્યની રેખામાં જુદોજ વળાંક લખ્યો હતો. 

ચાર દિવસ પછી આવીશ એવું કહી ગયેલી મીરા આજે આઠ દિવસ થયા છતાં પાછી નહોતી ફરી અને સાગર એને શોધવા રઘવાયો થઈ ગયો હતો. મીરા ન પોતે આવી, ન તો એનો કોઈ સંદશો આવ્યો. એની બધી જ બહેનપણીઓને વિશ્વાસમાં લઈ પૂછી લીધું પણ મીરાનો કોઈ જ પતો નથી લાગ્યો. એના ઘરે પણ સાગર જઈ આવ્યો હતો, ત્યાં બારણે લટકતું તાળું જાણે એના કિસ્મત પર તાળું લાગી ગયું હોય એવો એને અહેસાસ થઈ રહ્યો હતો. સાગરના મનમાં ખલિલ ધનતેજવી સાહેબની ગઝલ ચાલી રહી હતી જાણે એના મનનો ચિતાર આપતી હોય !

“તમારા સ્મિત સામે રોકડાં આંસુ ચૂકવ્યા છે,

છતાં જો શંકા હોય તો હિસાબ મેળવી લઈએ.”

પણ એને જવાબ આપનાર મીરા ક્યાં હતી ? 

‘સાગર બેટા, શું વાત છે ? આમ ઉદાસ કેમ છે ?’ બાએ પૂછ્યું.

ના, બા કંઈ નથી ! આ તો અમથું જરા માથું દુઃખે છે એટલે. - પોતાની વ્યથા શબ્દોમાં ન વ્યક્ત થઈ જાય એનો ખ્યાલ રાખી સાગરે બા ને કંઈ ન કહ્યું અને સૂઈ ગયો. પણ બા બધું સમજી ગયા હતા, આઠ દિવસથી પોતાના એક ના એક દીકરાને બેચેન જોઈ પોતે પણ ક્યાં શાંત હતા. એમને અણસાર તો આવી ગયેલો કેમકે મીરા પણ આવી નહોતી, એ રોજ બા સાથે અચૂક વાત કરી લેતી. બંને વચ્ચે લાગણીનો અનેરો સંબંધ બંધાઈ ગયેલો. એના આ વિરાન ઘરમાં એ આવી ત્યારથી બધું જ જાણે જીવંત બની ગયું હતું. એની અને બા ની મૈત્રીથી ક્યારેક સાગરને પણ ઈર્ષા આવી જતી. પણ એ મીઠી ઈર્ષા એને પણ ગમતી. બંને રાહ જોતા કે ક્યારે મીરા આ ઘરમાં હમેશ માટે સમાઈ જાય. ધીરે-ધીરે બા અને સાગર જીવનના વહેણમાં વહેવા લાગે છે. દિવસો વીતતા જાય છે, પછી મહિનાઓ અને એક પછી એક વર્ષો આંખના પલકારની જેમ પસાર થઈ જાય છે. સાગર મનથી તો ત્યાં જ ઊભો હતો જ્યાં એની મીરા મળવા નો વાયદો આપી છોડી ગયેલી. આજે વીસ વર્ષ થઈ ગયા એ વાત ને એ દિવસે પણ વરસાદ વરસતો હતો અને આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મીરાની હથેળીમાં પોતાનો હાથ હતો. આજે સાગરની હથેળી ખાલી હતી.. મરીન ડ્રાઈવની પાળી પર એ બેઠો હતો અને ભૂતકાળના સંસ્મરણો ને વાગોળી રહ્યો હતો. બહારથી શાંત દેખાતા સાગરના મનમાં પ્રશ્નોનો વંટોળ જામ્યો હતો - મીરા એને છોડી કેમ જતી રહી ? એ પછી ક્યારે આવશે ? શું , એ મને યાદ કરતી હશે ? શું મને યાદ કરી એની પણ આંખો ભીની થતી હશે ? પ્રશ્નો તો ઘણા છે પણ એના જવાબ આપનાર મીરા ક્યાં છે ? 

સવાલો એ એના મન પર ભરડો લીધો હતો એને શાંત કરવા જગદીશ જોશીના કાવ્ય સંગ્રહમાંથી એક કવિતા વાંચવા લાગ્યો જેના શબ્દે-શબ્દમાં એની ઉત્કટ લાગણી સમાયેલી હતી. 

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું,

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે

ધરતી હવે જાણે કે પરમાણું લાગે,

મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે

સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું,

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં

આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેવાં,

પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં

વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું,

ખડક થાઉં તોયે હવે તો તારા વિના

રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .

સાગરે મીરાંને બધે જ શોધી હતી - મુંબઈ શહેરની દરેક ગલી, દરેક પરામાં અને દરેક મહોલ્લામાં એને શોધવા એ ફરી વળ્યો હતો. કેટલાય ચહેરાઓ એની આસપાસ ફરી રહ્યા હતા બસ એજ જાણીતો ચહેરો ક્યાંક ખોવાઈ ગયો હતો. ‘આપણ ને જે ગમે એ વ્યક્તિ સુધી આપણે કેમ નથી પહોંચી શકતા ?’ પાંચ વર્ષ એ બંને આ મુંબઈ શહેરમાં ફર્યા હતા, અને આ શહેરની ભીંતો પર, બાગ-બગીચામાં, ટ્રેન ના ડબ્બામાં મુસાફરી કરતા પોતાના પ્રેમના ચિત્રો દોર્યા હતા, ગીતો ગાયા હતા. ચોપાટીના દરિયા કિનારે લટાર મારતા ભેલપુરીનો સ્વાદ માણ્યો હતો. 

પણ આજે બધું જ વેરાન લાગતું હતું. પોતાના શહેરમાં સાગર અજાણ્યો થઈ ગયો હતો.

મમ્મી ક્યાં છો તમે ? હું તમને આખા ઘરમાં શોધી વળી અને તમે અહીં અગાસી પર છો ? 

શિવાનીનો સાદ સાંભળી મીરા શમણાં ના ઉંબરેથી પછી ફરે છે. 

‘બોલ શું છે શિવુ ! હજી તું કોલેજ નથી ગઈ ?’

મમ્મી હું તો જઈ જ રહી હતી પણ તને કહેવા આવી છું કે કાલે મારી કોલેજમાં વકૃત્વ સ્પર્ધા છે એમાં તમારે મને મદદ કરવાની છે. સ્પર્ધાનો વિષય છે - ‘વરસાદ દે છે સાદ’ 

હા, મને યાદ છે ! તું જલ્દી આવજે સાંજે આપણે સાથે બેસી લખીશું. વરસાદ ધોધમાર વરસી રહ્યો છે સાચવીને ગાડી ચલાવજે. 

સારું મમ્મી, આવજે ! - આટલું કહી શિવાની કોલેજ જતી રહી અને મીરા પાછી એની યાદોના દરિયામાં ડૂબકી મારવા લાગી ! 

વરસાદ સાથે એના હૃદયના તાર જોડાયા હતા - કેટલું અંતર હતું, આજે મેઘ વરસી રહ્યો હતો અને એ દિવસે આમ જ મેઘ વરસતો હતો. પણ ત્યારે એ સાગરના સહવાસમાં હતી, આજે સાગર અને અનિકેત બંને વિના સાવ કોરી રહી ગઈ હતી. 

તે દિવસે મધરાતે……. સાગર ને મળીને મીરા ઘરે પાછી ફરે છે ત્યારે ઘરમાં બધી તૈયારી થઈ ગઈ હતી. એણે વિચાર્યું આજે મમ્મી-પપ્પા ને સાગર વિષે વાત કરી તેમને માનવી લેશે અને જલ્દી મુંબઈ પાછી આવી જશે. એના મનમાં લગ્નની શરણાઈ વાગી રહી હતી. અચાનક મમ્મી એ આવી કહ્યું કે - ‘મીરા તૈયાર થઈ જા આપણે અત્યારે જ નીકળવું પડશે તારા મામા નો ફોન આવેલો કે નાનીની તબિયત સારી નથી’. પછી તો આખો પરિવાર રાજકોટ પહોંચી જાય છે. રાજકોટ પહોંચી જોયું તો નાની તો એકદમ સાજા બેઠા હતા. મામા એ જ એના માટે છોકરો જોવાનું રાખ્યું હતું. પણ મીરા એ હિંમત કરી પપ્પાને સાગર વિષે બધી વાત જણાવી. પપ્પા એ સાગરને મળી લગ્નની વાત કરશે એવું કહ્યું ત્યારે મીરા ને નિરાંત થઈ. પપ્પા બોલ્યા સવારે સાગર ને ફોન કરીશું. પણ એ રાતે જ પપ્પા ને હાર્ટ અટેક આવ્યો. એના વ્હાલા પપ્પા હંમેશ માટે એને છોડી ગયા. 

મીરા કંઈ સમજે એ પહેલા પપ્પાની અંતિમ વિધિ પણ પતી ગઈ. એ તો હજીયે શોકમાં હતી, એને સમજાતું નહોતું કે પોતાને સાચવે કે મમ્મી ને ? મામા એ સમય સાચવી લીધો અને અનિકેત ને મળવા મીરાને મનાવી લીધી. પોતાના મન પર પથ્થરો ખડકી મીરા લગ્ન ના માંડવે બેસી જાય છે અને એની હથેળીમાં સાગરની મહેંદી ને બદલે અનિકેતની મહેંદી લાગી જાય છે. કહેવાય છે ને કે - “સંબંધો, સ્વજન અને આપણી વ્યક્તિ ઓક્સિજન જેવા હોય છે, ઓક્સિજનનો સપ્લાય બંધ થાય તો વ્યક્તિને વેન્ટિલેટર પર જીવવું પડે, જયારે વેન્ટિલેટર હટાવી દઈએ તો વ્યક્તિ મૃત્યુ પામે છે. જો મૃત્યુ ન પણ પામે તો લાગણી વિહોણો થઈ જીવે છે.”

મીરા લાગણી વિહોણી થઈ ગઈ, સાગરને ક્યારેય ફોન ન કર્યો અને જે જીવન એના પાલવડે બંધાયું એની થઈ ગઈ. કોઈને ફરિયાદ ન કરી..ન સમયને, ન પરિવારને...અનિકેતે પ્રેમથી મીરાંને સાચવી લીધી. એનું જર્જરિત જીવન જેમતેમ સાંધી જીવવા લાગી. શિવાની માંડ તેર વર્ષની થઈ ત્યારે એક અકસ્માતમાં અનિકેત એને હમેશ માટે છોડી ચાલ્યો ગયો…. એને ગયા ને પાંચ પણ વર્ષ વીતી ગયા. શિવાની અને મીરા અનિકેતના પરિવારમાં પોતાની વેદના ભૂલી જીવવા લાગ્યા !

સાંજે શિવાની કૉલેજથી આવી ત્યારે ખૂબ જ ખુશ હતી - ‘મમ્મી કાલે જે સ્પર્ધા છે એ રાજકોટમાં નહિ, મુંબઈમાં છે. એના નિર્ણાયક મોટા કવિ છે અને એમના પુસ્તકનું વિમોચન કરવા કાર્યક્રમમાં ખાસ આવવાના છે. મુંબઈનું નામ સાંભળી મીરાંનું હૃદય ધડકારો ચૂકી જાય છે પણ શિવાનીની હાજરીમાં મનને સાચવી લે છે. બંને સ્પર્ધાની તૈયારીમાં લાગી જાય છે. 

સવારની ફ્લાઈટમાં મુંબઈ પહોંચી જાય છે. ભવન્સ થિયેટરમાં સ્પર્ધકો આવી પહોંચ્યા હતા. એક પછી એક સ્પર્ધકો પોતાની રજૂઆત કરે છે. શિવાનીનો વારો આવે છે, એના વકૃત્વની છટાથી બધા મંત્ર મુગ્ધ થઈ જાય છે. અંતે વિજેતાનું નામ જાહેર થાય છે - પહેલું ઇનામ કુમારી શિવાની શાહ ને મળે છે. મીરાંનો હરખ માતો નથી. 

શિવાનીને ટ્રોફી આપનાર કવિ અને લેખક બીજું કોઈ નહિ પણ સાગર મજુમદાર એટલે કે એનો સાગર હતો. સ્ટેજ પર સાગર ને જોઈ મીરા આભી જ બની જાય છે. સાગર એણે લખેલ પુસ્તક ‘છેલ્લી ક્ષણ’ નું વિમોચન કરે છે. ત્યારે એનું ધ્યાન મીરા પર જાય છે. 

કાર્યક્રમ પૂરો થાય છે. બંને મરીન ડ્રાઈવની પાળી પર બેસી ભૂતકાળની વાતો કરે છે, એકમેકમાં તલ્લીન થઈ જાય છે, એ જ ક્ષણે વરસાદ વરસી પડે છે. 

શિવાની બધું જાણી જાય છે અને કહે છે; ‘મમ્મી હવે આ ક્ષણ છેલ્લી ક્ષણ નથી પણ તમારા બંનેના જીવનની શરૂઆતની છે.’

વીસ વર્ષ પહેલા બંને યુવાન હતા આજે પ્રોઢાવસ્થા ને આંગણે આવી ઊભા હતા. 

‘મીરા ઉંમરનું બંધન તો શરીર ને હોય ! મન તો આજે પણ એટલું જ જુવાન છે. જેટલું તને પહેલી વાર મળ્યો ત્યારે હતું. શું તારી હથેળીમાં મારા હાથની હૂંફ ને તું જાળવી લઈશ ? - સાગરે લાગણી ભીના સ્વરે કહ્યું.

મીરા પલળતા શરીરે સંકોચાઈ જાય છે જાણે પોતે ઓગણીસ વર્ષની હોય. સાગર નો હાથ ઝાલી લે છે અને વરસાદમાં વર્ષોથી તરસતા હૈયા મન મૂકી વરસી પડે છે. એમના આ પ્રેમના સાક્ષી છે - મરીન ડ્રાઈવ, ચોપાટીનો દરિયો અને શિવાની ….એ બધાની હાજરીમાં વગર શરણાઈ બંને મનથી એકમેકને પરણી જાય છે. આજનો પ્રસંગ સુંદર બની જાય છે. સાગરના મનમાં ગઝલ ગુંજવા લાગે છે…...ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઈએ…. - હરીન્દ્ર દવે 

વરસાદમાં ભીંજાતા યુવાન હૈયાની વાત, જાણે મહોબ્બત થવાની વાત….એકમેક સંગાથે વરસવાની વાત….લાગણીઓને વહેતી મૂકવાની વાત..એક પ્રણયની વાત.


Rate this content
Log in

Similar gujarati story from Drama