દિલની ચાહત

દિલની ચાહત

9 mins
609


  “ પેરામાઉન્ટ ગૃપ્સ ઓફ હોટલ્સ” ની ચેઇનના મેનેજિંગ ડીરેક્ટર અખિલ પંચાલ પોતાની પુણે ખાતેની હોટલના બેંકવેટ હૉલની વ્યવસ્થા જોવા હોટેલના મેનેજર સાથે હૉલમાં દાખલ થયા ત્યારે આખો બેંકવેટ હૉલ ખીચોખીચ ભરેલો હતો. હોટલના ચીફ શેફ અને તેમની ટીમે વિવિધ વાનગીઓથી જરૂરી કાઉન્ટર સજાવી લીધા હતા. વાનગીઓની મનભાવન સોડમ વાતાવરણમાં ખુશ્બુ ફેલાવી રહી હતી. બેંકવેટ હૉલ ભાડે રાખનારની સરભરામાં કોઈ કમી રહેશે નહીં તેવું વિચારી તેમના ચહેરા પર સંતોષ ફરી વળ્યો. તેમની દરેક હોટલમાં મહેમાનોને ઉત્તમ પ્રકારની વાનગીઓ અને આતિથ્ય પીરસવામાં આવતું હતું. તેમના કુશળ સ્ટાફની નમ્રતાપૂર્ણ સર્વિસથી મહેમાનો સંતુષ્ટ થતા હતા. ઉત્તમ સર્વિસ માટે તેમની દરેક હોટલ વખણાતી હતી. 

   ચહેરા પર સંતોષ સાથે અખિલ પંચાલ હૉલમાંથી પાછા ફરતા હતા.... બરાબર તે સમયે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી રેલાતા મધુર સંગીતને વિરામ આપી એક યુવતીએ એનાઉન્સમેંટ કર્યું, “ લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર એટેન્શન પ્લીઝ...! આપણે જમણવાર શરૂ કરીએ તે પહેલા એપિટાઈઝર સૂપ પીતાં પીતાં એક લાઈવ મધુર ફિલ્મી ગીત સાંભળીશું... ગીત રજૂ કરવા માટે હું અમી આંટીને આમંત્રણ આપું છું.... “  

    અમીનું નામ સાંભળી અખિલકુમારના પગ થંભી ગયા. તેમણે પોતાની ગરદન ફેરવી હૉલ તરફ નજર નાખી. તેમના મગજમાં એક મિનિટમાં કેટલાએ વિચારો આવી ગયા. અમી શબ્દ સાંભળીને તેમને થયું શું અમી એટલે અમી શાહ તો નહીં...? 

તે આગળ વિચારે તે પહેલાં લોકોની ભીડમાંથી.......

“ પ્લીઝ! મને માફ કરો. આજે મારું ગળું ખરાબ છે એટલે હું ગાઈ શકીશ નહીં. તમને સાંભળવામાં મજા નહીં આવે. આજે મને માફ કરવા વિનંતી છે.”

   અખિલને તે સ્ત્રીનો અવાજ પરિચિત લાગ્યો. તેમણે પોતાના પગ પંજા ઊંચા કરી તે અવાજ કોનો છે તે જોવા પોતાની નજર ટોળાં પર ફેંકી. ટોળાં વચ્ચે ઘેરાયેલી તે માનુની પર તેમની નજર પડતાં જ તેમનું હ્દય એક ધબકારો ચૂકી ગયું અને દિલ બોલ્યું, 

"હા,એ જ અમી શાહ .. મારી અમી... મારી પ્રાણ પ્યારી...અમી !"

તેમની આંખોમાં આંસુ ઊભરી આવ્યા. તે સમજી ન શક્યા કે તે હર્ષના આંસુ હતા કે આટલા લાંબા સમય પછી પોતાની પ્રેયસીને જોવાના કારણે હ્દયમાં ઊભરી આવેલી ઊર્મિઓના ઘોડાપૂરના કારણે આંખો ભરાઈ આવી હતી....!!"

    અમીની “ના” હોવા છતાં એક યુવતી તેને પરાણે સ્ટેજ પર લઈ આવી અને માઈક્રોફોન પકડાવી દીધું. અમીએ સૌની તરફ જોઈ કહ્યું,

“ મિત્રો! મારું ગળું હવે પહેલાં જેવુ સુરીલું રહ્યું નથી. મેં ઘણા સમયથી રિયાઝ કરવાનું પણ બંધ કરી દીધું છે... એટલે હું સારું ગાઈ શકીશ નહીં. આણે મને ખૂબ વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધી છે. હું ગાવાની કોશિશ કરીશ.... તેમ છતાંય ગીત ગાતી વખતે જો મને એમ લાગશે કે મારો સૂર બરાબર નથી તો સંગીતનું અપમાન ન થાય તે માટે હું ગાવાનું બંધ કરી દઇશ.. “  

અમીની વાત પર ધ્યાન આપવાના બદલે ટોળામાંથી કોઈ બોલ્યું,

“ આંટી....પેલું તાજમહાલ ફિલ્મનું ‘જો વાદા કિયા વો નિભાના પડેગા..’ ગીત ગાઓ.. મજા પડી જશે. ”

અમી : “ ઓ.કે..ઓ.કે.. મને તે ગીત પૂરું યાદ છે .. હું તે ગીત જ ગાઈશ... બસ..!! “ 

   અમીએ આંખો બંધ કરી પોતાનું ગળું ખંખેરી તે ગીત ગણગણ્યું... પછી આંખો ખોલી બધા ઉપર નજર નાખી.. તેની નજર હૉલમાં ફરતી હતી. તેની નજર એકાએક દૂર ઉભેલા અખિલ પર પડી. બંનેની આંખો એક થઈ. અખિલને જોઈ તેની આંખોમાં ચમક આવી ગઈ. આખીલ અહીં શા માટે આવ્યો હશે તે અમી સમજી શકી નહીં. આ તેમના ગ્રૃપના નજીકના મિત્રોનો મેળાવડો હતો તેમાં "અખિલ..! અને પુણે શહેરમાં..?"

    તે અખિલને જોઈ ગૂંચવાઈ ગઈ. તેને લાગ્યું કે હવે તે ગાઈ શકશે નહીં. તેને મૌન જોઈ લોકોએ કહ્યું, "પ્લીઝ! સ્ટાર્ટ..... પ્લીઝ! સ્ટાર્ટ....પ્લીઝ...!" 

  ટોળાના આગ્રહને અમી ટાળી શકી નહીં. તેણે ‘તાજમહાલ’ ફિલમનું ‘ જો વાદા કિયા વો નિભાના પડેગા...’ ગીત ગાવાના બદલે ‘વોહ કૌન થી?’ ફિલ્મનુ “ લગ..જા..... ગલે..... ફીર યે હઁસી રાત હો... ન... હો.. શાયદ ફીર ઇસ જનમમે મુલાકત હો.. ન.. હો...!” ગીત શરૂ કર્યું. 

   અખિલ, અમીનો આ ગીત ગાવાનો મતલબ સમજી ગયો હતો.

        ***

    અમી અને અખિલ કોલેજમાં સાથે ભણતા હતા. અમીને ભગવાને રૂપની સાથોસાથ ખૂબ સુરીલું ગળું આપ્યું હતું. કોલેજના શિક્ષણની સાથે સાથે તે સંગીતનું શિક્ષણ પણ લઈ રહી હતી. અમી કોલેજમાં વિવિધ કાર્યક્રમોમાં ગીતો ગાતી હતી. અખિલ તેની ગાયકીનો દીવાનો અને પ્રશંસક હતો. પહેલાં.. એકબીજાનો પરિચય થયો, ત્યાર પછી મિત્રતા થઈ અને છેવટે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. 

     પ્રેમી થયા પછી અખિલ અને અમી મોટરબાઇક પર શહેરની બહાર ફરવા ચાલ્યાં જતાં હતાં. બંને એકબીજાને દિલોજાનથી ચાહવા લાગ્યા હતા. અમીના ઘરમાં અમીની અખિલ સાથેની ઘનિષ્ઠતાની જાણ થઈ જતાં તેના હરવા-ફરવા પર પાબંદી લાગી ગઈ હતી. બંને પ્રેમીઓ હિજરાતા હતા. એક દિવસે અખિલ હિંમત કરીને અમીના પિતાજીને મળવા ગયો. પોતાના પ્રેમરૂપી અમીનો હાથનો માંગ્યો ત્યારે અમીના પિતાએ,

 “ તારી હેસિયત મારી દીકરીના જોડા ખરીદવા જેટલી પણ નથી......“ 

  કહી અખિલનું ઘોર અપમાન કરીને કાઢી મૂક્યો હતો. 

 અમીની સગાઈ તેની જ્ઞાતીના એક પૈસાદાર કુટુંબના યુવાન સાથે કરી દેવામાં આવી. લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ હતી. જાન આવવાની બે દિવસની વાર હતી તે સાંજે અમી અખિલને આગ્રહ કરી શહેરથી દૂર આવેલા તેની બહેનપણીના ઘરે ખેંચી ગઈ. તેની બહેનપણીના મા-બાપ બહારગામ ગયેલા હતા. અમી અખિલને બેડરૂમમાં ખેંચી ગઈ. અમી એકાંતમાં અખિલની કાયાને વળગી પડી. તેણે રડતાં રડતાં અખિલને ચુંબનોથી નવડાવી નાખ્યો. અમીએ પોતાના દેહ પરથી સાડી દૂર કરી સામેથી અખિલને પોતાની અર્ધ અનાવૃત કાયા ધરી પોતાની સાથે એકાકાર થઈ જવા આહ્વાન આપ્યું. અમી પોતાની જાત પર કાબૂ ગુમાવી બેઠી હતી. તે મદહોશ થઈ વેલની જેમ અખિલને વીંટળાઇ વળી હતી. તે અખિલનું માથું પોતાના ઉન્નત ઉરોજો પર મૂકી તેના માથા પર હાથ ફેરવી અવર્ણિય આનંદ લઈ રહી હતી. અમી એકદમ ઉત્તેજિત અને આક્રમક થઈ ગઈ હતી. તેણે પોતાના બંને હાથોનો અખિલના શરીર ફરતે ભરડો લઈ તેને પરવશ કરવાનો પ્રયત્ન કર્યો. અખિલ પણ ઉત્તેજિત થઈ ગયો હતો. પળ બે પળમાં બંને મર્યાદા ચૂકી જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું !

   છેલ્લી ઘડીએ અખિલે પોતાની પરિપક્વતાનો પરિચય આપ્યો. અમીને ખોટું ન લાગે તે રીતે તેણે તેને પોતાના શરીરથી અળગી કરી. અમીના અર્ધ અનાવૃત શરીર પર તેની સાડી વીંટાળી અખિલે તેના કપાળ પર હળવું ચુંબન કર્યું. અમીને અખિલનું આ પ્રકારનું આચરણ સખત કઠયું. તે પોતાના પ્રેમી સાથે દેહ સાયુજય રચી પહેલી અને છેલ્લી વાર એકાકાર થવા આવી હતી પરંતુ તેનો પ્રેમી તેમાં ઊણો ઉતરતાં અમીને તેના પ્રત્યે અણગમો થયો. 

અમી: “ અખિલ તું સાવ નપાણીયો નીકળ્યો...! “ 

અખિલ : “ અમી, તું આવેશમાં હતી. જો આપણે તે પળ જાળવી લીધી ન હોત તો મોટો અનર્થ થઈ જાત ...! “

અમી : “ અનર્થ નહીં પણ આપણે એકાકાર થઈ જાત. સ્વર્ગીય આનંદ માણી લીધો હોત. હું તારામાં એકલીન થવા જ આવી છું. મેં તને મારા દિલથી ચાહ્યો છે. તું જ મારા શરીરનો માલિક છે,પછી અનર્થ શાનો ?” 

 અમી હજુ પણ ગુસ્સામાં હતી. 

અખિલ: “ અમી, હું પણ તને સાચા હૃદયથી ચાહું છું. તું મારા દિલની ચાહત છે વ્હાલી..! તન કરતાં મન બળવાન છે મારી વહાલી..! જ્યાં સુધી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા હું તારું પાણિગ્રહણ ન કરું ત્યાં સુધી હું તારી કાયાનો માલિક થતો નહીં. સમાજ અને ભગવાનને અનૈતિક સબંધો ગમતા નથી... માટે તું શાંત થા અને ગુસ્સો થૂંકી દે....” 

અમી: “ જો એમ જ હોય તો હું અત્યારે જ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ચાલ, આપણે ભાગીને લગ્ન કરી લઈએ....!" 

અખિલ: “ અમી! આવેશમાં લીધેલા નિર્ણયો સૌને સંતાપે છે. તારા મા-બાપની આબરૂ અને તેમની કિર્તીનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આપણા આવા અવિચારી પગલાંથી સમાજમાં તેમની આબરૂ ધૂળધાણી થઈ જશે માટે આપણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ.“

અમી મનોમન હીબકે ચઢી ગઈ એટલે અખિલે અમીને શાંતવન આપી કહ્યું,

“ અમી.....સાચા પ્રેમમાં હૃદયોનું મિલન જરૂરી છે... દેહ સાયુજય નહીં..! “

 અમીની આંખોમાં હજુયે ઉન્માદ હતો એટલે અખિલે અમીના શરીરને પોતાની બાંહોમાં લઈ કહ્યું,

" ચાલ... ખુશ થઈ મને છેલ્લી વાર એક ગીત સંભળાવી દે ..!”

અમીએ પોતાનો દેહ અખિલના ખોળામાં નાખી સ્વસ્થ થઈ કહ્યું,

“ અખિલ... હવે કદાચ જીવનમાં ફરી મળાય કે ન મળાય..!! ચાલ આજે છેલ્લી વાર મારા મુખેથી ગીત સાંભળી લે. “ 

અમીએ ‘વોહ કૌન થી ?’ ફિલ્મનું “ લગ...જા.... ગલે..... ફીર યે હઁસી રાત હો.. ન.. હો.. શાયદ ફીર ઇસ જનમમે મુલાકત હો.. ન.. હો...!” 

ગીત શરૂ કર્યું હતું. ગીત ગાતાં ગાતાં જયારે તે “ ....બાંહે ગલેમે ડાલકે હમ રોલે ઝાર ઝાર ..”

 શબ્દો સુધી પહોંચી ત્યારે તેનાથી અખિલના ગળામાં હાથ નાખીને રોઈ પડાયું હતું... તે ગીત પૂરું કરી શકી ન હતી. અખિલની આંખોમાંથી પણ શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. બંને જણા ઘણીવાર સુધી એકબીજાને વળગીને રડતાં રહ્યા હતા. અમી અને અખિલની એ છેલ્લી મુલાકાત હતી.

        ***

 આજે લગભગ વીસ વર્ષે બંનેએ એકબીજાને જોયાં હતા. અમીથી વિખૂટા પડ્યા પછી અખિલ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા સિંગાપુર ચાલ્યો ગયો હતો. કોર્સ પૂરો કરી ભારત પાછા ફરી તેણે હોટેલ બિઝનેસમાં તેનું નસીબ અજમાવ્યું હતું. નસીબે યારી આપતાં “ પેરામાઉન્ટ ગૃપ્સ ઓફ હોટલ્સ” ની ચેઇન શરૂ કરી હતી. દેશના આઠ મેટ્રો શહેરોમાં તેની શાખાઓ હતી. તેણે પોતાનું વતન છોડી છેલ્લા પંદર વર્ષથી મુંબઈમાં વસવાટ કરી લીધો હતો. આજે તે પૂણેની આ શાખાની મુલાકાતે આવ્યો હતો.  

    અમી હજુ સ્ટેજ પરથી ગીત રેલાવી રહી હતી. આજે પણ જ્યારે તે...... 

“ ....બાંહે ગલેમે ડાલકે હમ રોલે ઝાર ઝાર ..” શબ્દો સુધી પહોંચી ત્યારે તેના ગળામાં ડૂસકું ગંઠાઈ ગયું તેથી તે આગળ ગાઈ ન શકી. અખિલની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસે તે પહેલાં તે બેંકવેટ હૉલની બહાર નીકળી ગયો. 

 અખિલ પોતાના માટે હોટલમાં રીઝર્વડ સ્યૂટમાં દાખલ થઈ ડબલ બેડમાં પડ્યો. તેનું હ્દય આળું થઈ ગયું હતું. અમી સાથેની એક પ્રેમી તરીકેની તેની સફર તેને યાદ આવી રહી હતી. તેના હ્દયમાં એક ટીસ ઉઠી હતી. ન ચાહવા છતાં તેની આંખોમાંથી આંસુ રહી રહીને વહી રહ્યા હતા. અમીની મુલાકાત કરવી કે કેમ તે અંગે તે વિચારી રહ્યો હતો ત્યારે તેના દરવાજે ટકોરા પડ્યા. અખિલે સ્વસ્થતા ધારણ કરી “ કમ ઇન “ કહ્યું. દરવાજો ખોલી અમીને રૂમમાં દાખલ થતી જોઈ તેને સુખદ આશ્ચર્ય થયું. તેણે ઊભા થઈ અમીને આવકારી.  

પ્રારંભિક થોડીક વાતચીત પછી અખિલે પૂછ્યું, "અમી, કેમ ચાલે છે.. તારું લગ્નજીવન ?”

અમી : “મેં સચિનથી દસ વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધા છે.” 

અખિલે આશ્ચર્યથી અમી સામે નજર તાકી. અમીના ચહેરા પર છૂટાછેડા અંગે કોઈ અફસોસ હોય તેવું જણાતું નહતું.  

અમી : “ અખિલ! હું મારા લગ્નજીવનથી ખુશ ન હતી. અમારું માનસિક કજોડું હતું. સચિનના અને મારા ટેસ્ટ, શોખ વિગેરે અલગ હતા. હું તેનાથી ઉપેક્ષિત હતી. તેના તરફથી મને પ્રેમ કે હુંફ મળતી ન હતી. સાચું કહું તો હું તને ભૂલી શકી ન હતી એટલે હું સચિનને મનથી સમર્પિત થઈ શકી નહતી. હું એક પુત્રની માતા બની હતી તેમ છતાં હું અતૃપ્ત હતી. સચિન સ્વભાવે એટલો ખરાબ ન હતો. સચિને એક દિવસે મારી સાથે ખૂબ ખુલ્લા દિલે આપણાં સબંધો વિશે ચર્ચા કરી. તેને આપણાં લગ્ન પહેલાના પ્રેમની જાણકારી મળી હતી. સચિન પોતે પણ લગ્ન પહેલાંથી એક અન્ય જ્ઞાતિની યુવતીને ચાહતો હતો. લગ્ન પછી પણ તેના તે યુવતી સાથે સબંધો હતા. મને તેમના સબંધો વિશે કોઈ જાણકારી ન હતી. તે દિવસે તેણે મારી સમક્ષ તેના પ્રેમનું રહસ્ય છતું કર્યું હતું.” 

“તેણે મને વળતર સાથે છૂટાછેડા આપવાની ઓફર કરી અને તે ઉપર શાંતિથી વિચારી જવાબ આપવા જણાવ્યુ.”

“ મેં તારા સમાચાર જાણવા પ્રયત્ન કર્યો પરંતુ તેં વતન છોડી દીધું હોવાનું મને જાણવા મળ્યું હતું. મારા માતા પિતાને મારી સચિન સાથે થયેલી આખી વાત જણાવી. સચિનના અન્ય યુવતી સાથેના સબંધોની જાણકારી અને મને વળતર સાથે છૂટાછેડા આપવાની તેની ઓફર સાંભળી તેમણે ‘આપણાં લગ્ન ન થવા દેવાનો અપરાધ સ્વીકારી’ તે અંગેનો નિર્ણય મારી પર છોડી દીધો. મેં ખૂબ ગહન વિચારણા અંતે ‘હું તો સુખી થાઉ કે ન થાઉ....પણ સચિન તો તેની પ્રેમિકા સાથે લગ્ન કરીને જીવનભર સુખી થાય’ તેવું વિચારી સહર્ષ મેં સચિનની ઓફર સ્વીકારી લીધી હતી..... હું મારા આઠ વર્ષના દીકરાને તેના હવાલે કરી તેનાથી છૂટી થઈ ગઈ. તેણે મને પુનામાં એક ફ્લેટ, ગાડી, સોના-ચાંદીના દાગીના અને મારું ગુજરાન થાય તેટલી રોકડ રકમ આપી હતી. ખરેખર તે ખૂબ ઉદાર પતિ પુરવાર થયો હતો ! છૂટાછેડા પછી હું અહીં પુનામાં સ્થાયી થઈ. મારે જીવન જરૂરિયાત માટે કોઈ વ્યવસાય કરવો જરૂરી ન હતો તેમ છતાં સમય પસાર કરવા માટે મેં ‘બ્યુટિક ફેશન એન્ડ ગિફ્ટ શોપ’ ખોલી છે. તેમાં હું રચીપચી રહું છું." 

અખિલે ફ્રેશ ઓરેન્જ જ્યૂસનો ઓર્ડર આપ્યો હતો. તેનો એક મોટો ઘૂંટડો ભરી અમી બોલી, “ મેં તને આજે જોયો એટલે મારુ હૈયું હાથ ન રહ્યું. મારા હૈયાની ચાહત તને જોઈ ઊભરાઈ ઉઠી. હું રિસેપ્શન ડેસ્ક પરથી તારા રૂમની જાણકારી મેળવી અહી આવી પહોંચી.....બોલ.. તારું જીવન કેવું છે ?” 

અખિલ : “ બસ... વોહી રફતાર ટેઢી મેઢી... ફક્કડ ગિરધારી છું. મારી આઠ હોટલો પૈકી કોઈ એક હોટલમાં થોડા દિવસો પસાર કરી ચેંઈજ માટે સ્થળ બદલી નાખું છું.

અમી: "એટલે ..તું.. હજું કુંવારો છે ?”

અખિલ:" હા, બિલકુલ કાચો કુંવારો... વળી !!” કહી તે હસી પડ્યો અને આગળ બોલ્યો “ મારા દિલ પર રાજ કરે તેવી કોઈ સુકન્યા મને હજુ સુધી મળી નથી...!! "  

અમી : “ જો તું ચાહે અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મારું પાણિગ્રહણ કરવા તૈયાર હોય તો આજે..ય.. અમીનું તને ખુલ્લું આમંત્રણ છે. હા... તનથી કુંવારી અમી તને નહીં મળે... પણ મનની કુંવારી અમી તને જરૂર મળશે. ...” 

  અમીએ આશાભર્યા નયનોએ અખિલ સામે મીટ માંડી. અખિલે અમીને પોતાના બાહુપાશમાં જકડી તેના ગુલાબી હોઠો પર પોતાના હોઠો ચાંપી દીધા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama