Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ 11

સપનાં લીલાંછમ 11

10 mins
83


પોતાના લગ્નજીવનથી અસંતુષ્ટ યોગીતાએ પોતાના ભૂતપૂર્વ પ્રેમી ઉદય સમક્ષ પોતાના જીવનની કિતાબ ખુલ્લી કરી દીધી હતી. નિખાલસતાથી વ્યથા ઠાલવી દેતાં તેના મન પરનો ભાર હળવો થઈ ગયો હતો. થોડી મિનિટોમાં જ તે ઊંઘી ગઈ હતી. યોગીતાના હળવા નસકોરાનો અવાજ સાંભળી, નીલિમા ઊંઘી ગઈ છે તેનો અહેસાસ થતાં, એક ખોટું પગલું ભરવામાંથી બંને બચી ગયા એમ માનીને, પોતાના ડામાડોળ મગજ પર કાબૂ મેળવી લીધાના સંતોષ સાથે ઉદય રૂમમાંથી બહાર નીકળ્યો. ઓટોમેટીક લેચ ચઢાવી યોગીતાનો રૂમ બંધ કરીને પોતાના રૂમ તરફ જવા પાછો ફર્યો ત્યારે તેની સામે ઊભેલી નીલિમાને જોઈ દિગ્મૂઢ થઈ ગયો. 

નીલિમાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. ગુસ્સામાં ખૂબ ઝડપથી તે પોતાના ફેફસાંમાં શ્વાસ ભરતી અને છોડતી હતી તેથી તેના નાકના નસકોરાં પહોળા થઈ ગયાં હતાં. ઉદયને નીલિમાના ગુસ્સે થવાની વાત સમજાઈ ગઈ તેમ છતાં તે પોતાના ચહેરા પર કૃત્રિમ હાસ્ય સાથે બોલ્યો,"વોટ અ બિગ એન્ડ લવલી સરપ્રાઈઝ, નીલુ ડિયર...!?"

નીલિમા પગ પછાડતી બોલી, "સરપ્રાઈઝ... માય ફૂટ...!! મોટું સરપ્રાઈઝ તો તેં મને આપ્યું છે. આખરે મને જે ડર હતો તે થઈને જ રહ્યું." નીલિમાનો અવાજ ઊંચો થઈ રહ્યો હતો. જે સેવનસ્ટાર હોટલના ડેકોરમને અનુરૂપ ન હોઈ ઉદયે નીલિમાને ઈશારાથી શાંત થવા વિનંતી કરી. નીલિમાને પોતાના સ્યુટ તરફ લઈ જવા ઉદયે તેનો હાથ પકડ્યો. નીલિમા સેવનસ્ટાર હોટલમાં કેમ વર્તવું તેનાથી અજાણ નહોતી. તેણે ઉદયનો હાથ તિરસ્કારથી ઝાટકીને શિસ્તપૂર્વક ઉદયના સ્યુટની બાજુમાં જ આવેલ પોતાના રૂમમાં દાખલ થઈ. તેણે દરવાજો ઝડપથી બંધ કરવા ચાહ્યું, જેથી તેની પાછળ આવી રહેલ ઉદયને તેના રૂમમાં પ્રવેશતો રોકી શકાય. હોટલના દરવાજાને આધુનિક ડોર ક્લોઝર લગાડેલ હોવાથી દરવાજો બંધ થવામાં થોડીક સેકન્ડની વાર થઈ. ઉદય આ તક ઝડપીને નીલિમાના રૂમમાં દાખલ થવામાં સફળ થઈ ગયો. 

રૂમમાં દાખલ થયા બાદ નીલિમાએ રોકી રાખેલા આંસુઓનો બંધ તૂટી ગયો. તે દોડીને પલંગ પર પછડાઈને હીબકાં ભરી ભરીને રડવા લાગી. ઉદય નીલિમા પાસે તેના પલંગ પર બેઠો. હળવેથી તેની પીઠ પર હાથ મૂક્યો એટલે તે વાઘણની જેમ વીફરીને બેઠી થઈ ગઈ. એક ઝાટકે ઉદયનો હાથ પછાડીને બોલી, "ડોન્ટ ટચ મી... ડોન્ટ ટચ...યુ........" તે ગુસ્સામાં ઉદયને અપશબ્દ બોલવા જતી હતી પરંતુ તેના સંસ્કારોએ તેને તેમ કરતાં રોકી લીધી. 

  "આઈ હેટ યુ...આઈ હેટ યુ...ગેટ આઉટ ઓફ માય રૂમ એન્ડ લીવ મી અલોન...ક્વિટ ઈમીડીએટલી... અધરવાઈઝ આઈ વિલ કોલ ધ મેનેજર એન્ડ કીક યુ આઉટ..." કહી તેણે પોતાના હાથના ઈશારાથી ઉદયને બહાર જવા કહ્યું.

ઉદય સમજતો હતો કે નીલિમાનો ગુસ્સો વ્યાજબી (વાજબી) હતો. ત્યાં વધારે સમય ઊભા રહેવું એટલે નીલિમાના ગુસ્સામાં વધારો કરવા બરાબર હતું તેવું તે જાણતો હતો પરંતુ સાથોસાથ તે એ પણ જાણતો હતો કે જો અત્યારે નીલિમાની ગેરસમજ દૂર કરવામાં નહીં આવે તો કદાચ બહુ મોડું થઈ જશે ! માટે તે થોડો સમય નીલિમાના ગુસ્સાને શાંત પડવાની રાહ જોતો બેસી રહ્યો. 

તેણે નીલિમા તરફ પાણીનો ગ્લાસ ધર્યો...જે નીલિમાએ ન લીધો એટલે તે પાણી પોતે પી ગયો.

"નીલુ....તને જરૂર કોઈ ગેરસમજ થઈ છે. પ્લીઝ ! તું એકવાર મારી વાત શાંતિથી સાંભળી લે...પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે. તું મને એકવાર ખુલાસો કરવાનો મોકો આપ...હું તને વિનંતી નહીં પણ આજીજી કરું છું, પ્લીઝ...!"

નીલિમા, “શાની ગેરસમજ...? મેં મારી સગ્ગી આંખે તને આટલી મોડી રાત્રે યોગીતાના રૂમમાંથી ચૂંથાયેલા કપડાંમાં બહાર નીકળતો જોયો છે. મને રિસેપ્શન પરથી માહિતી મળી'તી કે યોગીતાનો પતિ મનોહરસિંહ મુંબઈ પાછો ચાલ્યો ગયો હોવાથી તે રૂમમાં એકલી હતી. એકલી યોગીતા સાથે આટલી મોડી રાત સુધી શું તું ત્યાં લખોટીઓ રમતો'તો ? બંધ રૂમમાં એક પુરુષ અને એક સ્ત્રી શું કરતાં હોય તે કહેવાની જરૂર છે ખરી..? વળી જ્યારે ખૂબસૂરત ભૂતપૂર્વ પ્રેમિકા સાથે હોય ત્યારે પુરુષ એકાંતમાં ભજન કરે કે......??" તેણે જાણી જોઈને પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું. એકાએક નીલિમાની નજર ઉદયના હોઠો પર પડી. યોગીતાના હોઠોની લિપસ્ટિકના હળવા નિશાન તેના હોઠો પર દેખાયા એટલે તેના શર્ટનો કોલર પકડીને વોર્ડરોબના અરીસા સામે ખેંચી ગઈ. તેમાં તેના હોઠો પરના ડાઘ બતાવીને બોલી,

 "આ બાબતે તારું શું કહેવું છે !. આ ભજન કરતા ભક્તના મંજીરાના નિશાનો છે કે પછી માતાજીનો પ્રસાદ...? અને તારા શર્ટને ચોંટેલો આ લાંબો વાળ ટેલિફોનનો તાર છે, નહીં...? તને તો ‘યુડી કોલોન’ અત્તરની સુગંધની એલર્જી છે તો તારા કપડાંમાંથી તેની સુગંધ કેમ આવી રહી છે ? તારે હજુ કેટલા વધારે સબૂત જોઈએ છે...?"

"નીલુ...હું તને ફરીથી કહું છું. પ્લીઝ ! મારી વાત એકવાર શાંતિથી સાંભળી લે. ઘણીવાર પોતાની સગ્ગી આંખે જોયેલી અને સગ્ગા કાને સાંભળેલી વાતો પણ ભ્રમ પેદા કરતી હોય છે."

"સાચી વાત છે,ઉદય... આજે મારો ભ્રમ સાચે જ ભાંગી ગયો છે. હું સમજી ગઈ છું કે હું યોગીતા જેટલી દેખાવડી નથી એટલે તને હવે ગમતી નથી... તેથી તું તેની સોડમાં જઈ ભરાયો હતો... બરાબરને ? આખરે પુરુષની જાત ને ! ભ્રમર વૃત્તિ કેવી રીતે છોડી શકે. કહેવત છે ને કે ચોર ચોરીથી જાય પણ હેરા ફેરીથી નહીં !." કહી તે પોતાની નાજુક મુઠ્ઠીઓ વડે ઉદયની છાતીમાં પ્રહાર કરતાં કરતાં ફરી રડવા લાગી. તે હજુય ખૂબ ગુસ્સામાં હતી. 

ઉદય ઉદાસ થઈને બોલ્યો, "નીલિમા... તારે મને ગમે તેટલા અપશબ્દો કહેવા હોય...ગાળો બોલવી હોય તો બોલ... હું તે તમામ સાંભળી લેવા તૈયાર છું પરંતુ 'તું ખૂબસૂરત નથી એટલે તું મને ગમતી નથી' તેવું આળ હું સાંભળવા તૈયાર નથી માટે તે શબ્દો જીવનમાં ફરી ક્યારેય કહેતી નહીં. મેં તને આપણી પ્રથમ મુલાકાતમાં જ કહ્યું'તું કે હું તનની નહીં પણ મનની સુંદરતાને વધુ મહત્વ આપું છું. જો હું તન ચાહતો હોત તો યોગીતા આજે તેના સૌંદર્યનો તમામ વૈભવ પાથરીને મને સમર્પિત થવા તૈયાર જ હતી. મને તેનો ઉપભોગ કરતાં કોણ રોકવાનું હતું ? પણ તારા તથા નાનાજીના સહવાસ પછી હું મનોમંથન કરી મારા ડામાડોળ મગજ પર કાબૂ મેળવી લેવાનું શીખી ગયો છું... હવે સમયસર સાચા નિર્ણયો લઈ શકું છું. હું પહેલાં જેવો સાવ અલ્લડ, અલગારી, બેપરવાહ અને બેજવાબદાર માણસ રહ્યો નથી. કદાચ, મારામાં વિકસેલા સારા ગુણોએ જ અને તારા તરફના મારા પ્રેમે મને પતનના માર્ગે જતો અટકાવ્યો છે... માટે ભવિષ્યમાં મહેરબાની કરીને મને તે ગાળ ન આપતી. અત્યાર સુધી મેં ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને તારા તનને અડકવાનો સભાન પ્રયત્ન પણ કર્યો નથી, એ તું જાણે જ છે ને !"

નીલિમા રડતાં રડતાં બોલી, "ઉદય ! તારી આ ખાસિયતને કારણે જ તો હું મારું દિલ હારી બેઠી છું. મારી પણ તને વિનંતી છે તું કદી પણ જાણે-અજાણે મારી કુમળી ભાવનાઓને છંછેડીને મારી અગ્નિપરીક્ષા લેવાનો પ્રયત્ન ન કરતો... નહીંતર હું તને ગુમાવીને જીવી નહીં શકું. બસ મારી આટલી વાત જીવનભર યાદ રાખજે....એ મારી ફરીથી તને વિનંતી છે."

ઉદયે નીલિમાને આજે રાત્રે યોગીતાના રૂમમાં ગાળેલા સમયની તમામ વિગતો અક્ષરસ: જણાવી દીધી. તેણે વિશેષમાં કહ્યું કે યોગીતાના મારી સાથેના છેલ્લા ચુંબનમાં મને વાસનાની જગ્યાએ મિત્રની નિર્દોષતા અનુભવાઈ હતી. કદાચ, તેના મનમાંથી પણ હવે મારા તરફની આસક્તિ નીકળી ગઈ છે. નીલિમાને ઉદયના ખુલાસાથી સંતોષ થઈ ગયો હતો. પ્રવાસના થાકના કારણે તે બે મિનિટમાં ઉદયને વળગીને ઘસઘસાટ ઊંઘી ગઈ.   

     નીલિમા અને ઉદય બીજા દિવસે છેક લંચ ટાણે હોટેલની ભવ્ય રેસ્ટોરન્ટમાં દાખલ થયા. યોગીતાએ તે બંનેને આવતાં જોયાં. નીલિમાને મોરિશિયસમાં જોઈ તે સમજી ગઈ કે ખરેખર તે બંનેનો પ્રેમ સાચો પ્રેમ હતો, નહીંતર નીલિમા પોતાના પ્રેમીને મળવા આટલે દૂર દોડી ન આવી હોત...! યોગીતા ઊભી થઈને તે બંનેને તેના ટેબલ તરફ દોરી ગઈ. ટેબલ પર બેઠક લેતાંની સાથે જ યોગીતા બોલી,"નીલિમા, આઈ હૅટ્સ ઓફ યોર ડીપ લવ એન્ડ ડીવોશન ટુવર્ડઝ ઉદય ! કદાચ, તારી ઉદય તરફની આ ઉત્કૃષ્ઠ લાગણીઓ તે....... ચાલ જવા દે એ વાત કદાચ તને નહીં ગમે અને તમારા સંબંધોમાં જાણે-અજાણે વમળો પેદા કરશે."

નીલિમા માટે ઉદય સાચો હોવા અંગેના યોગીતાના આટલા શબ્દો પૂરતા હતા. તેણે યોગીતાનો હાથ દબાવી સાંકેતિક રૂપે કહી દીધું કે તે બધું જાણે છે. નીલિમાની સૌજન્યશીલ લાગણી જોઈ યોગીતાની આંખો ભરાઈ ગઈ. તેણે ખુશબોદાર ટીશ્યુથી, પોતાનો ચહેરો સાફ કરવાના બહાને કોઈને જાણ ન થાય તે રીતે, ખૂબ સલૂકાઈથી તેની આંખોના ભીનાં ખૂણા લૂછી નાખ્યાં.  

 લંચ માટે કોંટિનેંટલ વાનગીઓનો ઓર્ડર યોગીતાએ આપી દીધો. સૂપ પીતાં પીતાં નીલિમાએ તેની મોરિશિયસ પહોંચવાની આખી વાત જણાવી. તેના સદ્દનસીબે તેને ‘હોટલ હિલ્ટન’માં ઉદયની બાજુવાળો સ્યૂટ મળી ગયો હતો પરંતુ રીટર્ન ફ્લાઈટ અલગ-અલગ હતી. નીલિમાની રિટર્ન ફ્લાઈટ ઉદયની ફ્લાઈટથી ચાર કલાક મોડી ઉપાડનાર હતી. ગઈકાલે રાત્રે ઉદય સાથે થયેલ વિવાદની વાત તેણે જાણીજોઈને યોગીતાથી છૂપાવી રાખી.

  મોરિશિયસના રોકાણ દરમ્યાન નીલિમાએ ઉદયને કહ્યું, "મારા બંગલામાં નવા ભાડૂત રહેવા આવી ગયા છે. તે એક આધેડ દંપતિ છે. તે બંને મને ખૂબ પ્રેમ કરે છે. તેઓ મને દીકરીની જેમ ચાહે છે. બેટી તરીકે સંબોધન કરે છે. હું પણ તે સ્ત્રીને માસી અને પુરુષને અંકલ કહું છું. મને પણ થોડા દિવસોમાં જ તેઓનું વળગણ થઈ ગયું છે. હું કોઈ અજાણ્યા આકર્ષણથી તેમની તરફ ખેંચાતી જતી હોઉ તેવો અહેસાસ અનુભવું છું. મેં તારી અને મારી વચ્ચેના સંબંધોની વાત પણ તેમને કરી દીધી છે." 

"ઉદય...આ દંપતીએ બંગલો ભાડે રાખ્યો તે પહેલાં તેમને બંગલાની આસપાસ ઘણીવાર જોયા હોવાનું મને યાદ છે. લગભગ એક અઠવાડિયા સુધી જુદા જુદા સમયે તેઓ મારી નજરે ચડ્યાં હતાં. એ જ સમયે નાનાજીએ મને ફોન કરીને કહ્યું પણ હતું કે મારે અજાણ્યા માણસોથી સાવચેત રહેવાની જરૂર છે. મેં નાનાજીને પૂછ્યું'તું કે 'શું મારે તારા (ઉદય)થી સાવચેત રહેવાની જરૂર છે ?' તો તેમણે મને કહ્યું'તું કે ઉદયથી નહીં પણ તું કોઈ અજાણ્યા માણસથી સાવચેત રહેજે. નાનાજીને તારા પર પૂરો ભરોસો છે...પણ કદાચ તેમના મનમાં કંઈક બીજું હતું જે મને કહી શક્યા ન હતા તેવું મને લાગે છે. મેં બહુ દબાણ કર્યું ત્યારે તેમણે મને 'ગ્લેમરની દુનિયા અને ફિલ્મી જગતના અજાણ્યા માણસોથી સાચવવાનું કહ્યું'તું પણ હું ચોક્કસપણે માનું છું કે નાનાજી તે વખતે કદાચ સફેદ જૂઠ બોલ્યા હતા. મેં તે વાતને બહુ ગંભીરતાથી લીધી નહીં અને તને પણ તે વાત જણાવી નહોતી. ખબર નહીં પણ મને આજે એકાએક આ નવા ભાડૂઆત અને નાનાજીની વાતમાં કશું કનેક્શન લાગી રહ્યું છે. તું શું માને છે...?"

"નીલિમા, કોઈના વિશે પૂરી તપાસ કર્યા વગર કોઈ નિર્ણય પર આવવું તે સામેવાળી વ્યક્તિ સાથે અન્યાય કર્યા, બરાબર છે. મને તેમની ઉપર કોઈ શંકા કરવાનું કારણ લાગતું નથી. કદાચ, બની શકે કે તેમણે બંગલો ભાડે રાખવાનું વિચાર્યું હોય એટલે બે-ચાર વાર તેઓ છૂપી તપાસ કરવા આવ્યાં હોય. હવે તો તને તેઓ બેટી માને છે એટલે બિલકુલ શંકા કરવા જેવું નથી."

  ઉદયે મજાકના ટોનમાં આગળ ઉમેર્યું, "મહત્વની વાત એ છે કે નાનાજીનો જેટલો વિશ્વાસ હું જીતી શક્યો છું તેટલો તારો વિશ્વાસ જીતી નથી શક્યો, તેનો અફસોસ છે!" કહી તે હસ્યો. નીલિમાએ જાણે ઉદયની મજાકભરી વાત સાંભળી જ ન હોય તેમ શૂન્યમાં જોઈ કંઈક વિચારી રહી હતી. તેને વિચારોમાં જોઈ ઉદય તેની સામે તાકીને જોઈ રહ્યો. 

"ઉદય, માસી લતાદેવી ચિત્રકાર છે. તે ચિત્રો દોરે છે. મેં તેમના પૂજાઘરમાં ભગવાનની છબી પાસે એક પોર્ટરેટ જોયું હતું. મને તે પોર્ટરેટ યુવાન નાનાજી જેવું લાગતું હતું. માસી થોડા લંગડાઈને ચાલે છે. ઉદય...ઉદય.... મને કશીક ગંધ આવી રહી છે. ધેર ઈસ સમથીંગ ફિશી...યાર...!! ઈન્ડિયા જઈ મારે તરત જ નાનાજીને મળવા જવું પડશે."

 આટલું કહી તેણે તરત જ નાનાજીને ફોન જોડીને કહ્યું, “નાનાજી! હું મોરિશિયસથી ત્રણ દિવસ પછી ભારત પાછી ફરી રહી છું. હું તમને એક અગત્યની વાત કરવા બીજા જ દિવસે સૂરજપુર આવીશ. હું ટ્રેનની ટિકિટ બુક કરીને તમને જાણ કરીશ. તમે રામુકાકાને મને લેવા રેલવેસ્ટેશને મોકલજો." નાનાજીએ ‘ઓકે’ કહ્યું એટલે નીલિમાએ ફોન પૂરો કર્યો. 

"નીલિમા ! તેં ઈન્ટરનેશનલ રોમિંગ કરાવ્યું છે?"

"હા."

"નીલિમા, 'ઘેર ઇઝ અ સરપ્રાઈઝ ફોર યુ !' મેસેજ વાંચીને તરત મેં સરપ્રાઈઝ વિશે જાણવા તને ફોન કર્યો'તો પણ તારો મોબાઈલ બંધ આવતો'તો. ઈન્ટરનેશનલ રોમિંગમાં તારી સાથે વાત કેમ ન થઈ તે સમજાયું નહીં !."

"મહાશય! ફ્લાઈટ ઉપડવાની બે મિનિટ પહેલાં મેં તને મેસેજ કરી મારો ફોન ‘ફ્લાઈટ મોડ’માં મૂકી દીધો હતો...જેથી તું મારો સંપર્ક ન કરી શકે અને તું સરપ્રાઈઝ વિશે ગોટે ચઢી વિચારતો રહે. મજાની વાત એ છે કે ફ્લાઈટમાંથી ઉતરી મેં તને સરપ્રાઈઝ આપવા એરપોર્ટ પરથી સાત વિડીયોકોલ કર્યા હતા પણ તું મારો ફોન એટેન્ડ કરતો નહોતો એટલે સૌ પ્રથમ તો મને તારી તબિયત વિશે ચિંતા થઈ. ત્યારબાદ સાચું કહું તો મને તું યોગીતા પાસે હોવાની શંકા ગઈ હતી. એટલે જ મેં હોટલમાં ચેક ઈન કરી રિસેપ્શન પરથી સૌપ્રથમ યોગીતાના રૂમની અને મનોહરસિંહ અહીં છે કે કેમ તેની જાણકારી મેળવી હતી. નોકર મારી બેગ મારા રૂમમાં મૂકી ગયો એટલે તારા રૂમના ઈન્ટરકોમ પર ફોન જોડ્યો હતો. બે-ત્રણવાર ’નો રિપ્લાય’ થયો એટલે મારી શંકાનું સમાધાન કરવા હું સીધી યોગીતાના સ્યુટ પાસે આવી પહોંચી હતી... ત્યાં આપ મહાશય, રંગે હાથે પકડાઈ ગયા હતા." કહી નીલિમા હસતાં હસતાં રડી પડી.

"મેડમ ! હું મારો ફોન મારા રૂમમાં મ્યુટ કરીને બેટરી ચાર્જ કરવા મૂકીને આવ્યો હતો એટલે ‘નો રિપ્લાય’ જ આવે ને... બાકી તારું લૉજિક ખૂબ પાવરફૂલ છે...તારે તો જાસૂસ થવાની જરૂર હતી."    

      ઉદય અને નીલિમાએ બાકીનો સમય મોરિશિયશના વિવિધ જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરી પૂરો કર્યો.

નીલિમા ઉદય પછી સાડા ચાર કલાકે મુંબઈ પહોંચી હતી. ઉદયે સવારે વહેલા ઉઠી નીલિમા આવી ગઈ છે કે કેમ તેની જાણકારી મેળવવા ફોન કર્યો હતો.

 "ઉદય, રાતની ટ્રેનથી હું નાનાજીને મળવા સૂરજપુર જવાની છું. મારે નાનાજી સાથે થોડીક અંગત વાતો કરવી છે એટલે તને સાથે આવવાનો આગ્રહ કર્યો નથી. જો, અઠવાડિયા પછી તને અનુકૂળ હોય તો તું સૂરજપુર પહોંચજે. તેં મને મોરિશિયસથી પાછા ફરી દાદાજીને મળી સગાઈ પાકી કરી લેવાની વાત કરી હતી તે તને યાદ છે ને...? તો પછી આવી જજે. સગાઈ પછી હકથી એકબીજાના હાથમાં હાથ નાખીને ગામમાં ફરીશું...તાજી હવામાં થોડી મસ્તી કરી દસ દિવસે પાછા ફરીશું."

"ઓકે ! જેવો મેડમજીનો હુકમ."

"જા લુચ્ચા...!!" કહી ફોન કાપી પ્રવાસની તૈયારીમાં પરોવાઈ ગઈ. 

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ઉદયના મોબાઈલ પર નાનાજીનો નંબર ડિસ્પ્લે થયો. તેણે "નમસ્તે નાનાજી!" કહ્યું. 

નાનાજી ખૂબ ગભરાયેલા હતા.

"ઉદય...નીલિમા તેના કંપાર્ટમેન્ટમાં નથી." તેની બંને બેગ અને મોબાઈલ મળી આવ્યા છે. મને તેનું અપહરણ થયું હોવાની શંકા છે. તું, એક કામ કર... અત્યારે જ મારા બંગલે પહોંચ અને બંગલામાં પેલા નવા ભાડૂઆત રહેવા આવ્યાં છે તે ત્યાં છે કે નહીં તેની તપાસ કરીને મને તાત્કાલિક જાણ કર. તે નીલિમાના માતાપિતા છે. મને નીલિમાના કિડેનેપિંગમાં તેમનો હાથ હોવાની શંકા છે. હું પોલીસસ્ટેશનમાં જઈ નીલિમા ગુમ થયાની ફરિયાદ નોંધાવું છું. પ્લીઝ ! બી ક્વીક. મને તાત્કાલિક સમાચાર આપ."

ઉદય નીલિમાનું અપહરણ થયું હોવાની શંકાના સમાચાર સાંભળી ડઘાઈ ગયો.   

 [ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance