Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

દુનિયા મારી મુઠ્ઠીમાં !

દુનિયા મારી મુઠ્ઠીમાં !

5 mins
250


રોહિત આજે રોજ કરતા અલગ જ લાગી રહ્યો હતો. આછાં ભૂરા રંગની જીન્સ, પીળા રંગનું ટી-શર્ટ, સ્પોર્ટ શૂઝ અને માથે ગોગલ્સ ચડાવીને જ્યારે તૈયાર થઈને એ ઘરની બહાર નીકળ્યો ત્યારે એની ઉંમર કરતા દસ વર્ષ નાનો લાગી રહ્યો હતો. પત્ની મિતાલી ત્રાંસી આંખે એની સામે જોઈ રહી અને વ્યંગ કરતા બોલી પણ ખરી,"ઓહોહો... આજે તો નક્કી કોઈ જૂની ગર્લફ્રેન્ડ મળવાની લાગે છે. રોહિત મૂછમાં હસ્યો અને પછી હાથમાં મોબાઈલ લઈને ઘરની બહાર નીકળી ગયો. એની ચાલમાં આજે અલગ જ તરવરાટ અને ઊર્જા હતી. અને કેમ ના હોય ? આજનો દિવસ પણ તો એના માટે ખાસ જ હતો ને. જેમની સાથે પોતાના ભૂતકાળના જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય વિતાવ્યો હતો એ સ્કૂલ સમયના એના જીગરજાન મિત્રોનું આજે રિયુનિયન થવાનું હતું. આજથી કેટલાંક વર્ષો પહેલા પણ આવું જ એક પુનર્મિલન થયું હતું, જેમાં ભાગ લેવા રોહિતે ખૂબ જ આતુરતાથી પ્રતિક્ષા કરી હતી પણ ખરા સમયે જ એના બોસે એને એક અગત્યની મિટિંગમાં ભાગ લેવા માટે દિલ્હી જવાનો આદેશ આપી દીધો હતો. અને એ પુનર્મિલનનો હિસ્સો ના બની શકવાનો વસવસો આજ સુધી એના મનમાં રહી ગયો હતો. મીટીંગ તો આજે પણ એક થવાની હતી, અને એ પણ અગત્યની, પણ હવે એ કલાક, બે કલાકની મીટિંગમાં હાજરી આપવા માટે એણે ક્યાં બે દિવસ આવવામાં અને જવામાં બગાડવાના હતા. એ મિટિંગમાં તો,એ જ્યાં હશે ત્યાંથી જ થોડો સમય કાઢીને મોબાઈલ પર જ હાજરી આપી દેશે, એ વિચારમાત્રથી એના મનમાં એક ઊંડી રાહતનો અનુભવ થયો. એનો ડ્રાઈવર ગાડી લઈને ઘરની બહાર જ એની પ્રતીક્ષામાં ઊભો હતો. ગાડીમાં બેસતાની સાથે જ રોહિતે પોતાના હાથમાં કસીને પકડી રાખેલા મોબાઈલની પકડ સહેજ ઢીલી કરી અને પછી પોતાની આંગળીના ટેરવા સ્ક્રીન પર ફેરવીને, શહેરથી થોડે દૂર આવેલા રિસોર્ટ જ્યાં રિયુનિયન થવાનું હતું, એનું લોકેશન નાખી દીધું. હાશ.... હવે ગુગલ મેપ ની સૂચના ને અનુસરતા સીધી ગાડી એની મંઝિલ પર જ જઈ ને ઊભી રહેશે એ રાહત ભર્યા વિચાર સાથે રોહિતના માનસ પટ પર વર્ષો પહેલા એ જ માર્ગ પર એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો એ દ્રશ્ય તરી આવ્યું. કાર્યક્રમનો અડધાથી વધારે સમય તો એ સ્થળને શોધવામાં અને ત્યાં પહોંચવામાં જ નીકળી ગયો હતો. કેટલું મોડું થઈ ગયું હતું એ દિવસે. રોહિત કૃતજ્ઞ ભર્યા ભાવથી પોતાના મોબાઈલ સામે જોઈ રહ્યો.

આજે સવારથી એના અંતરમાં વસેલો એ તોફાની, બેફિકરો અને અલ્લડ સ્કૂલમાં ભણતો છોકરો થોડી થોડી વારે બહાર આવીને ડોકિયાં કરતો અને એનું મન એના અંતર માંથી ઉઠતી તરંગના પ્રવાહમાં વહીને સ્કૂલના પ્રાંગણમાં, ક્લાસરૂમમાં અને રમત ગમતના મેદાનમાં વિહરવા માંડ્તું. એ રમત ગમતનું મેદાન,જ્યાં બધા મિત્ર કલાકોના કલાક ક્રિકેટ રમતા. એ સમયે કેવું વળગણ હતું ક્રિકેટ રમવાનું. અને એ શોખ તો હજી પણ અકબંધ છે એટલે જ તો એ ગાડીમાં બેઠા બેઠા પણ થોડી થોડી વારે આજે રમાનારી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચનો સ્કોર મોબાઈલ પર જોતો રહેતો હતો. એના અંતરમાં વસતો એ તોફાની છોકરો આજે ફરી એકવાર જૂના મિત્રોને મળીને, ફરી એ જ દિવસોમાં જઈને થોડું જીવી લેવા તલપાપડ થઈ ગયો હતો. સમય પસાર કરવા એણે મોબાઈલ પર પોતાની ગમતી ગેમ રમવાનું શરૂ કર્યું. થોડીવારમાં જ રીંગટોન સાંભળીને એણે ગેમ રમવાનું બંધ કર્યું અને ફોન ઊંચક્યો. ઓફિસમાં એના નીચે કામ કરતા કર્મચારીનો ફોન હતો. રોહિતે ફોન ઊંચક્યો એટલે તરત જ સામે છેડેથી અવાજ આવ્યો,"સાહેબ તમે જે કામ સોંપી ગયા હતા એ કામ માટે તમારા આધાર કાર્ડની કોપીની જરૂર પડશે અને એતો તમે મને આપવાનું જ ભૂલી ગયા."કામ થોડું અગત્યનું હતું અને જેમ બને એમ જલદી પૂરું કરવાનું હતું.પોતાની ભૂલનો ખ્યાલ આવતા જ રોહિત એ તરત આધાર કાર્ડની કોપીનો ફોટો મોકલવા માટે ઘરે મિતાલીને ફોન લગાવ્યો. ફોન એની કોલેજમાં ભણતી પુત્રી રિયા એ ઊંચક્યો અને એ નારાજગી ભર્યા સ્વરમાં બોલી,"પપ્પા, હું તમને ફોન જ કરવાની હતી. તમે મારી કોલેજની ફી ભરવાનું ભૂલી ગયા ને આજે એની છેલ્લી તારીખ છે."સાંભળીને સવારથી સ્કૂલના વિદ્યાર્થી બનીને ભૂતકાળમાં વિહરી રહેલુ રોહિતનું મન એક જ ક્ષણમાં વર્તમાનના એક જવાબદાર પિતાની ભૂમિકામાં આવી ગયું. આજના દિવસે માત્ર એના મિત્રો સાથે ગુણવત્તા સમય વિતાવવા માટે એણે બધું જ કામ ગઈ કાલે પૂરું કરી દીધું હતું પછી આવી ભૂલ કેમ થઈ ગઈ ? રોહિતને પોતાની જાત પર ગુસ્સો આવી ગયો. પણ પછી થોડી જ મિનિટોમાં તો એણે રિયા પાસે પોતાના આધાર કાર્ડનો ફોટો મંગાવી લીધો અને એ દરમિયાન ગાડીમાં બેઠા બેઠા છે એની ફી પોતાના મોબાઈલ પર થી ઓનલાઈન ભરી દીધી. પછી રિયા એ મોકલાવેલો આધાર કાર્ડનો ફોટો ઓફિસમાં ફોરવર્ડ કરી લીધો જેથી એની પ્રિન્ટ આઉટ કાઢી ને કામ આગળ વધારી શકાય. ગણતરીની મિનિટોમાં જ બધું કામ પાર પડી જતા રોહિત રાહતનો શ્વાસ લીધો. એને હજી યાદ છે એ દિવસ જ્યારે રિયાનું સ્કૂલમાં એડમિશન થયું હતું અને સ્કૂલમાં ફી ભરવાની હતી ત્યારે સમયની ખેંચાખેંચ ના લીધે એની અને મિતાલી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ ગઈ હતી. બંનેને ઓફિસ જવાનું મોડું થતું હતું અને છેવટે રોહિતે જ ફી ભરવા જવું પડ્યું હતું. પછી ઓફિસ પહોંચવામાં મોડું થઈ ગયું હતું અને એણે બોસની નારાજગી નો સામનો કરવો પડ્યો હતો. કેટલી દોડાદોડ થઈ ગઈ તી એ દિવસે અને હવે તો માત્ર ગાડીમાં બેઠા બેઠા જ ફક્ત આંગળીના ટેરવા પોતાના મોબાઈલ ફોન પર ફેરવતા જ કામ થઈ ગયું.

થોડીવારમાં એની ગાડી રિસોર્ટ પર પહોંચી ગઈ. એકબીજાને મળવા આતુર મિત્રો એ મળીને રિયુનિયનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. બધાએ સાથે વિતાવેલી કિંમતી ક્ષણોને મોબાઈલના કેમેરામાં કેદ કરી દીધી. ગેરહાજર રહેલા મિત્રોને વિડીયો કોલ કરીને તેમની હાજરીનો સંતોષ ફોન પર જ મેળવી લીધો. લગભગ આખો દિવસ એકબીજાની સાથે ગાળ્યા બાદ ફરી પાછું મળવાનું વચન આપીને બધા છુટા પડ્યા. પાછા ફરતી વખતે બધા મિત્રોએ પાડેલા ફોટા જોઈને રોહિત ના ચહેરા પર સ્મિત આવી ગયું. એને થયું કે આટલા વ્યસ્ત રહેલા જીવનમાં પણ આજનો દિવસ સફળતાપૂર્વક પાર પાડવામાં એના મોબાઈલનો મહત્વનો ફાળો રહ્યો. જીવનમાં વ્યસ્તતા ખૂબ જ વધી ગઈ છે પણ આ મોબાઈલના કારણે બધા કામ સરળ પણ એટલા થઈ ગયા છે. હાથમાં મોબાઈલ હોય એટલે જાણે એક કેમેરા, ટીવી, જ્યાં બેઠા હોય ત્યાંથી કોઈ પણ જગ્યાની માહિતી, એક ડિક્શનરી કે પછી એક આખું એન્સાઈક્લોપીડિયા જ આપણા હાથમાં. એમ લાગે જાણે કે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં ! વિચારતા વિચારતા એની પકડ હાથમાં રહેલા મોબાઈલ પર વધારે મજબૂત થઈ ગઈ.


Rate this content
Log in