Pravin Shah

Others

1.7  

Pravin Shah

Others

એક દૂજે કે લિયે

એક દૂજે કે લિયે

5 mins
8.3K


 ‘સર,હું મહેશ જોશી.મારી દિકરી આપની કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે.મારે એના વિષે થોડી વાત કરવી છે.’

એક દિકરીના વાલી મારી પાસે તેમની દિકરી અંગે કંઇક કહેવા આવ્યા હતા.હું કોલેજના એક વિભાગમાં પ્રોફેસર હતો.ઘણા વાલીઓ આ રીતે પ્રોફેસરોને મળવા અને તેમના પુત્ર કે પુત્રી બાબતની મુંઝવણો લઈને આવતા હોય છે. મને મનમાં એકસામટા ઘણા વિચારો આવી ગયા.‘શું એમની દિકરીની હાજરી ખૂટતી હશે?કોઈ એક કે વધુ વિષયમાં નાપાસ થઇ હશે? કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હશે? તેને કોઈ હેરાન કરતુ હશે?’ પણ આ બધા વિચારોમાંથી બહાર આવીને મેં પૂછ્યું ‘બોલો મહેશભાઈ,શું કહેવું છે?’

‘સર, મારી દિકરી છેલ્લા વર્ષમાં છે,અમે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ છીએ.અમે એના માટે મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હોય એવો વર શોધી રહ્યા છીએ.અને મને જાણ થઇ છે કે મારી દિકરી કોઈ ગુજરાતી છોકરા સાથે હરેફરે છે.એ છોકરો પણ આ જ કોલેજમાં ભણે છે.મારે હવે શું કરવું?એને કઈ રીતે પાછી વાળવી? તમારી મદદ લેવા આવ્યો છું.’

વાત ધાર્યા કરતાં જુદી જ નીકળી. હું એક પુત્રીના પિતાની વ્યથા સમજી શક્યો.એવું બને કે કદાચ હું એ છોકરીને જાણતો પણ હોઉં. એટલે મેં એમને પૂછ્યું ‘મહેશભાઈ,તમારી દિકરીનું નામ શું? કઈ બ્રાન્ચમાં ભણે છે?’

મહેશભાઈ બોલ્યા ‘ પાયલ જોશી.’

ઓહ! મારાથી બોલાઈ ગયું. આ છોકરીને તો હું સારી રીતે જાણતો હતો. મારા મનમાં પાયલ જોશીનો ચાર વર્ષનો કોલેજકાળ મારી આંખો સમક્ષ તરવરી રહ્યો. પાયલ પહેલા વર્ષમાં હતી, અને હું તેને જાણતો ન હતો ત્યારની વાત કરું.

મને તે એક વાર મળવા આવી. ‘સર, આપણા સાંસ્કૃતિક ઉત્સવમાં મારે એક ગીત ગાવું છે.’ તે મને નમ્રતા અને વિનંતીના સૂરમાં કહી રહી હતી. તે નાજુક, નમણી, સુંદર આંખો ધરાવતી માસુમ છોકરી હતી. તેનો અવાજ તીણો સ્ફટિક જેવો હતો.

મેં કહ્યું ‘તો તું ગીત ગા ને? કોણ તને રોકે છે? અને હા,તારું નામ શું? કયા વર્ષમાં ભણે છે?’

તે બોલી ‘મારું નામ પાયલ જોશી, હું આ વર્ષે જ કોલેજમાં દાખલ થઇ છું,અને કોમ્પ્યુટર બ્રાન્ચના બીજા સેમેસ્ટરમાં છું. સર,વાત એમ છે કે હું નવી છું.એટલે બીજા સીનીયર છોકરાઓ મને અવગણે છે. પણ મારે ગાવું છે. મને ગાવાનો બહુ જ શોખ છે.’

મેં તેને થોડી વધારે વિગતો પૂછી. તેનું ફેમિલી વડોદરામાં રહેતું હતું. તે અહીં અમદાવાદમાં બીજી છોકરીઓ સાથે પેયીંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. તે મહારાષ્ટ્રીયન હતી. મહારાષ્ટ્રના લોકોને આમે ય સંગીત અને ગાયનમાં રસ વધારે.

અમારી કોલેજમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાય છે. અમે તેને ટૂંકમાં ‘કલ ફેસ્ટ’  કહીએ છીએ. આ કાર્યક્રમમાં ગીત, સંગીત, ડ્રામા, મીમીક્રી, વેશભૂષા જેવા કલાત્મક પ્રોગ્રામ હોય, વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લે,તેમની આંતરિક શક્તિઓ બહાર આવે અને મજા પણ પડે. પ્રોગ્રામમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને પણ આમંત્રણ આપીને બોલાવીએ.બધી કોલેજો આવા પ્રોગ્રામ કરતી હોય છે.

    પ્રોગ્રામના સંચાલનનો ભાર પ્રોફેસરોએ સંભાળવાનો હોય. આ વખતે મારે ગાયન અને સંગીત વિભાગ સંભાળવાનો હતો, એટલે પાયલ મને પૂછવા આવી હતી. બીજે દિવસે મેં ગાયન વિભાગના સીનીયર વિદ્યાર્થી પાવન પંડ્યાને બોલાવીને કહ્યું ‘પાવન,પેલી પાયલને ગીત ગાવાની તમે બધા કેમ ના પાડો છો?’

પાવન, ‘સર,એ નવી છે. એને ગાતાં ના આવડે તો આપણો પ્રોગ્રામ બગડે.’

મેં કહ્યું, ‘એને એક વાર સાંભળો તો ખરા, એ ઠરેલ અને સમજદાર જણાય છે. જરૂર લાગે તો એને પ્રેક્ટીસ કરાવો.’

   પાવને મારી સામે વધુ દલીલ કરી નહિ. મારી અને સંગીત ગૃપની હાજરીમાં પાયલને ગાવાની તક આપવામાં આવી. પાયલ ખરેખર બહુ જ સરસ ગાતી હતી. એનો અવાજ લતા મંગેશકર અને અનુરાધા પૌંડવાલ જેવો તીણો હતો. થોડાં રીહર્સલો પછી, પ્રોગ્રામમાં ગાવા માટે તેનું એક ગીત પસંદ કરવામાં આવ્યું. ડ્યુએટમાં તેને સાથ આપનાર પાવન પંડ્યા પોતે જ હતો.

    કલ ફેસ્ટનો દિવસ આવી પહોંચ્યો. કોલેજના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, પ્રોફેસરો અને આમંત્રિત મહેમાનો પ્રોગ્રામની મજા માણતા હતા. પાયલ અને પાવનનો વારો આવ્યો, પાયલનો મીઠો સૂર હવામાં લહેરાઈ રહ્યો, ‘હમ બને, તુમ બને, એક દૂજે કે લિયે.’ ફિલ્મ ‘એક દૂજે કે લિયે’નું ડ્યુએટ ગીત પાયલ અને પાવન ગાઈ રહ્યા હતા. પ્રેક્ષકોને ગીત બહુ જ પસંદ આવ્યું. ‘વન્સ મોર’ ના નારા પણ ઉઠ્યા.બસ, પછી તો પૂછવું જ શું? પાયલ ગાવામાં આગળ વધી રહી હતી.ભણવામાં તો હોંશિયાર હતી જ.પાવન ચોથી સેમેસ્ટરમાં કોમ્પ્યુટર બ્રાન્ચમાં જ હતો.પાયલ કરતાં એક વર્ષ આગળ. પાયલને કંઇ ના આવડે તો તે પાવનને પૂછી લેતી. તેમની નિર્દોષ મૈત્રી તેમને નજીક લાવી રહી હતી.

     પછી ટેકનીકલ ફેસ્ટીવલ (ટૂંકમાં ટેક ફેસ્ટ) નો પ્રોગ્રામ આવ્યો. એમાં વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને અનુરૂપ કોઈ નવો પ્રોજેક્ટ કે મોડેલ તૈયાર કરીને પ્રદર્શનમાં મૂકવાનો હોય છે. ટેક ફેસ્ટમાં મૂકેલાં મોડેલ જુઓ તો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓમાં કેટલી બધી ટેલન્ટ છુપાયેલી પડી છે! ટેક ફેસ્ટમાં પણ પાયલ અને પાવનનો રોબોટને લગતો એક સહિયારો પ્રોજેક્ટ હતો. બહુ જ સરસ હતો.

    ધીરે ધીરે કોલેજમાં પાયલ અને પાવનની જોડી જાણીતી થઇ ગઈ. હું પણ તેમની પ્રગતિમાં રસ લેતો હતો.તેઓ સારા મિત્રો હતા.દર વર્ષે તેઓ કલ ફેસ્ટના સંગીત જલસામાં ભાગ લેતા અને ઇનામ પણ મેળવતા.
પણ દુનિયામાં હંમેશાં બધું સમુસુતરું નથી ચાલતું હોતું. પાવનના ક્લાસમાં જ ભણતો બહાદુર નામનો છોકરો પાવન-પાયલની મિત્રતાથી ઈર્ષ્યાની આગમાં બળી જતો હતો. તેને પણ પાયલ ગમતી હતી. તે ક્યારેક પાયલને રોકીને તેની સાથે વાત કરવા પ્રયત્ન કરતો, પણ પાયલ તેને દાદ આપતી નહિ.

એક વાર બપોરના પાયલ ખરીદી કરીને પોતાની રૂમ તરફ પાછી વળી રહી હતી, ત્યારે લાગ જોઇને બહાદુર તેના બે મિત્રો સાથે પાયલનો રસ્તો રોકીને ઉભો રહ્યો. રસ્તા પર અવરજવર સાવ ઓછી હતી. પાયલે દૂરથી જ તેને જોયો, તે જરા ગભરાઈ ગઈ. પણ તેણે ઝટપટ પર્સમાંથી મોબાઈલ કાઢીને પાવનને ફોન કરી દીધો. બહાદુર કંઇ કરે ત્યાર પહેલાં તો પાવન ત્યાં આવી પહોંચ્યો. બહાદુર તેની ટોળકી સાથે ત્યાંથી રવાના થઇ ગયો.પાયલ બોલી, ‘નામ છે બહાદુર, પણ છે ફોસી.’

    આ પ્રસંગ પછી પાયલ-પાવનની મિત્રતા ઓર ગાઢી બની. આમ ને આમ પાવનનું ભણવાનું પૂરું થઇ ગયું. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં તેને પૂનાની એક સોફ્ટવેર કંપનીમાં જોબ પણ મળી ગઈ. પાયલ છેલ્લા વર્ષમાં આવી.

    પાયલના પપ્પાને બહાદુરના પ્રસંગની ખબર પડી પછી, પાયલની પાવન સાથેની મૈત્રીની ગંધ તો આવી જ ગઈ હતી.એટલે આજે તે કોલેજ આવીને મારી આગળ તેમની મુંઝવણ જણાવી રહ્યા હતા. મારી દ્રષ્ટિએ તો પાયલ માટે પાવન યોગ્ય છોકરો હતો.પણ તેના પપ્પાને વાંધો એ હતો કે તે મહારાષ્ટ્રીયન ન હતો.મેં મનોમન મહેશભાઈને સમજાવવાનું નક્કી કર્યું. મેં કહ્યું, ‘જુઓ મહેશભાઈ, તમારી વાત સાચી છે કે પાવન મહારાષ્ટ્રીયન નથી. પણ ગુજરાતી છોકરાઓ ય સારા તો હોય જ ને? આપણે તો છોકરાના ગુણ જોવા જોઈએ. પાવન બધી રીતે સારો છોકરો છે. સારી નોકરી મળી છે. મારા હાથ નીચે ભણ્યો છે. એટલે હું તેને સારી રીતે ઓળખું છું. તમે ય, વડોદરામાં, ગુજરાતમાં જ રહો છો. એક ગુજરાતી કુટુંબ સાથેનો સંબંધ તમને બહુ ઉપયોગી થઇ પડશે. અને ખાસ તો, પાયલને પાવન પસંદ છે. સોનામાં સુગંધ ભળે એવું છે. તમે આમાં જરાય ચિંતા કે અફસોસ કરશો નહિ.’

મહેશભાઈને મારો જવાબ ગમ્યો હોય એવું લાગ્યું. ઘરે જઈને થોડા દિવસ વિચાર કર્યા બાદ, તે પાવનને સ્વીકારવા તૈયાર થઇ ગયા. પાયલ, પાવન, મહેશભાઈ અને હું બધા જ ખુશ! થોડા મહિનામાં તો પાયલ પણ કોમ્પ્યુટર એન્જીનીયર થઇ ગઈ. થોડા પ્રયત્નો કરતાં પાયલને પણ પૂનામાં પાવનની કંપનીમાં જ નોકરી મળી ગઈ. ભવિષ્યમાં કદાચ તેઓ, નારાયણમૂર્તિ અને સુધા મૂર્તિના ઈન્ફોસીસ જેવું સાહસ કરે તો નવાઈ નહિ!

    એક વર્ષ બાદ, તેઓના આમંત્રણથી હું તેમના લગ્નમાં વડોદરા ગયો,ત્યારે મને પાયલે ગાયેલું ગીત યાદ આવી રહ્યું હતું. ‘હમ બને, તુમ બને, એક દૂજે કે લિયે’


Rate this content
Log in