Riten Antani

Abstract

4  

Riten Antani

Abstract

હારૂન ચાચા ટપાલી

હારૂન ચાચા ટપાલી

3 mins
340


અમારું શહેર નાનું છે..આજે તો ઘણો વિકાસ થયો છે..પણ આજ થી પાંત્રીસ વર્ષ પહેલા તો છીપ્પર વાળી શેરીઓ,સાંકડા, ધૂળિયા રસ્તા અને દેશી નળિયા વાળા મકાનો વાળું નાનું શહેર (ગામ) હતું.અમારા ઘેર એક ટપાલી ચાચા આવતા,પત્રો,અને મેગેઝીનો,બુક પોસ્ટ કરેલી પોકેટ બુક્સ લાવતા..લગભગ ત્રણ ચાર દિવસે એ જરૂર આવતા. પગે ચાલી ને જ આવતા,ત્યારે સાઈકલ પણ એક મોંઘી જણસ લેખાતી.

સને.૧૯૮૬ માં હું બી એસ સી થયો અને નોકરી માટે અરજી કરી હોય, તો તેના પત્રો પણ તેઓ જ ચીવટથી લાવતા.

એક સોનેરી દિવસ ઊગ્યો અને એ દિવસે તાર આવ્યો.."યુ આર સિલેક્ટેડ . જોઈન સુન. લેટર ફોલોઝ"

એ તાર પણ હારૂન ચાચા જ લાવ્યા..અમારું આખું કુટુંબ આનંદથી ઊછળી પડ્યું..હારૂન ચાચાને આગ્રહ કરીને મીઠું શરબત પાયું..તેઓ મીઠું હસી ને ચાલ્યા ગયા..

બસ પછી તો નોકરીની ભાગદોડમાં હું એવો પરોવાયો કે ક્યારે હારૂન ચાચા આવે ,ને જાય તે કંઈ યાદ રહે નહીં..

સમયની નદી સડસડાટ ચાલી પડી, લગ્ન કર્યા,નોકરીમાં પ્રમોશન પણ મળ્યું.પણ હારૂન ચાચા નિયમિત આવતા,એકદમ ઓછા બોલો સ્વભાવ એટલે ખાસ વાતો તો ન કરતા, પણ હસીને ચાલ્યા જાય..

 સમય બદલાયો, પત્રો ઓછા થયા અને ફોન પર વાતચીત કરતા થયા ...ધીમે..ધીમે.. હારૂન ચાચાનો સંપર્ક ઘટવા લાગ્યો.

ત્યાં અચાનક ધરતીકંપ થયો અને અમારું ગામ છીન્નભીન થઈ ગયુ..ઝડપી વિકાસ થયો.. અને મે નોકરી છોડી ને મારો ધંધો શરૂ કર્યો.. મેડિકલ સ્ટોર ખોલ્યો.

ત્યાં જ દેખાયા ...હારૂન ચાચા..ટપાલી તરીકેની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા..જીવન સંઘર્ષમાં જોયેલી ઘટનાઓના ચાસ ચહેરા પર હતા પણ મને તો વીજળીના ઝબકારે યાદ આવી ગયા..

યાદો તાજી થઈ અને નવો સંબધ શરૂ થયો.

જરૂર પડે ત્યારે દવાઓ તો મારી પાસેથી જ લે..પણ સમય પસાર કરવા દુકાનના ઓટલે પણ બેસે..સ્વભાવ તો એવો જ ઓછાબોલો એટલે તેમના પુત્રો પુત્રી દ્વારા ખબર પડી કે એક પુત્ર યુવાની માં જ અપમૃત્યુ પામ્યો અને તેમના પત્નીએ આઘાત સહન ન કરી શક્યા અને સાવ પથારીવશ જ હતાં..પણ પુત્રી એ ઘર સાચવી લીધું,નાના પુત્ર ને કોર્ટમાં પટાવાળા તરીકે નોકરી મળી ગઈ હતી ..

એટલે એકંદરે શાંતિથી જીવન ચાલતું હતું.

રોજ સવારે અમે એક બીજાના દુઆ સલામ કરી ને હું ધંધામાં વ્યસ્ત થઈ જાઉં પણ ચાચા ઓટલે બેસીને ને બજારની અવર જવર જોયા કરે...મે તો ખાસ તેમને કોઈ વ્યસન હોય તેવું પણ ન જોયેલું...બસ ચૂપચાપ બેસી રહે.

એક દિવસ હું દુકાને આવ્યો તો તેમના ઘર બહાર લોકો ભેગા થયેલા જોયા, પૂછપરછ કરવામાં ખબર પડી કે હારૂન ચાચાના પત્ની મૃત્યુ પામેલા...થોડીવારમાં મૈયત બહાર આવી,.. મેં હારૂન ચાચા ને જોયા.. સાવ અલગ નિસ્તેજ ચહેરો. મને જોઈ હાથ પકડી ને કશું ય બોલ્યા વગર આગળ ચાલ્યા ગયા. હું તો ઝિયારતમાં પણ ગયો હતો પણ ચાચા ને બોલતા જોયા જ નહીં.

થોડો સમય વીત્યો...પાછા ફરી ચાચા દુકાનના ઓટલા પર બેસવા લાગ્યા ..પણ હવે તેમણે એક જગ્યાએ (પ્રાગ મહેલ ) માં કારકુન તરીકે કામ પણ શરૂ કરી દીધું હતું એટલે તેઓ જ્યારે સમય મળે ત્યારે ઓટલે બેસીને જોયા કરે...બોલે તો બહુ જ ઓછું.. પણ હવે તેઓ મારી પાસે આવીને ક્યારેક પોતાના પુત્રની તબિયત નાદુરસ્ત રહેતી તેની વાત કરે..ડોક્ટરની ફાઈલ પણ દેખાડે,પ્રશ્નો પણ પૂછે,હું મારી સમજણ પ્રમાણે જવાબ પણ આપું.

    અચાનક એક દિવસ હું સવારે દુકાને પહોંચ્યો ત્યારે તેમના ઘરની બહાર લોકો ભેગા થયા હતા.,. મારા મનમાં ઝબકારો થયો ! અરે !... હા...મારા હારૂન ચાચા મૃત્યુ પામ્યા હતા.. જાણે હૃદયનો એક ખૂણો ખાલી થઈ ગયો...કોઈ નામ વગરનો સંબધ...

આમ પૂરો થયો.. આજે તેમનો પુત્ર અને પુત્રીઓ પણ દુકાને આવે, ખરીદી કરે..વાતો પણ કરે.. આવા નામ વગર ના સંબધ ...એટલે હારૂન ચાચા..ટપાલી. રીતે અભિવ્યક્ત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract