Jyotsna Patel

Abstract

5.0  

Jyotsna Patel

Abstract

નિમિત્ત

નિમિત્ત

3 mins
570


 “લે બેટા, ચૉકલેટ ખા.”

દ્વારકાધીશ મંદિરના વિશાળ પ્રાંગણમાં મેનાબા બાળકોને ચોકલેટના રૂપમાં ખુશી વહેંચી રહ્યાં હતાં. 

આમ તો મેનાબા ગામમાં દરરોજ ચોકલેટ વહેચતાં. ગામમાં શાક-પાંદડું લેવા નીકળ્યાં હોય કે દેવદર્શને જતાં હોય, દળણું દળાવવા નીકળ્યાં હોય કે દૂધની ડેરીએ જતાં હોય; જ્યાં પણ બાળક દેખે ત્યાં એમનો ચૉકલેટનો ખજાનો આપોઆપ જ ખૂલી જતો ! વારે-તહેવારે ગામની શાળામાં પણ પહોંચી જતાં. બાળકો માટે એ વ્હાલાં ‘ચૉકલેટવાળાં’ બા હતાં. એક નાનકડી ચૉકલેટ ખાનાર અને ખવડાવનાર બંને માટે આનંદનું મોજું લઈ આવતી ! ચૉકલેટ ચગળતાં બાળકોના આનંદિત ચહેરા મેનાબા સંતોષથી જોઈ રહેતાં. 

સાઠેકની આસપાસનાં મેનાબા ભજનમંડળીમાં પણ સક્રિય. સુમધુર લહેકે ભજન ગાતાં ત્યારે જાણે કોયલ પણ તેમને સાંભળવા ચૂપ થઈ જતી ! ચડતી રાતે ખુલ્લા આકાશ નીચે જામેલી ભજનમંડળીમાં હાથમાં ઘૂઘરા લઈને શામળિયા સાથે એકરૂપતા સાધી વાજિંત્ર સાથે તાલ મિલાવતાં તેમને નાચતાં જોવાં એ એક લ્હાવો ગણાતો. કૃષ્ણભક્તિમાં લીન મીરાં જ જોઈ લો જાણે ! 

આ બે પ્રવૃત્તિ સિવાય તેમનું જીવન રગશિયા ગાડા સમાન હતું. ખાસ કોઈ આનંદ કે ઉલ્લાસ વિહોણું જીવન જીવતાં આ દંપત્તિના પીડાદાયક ભૂતકાળથી ગ્રામજનો વાકેફ હતા. 

સમયાંતરે મહિલા ભજનમંડળી ડાકોર, વિરપુર જેવા યાત્રાધામોમાં જઈ ભગવાન સમક્ષ ભજનોરૂપી કાલાવાલા કરતી. કોરોનાકાળના ત્રણેક વર્ષના અંતરાલ બાદ આ વર્ષે દ્વારકા ખાતે દ્વારકાધીશના સાંનિધ્યમાં ભજનમંડળીએ ધામા નાખ્યા હતા. દ્વારકાધીશનાં ભાવપૂર્ણ દર્શન કર્યા બાદ મંદિરના વિશાળ પ્રાંગણમાં દર્શનાર્થીઓ સાથે આવેલાં બાળકોને મેનાબા મોટી મોટી મિલ્ક ચૉકલેટ વહેંચી રહ્યાં હતાં. આજે તેમના માટે ખાસ દિવસ હતો. બાકી રહેલાં બાળકોને શોધતી તેમની નજર છેવાડેના બાંકડા પર મા સાથે બેઠેલી પાંચેક વર્ષની બાળકી પર પડી. ગુલાબી પરિધાનમાં સજ્જ પરી-શી દીકરીના હાથમાં મિલ્ક ચૉકલેટ થમાવીને અદ્રશ્ય ખેંચાણથી તેના માથે હાથ ફેરવતાં મેનાબાએ ‘લે દીકરી, ચૉકલેટ ખા’ કહેતાં બાંકડા પર બેઠક જમાવી. બાળકીએ મા સામે સંમતિયાચક નજરએ જોયું. માએ ‘લઈ લે, બેટા’ કહીને મંજૂરી આપતાં પરીએ ખુશીથી ચૉકલેટ લઈ લીધી. ક્યારની મેનાબાની પ્રવૃત્તિ નિહાળી રહેલી પરીની માએ પ્રશંશાત્મક સૂરે કહ્યું; “બા ! તમે ખૂબ સારું કામ કરી રહ્યાં છો. નિસ્વાર્થભાવે ખુશી વહેંચવી એના જેવુ રૂડું એકેય નહિ !” 

કોઈની સામે પોતાની વેદનાને વાચા ન આપનારાં મેનાબા ખબર નહિ કેમ પણ એક ઊંડા નિશ્વાસ સાથે પોતાની પીડાને અછડતી હોઠ પર લાવી બેઠાં, “બેટા, હવે આ જ તો મારું જીવન છે. આજે મારા માટે ખુશીનો દિવસ છે. પણ મારી ખુશી તો ન જાણે ક્યાં હશે ?” “બા, ભગવાન દ્વારકાધીશ તમારી મનોકામના જરૂર પૂરી કરશે.” પરીની સંસ્કારી મા આ અજાણ્યાં માજીને આશ્વાસન આપી રહી. 

પડોશીઓ માટે પ્રસાદ લેવા ગયેલા પરીના પ્રેમાળ પિતા આવી પહોંચ્યા, ને પરીના હાથમાં સરસ મજાની ઢીંગલી મૂકી દીધી. પરી ખુશીની મારી ઊછળી પડી ! પિતા દીકરીના ચહેરા પરનો ઉલ્લાસ સંતોષથી જોઈ રહ્યા હતા ત્યારે ન જાણે કેમ પણ મેનાબા એ યુવકના ચહેરામાં કશુંક શોધી રહ્યાં હતાં ! અચાનક પરીને કંઈક યાદ આવતાં મેનાબાએ આપેલી ચૉકલેટ ખોલીને પિતાના મોંઢામાં મૂકતાં ‘હેપી બર્થડે, ડેડી’ કહેતી તે પિતાને ભેટી પડી ! બરાબર એ જ ક્ષણે મેનાબાના હ્રદયમાં બેઠેલી ‘મા’ એકદમ જ ‘જયેશ દીકરા’ પોકારી ઊઠી !

પરીના પિતાએ ચમકીને મેનાબા સામે જોયું ને બંનેની નજર મળતાં જ ચાર આંખો શ્રાવણ-ભાદરવો વરસાવી રહી ! પગમાં નમી પડેલા જયેશને છાતી સરસો ચાંપી તેના માથે વાત્સલ્ય વરસાવતાં મેનાબા ફરિયાદ કરી રહ્યાં હતાં; “દીકરા, તારા બાપાનો આકરો સ્વભાવ જાણતો હોવા છતાં તેં આવું પગલું શું કામ ભર્યું ? તારા પિતાએ વગર વાંકે તને ઠપકો આપ્યો એ ખરું; પણ તેં તારી આ અભાગણી માનો પણ વિચાર ન કર્યો ? તું તારી માને છોડીને ચાલ્યો ગયો ? મારા પર શું વીતી છે એ તો હું જ જાણું છું. છેવટે મારા દ્વારકાધીશે મારી અરજ સાંભળી ને મારા માતૃત્વના દિવસે જ મને તેમના ધામમાં બોલાવીને મારો દીકરો પાછો આપ્યો. સાથે કુળ ઉજાળે એવી વહુ ને ફૂલ જેવી દીકરી પણ આપી. હે શામળિયા ! હે કૃષ્ણ કનૈયા ! તારી લીલા અપરંપાર છે. તારો લાખ લાખ આભાર !” કહેતાં મેનાબા આસમાનને આંબતી બાવન ગજની ધજાજીને નમી રહ્યાં. 

 એક નાની અમથી ‘ચૉકલેટ’ વરસોથી વિખૂટા પડેલા ને એકબીજા વગર ઝૂરતા મા-દીકરાના પુન:મિલનનું નિમિત્ત બની રહી !


Rate this content
Log in

Similar gujarati story from Abstract