Tejas Vishvkarma

Inspirational

4.5  

Tejas Vishvkarma

Inspirational

જેઠીયાની સિંહણ

જેઠીયાની સિંહણ

14 mins
18


“બા, આ મેકઅપનો સેટ જોયો કે નહીં ? જો...” ચાર દિવસ પછી પોતાની સગાઇમાં તૈયાર થવા લાવેલી મેકઅપનો સેટ તેના બાના હાથમાં આપતા કેતકી પૂછે છે.

“આવું વળી હું હ...” ઢળતી ઉંમરનાં કારણે કેતકીની બા એ આંખો ઝીણી કરી. ધ્રુજતા હાથે કેતકીનાં હાથમાંથી મેકઅપનું બોક્સ લઈ. ઝીણીઝીણી આંખે મેકઅપનાં બોક્સ પર ચિતરેલા ઉપર – નીચે, ડાબે – જમણે અવનવા રંગોને જોઈ, બાના ચહેરા પરનાં રંગ બદલવા લાગે છે.

“હે... કેટકી, ઝટ બોલને આ નવરંગી ખોખું સેનું સે ? ઓનું હું કરવાનું ?” મેકઅપ અને મેકઅપ શબ્દથી અજાણ બાનો સવાલ સાંભળીને કેતકી હસવા લાગે છે.

“બા આને મેકઅપ કહેવાય. આ છેને પેલી બ્યુટીપાર્લરવાળી આવી. આ મેકઅપ આપણા ચહેરા પર લગાવી. આપણને ધોળા દૂધ જેવા બનાવી દે.” ઓછું સાંભળતા તેના બાના કાનમાં કેતકી સહેજ ઉંચા અવાજે બોલે છે.

“હેડ મૂઈ... એવું તો કોય હોતુ હસે... અન આ... આ... બધો લપેડો મોઢા ઉપર લગાવતો હસે ?” હાથમાં રહેલા મેકઅપનાં ખોખાને કેતકી તરફ સરકાવતા બા બોલે છે.

“અરે બા, અત્યારે હાલ તો આનો જ જમાનો ચાલે છે. ટીવીમાં તું સિરિયલો જોતી વખતે કહે છેને કે આ બધી કેવી પરીઓ જેવી લાગે છે. તે આ મેકઅપનાં કારણે લાગે છે.” બા તે ખોખાને ફરીથી હાથમાં લઈ તેના પર કોઈ છોકરીનાં ફોટાને આંખો ઝીણી કરીને જોવા લાગે છે.

“હાચુ કે હે... એવું હોય વળી... ?”

“હા બા...આ મેકઅપ જ કરેલો હોય.” કેતકીની સાથે તેની સહેલીઓ જાગલી કોમલી, આરતી,ટીનાડીને પ્રિયા હસવા લાગે છે. બધી સહેલીઓ કેતકીના સુખ -દુઃખમાં કાયમ માટેને ભાગીદાર બનતા વારનાં લાગે. નાનપણથી ગાઢ મિત્રતા.

“મુવો તારો આ મકપ ન બકપ. માર તો કોય લગાવવો નહી. તું લગાયને પરી જેવી થા. માર તો હવે ચિતાએ સુવાના દાડા સે.” બા કેતકીનાં માથે હાથ ફેરવી રહ્યા છે. કેતકી બાના શબ્દો પારખી નિ:શબ્દ બનીને બા ની સામે જોઈ રહે છે.

“બાકી, તું તો મારા બાપ, મારા જેઠીયાની એકની એક દીકરી છો. બાપ તું રાજી એટલે તારો બાપ રાજી. તારો બાપ રાજી એટલે હું રાજી. બસ મા ભગવતી તારો આ અવસર હેમખેમ પાર પાડે.” બાના શબ્દોની હેતની હેલીથી થોડીવાર ઓરડામાં લાગણીસભર વાતાવરણ બની જાય છે. બા ની આંખોનાં ખૂણા ભરાઈ જાય છે.

“લો છોરીઓ, તમ તમારે વાતો કરો, હુ તો આ હાલી રોટલા ઘડવા.” ઉંમરનાં કારણે ઝુકી ગયેલા શરીરને લાકડીના ટેકાથી પરાણે ઉભું કરી. નાના બાળકની જેમ બા ચૂલા તરફ પાપાપગલીમાંડે છે.

ઓરડામાં ભેગી થયેલી સહેલીઓ કેતકી સાથે વાતે વળગી છે. “કેતકીને શું સારુ લાગશે ?, કેતકીને શું સારુ નહિ લાગે ?, શું પહેરવું ?, શુંના પહેરવું ?” આ બધા સલાહ સૂચનોની હરીફાઈ કેતકીની સહેલીઓમાં ચાલી રહી છે.

 ***

“હે... મા... ભગવતી.” કેતકીનાં બાપુ ઊંડા એક શ્વાસની સાથે મા ભગવતીનું નામ લઈ હાશકારો અનુભવે છે. હાથમાં રહેલો માટીવાળો પાવડો બહાર પતરાનાં ઢાળીયા નીચે મૂકી. ઢાળીયામાં પાથરેલા ખાટલા પર બેસે છે. સવારથી ખેતરમાં કરેલી મજૂરીનો થાક તેમના શરીરનાં અઢારે અંગ પર દેખાઈ રહ્યો છે. તેમની કરેલી મહેનત તેમના પરસેવા રૂપે તેમના શરીર પર વહી રહી છે. સખીઓનાં ટોળાંમાં વાતોના વંટોળે ચડેલી કેતકી બાપુનો અવાજ સાંભળી પવનવેગે દોડીને પાણિયારેથી પાણીનો લોટો ભરી બાપુની પાસે પહોંચી જાય છે. કેતકી બાપુનાં ચહેરા પરનો થાક જોઈને તેમને એક સવાલ પૂછીનાખે છે.

“બાપુ, આમ ચો સુધી કોમ કરશો.”

“જ્યાં સુધી હાથ -પગ ચાલે છે. ત્યાં સુધી કરીશ... પછી જેવી ભગવાનની ઈચ્છા.” પાણીનાં લોટામાંથી બે ઘૂંટ પાણી પીને, લોટો ખાટલાનાં પાયે મુકતા બાપુ જવાબ આપે છે.

આકરા તાપમાં તપીને લાલચોળ થઈ ગયેલા બાપુના ચહેરાને કેતકી તાકી રહે છે. ત્યાં જ ઘરમાંથી અવાજ આવે છે.

“બાપ -દીકરીને ભૂખ લાગી હોય તો હેંડો, આ રોટલા તમારી રાહ જોવે છે.” ટપટપ ટપટપ, ધ્રુજતા પણ મજબૂત હાથથી રોટલા ઘડવાનાં અવાજ સાથે બાનો પણ અવાજ આવે છે.

કેતકી અને બાપુ એકબીજા સામે જોઈને મંદમંદ હસીને બપોરીયું કરવા ઉભા થાય છે

“બેટા, હગપણની બધી તૈયારી થઈ ગઈ શન. કોય બાકી...” બા કેતકી અને બાપુની થાળી પીરસતા બોલે છે.

“હા બા, તું કોય ચિંતાના કરે. બધી જ તૈયારી કરી દીધી છે.” બાજરીનો રોટલો, ગરમાગરમ આખા દહીંની કઢીમાં ચોળતા ચોળતા બાપુ બોલે છે.

“જે કરી તે, કુટુંબનાં બે મોટા મોભીને પૂછી કરજે. બાકી મારી તો હવ ઉંમ....” બા વાક્ય પૂરું કરે ત્યાં ચૂલાનાં ધુમાડાનાં કારણે ખાંસવા લાગે છે.

“બેટા તારી ખરીદીમાં કોઈ વસ્તુ બાકી તો નથી રહી જતીને ?”

“ના બાપુ. બધી જ ખરીદી થયી ગઈ છે. પણ મને એમ કહો કે તમે તમારા માટે પેન્ટ - શર્ટ સીવડાવવા આપ્યા કે નહી ? ? દરજી બાબુકાકાને કહ્યું છેને કે આઠમ પહેલા એક જોડી તૈયાર કરી દે ?” બાપની ચિંતા એક દીકરીનાં શબ્દોમાં દેખાઈ રહી છે.

“હા.. હા..બધી જ તૈયારી થઈ ગઈ છે. તું મારી ચિંતા કર્યા વગર જમી લે.” કેતકીનાં મોઢામાં પોતાના હાથે કોળિયો મુકતા કેતકીના બાપુ કહે છે.

“અલી કેતકી, તારી સગપણની શું શું ખરીદી કરી ? અમનયે બતાય તો ખરી ?” કેતકી ઓડકાર ખાઈને જેવી ઉભી થાય છે. ત્યાં જ એક કરાનાં પાડોશી મંજુકાકી જે ચાર દિવસથી બહાર ગયા હતા. તે કેતકીની ખરીદી જોવા આવી પહોંચે છે.

કેતકી તેમને ખરીદી બતાવવા ઓરડામાં જાય છે. બા એંઠવાડનાં વાસણોને આટોપવામાં લાગે છે. કેતકીનાં બાપુ ઓશરીમાં ખાટલો પાથરી, કાયમ ખભે રહેતો મોટો રૂમાલનો ગોળમોળ ઓશીકું બનાવી માથે ગોઠવે છે. જેવી આંખ બંધ કરવાની કોશિશ કરે છે. ત્યાં સામે દીવાલ પર કેતકીની માના ફોટા પર નજર જતા કેતકીના બાપુ ભૂતકાળમાં સરી પડે છે.

યાદ છે આજથી ઠીક 25 વર્ષે પહેલા હું વસંતપંચમીનાં દિવસે 10 ગાડા જોડીને જાન લઈને તને લેવા આવેલો. વસંતપંચમી જેવા શુભદીને અગ્નિ સાક્ષીએ સાતફેરા ફરતા એકબીજાને વચન આપેલું કે સાતભવ સાથે રહીશું પણ તું તો....

કેતકીનાં બાપુની આંખો ભરાઈ જાય છે. તે તરત આંખો બંધ કરી પડખું ફેરવી લે છે.

તને યાદ છે. જે સમયે તારા સારા દિવસો જતા હતા ત્યારે તું મને રોજ કહ્યા કરતી. “ જોવો હું કે તમે ભણેલા નથી, પણ ભગવાન- માતાજી આપણને છોકરી કે છોકરો. જે પણ આપે તો આપણે તેને ખુબ ભણાવીશું.”ને હું તારી આંખોમાં આંખ મિલાવી હામાં હા મિલાવતો.

કારતક મહિનાની પૂનમે તે તારા જેવી રૂપાળી દીકરીને જન્મ આપ્યો. કારતક મહિનાની પૂનમે જન્મેલી હોવાથી તે એનું નામ ‘કેતકી’ પાડેલું.

કેતકી દોઢ વર્ષની થઈ હશેને!ને ખબર નહિ કોની નજર આપણા હસતા રમતા પરિવાર પર લાગી ગઈ કે તું અમને ત્રણેને મૂકીને....

“તને ખબર છે. કેતકી આજે 20 વર્ષ ની થઈ ગઈ. 20 વર્ષમાં મે એને ક્યાંય પણ કોઈ વાતની ખોટ રહેવા નથી દીધી. બધી જ તારા જેવી છે. રૂપાળી, ચપળ, ચાલાક અને કામમાં તો જાણે મશીન છે મશીન. ફટાફટ આખા ઘરનું કામ કરીદે. કોઈને ખબર પણ ના પડે. દીકરી છે પણ દીકરાથી કંઈ કમ નથી. ઘણી વખત તો મનેય સલાહ આપતી હોય છે. બાપુ આ કરાય!, બાપુ આ ના કરાય!. આમ તેમ... આખો દિવસ બાપુ બાપુ કર્યા કરે. નખસીખથીમાંડીને છેક માથાના વાળ સુધી બધો તારો દેહ ઉતર્યો છે. આવું આખુ ગામ વાતો કરે છે. તને ખબર છે. આપણી દીકરીનું સગપણ બાજુનાં ગામનાં સુખી અને સારા ઘરે કેતકીને ગમતું ગોઠવ્યું છે. જે બધી વિધિ આ આઠમનાં દિવસે રાખેલી છે. અને હા બીજી વાત તારી છોકરી ભણવામાં જ નહિ ગણવામાં પણ બહુ હોંશિયાર છે. તેને હમણાં જ કો’ક પોલીસ ની પરીક્ષા પણ આપી....

“અલ્યા જેઠીયા ઉંઘ શેની આવે શે. ઉઠ.. ઉઠ..” ડેલીનાં દરવાજેથી તેમના બાળપણનાં મિત્ર સવજીનો અવાજ આવે છે.

કેતકીની મમ્મી સાથે સપનામાં વાતે વળગેલા જેઠાભાઇ અધૂરી વાત મૂકી ઓચિંતા બેઠા થઈ જાય છે.

“ઓ સવજી તું, આવ આવ ભાઈ બેસ.”

“બોલ ચેવી સ તૈયારી ?” સવજી જેઠીયાનાં ઘરમાં એક નજર ફેરવે છે.

“આપણા રીતરિવાજ પ્રમાણે જે તૈયારી થતી હોય તે કરી છે. બાકી...”

“એમ નહી, કંઈ દહેજ બહેજની વાત વાત થઈ છે કે નહિ. પછી પાછળથી એ લોકો કોઈ ખેલ ના કર.” ઘરમાં કોઈ સાંભળીનાં જાય તેમ સવજી જેઠાભાઇનાં કાનમાં ધીમેથી બોલે છે.

“એવી તો કોઈ વાત હજુ સુધી નથી થઈ! પણ દહેજમાંમાંગીને તો બહુ બહુ શુ માગશે ?”

“શું માગશે ? પેલા કમશીની છોકરીની વાત યાદ છેને તે બિચારા સાથે શું થયું હતું.” સવજી ચેતવણીભર્યા શબ્દોથી જેઠાને ચેતવી રહ્યો છે.

જેઠાભાઇ સવજીની વાતોને ધ્યાનપૂર્વક ગ્રહણ કરી રહ્યા છે.સવજીનાં શબ્દોમાં મિત્રતાનાં ભાવ દેખાઈ રહ્યો છે.

“જો કેતકી તો કાલે પરણીને હાહરે જતી રહેશે. પછી આ ઘરમાં રહેશો તું અને તારી બા.જેમ જેમ દાડા ટૂંકા થશે તેમતેમ તારું આ શરીર મુરજાતું જશે. તો એ વખતે ત્રણ વીઘા જમીનને આ બે ભેંસો, આ ઘર તને ઘડપણમાં કામ આવશે. કેમ કે મને સાચા કે ખોટા સમાચાર એવા મળ્યા છે કે તારા થનાર વેવાઈની નજર...” સવજી આગળ કોઈ ફોડ પાડે તે પહેલા કેતકી હાથમાં ઘડિયાળ લઈને બાપુ પાસે આવે છે.

“બાપુ આ જોવો તમારા માટે હું ઘડિયાળ લાયી છું. પહેરોને કેવી લાગે છે ?” કેતકી બાપુના જમણે હાથે ઘડિયાળ પહેરાવી રહી છે. જેઠાભાઇ કેતકીના ચહેરા પરની ખુશીઓ જોઈને સવજીના ચેતવણીભર્યા શબ્દોને મનનાં મૂળમાં દાટી દે છે.

ચાર દિવસ પછી આઠમનાં દિવસે જેઠાભાઇનાં આંગણે શુભ મુર્હતમાં વડીલોનાં આશીર્વાદ સાથે કેતકી અને સંજયનું સગપણ નિર્વિઘ્ન વિધિપૂર્વક પૂરું થાય છે.

***

“આવો આવો રમેશલાલ આવો.” કેતકીનાં થનાર સસરા રમેશલાલને પોતાની ડેલિએ જોઈને જેઠાભાઈ આવકારો આપે છે.બા પાડોશીનાં ઘેર ભજનમાં ગયા છે. કેતકી તેની સહેલીઓનાં ઘરે ગઈ છે. ઘરમાં જેઠાભાઈ એકલા છે.

જેઠાભાઈ જાતે થનારા વેવાઈ માટે ખાટલામાં નવી રજાઈ અને તકિયો મૂકીને વેવાઈની બેસવાની વ્યવસ્થા કરે છે. પીવા પાણીનો લોટો આપી, વેવાઈનાં ઘરના બધા સભ્યોના ખબર અંતર પૂછે છે.આડીઅવળી વાતો કરી વેવાઈ ધીરેથી મૂળ વાત ઉપર આવે છે.

“વેવાઈ હવે લગ્નને આડે 5 મહિના રહ્યા છે. તો બધી તૈયારી કરી રાખી છેને ?”

“તૈયારીમાં તો સામાજિક વ્યવહાર જે થતો હોય તે એક દીકરીના બાપ તરીકે પૂરો કરવાની તૈયારી કરી છે. એક તો દીકરી છે. થોડી પાછી પાની કરીશ ?” જેઠાભાઈનાં શબ્દોમાં દીકરી પ્રત્યેયનો પ્રેમ અને આત્મવિશ્વાસ ઉભરી આવે છે.

“એક દીકરી છે તો... દહેજમાં શું આપવાનું વિચાર્યું છે ?” રમેશલાલ તેમના શબ્દોને દોધારી તલવારીને જેમ વાપરે છે.

“આપણા સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ, રીતરિવાજ મુજબ અને મારી શક્તિ પ્રમાણે દહેજ આપીશ. મારી દીકરીને ખાલી હાથ નહિ મોકલું ?” જેઠાભાઈનાં શબ્દોમાં સંસ્કાર અને મર્યાદા ભરપૂર માત્રામાં દેખાય છે.

“પરંપરા અને રીતરિવાજમાં તો તમે તમારા ચાર વાસણ, એક સોનાનો દોરો આપશો. બીજુથોડુ ઘણું પરચુરણ અને રોકડ આપશો. એ સિવાય બીજું શું આપશો ?” રમેશલાલનાં શબ્દો હવે પોતાનો રંગ બતાવી રહ્યા છે. તે રંગ જેઠાભાઈનાં આનંદ-ઉમંગ ભર્યા ચિત્રને બગાડવાનું કામ કરતો દેખાઈ રહ્યો છે.

“બીજું શું ? ? એટલે ?” જેઠાભાઈ ધીમેથી પૂછે છે.

“બીજું શું ? એટલે શું ? જોવો વેવાઈ હું તમારી સાથે ગોળગોળ વાત નહી કરું. મારે દહેજમાં 5 લાખ રૂપિયા અને એક સ્વિફ્ટ ગાડી જોઈએ. અને રીતરિવાજ અને પરંપરા મુજબ જે થતું હોય એ તો ખરું.” રમેશલાલની વાતો સાંભળીને જેઠાભાઈની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ છે. શબ્દભંડોળમાંથી પણ જેઠાભાઈ પાસે બોલવા લાયક કોઈ શબ્દ રહ્યો નથી.

“પાં..ચ લા...ખ રૂપિયા અને ગા.... ડી...આ તો વેવાઈ મારા ગજા બહારની વાત છે. તમે મારી પરિસ્થિતિ તો સમજો.” જેઠાભાઈની જીભ થોથવાઈ જાય છે.

“મારે જે કહેવાનું હતું. તે મે કહ્યું. તમારી આપવાની તૈયારી હોય તો.... નહીંતર હું આ સગપણ ફોક કરું છું.” રમેશલાલ ધમકીભર્યા શબ્દો ઉચ્ચારી રહ્યા છે.

જેઠાભાઈના કાનોમાં તેમના મિત્ર સવજીની વાતો જોરજોરથી અથડાઈને ચેતવણી આપી રહી છે. આંખો જમીન ખોતરી રહી છે. જીભ જાણે બેહોશ થઈ ગઈ છે. મનમાં એક પુરુષ જાગે છે. જેને દુનિયામાં કરેલા પોતે અનુભવો પરથી એવા નિર્ણય પર પહોંચે છે કે એકની એક દીકરીને આવા કુળમાં નાખીને દીકરીનું ભવિષ્ય બગાડવા નથી માગતો.રમેશલાલ ફોક કરે તે પહેલા જેઠાભાઈ ફોક કરવા જાય. ત્યાં જ કેતકી તેના ચહેરા પર ચાર ચાંદ નું શીતળ તેજ વાળી, સદાય હસતી રહેતી કેતકીને જોઈને જેઠાભાઈનો અંતરઆત્મામાં જાગેલો પુરુષ અદ્રશ્ય થઈ જાય છે.

“હા ઠીક છે,થઈ જશે.” દીકરીનાં હસતા ચહેરા સામે એક બાપ હારી જાય છે.દરેક બાપની તાકાત અને કમજોરી દીકરી હોય છે.માગસર માસ સુધીના દિવસો જેઠાભાઈ માટે મિનિટ કલાક અને કલાક દિવસ અને દિવસ વર્ષ જેવો લાગી રહ્યો છે.

***

માગસર મહિનામાં જેઠાભાઈનાં આંગણે રૂડા નવરંગીમાંડવા, લીલા તોરણ બંધાઈ રહ્યા છે. ડેલીની દીવાલો પર ચિત્રકામ ચિતરાઈ રહ્યું છે. કાચી માટીની દીવાલો પર નવું લીંપણ ઘરની શોભા વધારી રહ્યું છે. જેઠાભાઈનાં કુટુંબીજનો, કેતકીનો મોસાળ પક્ષ અને ગામ તથા બીજા અન્ય મહેમાનો અવસરની શોભા વધારી રહ્યા છે. બાળકો આમતેમ દોડાદોડી કરી રહ્યા છે. ડેલી આગળ ઢોલીડાના ઢોલે સ્ત્રીઓ હીંચ લઈને આંગણું ધ્રુજાવી રહી છે. શરણાઈઓનાં સુર વાતાવરણને સંગીતમય બનાવી રહ્યા છે.ત્યાં જ એક છોકરી દોડતી આવે છે.

“એ જાન આવી ગઈ છે, ગામને પાદર.”

ઘરના મહેમાનો જાનનું સ્વાગત કરવા જાય છે. કેતકીને તેની સહેલીઓ ઘરના છેલ્લા ઓરડામાં તૈયારી કરી રહી છે.જાન થોડીવારમાં બધી વિધિ પુરી કરી લગ્ન મંડપમાં પ્રવેશે છે.

ઓરડાની પછીતે એક નાની બારી છે. જેમાંથી હવા પાપાગલીઓ ભરી ઓરડામાં આવી રહી છે. તેમની સાથે કેતકીને ઢોલ અને શરણાઈના અવાજ વચ્ચે જાણીતો બે લોકોનો અવાજ સાંભળવા મળે છે.

“ક્યાંથી લાયો આ પાંચ લાખ રૂપિયા ?”

“ત્રણ વીઘા જમીન વેચી જેના 7 લાખ આવ્યા. તેમાંથી આ 5 લાખ રોકડા છે... અને ગાડી માટે વેવાઈ જોડે વાત થઈ ગઈ છે. લગ્ન પછીની બધી વિધિ પુરી થઈ જશે ત્યારબાદ 6 મહિના પછી ઘર વેચીને ગાડી લઈ આપીશ.”

“તને પેલા ચેતવ્યો હતો પણ તું...”વાક્ય પૂરું થાય ત્યાં આ સવાલનો જવાબ મળે છે.

“મારી એકની એક દીકરી માટે મારી જાત પણ ગીરવે મુકવા તૈયાર છું.”

બન્નેની વાતચીત પુરી થાય છે. કેતકી ગ્રેજ્યુએટ ભણેલી હિમ્મતવાન છોકરી હતી. તે બળ અને કળ થી કામ લેવાવાળી હતી. તેને તેની સહેલીઓ પાસેથી બધી સાચી હકીકત જાણી લીધી.

ચોળીમાંથી ગોરભાનો અવાજ આવે છે.“કન્યા પધરાવો સાવધાન”

કેતકી ઉભી થઈ ઓરડાનાં ગોખલામાં મા અંબાના ફોટા આગળ બળી રહેલા દિવા સામે બે હાથ જોડીને આશીર્વાદ લઈ તેની સહેલીઓ સાથે લગ્નમંડપમાં પ્રવેશે છે. પણ તેની આંખોમાં આગની જ્વાળા ભભૂકી રહી છે. તે આંખો તેની ઘરડી બા અને તેના બાપુ તરફ વળે છે. બાના ચહેરા પર હરખ સમાતો નથી. બાપુની તો વાત જ શું કરું ? જે બાપ પોતાની જાત ગીરવે મુકવા તૈયાર હોય... એ પણ પોતાની દીકરી માટે...

મંડપમાં સૌ મહેમાનો હાજર છે.ગોરભા મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. સ્ત્રીઓ લગ્નનાં ગોણા ગાયી રહી છે. જાનૈયા કસુંબો પાણી કરી રહ્યા છે.ત્યાં જ એક નજર તેના બાપુ તરફ અને ઘર તરફ ફેરવી કેતકી ઉભી થઈ જાય છે.

“હું આ લગ્ન ફોક કરું છું.”

સૌ મહેમાનો આ જોઈને સ્તબધ થઈ જાય છે. ગોરભાનાં મંત્રો બંધ થઈ જાય છે. કેતકીના બાપુ દોડીને ચોળીમાં કેતકી પાસે આવી પહોંચે છે.

“બેટા તું આ હુ બોલે સે ?” બાપુનાં ચહેરા પર એક ડર દેખાઈ રહ્યો છે.

“એ છોરી તું આ શુ બોલ સ એનું તન ભાન છે ?” કેતકીના એક કુટુંબી તાડોકે છે.

 “તમે દહેજમાં શુ લેવાના છો ? અને બાપુ તમે મને પૂછ્યા વગર કેવી રીતે આટલુ બધું... એક વાર મને પૂછવું તો હતું.” બાપુની આંખો ભારે થવા લાગે છે.

“એ છોરી દહેજ દેવું અને લેવું એ તો આપણા સમાજ ની પ્રથા છે.” રમેશલાલ મહેમાનો વચ્ચે રીતરિવાજની વાત કરી રહ્યા છે.

“પણ એ દહેજ સમાજનાં બંધારણ મુજબ અને એક બાપની પરિસ્થિતિ પ્રમાણે લેવા – દેવા નું હોય. તેની પાસે થી 5 લાખ રૂપિયા અને ગાડીમાંગવાના ના હોય.” કેતકી રમેશલાલની ગુપ્ત વાત જગજાહેર કરે છે.

મહેમાનોની અંદર ચર્ચા અને સવાલો થવા લાગે છે.

“5 લાખ અને ગાડી... એ પણ દહેજમાં... ?”

“છોરીનાં બાપનું ગજું તો વેવાઈ એ જોવું પડે ?”

“જેઠાભાઈ 5 લાખ અને ગાડી લાવશે ક્યાંથી ?”

સવાલોનાં વરસાદ વચ્ચે કેતકીનાં માથે પાનેતર, આજે પાનેતર નહિ પણ કોઈ દેવી માથે ભેળીયો ઓઢીને ઉતરી હોય તેવું લાગી રહ્યું છે.

“મારા બાપુનું ગજું ના હોવા છતાં ત્રણ વીઘા જમીન અને આ ઘર વેચીને તેમને દહેજ આપવાનું સ્વીકાર્યું. એ પણ ફક્ત મારા માટે! કેમ બાપુ ? કેમ ?”

બા અને બાપુની આંખો જમીનને ભીંજવી રહી છે.

“એ બધું ગમે તે હોય પણ હવેમાંડવે જાન આવી છે. તો વહુને લીધા વગર પછી જાય તો અપશકુન કેવાય.કેમ મનસુખભાઇ કંઈ બોલતા નથી ?” જાનૈયામાં આવેલા કાકા રમેશલાલના પક્ષે બોલી રહ્યા છે.

“હા વાત તો સાચી છે. જો જાન આપણા ગામમાંથી ખાલી હાથે ગઈ તો સમાજ આપણા ગામનું નાક કપાશે.” જેઠાભાઈના એક કુટુંબી પણ બોલી ઉઠ્યા.

“અને એ છોરી, જો આ જાન પાછી ગઈને તો પછી તારી વાત આખા પંથકમાં ફેલાઈ જશે. તો કોઈ તારો હાથ પકડનાર નહી મળે.” એક વડીલ કાકા પણ સલાહ દેવા ઉતરી આવ્યા.

“હા વાત લાખ રૂપિયાની છે. કેમ જેઠાભાઈ કંઈ બોલતા નથી ? આ છોરીને આખી જિંદગી ઘરે બેસાડશો કે શુ ?”

“આવી છોરી તો આખા કુળ નું નામ લજવે.” એક સ્ત્રીની વાત કેતકીના કાને અથડાય છે.

“મા વગર ની છોરી છે એટલે બાપે માથે ચડાયી હોય એટલે આવી નફ્ફટ નીકળે.” કેતકી અને તેના બાપુ અને બા પર સવાલો વરસી રહ્યા છે.

“બેટા તું મારી અને બા ની ચિંતા ના કર. એ બધું હું હંભારી લઈશ. તું તારું ભવિષ્ય ના બગાડ.” જેઠાભાઈ કેતકીને વિનંતી કરે છે.

“ના બાપુ. ભલે સમાજવાળા કે ગામવાળાને જે કહેવું હોય તે કહે. પણ જે બાપે એકલા હાથે મને મોટી કરી. જીવનના બધા સુખ મારી જોળીમાં નાખ્યા હોય તે બાપુ મારા માટે તેમનો રહેવાનો છેલ્લો આશરો... આ ઘર અને જમીન કેમ વેચાવા દઉં.” કેતકી તેના નિર્ણય પર મક્કમ છે.

“આમ તો છોરીની વાત હાચી છે. જેઠો જો ઘર અને જમીન વેચીને દહેજમાં આપી દેશે તો તેનો અને તેની બાનો પાછલી જિંદગીનો ગુજારો કેમ હાલશે ?” એક પાઘડીવાળા કાકાનો અવાજ કેતકી ના સમર્થનમાં ઉઠે છે.

“એટલે શુ અમે જાન ખાલી હાથ પાછી લઈ જઈએ ?” સંજય સવાલ પૂછે છે.

“હા, એક વાર કહ્યુંને... આ લગ્ન હું ફોક કરું છું.” કેતકીની આંખોમાં આગનો દાનવળ ફાટી નીકળે છે.

“એ છોરી તારી આ હઠ તને કેટલી ભારે પડે છે. એ જોજે. તારા બાપાએ લગ્ન ના નામે મને અને મારા છોકરાને છેતર્યો છે. તેનો હું પોલીસમાં કેસ કરી. તમને બાપ દીકરીને પાઠ ભણાવીશ.” રમેશલાલ કેતકી અને તેના બાપુ પર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે.

જેઠાભાઈ લાચાર બનીને નિસહાય બનીને ઉભા છે. આખા મંડપમાં એક સન્નાટો છવાઈ જાય છે. અંદરોઅંદર કોઈ કેતકીનો તો કોઈ રમેશલાલના પક્ષને સાચું માની રહ્યું છે.સંજય અને જાનમાં આવેલા મહેમાનો મંડપમાંથી બહાળ નીકળે.ત્યાં જ ગામનો ટપાલી કેતકી માટે એક ટપાલ લઈને બુમ પાડતો પાડતો આવી પહોંચે છે.

 “એ રંગ રાખ્યો. રંગ રાખ્યો. જેઠાભાઈ તમારી દીકરી કેતકીએ રંગ રાખ્યો.”

ટપાલીના શબ્દો સાંભળીને મહેમાનો સૌ વિચારમાં પડી જાય છે. કે આખા ગામની અને કુળની ઈજ્જત કાઢીને વળી કેતકી એ શુ રંગ રાખ્યો.

 “જેઠાભાઈ તમારી કેતકી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર!”

ત્યાં હાજર સૌ મહેમાનોના ચહેરા પરનાં રંગ બદલાઈ જાય છે. સંજય અને રમેશલાલ ટપાલીની વાત સાંભળીને તેમના શરીરમાં એક 440 વોલ્ટનો એક ઝટકો પસાર થઈ જાય છે. કેતકીનો વિરોધ કરવાવાળા સુન્ન થઈ જાય છે.જયારે કેતકીનાં બાપુ અને બા ના ચહેરા પર છવાયેલી હતાશાની રેખાઓ ભૂંસાઈને તેમાં ખુશીઓના નવા રંગો પુરાઈ જાય છે.કેતકીને સમર્થન કરવાવાળા અને તેની સહેલીઓ ઝુમી ઉઠે છે.

“એ ઢોલીડા ઢોલ વગાડ. આ તો બહુ ખુશીના સમાચાર છે.” જેઠાભાઈના મિત્ર સવજીભાઈ ઢોલીડાને ઢોલ વગાડવા હોંકારો ભરે છે.

જેઠાભાઈની અને બા ની આંખોમાં ખુશીઓ ના આંસુ દેખાઈ રહ્યા છે.

“અલ્યા જેઠીયા હવે રોવે છે ચમ, હવે આપણી દીકરી કેતકી, કેતકી નહિ. પણ પોલીસ ઇન્સ્પેક્ટર કેતકી જેઠાભાઈ ઝાલા છે. મેડમને મારી સલામ...” સવજીભાઈ સંજય અને રમેશલાલ સાંભળે તેમ ઉંચા અવાજે બોલી પોતાની ખુશી વ્યક્ત કરે છે.

“સવજીકાકા કેતકી ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર નથી. અમારા ટોળાંની વિફરેલી સિંહણ છે સિંહણ...” કેતકીની સહલીઓ પણ રમેશલાલને કટાક્ષ કરી રહી છે.

“ઓ રમેશભાઈ અને સંજયભાઈ. તમને બધાને દહેજના કાયદાનાં પાઠ હવે હું ભણાવીશ.” પોતાની દીકરીને સિંહણની જેમ ગર્જના કરતી જોઈ જેઠાભાઈની છાતી ગર્વ થી ફૂલી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational