Shital Gadhavi

Others

3  

Shital Gadhavi

Others

જન્નતે કાશ્મીર

જન્નતે કાશ્મીર

6 mins
7.5K


"બસ, આ વખતે તારી રીસ દૂર કરી લીધી. જો આ ટિકિટ અને તૈયારી ચાલુ કરી દે."

જીગ્નેશે ત્રણ ટિકિટો જમ્મુ કાશ્મીરના પ્રવાસની મારી આગળ લાવી મૂકી દીધી. હું ઘણાંય સમયથી એમની પાછળ પડી હતી. મારેય જીવતા જીવત ધરતી પરનું સ્વર્ગ જોવું છે. પરંતુ ત્યાં થતા રોજના આતંકવાદી હુમલાના કારણે મારા પતિ ત્યાં લઇ જતા અચકાતા હતા. હું ઉછળી પડી.

"વાઉ.. યુ મેક માય ડે.. લવ યુ સો મચ.." બોલી એને વળગી પડી. મારી દીકરી આઠમાં ધોરણની પરીક્ષા આપી ચૂકી હતી. એ પણ ખુબ ખુશ થઈ.

"મા.. આપણે બરફમાં જઈશું! હું તો બરફના ગોળા બનાવીશ. એક માણસ પણ.. બરફમાંથી હું બહાર જ નહિ નીકળું."

મેં બેગ ભરવાની ચાલુ કરી. બધાના ત્રણ જોડી સ્વેટર અને વધારાના ધાબળા પણ લીધા. એમ પણ ગુજરાતીઓને કોઈ વાતે સંતોષ નહિ. વધુ ઠંડીય ન ફાવે અને ગરમી પણ! વધારાના નાસ્તા અને દવાઓ પણ જોડે લીધી. કાશ્મીર જવાનો દિવસ આવી ગયો.

"ચલ, જલ્દી.. ઘર સરખું બંધ કરી દે. સાડા દસની જમ્મુ તાવી છે. નવ વાગ્યા સુધી સ્ટેશને પહોંચી જવું જોઈએ. ત્યાં જઈને જ ખબર પડશે કે ગાડી ક્યા નંબરના પ્લેટફોર્મ પર આવશે." અમે ત્રણેય ઘર સરખું લોક કરી અને પડોશીને ધ્યાન રાખવાનું કહી નીકળ્યા. જીગ્નેશના મિત્રનો પરિવાર અમારી સાથે જમ્મુ કાશ્મીરના પ્રવાસ માટે જોડાયો હતો. બધા બરફ માણવા માટે સજ્જ હતા. અમે ટ્રેનમાં પણ ખૂબ ધમાલ કરી. 

બીજા દિવસે રાત્રે અમે જમ્મુ પહોચ્યા. ત્યાં અમે રામ મંદિર કે જ્યાં હુમલો થયો હતો એના દર્શન કર્યા. કહે છે કે ભગવાન સૌનું રક્ષણ કરે છે. પણ ત્યાં કાળા કપડામાં સજ્જ હાથમાં બંદુક ઝાલી ભગવાનનું રક્ષણ મિલેટરી કરી રહી હતી. નિર્ધારિત અંતરે આપણા દેશના જવાનો હથિયાર સાથે સુસજ્જ હતા. એક પ્રકારના ડરના ઓછાયામાં જીવતા લોકો પણ રોજિંદું જીવન સરળતાથી જીવવા પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુના બજારમાં લટાર મારી. ચિનારના વૃક્ષમાંથી બનતી બનાવટો જોઈ. ત્યાંની કોઈપણ બનાવટમાં ચિનારને બાખુબી રીતે વણી લેવામાં આવી હતી. ચિત્રો પણ ચિનારના જ હતા.

જમ્મુમાં માત્ર એક રાતનું રોકાણ કર્યા બાદ કાશ્મીર જવા નીકળ્યા.

"અરે.. જોતો ખરી.. આ નદી પંજાબથી આપણી સાથી રહી છે. અહીં તો વધુ ધોળી લાગે છે." બસમાં કાશ્મીર જતા મારા પતિએ મારુ ધ્યાન બિયાસ નદી તરફ દોર્યું. એ નદી અહીં થોડીક શાંત પડતી હતી. કદાચ પર્વતોમાં અફળાઈને અહીં સુધી પહોંચતા થાકી ગઈ હશે! વચ્ચે બિયાસ ડાબી તરફ લીલોતરી અને જમણી તરફ રસ્તો. વિચારો અને આંખોને એક અલગ આનંદ આપતો હતો.

"બધો સામાન લઈ લીધોને? કાશ્મીર આવી ગયું. જો જે કઈ બસમાં જ ન રહી જાય. તું નહીંતર અહીંથી નવી ખરીદી કરાવીશ." મારા પતિએ મને ટકોર કરી. મેં ધ્યાન રાખી બસમાંથી બધું લઈ લીધું. મારી દીકરી ચારેય તરફ બરફ આચ્છાદિત પર્વતો જોઈ ઘેલી થઈ રહી હતી. સામાન રુમ માં મૂક્યો. બાથરૂમમાં બધે ગરમ પાણી આવતું હતું. એ પણ એકદમ ઉકળતું. પાણીની આટલી સરસ વ્યવસ્થા જોઈને હું એનો મુખ્ય સ્ત્રોત શોધવા હોટેલના માલિક પાસે ગઈ.

"યે દેખો.. યહાં પે હમ ગિઝર કા ઉપયોગ નહિ કરતે. હમારે પાસે કુદરતકા અખૂટ ભંડાર હૈ. સુખે પેડકી ટેહનિયા લે આતે હૈ. ઉસસે પાની ઉબાલ લેતે હૈ. યે બમ્બા હૈ. ઈસમે પાની ઉબલતા હૈ. હર રુમ કે હર નલમે યહાં સે પાની પહુંચતા હૈ. ઔર દોપહર કો સુરજકી રોશની સે પાની ગરમ હોતા હૈ."

હું તો એ લોકોની હોશિયારી જોઈ ખુશ થઈ ગઈ. કુદરતી ગરમ પાણી. અમે જયાં રોકાયા હતા ત્યાંની આસપાસની જમીનમાં કોબીજ, ફ્લાવર અને ગુલાબની ખેતી હતી. ગુલાબના વેલા મેં પહેલીવાર જોયા. લાલબાગમાં સૌથી વધુ ફોટો લીધા. દરેક જગ્યાએ ગુલાબ તો હતા પણ કોઈ દહેશતથી ઘેરાયેલા!

"અરે યાર.. આટલી બધી લાઈન.. મને તો ભૂખ લાગી. ક્યારે નંબર આવશે?" ગુલમર્ગમાં સમુદ્ર સપાટીથી ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર સૌથી લાંબા રોપવેમાં બેસવું એ મારા માટે કોઈ ટ્રેકિંગથી ઓછું નહોતું. મને ઊંચાઈથી ખુબજ ડર લાગતો હોવા છતાંય મારી દીકરીના આગ્રહવશ હું એમાં બેસવા તૈયાર થઇ હતી.

"ઓહો.. કેટલી ઊંચાઈએ જઈશું. ચારેબાજુ બરફ અને વચ્ચે ઝુલતી હું. પ્રકૃતિ વચ્ચે માણસની કરામત. જો આ દ્રશ્ય ન જોયું હોત તો પ્રવાસ અધુરો કહેવાત. થેન્ક્સ બેટા.." મારાથી આજુબાજુની સુંદરતા જોઈ બોલાઈ જવાયું. રોપવે દ્વારા ઉપર લઇ જવાયેલ જગ્યાએથી આખું કાશ્મીર જોઈ શકાતું હતું.

"જન્નત હૈ તો બસ યહિં હૈ.. ઔર કહીં નહિ.." મન, હૃદય પ્રફુલ્લિત થઇ ગયા. અમે ત્યાંય બરફમાં ખુબ રમ્યા એ પણ ત્યાંથી લીધેલ ઓવરકોટ અને હોલ બુટ પહેરીને.

અગિયાર દિવસના અમારા પ્રવાસમાં સૌથી મજા મને અરુ વેલીમાં આવી. આ જગ્યા પહેલગામથી ઉપર ચાળીસ કિલોમીટરના અંતરે આવેલ અને ચારેય તરફથી પ્રકૃતિથી ઘેરાયેલ નાનકડું પરુ. જ્યાં માત્ર ત્રીસથી ચાલીસ કુટુંબનો વસવાટ. દરેક ઘરનો નિભાવ પર્યટકોના આવવાથી જ થતો હતો. પોતાના અદ્યતન સુવિધાઓ ધરાવતા કોટેજ તેઓ ભાડે આપતા અને પ્રવાસીઓ માટે એમની પત્નીઓ જમવાનું પૂરું પાડતી.

"મા.. આ જો તો.. બેડ પર એકની ઉપર એક એમ ચાર ડબલ બેડના બ્લેન્કેટ. ચાદર પણ વુલન લાગે છે."

કોટેજની બહાર ખુલ્લો બગીચો. બગીચામાં ટેબલ ખુરશી મૂક્યા હતા. બગીચાની પાસે જ પાછી બિયાસ જોવા મળી. વાતાવરણ એકદમ આહલાદક અને રોમાંચ ઉપજાવે એવું હતું. એક સમય તો એવું લાગ્યું કે ઈશ્વરે મને અસફાલ્ટના જંગલમાંથી અચાનક કુદરતમાં લાવી મૂકી દીધી. મને કાયમ માટે ત્યાં વસવાટ કરવાની ઈચ્છા થઈ ગઈ. 

"મા.. અહીં તો ટી.વી નથી અને ફોન.. લાઈટો પણ આવ-જા કરે છે." મારી દીકરી બોલી ત્યારે મને ખ્યાલ આવ્યો. પંખો પણ નહોતો. હુંય ગાંડી. ત્યાં વળી પંખાની શું જરૂર? ત્યાં જ એક માણસ કોલસાની સગડી લઇ આવ્યો. રૂમમાં ટેમ્પરેચર માઇનસમાં હતું. એક વ્યક્તિએ ત્રણ સ્વેટર પહેર્યા હતા. છતાંય દાઢી કડકડતી હતી. સાંજે પાંચ વાગતા તો બરફ વર્ષા ચાલુ થઇ અને સૂરજે બરફની ચાદર ઓઢી રાતને વધાવવાની વ્હેલી તૈયારી આરંભી દીધી હતી. રાત જાણે બરફ ઓઢીને આવી હોય એમ લાગ્યું. બ્લેન્કેટ ઓઢવા છતાંય ઠંડી જતી નહોતી. માંડ સવાર પડી. કોઈએ ન્હાવા જવાનું નામ ન લીધું.

"આટલા બધા ઘોડા.. હવે ક્યાં જવાનું!" મેં ઉત્સુકતા વ્યકત કરી.

"હજી આ કઈ નથી.. સાચી સુંદરતા તો આગળ છે. ત્યાં પગપાળા જઈ શકાય એમ નથી. આ ઘોડા દ્વારા જ ત્યાં પહોંચી શકીશું. અહીં તો ગમે ત્યારે વાતાવરણ બદલાય છે.. એટલે જો કોઈ તકલીફ પડી તો અહીંના રહેવાસીઓ તરત આપણને સાચવી લે."

અમે બધા અજાણ્યા રોમાંચ સાથે એક એક ઘોડા ઉપર ગોઠવાયા. ઘોડા ધીમે ધીમે ઊંચાઈ પર જવા લાગ્યા. બરફ ઉપર એમના પગની પક્કડ સારી હતી. તોય ક્યારેક ઘોડા લપસી જતા. મને ડર લાગી જતો.

"આટલી બધી સ્ટ્રોબેરી.. સફરજન પણ.." 

અમે જ્યાં આવ્યા હતા ત્યાં સ્ટ્રોબેરી અને સ્ફરજનના બગીચા હતા. સફરજન પણ અલગ અલગ જાતના. જે આપણે ક્યારેય ચાખ્યા નથી. ખુબજ મોજ કરી. અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો. ઘોડાઓ ફટાફટ નીચે ઉતરવા લાગ્યા. ઘણાંય લપસ્યા. જોવાની મજા કરતા ઉતરવામાં સજા લાગી. અમે ગુજરાતી આરંભે શૂરા. મને હસવું આવી ગયું.

ઘણી બધી યાદો ભેગી કરી અમે પાછા વળવાની તૈયારી શરુ કરી.

અરુથી ઉતરી અમે શ્રીનગરમાં રોકાયા. ત્યાં એક આખો દિવસ ખરીદી માટે વિતાવવાનો હતો. 

"આ જુઓ તો.. ભીંતો પર કાણાં કેમ છે?" શ્રીનાગરના મુખ્ય બજારની ઘણી બધી ભીંતો ગોળીબારમાં વીંધાઈ હતી. બજાર ખુલ્લું હતું. પણ એક સન્નાટો ભીંતમાંથી હૃદય સુધી પહોંચતો હતો. મકાનના દરેક ધાબે મિલેટરી બેઠી હતી. 

"મારે કોઈ ખરીદી નથી કરવી." બોલી મેં હોટેલ પાછા જવાની તૈયારી બતાવી. 

રૂમમાં આવીને મારા નજર સમક્ષ એ જ બધા જવાન કે જે કલાકો સુધી એક જ જગ્યાએ ઉભા રહીને દેશ પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવે છે. શું એમને ફરવાની ઈચ્છા નહિ થતી હોય? આપણા જેવા અનેક કુટુંબોને એક સાથે મજા કરતા જોઈ એમને એમનો પરિવાર યાદ નહિ આવતો હોય? એ પણ કોઈના માટે રડતા હશે. મેં કરેલી દરેક મજા એ કોઈકે પોતાના પર લીધેલી સજાનો જ એક ભાગ. ઘણા બધા સવાલો અને કાશ્મીરને મનમાં ભરી હું પાછી ફરી. કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ પણ આજે એની સ્થિતિ નર્ક સમાન ગણી શકાય.

*****************************************

"આ શું લખે છે?"

"આપણો ૧૯થી૩૦ મે ૨૦૧૦નો જમ્મુ કાશ્મીરનો પ્રવાસ. જે મારા માટે અવિસ્મરણીય છે."

-જય હિન્દ.. જય જવાન


Rate this content
Log in